Homeસાહિત્યવાર્તા વિશ્વ એન્ટોન ચેખોવની કાચિંડો

વાર્તા વિશ્વ એન્ટોન ચેખોવની કાચિંડો

વાર્તા – કાચિંડો
લેખક – એન્ટોન ચેખોવ
મૂળ ભાષા – રશિયન
અનુવાદની ભાષા –અંગ્રેજી
અનુવાદક – Team Chabuk

જમાદાર નવો ઓવરકોટ પહેરીને હાથમાં એક બંડલ લઈ બજારના ચોકમાંથી પસાર થયો. રાતા વાળ ધરાવતો એક સૈનિક પણ તેની પાછળ પાછળ ટોપલી લઈને ચાલી રહ્યો હતો. ટોકરી ચણીયા બોરથી ખીચોખીચ ભરેલી હતી. ચારે તરફ નિરવ શાંતિ પ્રસરેલી હતી…. ચોકમાં એક પણ માણસ નહીં… દુકાન અને દારૂના પીઠાના ભૂખ્યા જડબાઓની જેમ ખુલેલા દરવાજાઓ ઈશ્વરની દુનિયાને ઉદાસનીતા ભરી નજરથી એકીટશે તાકી રહ્યા હતા. ત્યાં સુધી કે કોઈ ભીખારી પણ આજુબાજુ ફરકતો નહોતો દેખાતો.

‘હા, તો તું કાપીશ ? દાનવ સાલા!’ ઓચુમેલોવના કાનોમાં અચાનક આ અવાજ પડ્યો, ‘પકડી લ્યો છોકરાવ! જવો ન જોઈએ! હવે તો કાપવાની મનાઈ છે! પકડી લ્યો… હા….’

કૂતરાની કિકિયારીઓ સંભળાઈ. ઓચુમેલોવ પાછું ફરીને જુએ છે તો વેપારી પિચૂગિનના લાકડાની પેટીમાંથી એક કૂતરો ત્રણ પગે ભાગતો જઈ રહ્યો હતો. એક માણસ તેનો પીછો કરી રહ્યો છે – શરીર પર સૂતરના કાપડનું વસ્ત્ર પહેરેલું છે. ઉપર કોટી ને કોટીના બટન ઉઘાડા છે. એ કૂતરાની પાછળ ભાગે છે અને તેને પકડવાના પ્રયત્નમાં અથડાતા કૂટાતા પણ કૂતરાના પાછલા ટાંટીયાને પકડી લે છે. કૂતરાનો કીકી અવાજ અને ફરી એ રાડ, ‘જવો ન જોઈએ.’ કાને ફરી સંભળાઈ છે. ઉંઘતા લોકો પોતાના ડોકાને દુકાનની બહાર તાણી જોવા લાગે છે. જોતજોતામાં એક ટોળું દુકાનની પાસે ભેગું થઈ જાય છે જાણે જમીન ફાડીને ન નીકળી આવ્યું હોય.

‘સાહેબ! લાગે છે કે ઝઘડો-બઘડો થયો છે.’ સૈનિક કહે છે.

ઓચુમેલોવ ડાબી બાજુ વળે છે અને ટોળાની બાજુ જવા લાગે છે. એ જુએ છે કે દુકાનની સામે એ જ માણસ ઊભેલો છે જેની કોટીના બટન અડધા ખુલ્લા છે. એ પોતાનો જમણો હાથ નભ તરફ અદ્ધર કરીને ભીડને પોતાની રક્તરંજીત આંગળી બતાવે છે. તેના ટલ્લી થયેલા મુખ પર સાફ લખેલું દેખાય છે કે, ‘તને મેં રસ્તામાં ન છોડ્યો સાલા.’

તેની આંગળી પણ જીતનો ઝંડો લાગે છે. ઓચુમેલોવ આ માણસને ઓળખી જાય છે. એ સોની ખૂકિન છે. ભીડની વચ્ચોવચ્ચ આગળના પગ ફેલાવીને અપરાધી – એક સફેદ ગ્રેહાઉન્ડ કૂતરાનું બચ્ચુ, પડેલું છે, ઉપરથી નીચે સુધી ધ્રુજી રહ્યું છે. તેની અશ્રુ ભરેલી આંખોમાં મુશ્કેલી અને ભયની છાપ છે.

‘શું હંગામો મચાવી રાખ્યો છે અહીં?’ ઓચુમેલોવ ખભાથી ભીડને કાપતો સવાલ કરે છે, ‘તે કાં આંગળી અદ્ધર રાખી છે ? બરાડા કોણ પાડે છે.’

‘સાહેબ, હું તો શાંતિથી મારા ધંધે જઈ રહ્યો હતો.’ ખુકિન પોતાના ડાચા પર હાથ રાખી ઉધરસ ખાતા કહે છે, ‘મિત્રી મિત્રિચ પાસેથી મને એક છોકરીના સંદર્ભે કામ હતું. અચાનક ખબર નહીં કેમ, આ હરામીએ મારી આંગળીમાં બટકું ભરી લીધું. સાહેબ ક્ષમા કરો, હું તો કામ-ધંધાવાળો માણસ છું… પાછું અમારું કામેય હેરાનગતિવાળું છે. એક અઠવાડિયા સુધી કદાચ મારી આ આંગળી કામને લાયક પણ નહીં થાય. મને વળતર અપાવો. અને હા સાહેબ… કાયદામાં તો એ કોઈ જગ્યાએ નથી લખ્યું કે આ મૂંગા જાનવરો અમને બટકા ભરતા રહે અને અમે ચૂપચાપ સહન કરતા રહીએ. જો આપણે બધા પણ આમ જ બટકા ભરવા લાગ્યા તો તો જીવન જીવવું કઠણાઈ ભર્યું થઈ જશે.’

‘હમ્મ સારું.’ ઓચુમેલોવ ગળું સાફ કરીને, ભ્રુકૃટી ભેગી કરતા કહે છે, ‘બરાબર… તો આ કૂતરો કોનો છે ? હું આ વાતને આમ અડધે રસ્તે નહીં છોડું. કૂતરાને આમ રેઢો મૂકવાની મજા તો કરાવીશ જ. લોકો કાયદા મુજબ નથી ચાલતા, એમની સાથે હવે કડક થવું જ પડશે. એવી પાવતી ફાડીશ કે એ બદમાશની અક્કલ ઠેકાણે આવી જશે. અબઘડી સમજી જશે કે કૂતરા અને ઢોર-ઢાંખરને આ રીતે ખુલ્લા છોડી દેવાનું શું પરિણામ આવે છે. હું એને સીધોદોર કરી દઈશ. યેલ્દીરીન.’ સૈનિકને બોલાવી જમાદાર રાડ પાડે છે, ‘જરા ખબર પાડ તો આ કૂતરો છે કોનો ? અને રિપોર્ટ ફાઈલ કર. કૂતરાને તુરંત જ મરાવી નાખ. આ કદાચ ગાંડો હશે… એલા હું પૂછું કૂતરો છે કોનો ?’

‘આ કદાચ જનરલ ઝિગાલોવનો છે.’ ટોળામાંથી કોઈ કહે છે.

‘જનરલ ઝિગાલોવનો? હે… યેલ્દીરિન, એલા મારો કોટ તો ઉતાર. હા.. બોવ ગરમી છે. લાગે છે આજે તો બારે મેઘ ખાંગા થશે. એક વાત મારા ભેજામાં નથી ઉતરતી કે આણે તને બટકો ભર્યો કેવી રીતે ?’

ઓચુમમેલોવ ખુકિન બાજુ ફર્યો, ‘આ તારી આંગળી સુધી પહોંચી કેવી રીતે ગયો? આ રહ્યું નાનું એવું જાનવર અને તું સાત ફૂટ પૂરો મરદ. કોઈ ખીલ્લીમાં આંગળી ફસાવી લીધી હશે અને મગજમાં વિચાર લાવ્યો હશે કે અપરાધ કૂતરાનાં માથા પર નાખી સારું એવું વળતર વસૂલ કરી લઈશ. મને બધી ખબર પડે હો! તારા જેવા લુખ્ખાઓની તો હું રગ-રગથી અવગત છું.’

‘આણે એના મોઢા ઉપર સળગતી સિગારેટ અડાળી દીધી સાહેબ. બસ, ખાલી અમથા મજા લેવા જ. અને આ કૂતરો મુર્ખ તો છે નહીં, બટકો ભરી લીધો. આ કાંઈ ઓછીનો નથી સાહેબ.’

‘એલા કાણીયા. ખોટું કાં બોલે ? જ્યારે તે જોયું જ નથી, તો ખોટી ખબર શું કામે ફેલાવે છે? અને સરકાર તો ખૂદ ભણેલી-ગણેલી છે. સરકારને સંધીય ખબર છે કે કોણ ખોટું છે અને કોણ સાચું. અને જો હું ખોટાબોલો છું તો કોર્ટમાં ફેસલો કરો. કાયદામાં લખેલું છે… આપણે બધા એક સરખા છીએ. મારો ભાઈ પણ પોલીસમાં છે. એક વખત કહી દઉં છું હો..’

‘ખોટે ખોટી ફેંકવાની બંધ કરો.’

‘ના, આ જનરલ સાહેબનું છે જ નહીં.’ સૈનિક ગંભીરતાથી કહે છે, તેની પાસે તો આવો કોઈ કૂતરો છે જ નહીં. તેમની પાસે તો બધા શિકારી પોંન્ટર કૂતરા છે.

‘તને બોવ ખબર?’

‘જી સાહેબ.’

‘મનેય ખબર છે. જનરલ સાહેબના બધા કૂતરા સારી ઓલાદના છે. એકથી એક ચડીયાતા કૂતરા છે એમની પાસે. અને આ. આ કંઈ કૂતરા જેવો કૂતરો છે. જો ને. એકદમ મરેલો ખારિશ્તી છે. આવો કૂતરો કોણ રાખે? તમારા બધાનો ઉપલો માળ તો ખરાબ નથી થઈ ગયો ને? જો આવો કૂતરો મોસ્કો કે પીટર્સબર્ગમાં દેખાય દે, તો ખબર છે શું કાયદો છે? કાયદાની અવમાનના કરી એક જ મિનિટમાં તેની છુટ્ટી થઈ જાય. ખૂકિન. તને હાથમાં લાગ્યું છે અને આ ઘટનાને આમ ઢીલી રીતે તો ન જ અવગણી શકાય. આ બધાને પાઠ ભણાવવો જોઈએ. આમ કામ નહીં ચાલે.’

‘શક્ય છે કે, જનરલ સાહેબનો જ હોય…’ સૈનિક પોતાની જાતને કહે છે, ‘આના થોબડા પર તો લખેલું પણ નથી. જનરલ સાહેબના ઓરડામાં મેં કાલ આવો જ કૂતરો જોયો હતો.’

‘હા, હા, જનરલ સાહેબનો જ તો છે.’ એટલામાં ટોળામાંથી કોઈનો અવાજ આવે છે.

‘ઓહો… યેલ્દીરિન, મને કોટ તો પહેરાવી દે… પવન વહેવા લાગ્યો છે. મને શરીદ થઈ જશે… કૂતરાને જનરલ સાહેબની પાસે લઈ જાઓ અને પૂછતાછ કરો. કહી દે જે કે આને રસ્તા પર રખડતો જોઈ મેં પાછો મોકલ્યો છે. અને હા, એમ પણ ઉમેરજે કે આને રસ્તામાં રખડવા ન દે. ખબર નહીં કેટલો અમૂલ્ય કૂતરો છે અને જો દરેક ઈસમ તેના મોઢા પર સિગરેટ ઘુસાડતો રહે તો કૂતરાના તો શું ના શું હાલ થઈ જશે. કૂતરો ખૂબ જ કોમળ જાનવર હોય છે. અને તું હાથ નીચો કર. ગધેડા સાલા. તારી બગડેલી આંગળી શા માટે દેખાડે છે? બધો વાંક તારો જ છે.’

‘એ જનરલ સાહેબનો રસોયો આવે છે. આને જ પૂછી લઈએ. એ પ્રોખોર. અહીં તો આવ ભાઈ. આ કૂતરાને જો. તમારે ત્યાંનો તો નથી ને?’

‘લે! અમારે ન્યાં તો આવા કૂતરા કોઈ દિવસ નહોતા.’

‘એમાં પૂછવાની શું વાત હતી? ખાલી ખોટો સમય બગાડ્યો.’ ઓચુમેલોવ બોલે છે, ‘રખડતો કૂતરો છે. અહીં ઊભા ઊભા આના વિશે વાત કરવી એ સમયનો વ્યય છે. કહી દીધું ને ભટકતો છે તો ભટકતો છે. મારી નાખો એટલે એક કામ પતે.’

‘અમારો તો નથી.’ પ્રોખોર ફરી આગળ વધે છે, ‘પણ આ જનરલ સાહેબના ભાઈનો કૂતરો છે. એમને આ પ્રકારની ઓલાદ પસંદ છે.’

‘હે? જનરલ સાહેબના ભાઈ આવ્યા છે? વ્લાદીમિર ઈવાનિચ?’ આશ્ચર્યથી ઓચુમેલોવ બોલી ઉઠે છે. તેના ચહેરા પર ચમક આવી જાય છે, ‘જરાં વિચારો તો ખરાં. મને ખબરેય નથી. રોકાશે કે?’

‘હા.’

‘જોવ તો ખરી, પોતાના ભાઈને મળવા આવ્યા છે. અને મને ખબરેય નથી કે એ આવ્યા છે. તો આ કૂતરો એનો છે? આનંદની વાત છે. લઈ જાઓ. આને લઈ જાઓ. કૂતરો સારો છે… રાભડો છે… તેજ છે. આની આંગળી પર તૂટી પડ્યો હતો. હાહાહાહા… બસ બસ હવે ધ્રુજમાં. ગુર્ર ગુર્ર… રાક્ષસ ગુસ્સામાં છે…. કેટલું સરસ ગલૂડિયું છે.’
પ્રોખોર કુતરાને બોલાવે છે અને તેને પોતાની સાથે લઈને દુકાન પરથી ચાલી નીકળે છે. ટોળું ખૂકિન પર હસવા લાગે છે.

‘હું તને સખણો કરી નાખીશ.’ ઓચુમેલોવ તેને ધમકાવે છે અને પોતાનો ઓવરકોટ વાળતો વાળતો બજારના ચોકની વચ્ચેથી પોતાના રસ્તે ચાલી નીકળે છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments