HomeસિનેમાવાદRocket Boys: વિષયવસ્તુ સારું હોય તો પ્રમોશનની તસુભાર પણ જરૂર નથી

Rocket Boys: વિષયવસ્તુ સારું હોય તો પ્રમોશનની તસુભાર પણ જરૂર નથી

ઝાલાવાડી જલજીરા: વિજ્ઞાન પર આધારિત બાયોપિક બનાવવાની ખરી મજા એ છે કે તેમાં કોઈને વાંકુ નથી પડતું. વાંકુ પડે પણ કેવી રીતે? સમજાય તો પડે! તેમાં મંદિર-મસ્જિદ, ધર્મ-અધર્મ, હિન્દુ મુસ્લિમ આવું કંઈ આવતું નથી. વિજ્ઞાનને ટેલેન્ટની આવશ્યકતા હોય છે. હાલ સિનેમાની સ્થિતિ ઘેર ઘેર માટીના ચૂલા જેવી છે. થીએટરમાં દક્ષિણ ભારત ચાલે છે. હોલિવુડમાં માર્વેલ ચાલે છે. મોબાઈલ અને ટીવી પર પણ દક્ષિણ ભારતનું વર્ચસ્વ છે. હિન્દી વેબ સિરીઝો અને ફિલ્મોનાં કથળતા સ્તરની વચ્ચે રોકેટ બોય્સ ભીંત ફાડીને પીપળો ઉગ્યો છે.

સોની લાઈવ દિવસે અને દિવસે સારું વિષયવસ્તુ દર્શાવી નેટફ્લિક્સ અને એમેઝોન પ્રાઈમની પ્રસિદ્ધિમાં ગાબડું પાડી રહ્યું છે. નેટફ્લિક્સ અને એમેઝોન પ્રાઈમની દસ-દસ વેબ સિરીઝોની સામે સોનીની એક વેબ સિરીઝ ભારે પડી જાય છે. 1992 સ્કેમ હોય કે હોય રોકેટ બોય્સ.

રોકેટ બોય્સે (Rocket Boys) એક લક્ષ્મણ રેખા ખેંચી છે. આ બાજુ વિજ્ઞાનને લઈ ચાલે છે બીજી બાજુ વૈજ્ઞાનિકોના અંગત જીવનને લઈ ચાલે છે. બંનેને પરસ્પરનો સંબંધ છે. બેઉં એકબીજાના પરોપજીવી છે. કળા ખાતર કળા જેવી સ્થિતિ અહીં વિજ્ઞાન ખાતર વિજ્ઞાનની છે. વિજ્ઞાનનો વિષય પણ રાજકારણથી અલિપ્ત નથી તે રોકેટ બોય્સમાં જોવા મળશે.

અહીં વિજ્ઞાન દર્શકને ગ્લેમર વર્લ્ડ લાગશે, કારણ કે ભારતમાં વિજ્ઞાનને ઊંચકવામાં જે બે વ્યક્તિનો ફાળો છે તે અહીં મોબાઈલમાં દર્શાવવામાં આવ્યો છે. અત્યાર સુધી વિક્રમ સારાભાઈ અને હોમીભાભા વિજ્ઞાન અને વિકીપીડિયાનો વિષય હતા. આ સજ્જનોનાં જીવનમાં ઊંડા ઉતરવું કોઈને ગમતું નહીં. પણ જો તમે સિરીઝ જોવ છો તો તમને ઊંડું ઉતરવું ગમશે. એમના વિષે શોધ કરી વાંચવું ગમશે.

વિજ્ઞાન અને રોમાન્સ સિવાય રોકેટ બોય્સની ખાસિયત તેનો ઈતિહાસ છે. આખરે આ બધું શરૂ ક્યાંથી થયું? દર્શકને કેટલાક વિકલ્પ પણ આપવામાં આવ્યા છે. જેમ કે અણુ બોમ્બ માટે હોમી ભાભા સાચા છે કે વિક્રમ સારાભાઈ? એક લગ્નગ્રંથીથી જોડાઈ ચૂકેલા વૈજ્ઞાનિકનું જીવન અને એક પ્રિયતમા સાથે અને બાદમાં એકાંતમાં જીવી રહેલા વૈજ્ઞાનિકનું જીવન. જ્યારે આટલી મોટી જવાબદારી માથે લઈ ફરતા હો ત્યારે એક વ્યક્તિનું લગ્નજીવન કેવું હોય તેનું તાદ્દશ ઉદાહરણ રોકેટ બોય્સ છે.  

આ શ્રેણી સમજાવે છે કે ફક્ત ટેલેન્ટથી કશું નથી થતું. ટેલેન્ટ પૂરવાર કર્યા પછી પણ કશું નથી થતું. હોશિયાર હોવું એ અલગ વાત છે અને કોઈને મનાવવા માટેની સ્કિલ હોવી એ અલગ વાત છે. ગમે તેવો મોટો પ્રોજેક્ટ હોય પૈસા ન હોય તો શું કામનો? બંને વૈજ્ઞાનિકો ગમે તે ભોગે નવા-નવા સ્વતંત્ર થયેલા રાષ્ટ્રને આકાશી ઊંચાઈએ પહોંચાડવા ઈચ્છે છે. એમાં કોઈ બહારનો વ્યક્તિ અડચણ નથી કરતો પણ આંતરિક અથડામણ જ દેશની પ્રગતિને આડે આવે છે.

પટકથા જ્યાં પારિવારિક ઘર્ષણમાં અટવાય છે ત્યાં કંટાળો ઉપજાવે છે, પરંતુ કોઈ એક પાત્ર દસેક મિનિટમાં ફરી તેને પાટા પર લાવી દે છે. વારંવાર સિરીઝમાં આવું થતું રહેશે. એક દર્શક તરીકે ફિલ્મ માત્ર અને માત્ર વિજ્ઞાનને કેન્દ્રસ્થાને રાખી ચાલી હોત તો શું પરિણામ આવ્યું હોત એ દિશામાં વિચારવા મજબૂર કરે છે. આપણને લાગે કે કોઈ મોટા એક્સપિરિમેન્ટ થવા જોઈએ, ઉર્જાવાન સંગીત હોવું જોઈએ, શ્વાસ ઉપર નીચે થવા જોઈએ. એવા અઢળક અવસર આ શ્રેણી આપણને નથી આપતી. એ આખો સંઘર્ષ ધીમે ધીમે બતાવે છે. સમજાવે છે.

દિગ્દર્શક નિખીલ અડવાણી આ સિરીઝ ત્યાં જ જીતી ગયા જ્યાં તેમણે કાસ્ટની પસંદગી કરી. કેટલું ઝીણવટભર્યું નિરીક્ષણ કે મૃણાલિની સારાભાઈ માટે કોઈ હિન્દીપટ્ટીની અભિનેત્રીને પસંદ કરી શકેત, પણ તેમણે તમિલનાડુની અભિનેત્રીને પસંદ કરી. કોઈ મોટા કલાકારને પસંદ કરવામાં આટલો મોટો અવસર આફતમાં પલટાય જાત. પ્રમોશન કરી ચોરી ચોરીને ચીકણું કરી નાખેત. રોકેટ બોય્સનું તો ટ્રેલર આવે છે ત્યારે આપણને ખબર પડે છે કે આટલી મોટી વેબ સિરીઝ બનીને તૈયાર છે. વિષયવસ્તુ સારું હોય તો પ્રમોશનની તસુભાર પણ જરૂર નથી. વિષય એનું કામ કરશે.

શ્રેણીમાં મુખ્ય પાંચ વૈજ્ઞાનિકોની વાત છે. બે મુખ્ય છે. આ બે પર જ રોકેટ બોય્સનું રોકેટ ચક્કર લે છે. રોકેટ બોય્સ જોવી જ જોઈએ અને જોવાય જ. આ સિરીઝથી એ ખ્યાલ આવશે કે વર્ષે દહાડે વિજ્ઞાન પ્રવાહમાંથી જે જથ્થાબંધ વિદ્યાર્થીઓ ઠલવાય છે, એ ખાલી વિજ્ઞાનને બ્રાન્ડ તરીકે જુએ છે. શોખ પણ હોવો જોઈએ. શોખ વિના કંઈ નથી થતું.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments