ઝાલાવાડી જલજીરા: સેલ્યુટ એ બધું કરે છે જે એક દક્ષિણની ફિલ્મે કરવું જોઈએ અને તેને એ પણ ખબર છે કે તેની લક્ષ્મણ રેખા ક્યાં છે. એ ખૂદ પરત્વે સભાન છે કે હું તમિલ-તેલુગુ-કન્નડ સિનેમા નહીં પણ મલયાલમ સિનેમા છું. મારો એક આખો નોખો વર્ગ છે. એ વર્ગ માટે હું સર્જન કરું છું અને એ વર્ગ મારી આતુરતાથી પ્રતીક્ષા કરે છે. સેલ્યુટ એ નથી તમિલ સિનેમાની ફિલ્મોની માફક એકડો ઘૂંટ્યા રાખતી કે નથી તેલુગુ સિનેમાની અઢળક ફિલ્મોની માફક છીછરું વર્તન કરતી. નથી તેમાં લાઉડ સંગીત, નથી તેમાં દિલધડક કહેવાતા જીવસટોસટના દૃશ્યો, નથી તેમાં એવા પ્રવેશક દૃશ્ય જેથી ઉત્તેજના થાય અને તોપણ સેલ્યુટ એ બધું કરે છે જે એક સિનેમાએ, કે જે એક સસ્પેન્સ-થ્રીલર ફિલ્મે કરવું જોઈએ.
આ ફિલ્મની વાર્તા કોઈ સત્યઘટના પર આધારિત નથી, પણ એક દર્શક તરીકે આપણે તેમાં અસંખ્ય સત્ય વસ્તુઓને ઘઉંમાંથી કાંકરા વીણીએ એ રીતે વીણી શકીએ છીએ. બસ, સમાચારોમાં રહેવાની આદત હોવી જોઈએ. દક્ષિણની પોલીસ અવારનવાર જનતા સાથે અમાનવીય વર્તનના કારણે છાપે ચડતી રહે છે. કોઈને ખોટા કેસમાં નાખી દેવા, કોઈને કારણ વગરના બડા ફટકારી દેવા, કોઈને લોકઅપમાં પુરી રંજાડવા. આવું પોલીસ શા માટે કે કયા હેતુથી કરતી હોય છે તેનો પણ સેલ્યુટ ફિલ્મની શરુઆતમાં જવાબ આપે છે.
ફિલ્મનું શીર્ષક સેલ્યુટ એટલે કે ગુજરાતીમાં સલામ કઈ રીતે સાર્થક થાય તે તાગ મેળવવાની યથાશક્તિ આપણે કોશિશ કરીએ છીએ, પરંતુ મળતું નથી. ફિલ્મના અંતમાં એ મળે છે પણ ત્યાં સુધીમાં શીર્ષક સાથેનું સમાયોજન શું એ ભૂલી ચૂક્યા છીએ. પોલીસની સલામી સાથે સાંકળવું એ તો સરળ વાત થઈ કહેવાય. આપણી સિનેમાય દૃષ્ટી દિગ્દર્શક રોશન એન્ડ્રૂએ રચેલી સૃષ્ટીમાંથી મુખ્ય આરોપીને શોધવા પર નજર દોડાવે છે. છેલ્લે હતાશ થઈએ પણ એટલુંય હતાશ થવા જેવું નથી. દિગ્દર્શકને ફિલ્મના અંતિમમાં કદાચ આ જ સાચું લાગ્યું હોવું જોઈએ. જોકે જે રીતે મુખ્ય આરોપીએ આખી ફિલ્મમાં પોતાની હાજરી દર્શાવ્યા વગર આપણને તરસાવ્યા અને અંતમાં સામે આવ્યો તોપણ કઈ રીતે? એ જોતાં તેની ઉપસ્થિતિ ફિલ્મ બાદ પણ હોવાની વાતને આપણું મન નકારી શકતું નથી.
મલયાલમ અભિનેતા પ્રેમ પ્રકાશના પુત્રો બોબી અને સંજય જે દિગ્દર્શક રોશન એન્ડ્રૂ માટે ઘણી ફિલ્મોની પટકથા લખી ચૂક્યા છે તેમણે આ ફિલ્મને પણ પોતાની કલમથી નવીનતાસભર બનાવી છે. આ ફિલ્મ જોયા પછી આપણે કેરળનું અનુપમ સૌંદર્ય ભૂલી જઈએ છીએ, જેને સિનેમેટોગ્રાફર અસલમે શક્ય થાય તેટલું કેમેરાથી દૂર રાખ્યું હોવા છતાં એ આપણી નજરે ચડી જાય છે. સિનેમેટોગ્રાફર જે રીતે વૃક્ષોને કેમેરાથી બચાવી રોડ-નુક્કડને કવર કરે છે અને ઓછામાં ઓછા ઝાડ બતાવે છે, કદાચિત્ એટલા ઝાડ પણ અમદાવાદમાં નહીં હોય! એ પછી દિગ્દર્શકની વાત આવે તો તેણે તેનું કામ કરી લીધું છે, પણ મૂળ આપણો અનુરાગ બોબી અને સંજય પ્રત્યે જ છે અને હોવો પણ જોઈએ.
બોબી-સંજયે લખેલી આ પટકથા આપણને ગાડરિયા પ્રવાહની જેમ દોરી જાય છે. એની શરુઆત જ એવી છે કે કશું ભેજામાં ઉતરતું નથી. સતત ત્રીસ મિનિટ સુધી એ આખી ઘટનાને બધી બાજુથી વીણી વીણીને ભેગી કરે છે અને પછી આપણી સામે રાખે છે. દિગ્દર્શક અને સંજય બોબીનો હેતુ ફક્ત દર્શકની યાદશક્તિ સાથે ખોખો રમવાનું લાગે છે. પણ અડધે રસ્તેથી. કહો કે ચાલીસ મિનિટ પછીથી આ ફિલ્મ તેની અંદર રહેલી સત્વશીલતા પોતાની સાથે લઈ ચાલે છે.
એક નવો વિચાર પણ મને ઉદ્દભવ્યો. દિગ્દર્શક શાયદ વિવાદથી દૂર રહેવામાં માને છે. નહીં તો એ કોઈ બીજા અંતિમ સુધી પહોંચી શક્યા હોત. એ બીજા અંતિમમાં ફિલ્મની ભૂમિકા આખી બદલાઈ જાત. સત્તા સર્જકોને પડકાર ફેંકેત. એ વિચાર સુધી પણ હું પહોંચ્યો, પણ અંતે લાગ્યું કે દિગ્દર્શક અને લેખક એની દૃષ્ટીએ સાચા છે.
આ ફિલ્મ જોવાનું કારણ મલયાલમ સુપરસ્ટાર અને મમ્મુટી પુત્ર દલ્કર સલમાન છે. તેની ફિલ્મમાંથી કંઈ નથી નીકળતું તોપણ પરફોર્મન્સ તો નીકળી જ આવે છે. સેલ્યુટ પૂર્વેની કુરુપમાં તે જ્વાળામુખીની જેમ ફાટ્યો હતો. સલમાન જ નહીં પણ સલમાન સિવાયના કલાકારોને પણ જોવા. એમની અભિનય પ્રતિભાથી અંજાઈ જઈએ એવું જ છે. ફિલ્મમાંથી એક સંવાદ યાદગીરીરૂપે તમને કહેવા સાચવી રાખ્યો છે. જ્યારે એક પ્રોઢ પોલીસ ઓફિસરનું હાર્ટ અટેકના કારણે નિધન થાય છે ત્યારે ષડયંત્રમાં ફસાયેલો ઉચ્ચ અધિકારી સંવાદ બોલે છે : ‘આ તો બચી ગયો.’ મૃત્યુ પામીને પણ બચી જવું! એ કેવું? એ મૃતક પોલીસ ઓફિસરની જીજીવિષા પણ એ જ તો હતી. એક પ્રકારનો ફફડાટ.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત
