Team Chabuk-Special Desk: સાડા પાંચ વર્ષની ઉંમરના ડાકોરના મહંમદ અરફાન શેખ અને વડોદરાના યાકુતપૂરાના ૮ વર્ષના મહંમદ હસાનને વારંવાર લકવાનો હુમલો થતો. બંનેના પરિવારો આ બાળકોને લઈ વિવિધ જગ્યાઓના ખાનગી દવાખાનાઓમાં ગયા. પૈસા ખર્ચ્યા પણ કોઈ ઈલાજ ના મળ્યો કે રાહત ના થઈ.
આખરે વડોદરાની સરકારી સયાજી હોસ્પિટલનો સહારો મળ્યો. અહીં ન્યૂરો સર્જરી વિભાગના વડા ડો.અમેય પાટણકર તથા તેમના સહયોગી ડો. પાર્થ મોદી અને ડો. યક્ષ સોમપુરા તથા તબીબોએ આ બાળકો જવલ્લેજ થતાં અને મગજને લોહી પહોંચાડતી ધમનીઓમાં સંકોચનના લીધે લોહીનો અપૂરતો પુરવઠો મળવાના લીધે થતાં માયો માયો નામના રોગથી પીડિત હોવાનું સચોટ નિદાન કર્યું. લગભગ ૫ કલાક થી પણ લાંબી ચાલતી જટિલ સર્જરી કરીને આ બાળકોને ઉપરોક્ત રોગ સામે રાહત અપાવી.
મહંમદ અરફાનના કાકા અઝહર શેખે જણાવ્યું કે, ખાનગી હોસ્પિટલોમાં આ રોગની સારવાર ઘણી જ ખર્ચાળ છે જે અમારા પરિવારને પોસાય તેમ ન હતી. આણંદ, અમદાવાદના ખાનગી દવાખાનાઓના પગથીયા ઘસવા છતાં નિદાન કે ઈલાજ મળતો ન હતો. આખરે સયાજી હોસ્પિટલના ન્યૂરો સર્જરી વિભાગે નાણાંકીય અને માનસિક રાહત અપાવી. ખૂબ મોટી અને જટિલ સર્જરી વિનામૂલ્યે થઈ. ખાનગી દવાખાનાઓ કરતાં અમને ઘણું સારું પરિણામ મળ્યું છે.

આ બંને પરિવારો સરકારી આરોગ્ય સેવાઓ અને સયાજી હોસ્પિટલના ન્યૂરો સર્જરી અને એનેસ્થેસિયા, બાળ રોગ સહિતના વિવિધ વિભાગોના તબીબો અને સ્ટાફનો હૃદયપૂર્વક આભાર માને છે.
મધ્ય ગુજરાતની સૌથી મોટી અને દૂર દૂરના દર્દીઓ માટે આરોગ્યના આશીર્વાદ સમાન સયાજી હોસ્પિટલમાં પહેલીવાર અને કદાચ વડોદરાની કોઈ હોસ્પિટલમાં હજુ સુધી નથી થઈ તેવી ઇડાસ સર્જરી કરીને અત્યંત જૂજ ગણાતા માયો માયો રોગમાંથી બે બાળ દર્દીઓને રાહત અપાવી છે.
આ અમારું ટીમ વર્ક છે અને તેની સાથે જોડાયેલા તમામ વિભાગો અભિનંદનને પાત્ર છે એવી લાગણી વ્યક્ત કરતાં સયાજી હોસ્પિટલના તબીબી અધિક્ષક ડો. રંજન કૃષ્ણ ઐયરે જણાવ્યું કે આ રોગનું સચોટ નિદાન અને સફળ સર્જરી સયાજીના ન્યૂરો સર્જરી વિભાગે કરી છે. તેમને આ જટિલ રોગની સારવારમાં બાળ રોગ વિભાગ, એનેસ્થેસિયા વિભાગ સહિત વિવિધ વિભાગોના તબીબો તેમજ નર્સિંગ અને અન્ય સ્ટાફનો ખૂબ સહયોગ મળ્યો છે.આ કેસની સારવાર સયાજી હોસ્પિટલના ટીમ વર્કનું ઉદાહરણ છે. હું સૌને આ સિદ્ધિ માટે ધન્યવાદ આપું છું.
સારવાર ટીમના સદસ્ય અને ન્યૂરો સર્જન ડો. પાર્થ મોદીએ જણાવ્યું કે ધારાસભ્ય યોગેશ પટેલે તેમના અનુદાનમાંથી અમારા વિભાગને ખૂબ અદ્યતન ન્યૂરો સર્જિકલ ઓપરેટિંગ માઇક્રોસ્કોપ આપ્યું છે. રૂ.૪૭ લાખની કિંમતના આ તબીબી ઉપકરણથી આ ખૂબ જ જટિલ અને લાંબી સર્જરી ખૂબ સારી રીતે થઈ શકી છે. આ સર્જરી ૫ કલાકથી પણ લાંબી ચાલે છે. કદાચ આ ઉપકરણ વગર આ સર્જરી થઈ શકી ન હોત.
તેમાં મગજને શુદ્ધ લોહી પૂરો પાડતી સુકાઈ ગયેલી ધમનીઓના વિકલ્પે હૃદયમાં કરવામાં આવતા બાય પાસની જેમ મગજમાં અન્ય ધમનીઓ આરોપિત કરીને લોહીનો પૂરતો પુરવઠો મળે તેવી વ્યવસ્થા કરવામાં આવે છે જે ખૂબ જ જટિલ છે.આ રોગનો કોઈ ઈલાજ નથી પણ મગજને લોહી પૂરું પાડવાની વૈકલ્પિક વ્યવસ્થા કારગર નીવડે છે.
સારવાર ટીમના સદસ્ય ડો. યક્ષ સોમપૂરાએ જણાવ્યું કે અમારા વિભાગમાં ૨૦૨૧ના વર્ષમાં ૭૦૦ જેટલી મગજ અને ચેતા તંત્રની સર્જરી કરવામાં આવી છે. છેલ્લા દશ વર્ષમાં ૫૦૦ જેટલી બાળ દર્દીઓની ન્યૂરો સર્જરી કરવામાં આવી છે. જ્યારે ૨૦૨૨ના પહેલાં બે મહિનામાં જ ૧૪૦ જેટલી ન્યૂરો સર્જરી કરવામાં આવી છે જેમાં ન્યૂરો સર્જિકલ ઓપરેટિંગ માઇક્રોસ્કોપની ઉપલબ્ધિ આશીર્વાદરૂપ પુરવાર થઈ છે.
આ રોગ જાપાન, કોરિયા અને સાઉથ ઈસ્ટ એશિયામાં દર એક લાખે ૩ થી ૫ લોકોને અને તેમાં પણ બહુધા બાળકોને થાય છે. ભારતમાં આ પ્રમાણ તેનાથી પણ ઓછું છે. માયો માયો એ જાપાની શબ્દ છે જેનો શાબ્દિક અર્થ ધુમાડાના ગૂંચળા કે ધૂમ્ર વલયો એવો થાય છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
