Homeતાપણુંજયરાજસિંહના કેસરિયાઃ સી.આર.પાટીલની હાજરીમાં જયરાજસિંહ પરમાર ભાજપમાં જોડાયા

જયરાજસિંહના કેસરિયાઃ સી.આર.પાટીલની હાજરીમાં જયરાજસિંહ પરમાર ભાજપમાં જોડાયા

Team Chabuk-Political Desk: ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં પક્ષપલટાની મોસમ પૂરબહારમાં છે. કોંગ્રેસના એક પછી એક દિગ્ગજ નેતાઓ પક્ષ છોડી રહ્યા છે અને ભાજપમાં ભળતાં ભાજપ કોંગ્રેસયુક્ત બની રહી છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા, પૂર્વ પ્રવક્તા અને છેલ્લા 37 વર્ષથી કોંગ્રેસમાં રહેલા જયરાજસિંહ પરમાર આખરે ભાજપમાં જોડાઈ ગયા છે. જયરાજસિંહ પરમારે તાજેતરમાં જ કોંગ્રેસમાંથી રાજીનામું આપ્યું હતું અને મસમોટો પત્ર સોશિયલ મીડિયામાં મૂક્યો હતો. ત્યારબાદ રવિવારે જયરાજસિંહ પરમારે ભાજપમાં જોડાવાની જાહેરાત કરી હતી.

આજરોજ ગાંધીનગર સ્થિત ભાજપના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે જયરાજસિંહ પરમારે કેસરિયો ધારણ કરી લીધો છે. જયરાજસિંહ પરમારને ભાજપમાં આવકારવા માટે ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ, પ્રદિપસિંહ જાડેજા સહિતના ભાજપના દિગ્ગજ નેતાઓ હાજર રહ્યા હતા. અને તમામ દિગ્ગજોની હાજરીમાં જયરાજસિંહ પરમાર ભાજપનો ખેસ ધારણ કરીને વિધિવત રીતે ભાજપમાં જોડાયા છે. જયરાજસિંહ પરમારની સાથે તેમના પુત્ર અને અન્ય કોંગ્રેસના કાર્યકરો પણ ભાજપમાં જોડાયા છે.

કોઈ અપેક્ષા સાથે નથી આવ્યોઃ જયરાજસિંહ પરમાર

જયરાજસિંહ પરમારે ભાજપમાં જોડાયા બાદ કહ્યું હતું કે, રાજનીતિ એ સેવાનો વિષય છે. 37 વર્ષ મેં ખૂબ લોહી-પરસેવો રેડ્યો છે. આપણે જીતીએ ત્યારે તેની પાછળ પરસેવો અને લોહી કોનું રેડાયું છે તે પણ જોવાય છે અને હાર્યા તો કમજોરી શું છે બન્ને આપણે જોતા હોઈએ છીએ. કોંગ્રેસ પર પ્રહાર કરતાં જયરાજસિંહ કહ્યું કે, અમે કાર્યકર્તા જનતા સાથે કનેક્ટ હતા પરંતુ નેતાઓ સાથે સંપર્ક ગુમાવી ચુક્યા હતા. કમનસીબે સત્તાની ભાગબટાઈ, સંગીત ખુરશીની રમત, તારા પછી મારો, મારા પછી તારો. આ વાતથી હું કંટાળી ગયો હતો. જ્યાં મેં લોહી રેડ્યું છે ત્યાં મને કાંઈ મળ્યું નથી તેથી અહીંયા હું કોઈ અપેક્ષા નથી રાખતો. હું કોઈ અપેક્ષા સાથે નથી આવ્યો બસ માન-સન્માન જાળવજો. ક્ષત્રિયનો દીકરો છું માથું મૂકીને કામ કરવાનું છે. અમે રેતીમાં વહાણ ચલાવ્યું છે. ઉલટી દીશામાં પતંગ ચગાવ્યા છે. ઠુમકા મારી મારીને હાથ દુખી જાય તો ચગાવવા પડ્યા છે.

ભાજપમાં જોડાયા પહેલાં જયરાજસિંહ પરમારે શક્તિ પ્રદર્શન કર્યું હતું. જયરાજસિંહ પરમારે ભાઈજીપુરા સર્કલથી કમલમ સુધી રેલી યોજી હતી. આ રેલીમાં મોટી સંખ્યામાં જયરાજસિંહ પરમારના સમર્થકો પણ જોડાયા હતા. રેલી મારફતે જયરાજસિંહ પરમાર ભાઈજીપુરાથી કમલમ પહોંચ્યા હતા.

જયરાજસિંહે આજે સવારે પોતાના વતનમાં અજાય મતાજી, ઈસ્ટદેવ માંડવરાય દાદા તથા વિજાપુરના લાડોલ ગામમાં કુળદેવી હરસિધ્ધમાતાજીના દર્શન કર્યાં હતાં. ત્યાર બાદ તેમણે પરિવારમાં વડિલોના આશિર્વાદ લીધા હતાં. ત્યાંથી સોલા ઓવરબ્રિજ પાસેના બહુચર માતાજીના મંદિરમાં દર્શન કરીને કમલમ જવા નીકળ્યા હતા.

રાજીનામું આપ્યું ત્યારે જયરાજસિંહે લખેલી પોસ્ટ

મારા સાથી કાર્યકર્તાઓ અને શુભેચ્છકો… આપ સૌ સાક્ષી છો કે કોંગ્રેસ પક્ષને હું હંમેશા મારો પ્રથમ પરિવાર સમજતો હતો. દીલ અને દીમાગ બન્નેથી હું 24×7 પક્ષ માટે લડ્યો પણ છું અને જીવ્યો પણ છું. પક્ષે શું આપ્યું એની પરવા કર્યા સિવાય મેં પક્ષને મારૂ સર્વસ્વ સોંપી દીધું હતું. જયરાજસિંહનો ઉપયોગ ઢાલ તરીકે કરવો કે તલવાર તરીકે એનો નિર્ણય મે પક્ષના સેનાપતિઓ પર છોડી એક વફાદાર સૈનિકનું કર્તવ્ય નિભાવ્યું. વિદ્યાર્થી કાળે રાજકારણમાં પગ મુક્યો ત્યારથી આજ દીન સુધી વૈચારિક સ્તરે હવાની ઉલ્ટી દીશામાં પતંગ ચગાવવા જેવી કપરી કામગીરી પુરી શક્તિ અને ક્ષમતાથી કરતો રહ્યો છું.

વૈચારિક ધરાતલ પર હાથવગું હથીયાર લઈ મેદાને પડી જવામાં મે ક્યારેય ખચકાટ અનુભવ્યો નથી. કોંગ્રેસ પક્ષની ઢાલ બનીને સડકથી લઈ મીડીયા અને સોશિયલ મીડિયા સુધી દીવસ રાત જોયા સિવાય ઝઝુમતો રહ્યો છું. પક્ષ સાચો હોય કે ખોટો એનો બચાવ કરવામાં પાછુ વાળીને જોયુ નથી. વિરોધીઓના ઘાવ સામી છાતીએ અને પોતાનાં લોકોના ઘાવ પીઠ પર ઝીલતો રહ્યો પણ હરફ સુધ્ધા ઉચ્ચાર્યો નથી. જિંદગીના મહામુલા 37 વર્ષ કોંગ્રેસ પક્ષ માટે ખપાવી દીધા. યુવાવસ્થાની મસ્તી, પત્ની અને પુત્ર સમેત પરિવાર સાથે વીતાવવાનો સમય તથા વ્યવસાયિક ઉદેશ બધા કરતાં કોંગ્રેસને પ્રાથમિકતા આપી. જીવન માણવા અને જીવવાના વિકલ્પ પૈકી પક્ષને જીવતો રાખવા જાતને ખપાવી દેવાનુ મુનાસીબ માન્યું.

પણ મિત્રો, હવે તમારો ભાઈ થાક્યો છે, લડવાથી નહી પરંતુ લડવા નહી માંગતા નેતાઓની નિષ્ક્રિયતાથી થાક્યો છે. મારા અને તારા વચ્ચે ખુવાર થતી સારા કાર્યકરોની વફાદારી જોઈ થાક્યો છે. પરાજય પસંદ નેતાઓની હારને ગળે વળગાડી પક્ષની જીત માટે ઝઝુમતા કાર્યકરોને અળગા કરી દેતી માનસિકતાએ મને થકવ્યો છે. પક્ષના નેતૃત્વને સંગીત ખુરશીની રમત બનાવી દઈ ‘વારા પછી વારો, તારા પછી મારો’ ના સ્વાર્થીપણાનો ભાર હવે થકવી રહ્યો છે.

કોંગ્રેસ પક્ષને પોતાની અંગત મિલ્કત સમજી વરસોથી કબજો જમાવી બેઠેલા લોકોના માલિકી હક્ક સામે જ્યારે જરૂર પડી મેં અનેક વખત અળખા થઈને પણ અવાજ ઉઠાવ્યો છે. પક્ષને સત્તામાં આવતો જોવાની જીજીવીશા લઈને નહી પણ પક્ષ જીવતો રહે એની બેચેની સાથે એમાં પ્રાણ પુરવાના અથક પ્રયત્નો મેં કર્યા છે. વ્યક્તિગત નુકશાન ઉઠાવીને પણ સાચુ કહેવામાં પાછીપાની નથી કરી. ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી કોંગ્રેસ સત્તાની બહાર છે છતાં આજેય પક્ષે હારેલા ઘોડાઓ પર દાવ લગાડવાની પરિપાટી જાળવી રાખી છે. ગુજરાતનો કોઈપણ જીલ્લો કે શહેર જોઈ લો તમને જાજમનો છેડો દબાવીને બેઠેલા એના એ જુના પુરાણા ચહેરાઓ નજરે પડશે.

જુદી જુદી સમિતિઓ બનાવવાની હોય ,નિરીક્ષકો નીમવાના હોય, ચૂંટણી લડનારાઓની યાદી બનાવવાની હોય હંમેશા વર્ષો સુધી જુની યાદીની ઝેરોક્ષ કરાવી માથે મરાય છે. હા, જવાબદારીઓ બદલાય પણ બદલાયેલા સ્થાને ચહેરાતો એ જ સામે આવે. જે નેતાઓ પોતાની જમીન સાચવી શક્યા નથી એમને જ જમીનદાર બનાવી કોંગ્રેસને પાંચ-પચીસ લોકોની જાગીર બનાવી દેવાઈ છે.

કોંગ્રેસ એક વિશાળ સમુદ્રમાંથી કુવામાં ફેરવાઈ જવાની સ્થિતિ સુધી આવી ગઈ છે. મોટા ભાગના મહાનગરોમાં વિરોધપક્ષનો દરજ્જો મેળવવાના પણ ફાંફા છે છતાં બહારની વાસ્તવિકતા સમજવા તૈયાર નથી. બીજી હરોળ ઉભી થાય તો પોતાનો ગરાસ લૂંટાઈ જાય એવું જાણતા નેતાઓએ કોંગ્રેસના કી-બોર્ડમાંથી રીફ્રેશમેન્ટ બટન જ કાઢી નાખ્યું છે. નવું સ્વીકારવા, નવું વિચારવા કે નવા લોકોને અજમાવવા પક્ષ તૈયાર નથી. મને લાગે છે કે વિચારશીલ, બૌદ્ધિક લોકોને કોંગ્રેસની હોજરી પચાવી શકવામાં અક્ષમ બની છે જેના કારણે સાચા-સારા અને સક્ષમ લોકો ધીરે ધીરે પક્ષ છોડી રહ્યા છે.

અનિર્ણાયકતાનો રોગ પક્ષ માટે જીવલેણ નીવડશે એવા વારંવાર નિદાન થયા છતાં નિર્ણય લેવામાં ભીરૂતા અને શીથીલતા દેખાય છે. એક નિર્ણય કરવામાં મહીનાઓ લાગે કેમ કે બધા જાગીરદારોના હીસ્સે સરખી વહેંચણીની મજબુરી હોય. આટલા મોટા અને જુનો પક્ષ બે વર્ષ સુધી પ્રદેશ માળખા સિવાય એડહોક ચાલે એમા વાંક કોનો ? પ્રદેશ માળખા વગર સ્થાનિક સ્વરાજની ચુંટણી લડવાનુ પરિણામ આપણે જોયુ છે. માત્ર પ્રદેશ નહીં, રાષ્ટ્રીય સ્તરે પણ આ સંક્રમણ મહામારી બની ફેલાઈ છે જેની રસી કદાચ કોઈ વૈજ્ઞાનિક પાસે નથી. કોંગ્રેસની સેના કાંતો સેનાપતિ વગર કાં સેનાપતિઓના ભારથી તુટતી રહે અને આપણે કશું જ ના કરી શકીએ એ સ્થિતિ પીડાજનક છે.

અઢી દાયકાથી સત્તા વિરૂદ્ધ સંઘર્ષ કર્યો જ છે, મતલબ સત્તા મારો રાજકીય પ્રાણવાયુ નથી નથી ને નથી જ એટલે મને ગદ્દાર ના ગણતા. 2007-2012-2017 કે 2019 ની ખેરાલુ વિધાનસભાની ચૂંટણી હોય ટીકીટ માગી પણ નથી મળી અને છતાંય એનો વસવસો રાખ્યા સિવાય પક્ષને વફાદાર રહ્યો. છેલ્લા દસેક વર્ષથી મારી ક્ષમતા મુજબનુ સ્થાન સંગઠનમાં ઈરાદાપૂર્વક નહી આપવા છતાં હુ પક્ષની સાથે રહ્યો.

કોંગ્રેસનો પક્ષ રાખવાની આક્રમકતાના કારણે એક પ્રતિષ્ઠીત ચેનલની ડીબેટ દરમિયાન હૃદયરોગનો હુમલો આવ્યો, ઢળી પડ્યો, સદનસીબે બચ્યો. આ ઘટના બાદ પરિવાર, મિત્રો અને શુભચિંતકો દ્વારા રાજકીય વ્યસ્તતા ઘટાડવા દુરાગ્રહ પણ થયો છતાં મારી પક્ષ પ્રત્યેની નિષ્ઠામાં કમી ન્હોતી આવવા દીધી. દોસ્તો હ્રદયરોગના હુમલાથી વિચલીત નહી થયેલો તમારો જયરાજસિહ પક્ષના આંતરિક માળખાથી સિસ્ટમથી હારી ગયો છે.

આ વેદના માત્ર મારી નથી લાખો સંનિષ્ઠ કાર્યકરોની છે, હું માત્ર વાચા આપી રહ્યો છું. સ્વમાનના ભોગે ઈન્દ્રનું આસન મળે તો એ પણ સ્વીકાર્ય નથી. તમારામાંથી ઘણા લોકો દુખી થશે, કદાચ નારાજ પણ થાય છતાં એક જયરાજસિહના જવાથી જો પક્ષની વ્યવસ્થાઓ સુધરતી હોય ,બહેરા કાને સામાન્ય કાર્યકરની પીડા સંભળાવાની હોય તો કોંગ્રેસને આખરી અલવિદા એ એકમાત્ર વિકલ્પ છે. પક્ષના કોઈ સાથીઓ સાથે વ્યક્તિગત મનભેદ નથી, 37 વરસના સંગાથના સારા સંભારણા દીલમાં લઈ વિદાય લઈ રહ્યો છું. ક્યાંય મારાથી દિલ દુભાયું હોય તો માફ કરશો.

સત્તા પાછળ નહી દોડનાર અને સત્તાથી નહી ડરનાર જયરાજસિહ માટે કોંગ્રેસ એટલે એનો અદનો કાર્યકર. જેથી હું પક્ષના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપવાના નિર્ણયની સૌ પ્રથમ જાણ આપને કરૂ છું. અને ભગ્ન હૃદયે કોંગ્રેસ પક્ષના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપું છું. તમામ સમર્થકો, શુભેચ્છકો, આલોચકો તથા કાર્યકર મિત્રોને ઉજ્જવળ ભવિષ્યની શુભકામનાઓ…

આપનો જ…

જયરાજસિંહ પરમાર

whatsapp group join link

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments