Team Chabuk : તાલાલા ગીરમાં અમારા એક અંગ્રેજીના શિક્ષક. નામ પાઠક સાહેબ. વર્ષ હતું 2005-06નું, સુલેમાન પટેલનો પાઠ ભણવામાં આવતો હતો. આજથી 15-16 વર્ષ પહેલાની વાત છે. સુલેમાન પટેલે એક સાથે નવ સિંહોની તસવીર ખેંચેલી અને એ તસવીર ભારતભરમાં લોકપ્રિય થઈ હતી. તેમના ફોટોગ્રાફી વિશેના શબ્દોનો પ્રશ્ન દસમાં ધોરણની બોર્ડની પરીક્ષામાં અચૂક પૂછાતો. સાહેબે મને પૂછ્યો. મને આવડ્યો નહીં. સાહેબે જોરથી સોટી ફટકારી. સોટીના પરિણામે આજે પણ એ શબ્દો મને યાદ છે. ‘‘My Figure Would Just Refuse To Press The Shutter For Anything But A Wild Animal. This Are The Words Of Suleman Patel.’’ આ ઉદાહરણ કે સોટી વાગે ચમચમ વિદ્યા આવે રમઝમ.

હવે વાત એક ગ્રુપની. આ પહેલા ફેસબુક પર અશ્વિની ભટ્ટના ગ્રુપની અને તેમના પુસ્તકોના અવનવા મુખપૃષ્ઠોની વાત કરી હતી. હવે વાત કરીએ આપણું ગીર ગ્રુપની. આ ગ્રુપ બે કારણોના લીધે આકર્ષે છે. એક તો તેમનું મૂકવામાં આવતું કાઠિયાવાડી ભોજન અને બીજું છે તેમની વન્યજીવોની તસવીરો. નૈસતભાઈ ગોસાઈ ગ્રુપના એડમિન છે. હવે ગ્રુપમાં જોઈન થનારા સભ્યોનો આંકડો બે લાખને પાર થઈ ચૂક્યો છે. મોટાભાગની તસવીરોના ફોટોગ્રાફર કોણ એ તો અમને કેમ ખબર પડે, પણ કેટલાક ફોટોગ્રાફની નીચે દર્શન નામ લખેલું છે. એ દર્શનભાઈની ફોટોગ્રાફી કળા ખૂબ જ અદભુત છે. ગ્રુપમાં તો અઢળક સિંહોની તસવીરો છે. દરિયો છે. છેલ્લે સુધી તો કેમ કરીને પહોંચી શકાય. અડધે રસ્તે જ કોમ્પ્યુટરના માઉસને ખેંચી ખેંચી હાથ થાકી ગયો. આખરે વીસ સારા કહી શકાય એવા ફોટોગ્રાફ હાથ લાગ્યા અને પછી અહીં મૂક્યા. આજે તસવીર-એ-બયાંમાં વાત કરીએ આપણું ગીર ગ્રુપની સિંહની કેટલીક તસવીરો અને તેના અમે તારવેલા વર્ણનો.

એક નવલકથાકાર કે લોક સાહિત્યકારને ગમી જાય તેવું દૃશ્ય. સૂરજ તેની સામે છે. સિંહણ તેને તાકી રહી છે. નિર્જન વગડો છે. જાણે સિંહણ કોઈની પ્રતીક્ષા કરી રહી હોય. સૂર્ય ડુબે અને ઉગે કેવી રીતે ? એવો સવાલ ખૂદને પૂછી રહી હોય!!

ખોડિયાર મંદિર. ગીરમાં અઢળક મંદિરો છે. કેટલાક મંદિરો એવા છે જે દાયકાઓ જૂના છે. જંગલની વચ્ચે. હવે તો જોકે જંગલની બહાર પણ સિંહો નીકળી જાય છે. આ દૃશ્યને શબ્દોમાં વર્ણીત કરવું હોય તો એક જ શબ્દ કાફી છે કે, મંદિરની રક્ષા કરતો વિશ્વનો શ્રેષ્ઠ રખેવાડ.

ગીરના સિંહો એટલે કે આપણા એશિયાટીક સિંહો આફ્રિકાના સિંહોથી અલગ પડે તો તેની પાછળનું કારણ તેમની કેશવાળી પણ છે. સિંહો અંગેના કોઈ વધારે અનુભવની જરૂર નથી. તેમને માથાના ઉપરના ભાગે વાળ ઓછા હોય છે. કોઈ કોઈ ને તો નહીંવત્ હોય છે. આ બંને સિંહોની આંખમાંથી અનુભવની ગર્જના થઈ રહી છે. આંખો અંદર ઉતરી ગઈ છે. નીચે બેસેલો સિંહ કંઈક જોઈ ગયો છે. જોકે બાજુમાં ઊભેલો સિંહ એ દૃશ્યથી હજુ વંચિત છે. કોઈ એકની નજર કેમેરાની સામે છે.

આ દમ અને દમામ બેઉં છે. આ તેની બેસવાની આગવી અદા છે. જૂનાગઢ કે ગીરમાં કોઈ પણ જગ્યાએ સિંહની મૂર્તિ કે મોટી પ્રતિમા જુઓ તો તેમાં આ બેઠકના દર્શન થશે.

ઉપર જે આપણે સિંહણ અને સૂર્યની વાત કરી તેનાથી વિપરિત દૃશ્ય છે. સિંહ તસવીરકારને જોઈ રહ્યો છે. આની ઊભવાની શૈલી પરથી જ કહી શકાય કે તેનામાં એટલી શક્તિનો સંચાર છે કે ઘુસપેઠીયા સિંહોને તે પોતાની ગર્જના કે આંખોના ડર માત્રથી ભગાડી શકે.

અજય ધોળકિયાએ લીધેલી તસવીર છે. ઉપર લખેલું જ છે. શરીર સૌષ્ઠવ કેવું હોવું જોઈએ તેનો આ ઉત્તમ નમૂનો છે. તેનો માંસલ દેહ જાણે કસરત કરી બનાવ્યો હોય એવું લાગે.

આ સિંહને દોડવાનું મન થતું લાગે છે. તેની આંખોમાં જુઓ કેવી ચમક છે. મોરારિ બાપુએ એક વખત રમેશ પારેખને યાદ કરતા કહેલું કે, ‘આ રમેશ કંઈક ભાળી ગયો છે.’ આ ભાળી ગયાની વાત તેમણે પુરષોત્તમ રૂપાલાને કહી હતી. આ સિંહની આંખોમાં અને તેના પગના સંચાર પરથી કળી શકાય કે તે કંઈક તો ભાળી ગયો છે.

લાયન કિંગ ફિલ્મમાં સમાવી શકાય એવું દૃશ્ય. આ એની તાકાત છે. તે ટટ્ટાર ઊભો છે. કોઈને દૂરથી આવતા જોઈ રહ્યો છે. લાયન કિંગ ફિલ્મની જેમ જ ગીરના આ મુફાસા પાસે કોઈ ન્યાય માગવા તો નહીં આવતું હોય ને ?

ચહેરા પરના તેના ઘા એ વાતની સ્પષ્ટ સાબિતી આપે છે કે આ સિંહે તેના જીવનમાં યુદ્ધ વધારે કરેલા હશે. તેણે વિરોધીઓને સારી પેટે ધૂળ ચટાવી હશે, પણ યુદ્ધમાં તેણે તેના સુંદર શરીરને કશું નથી થવા દીધું. ફક્ત હેન્ડસમપણામાં જ ઘટાડો આવ્યો છે.

ઘણા અનુભવીઓ કહે કે, લગ્ન થયા પછી પુરૂષનું હાસ્ય પહેલા જેવું નથી રહેતું. આણે તેની પત્નીની પાછળથી હાસ્ય વેરી કહી દીધું કે, ‘આપણે પણ હસી તો શકીએ છીએ, બસ પાછળથી. તેના મોઢા સામેથી તો નહીં જ શ્રીમાન.’

અંગ્રેજીમાં શબ્દ છે Predator. પ્રેડેટરનો અર્થ થાય અન્ય જીવોને મારીને ખાનારો. આ તસવીરમાં સિંહનો પગ પોતાના શિકાર પર છે. અને તે હોલિવુડ ફિલ્મના ડાયરેક્ટરને પણ બે ઘડી વિચારતા કરી દે તેવી ક્ષણ છે.

પોતાનો વિસ્તાર સુરક્ષિત રાખવાની સિંહકળા. કોઈ બીજું આવી તો નથી ગયું ને ? એ વિચારે સિંહ ઝાડવા પરની ગંધને સુંઘી રહ્યો છે અને બીજો ગર્જનામાં વ્યસ્ત અને થોડો મસ્ત.

હિતેશ ચૌહાણે કેમેરામાં કંડારેલો માતાનો પ્રેમ. આ તસવીર ખેંચવી ખૂબ જ આકરી છે. નવી નવી મા બનેલી સિંહણ ભયાનક હોય છે. ગીરના ભેંકાર વન જેવી.

સિંહણ સિંહની સુંદરતાને નિહાળી રહી છે! એ વિચારમાં કે, શું આટલો સુંદર નર પણ હોઈ શકે? કે બસ આ કલ્પના છે.

ભાવેશ દેવમૂરારી. સરસ તસવીર ખેંચી છે. ઝઘડતા દંપત્તિ.

આ તસવીર માટે અમારી પાસે એક જ શબ્દ છે : શિકાર એ એક માત્ર લક્ષ્ય.

અને છેલ્લે અગાઉ વાત કરી હતી તે દર્શનની તસવીર. સિંહનો ક્લોઝઅપ. ચહેરા પર શાંતિ છવાયેલી છે. તેની આંખો નશીલી છે. જેમાં હંમેશાં જીત મેળવવાનો વિશ્વાસ કેદ હોય એવું લાગે. ગ્રુપના તમામ બે લાખ સભ્યોને અભિનંદન. ગોસાઈભાઈને ગ્રુપ બનાવવા માટે અભિનંદન અને નામી અને અનામી તસવીરકારોને સિંહોની અદભુત તસવીરો ખેંચવા માટે લાખ લાખ અભિનંદન.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત