Homeસિનેમાવાદપુરાના મંદિર : ‘બિકીની’ શરમાતી હતી રામસે બ્રધર્સે તેને ‘બોલ્ડ’ બનાવી દીધી

પુરાના મંદિર : ‘બિકીની’ શરમાતી હતી રામસે બ્રધર્સે તેને ‘બોલ્ડ’ બનાવી દીધી

ઝાલાવાડી જલજીરા: ચીચીયારીઓ, ઘુવડ અને કોયલનો અવાજ, હા, કોયલનો સવારનો મધુર અવાજ પણ ડરાવે. 9 યુવાધન, એક ખંઢેર, એક ગામ અને એક મંદિર. રામસે બ્રધર્સનું કામ આટલી વસ્તુઓમાં પૂર્ણ થઈ જતું હતું. ફિલ્મને લગતા ઈક્વિપમેન્ટની હાજરી તો હોવાની પણ ઉપરનું જે વાક્ય છે તેટલી જ વસ્તુઓમાં રામસે બ્રધર્સ રમી લેતા હતા. એ કુંડાળામાંથી તેમણે કોઈ દિવસ બહાર નીકળવાનો પ્રયત્ન સુદ્ધા ન કર્યો. કદાચ એટલે જ તેઓ ભારતની ઓડિયન્સને ડરાવવામાં સફળ થયા હતા. કદાચ એટલે જ તેઓ લાંબો સમય ટકવાની જગ્યાએ 2000ની સાલ આવતા આવતા ફેંકાઈ ગયા. ઈતિહાસ બનીને રહી ગયા.

CinemaVad

80 અને 90ના દાયકામાં કોઈ ગામડામાં એક પરિવાર પાસે ટીવી હોય અને આખું ગામ સાંજના સમયે રામસે બ્રધર્સનો આ હોલોવિન શૉ જોવા માટે તેના ઘરે એકઠું થાય. એ ગામના વાતાવરણ અને ટીવી પર દેખાડાતા રામસે બ્રધર્સના ગામના વાતાવરણમાં અણિ જેટલો પણ ફર્ક ન હોય. ઈન્ટરનેટની દુનિયામાં રામસે બ્રધર્સે બનાવેલી 10 ફિલ્મોની મસ્ટવોચ લિસ્ટ છે. જેમાં તહખાના, પુરાની હવેલી, ડાક બંગલા, દો ગજ જમીન કે નીચે, વિરાના જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે.

આજે વાત કરવાની છે પુરાના મંદિરની. અદ્દલ રામસે ફેક્ટરીમાંથી બનેલી ફિલ્મ. એક નાની એવી ઘટના બને અને ગામમાં આવેલી હવેલી કે મંદિરમાં રહેવા માટે પાંચ કે છ અથવા તો પીકનીક હોય તો વધારે યુવાનો જાય. તેમાંથી પ્રતિનાયકો મરતા જાય અને નાયક સહિત કેટલાક લોકોનો જીવ બચી જાય.

મૂળ તો લાહોરમાં રહેતો રામસિંઘાનીયા નામનો પરિવાર કેવી રીતે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવી ગયો અને હોરરનો પાયો નાખી દીધો તે અલગ વિષય છે. પણ આજે રામસેની પુરાના મંદિરમાંથી પસાર થઈએ. એ રામસે બ્રધર્સ જેમણે ભારતીય ઓડિયન્સના દિલમાં ડર બેસાડી દીધો હતો. એ રામસે બ્રધર્સ જેણે લોકોને ફિલ્મ સમયે બાથરૂમ પણ જવા ન દીધા, (ભયના કારણે ત્યાં ભૂતની લોકોને અનુભૂતિ થતી) એ રામસે બ્રધર્સ જેમની ફિલ્મોની લંબાઈ હોલિવુડ ફિલ્મોની માફક હતી અને જેમની હીરોઈનોની બિકીની શરમાતી હતી રામસે બ્રધર્સે તેને બોલ્ડ બનાવી દીધી.

CinemaVad

આજથી 200 વર્ષ પહેલાની વાત છે. સામરી નામનો એક શૈતાન રહેતો હતો. જે લોકોને મારીને ખાઈ જતો હતો. રાજાએ તેને ભગવાન શિવના ત્રિશુળથી પકડી લીધો, પણ સજા કઈ સંભળાવવી? સજાના ભાગરૂપે નક્કી કરાયું કે શૈતાનનું માથુ અને ધડ અલગ કરી દેવામાં આવે અને તેનું માથું મંદિરની પાછળના ભાગે દફન કરી દેવામાં આવે, પણ મોકા પર ચોગ્ગો મારવા તૈયાર હોય તેમ ધડ મસ્તક અલગ થતા પહેલા શૈતાન રાજાની પેઢીને શ્રાપ આપે છે કે તારા ઘરમાં હવે પછી જે પણ મહિલા સંતાનને જન્મ આપશે તેને મોતને ઘાટ ઉતરી જશે. વર્ષોથી આ નિયમ ચાલતો આવતો હોય છે. વર્તમાનમાં આ પેઢીમાં એક દિકરી પેદા થાય છે. દિકરીને સંજય (મોહનિસ બહલ) સાથે પ્રેમ થઈ જાય છે. જે ગરીબ છે. તેનો મિત્ર છે આનંદ (પુનીત ઈસ્સાર) પિતા દીકરીને સંજયથી અલગ રાખે છે. સસુર-દામાદનો ડ્રામા શરૂ થાય છે, ‘મેરી બેટી કિ ઝિંદગી સે ચલે જાઓ…ֹ’ શા માટે ? જે રહસ્ય શોધવા ચાર વ્યક્તિઓની ટુકડી ગામમાં જઈ હવેલીએ પહોંચે છે.

રામસે બ્રધર્સનું એક ટીપીકલ ડાયરેક્શન રહ્યું છે. તેમણે લક્ષ્મણ રેખાની માફક પોતાની મર્યાદા આંકી લીધી છે. પુરાના મંદિર ટાઈટલની માફક જ રામસે એ બાદમાં પુરાની હવેલી નામની ફિલ્મ બનાવી હતી. તેઓ દરવાજા ફિલ્મ બનાવે તો તેમની બીજી ફિલ્મ બંધ દરવાજા હોય. આમ રામસે ફિલ્મોની નહીં ટાઈટલોની સિક્વલ બનાવતા હતા. રામસેની તે સમયે બુદ્ધિ ન ચાલી અન્યથા શૂ કોઈ હૈ માં જેવી રીતે ભૂત સિરીયલનો એપિસોડ પૂર્ણ થતા જીવતું જ રહે છે કે હોલિવુડની માર્વેલ ફિલ્મોમાં જેમ ક્રેડિટ સીન ફિલ્મની આત્મા હોય છે તેમ તેમની ફિલ્મોના ક્રેડિટમાં ભૂત વસી શકતું હતું.

રામસે બ્રધર્સની ફિલ્મનું લોકેશન એક સરખું રહ્યું છે. એ જ હવેલી, એ જ ગામ, એ જ લોકો અને એ જ ભૂત. ઉપરથી લાલ કલરની એક જ કંપનીની ટોર્ચ પણ. ફિલ્મનો સાઈડ એક્ટર પણ પરાણે હાસ્ય જન્માવતા રામસે બ્રધર્સનું નામ લઈ લે છે. રામસેની પુરાના મંદિરમાં જગદીપને લઈ શોલેનો આખો સિન ફિલ્માવવામાં આવ્યો છે. મિમિક્રી કરવામાં આવી છે. આ કોમેડી સિન હસવા માટે જરા પણ મજબૂર નથી કરતો. વિચારો કે બસંતીની ઉંમર 70 વર્ષની અને તેના પર ડાકુ મચ્છરસિંઘે બે બે વખત બળાત્કાર કર્યો હોય તેવો વિચાર રામસે એન્ડ કંપનીને કેવી રીતે આવ્યો હશે ?

CinemaVad

રામસે પાસે સ્પેશિયલ ઈફેક્ટ નહોતી પણ તેમના મેકઅપ આર્ટિસ્ટે ભૂતને જીવતું કરી દીધું હતું. પુરાના મંદિરમાં અનિરૂદ્ધ અગ્રવાલ સામરી નામનો શૈતાન બન્યો છે. જેને મેકઅપની પણ જરૂર નથી. લાંબા હાથ અને તેમાં કેટલી આંગળીઓ હોય કોણ જાણે? ઉપરથી ભૂત કેદ હોવા છતાં પણ હવેલીમાં ચિત્ર વિચિત્ર પ્રકારની અસામાજીક પ્રવૃતિઓ થતી રહે છે, તેનાથી ત્યારની ઓડિયન્સ પટી જતી હતી પણ એ જ ઓડિયન્સ અત્યારે પટતી નથી.

રામસેની ફિલ્મોમાં કામ કરનારા મ્યુઝિક ડાયરેક્ટર અજીત સિંહે એક સરખું મ્યુઝિક અને બેકગ્રાઉન્ડ સ્કોર તૈયાર કરી નાખ્યો હતો. ગીતોમાં પણ કોઈ જગ્યાએ નવા ઈન્સ્ટ્રૂમેન્ટનો ઉપયોગ કરવામાં નથી આવ્યો. બેકગ્રાઊન્ડ તો બેઠી નકલ કરીને અગાઊની ફિલ્મોમાંથી ઉઠાંતરી કરી લીધેલું. 3-ઈડિયટ ફિલ્મના ડાઈલોગની જેમ ‘પતા સભી કો હૈ પર બતાતા કોઈ નહીં !’

હવે ડાયરેક્શનના પોંઈન્ટ ઓફ વ્યૂથી કેરેક્ટરાઈઝેશન પર નજર કરીએ. ફિલ્મની હિરોઈનને રામસે બ્રધર્સ બોલ્ડ બતાવે છે. તેને બિકીની પહેરાવે છે, જેમાં હોરોઈનના ચહેરા પર કોઈ છોછ વર્તાતો નથી. હીરો પણ અંડરવેર પહેરી હવેલીની પાછળ આવેલી નદીમાં ધુબાકા મારતો નીહાળી શકાય છે. રામસે બ્રધર્સના હીરોને કોઈ કેટેગરીમાં ન મુકી શકો. તેમની તો ફિલ્મોને પણ બી-ગ્રેડમાં સ્થાન મળ્યું છે. રામસેની ફિલ્મોમાં ફેમસ થયેલી હીરોઈનો કાળના ગર્તામાં ખોવાઈ જાય છે. અગાઉ વાત કરી તેમ ચારથી પાંચ કોઈ વાર નવ જેટલા લોકો આ ફિલ્મનો ભાગ અને ભૂતનો ભોગ બને. હીરો લડી લેશે, હીરોઈન રડી લેશે અને સાઈડ હીરોનું મૃત્યુ નજીક છે. પુરાના મંદિર ફિલ્મની હીરોઈન ડરતી નજર આવે છે, પણ હીરોમાં ડરનો કોઈ ભાવ જોવા નથી મળતો. જ્યાં તેમને ડરવાનું છે ત્યાં તે મોટા મોટા પત્થરો ઉઠાવી શૈતાનનો સામનો કરે છે. હીરો મોટાભાગે શરીર સૌષ્ઠવ ધરાવતો હોવો જોઈએ, પણ અહીં લીડ સ્ટાર સુકલકડી છે અને તેનો મિત્ર પુન્નીત ઈસ્સાર બાહુબલી છે. સુકલકડી બચી જાય છે અને કદાવર મરી જાય છે. આમ કંઈ હોય? ફિલ્મ સાવ તળીયે ન બેસી જાય એટલે સદાશિવ અમરાપુરકર અને સતીષ શાહ માણસ હોવા છતાં ચહેરાથી ભૂતનો અહેસાસ કરાવે છે.

CinemaVad

રામસેની ફિલ્મો તેની હીરોઈનોના કારણે ઓળખાતી હતી, ચાલતી હતી. રામસેનું માનવું હશે કે જે દેશે કામસુત્રની શોધ કરી તેને આંખો બંધ ન કરવી જોઈએ. રામસેએ તમામ ફિલ્મોમાં હીરોઈનો પાસે અંગપ્રદર્શન કરાવ્યું. પુરાના મંદિરમાં આરતી ગુપ્તા, વિરાનામાં જસ્મીન, પુરાની હવેલીમાં અમિતા નાનગિઆ સહિતની અઢળક ફિલ્મો અને અગણિત હીરોઈનો. એ સમયની બિકીનીઓ ઓડિયન્સને જોઈ શરમાતી હતી કે આ લોકો થીએટરની બહાર જશે ત્યારે શું વાત કરશે? રામસે બ્રધર્સે બિકીનીને બોલ્ડ પણ બનાવી અને આઝાદી પણ અપાવી. આજે કોઈ પણ ફિલ્મમાં બિકીનીનું દૃશ્ય સામાન્ય છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments