Homeસાહિત્યવાર્તાવિશ્વ ત્રિલોક સિંહ ઠકુરેલાની ત્રણ લઘુકથા

વાર્તાવિશ્વ ત્રિલોક સિંહ ઠકુરેલાની ત્રણ લઘુકથા

1 ઓક્ટોબર 1966ના રોજ ઉત્તર પ્રદેશ રાજ્યના હાથરસ જિલ્લાના નગલા મિશ્રિયા ગામમાં તેમનો જન્મ થયો. ત્રિલોક સિંહ ઠકુરેલા હિન્દી સાહિત્યનું ખૂબ મોટું નામ છે. મહારાષ્ટ્રના હિન્દીનાં અભ્યાસક્રમમાં પણ તેમની રચનાઓ વિદ્યાર્થીઓને અભ્યાસમાં આવે છે. ત્રિલોક સિંહ પ્રસિદ્ધ કુણ્ડલિયાકાર છે. કુણ્ડલિયા છંદ જે હિન્દી સાહિત્યમાં વિસરાય ગયો હતો તેને પુન:સ્થાપિત કરવાનું કામ ત્રિલોક સિંહે કર્યું છે. રાજસ્થાન સાહિત્ય અકાદમી દ્વારા પુરસ્કૃત આ કવિ લઘુકથાઓ પણ ખૂબ સરસ લખે છે. તેમની ત્રણ લખુકથાઓનો Team Chabuk દ્વારા અનુવાદ કરવામાં આવ્યો છે. જેથી વાચકોને આજે ભારતીય ભાષાના એક મોખરાના સાહિત્યકારની કલમનો પરિચય થાય. આ ત્રણ લઘુકથાઓમાંથી એક કથા ગુજરાતની પૃષ્ઠભૂમિ પર પણ આધારિત છે.

પિતા

પિતા એક મહિનાથી બીમાર હતા. તેમનો અને મમ્મીનો ઘણી વખત ફોન આવી ચૂક્યો હતો. પણ હું ગામડે ન જઈ શક્યો. સાચું કહું તો હું વેકેશન માણવાના મૂડમાં હતો. ઉમાની સલાહ હતી કે, ‘તાવ જ તો છે. કોઈ ગંભીર સમસ્યા તો છે નહીં. બે મહિના પછી દિવાળી છે ત્યારે તો જવાનું જ છે ને.  હવે જઈને શું કરશો? બધાને ખબર છે કે આપણે સો કિલોમીટર દૂર રહીએ છીએ. વારંવાર ભાડુ ખર્ચ કરવું એ કંઈ પરવડે નહીં.’

એક દિવસ મમ્મીનો પાછો ફોન આવ્યો. મમ્મી ગુસ્સામાં હતી, ‘તારા બાપુજી બીમાર છે. અને તને આવવાનો ય સમય નથી. એ તારાથી ખૂબ જ નિરાશ છે. કહેતા હતા કે એ હવે તારી સાથે કોઈ દિવસ વાત નહીં કરે.’

એ દિવસે જ નોકરી પર જતા સમયે રીક્ષાએ મને અડફેટે લઈ લીધો. મારા ડાબા પગમાં પ્લાસ્ટર ચડાવવું પડ્યું.

ઉમાએ મમ્મીને ફોન કરી દીધો હતો. બે કલાકમાં તો બાપુજી હોસ્પિટલ આવી પહોંચ્યા. એ માંદગીના કારણે અશક્ત પણ દૃઢ દેખાતા હતા.

મને સાંત્વના આપતા બોલ્યા, ‘કોઈ પ્રકારની ચિંતા ન કરતો. થોડા દિવસની જ માથાકૂટ છે. તું જલ્દી સાજો નરવો થઈ જઈશ.’

એમણે મને દસ હજાર રૂપિયા હાથમાં આપતા કહ્યું, ‘રાખી લે, તને કામ આવશે.’

હું શું બોલું. મને તો મારા પોતાના વ્યવહાર પર જ શરમ આવતી હતી. જીવનના ઝંઝાવાતમાં મારા પિતા મારી સાથે એક વિશાળ શીલાની માફક ઊભા હતા.

લીલો દુપટ્ટો

ટ્રેનમાં એ દિવસે કંઈક વધારે જ ભીડ હતી. એટલે સરોજને ઊભા ઊભા જ મુસાફરી કરવી પડી. તેને બે સ્ટેશન પછી જ ઉતરવાનું હતું. તેની બાજુમાં જ ચાર બાળકો સાથે બુરખો પહેરીને એક સ્ત્રી બેઠી હતી.

બુરખો પહેરેલી મહિલાની નજર સરોજ પર પડી તો તેને લાગ્યું કે, તે તેને ઓળખી જશે. બુરખાવાળી મહિલાએ સરોજને પોતાની પાસે બોલાવીને બાજુની સીટ પર જગ્યા આપી દીધી. પછી પૂછ્યું, ‘તારું નામ સરોજ છે.’

સરોજે હામાં ડોકું હલાવ્યું તો એ સરોજને છાતી સરસી ચાંપી બેઠી. બુરખો હટાવતા જ તેણે સવાલોની લાઈન લગાવી દીધી, ‘સરોજ ઘણા વર્ષો પછી મળી છો. કેમ છો ? લગ્ન થઈ ગયા ? અંકલ-આંટી કેમ છે ?’

જોતા જ સરોજ પણ ઉછળી પડી, ‘રુબિયા, તું ?’

‘હા, સરજો…’ રુબિયાએ કહ્યું.

‘અરે તું અચાનક ક્યાં ગાયબ થઈ ગઈ હતી ? કોલેજ છોડી દીધી પછી તો કોઈ જગ્યાએ તું ન મળી.’

‘સરોજ મારા અબ્બુ હુલ્લ્ડમાં મરી ગયા તો અમે શહેર જ છોડી દીધું અને અંકલની પાસે સુરત ચાલ્યા ગયા. હવે તો અમ્મી પણ નથી રહી.’

‘રુબીયા, સાંભળીને ખૂબ દુ:ખ થયું. આ વીસ વર્ષમાં હું તને કોઈ દિવસ નથી ભૂલી. તારી યાદ રોજ આવતી રહે છે.’

‘તો હું પણ ક્યાં ભૂલી શકી છું સરોજ. તારો દીધેલો દુપટ્ટો હંમેશાં મારી સાથે રાખું છું.’

આટલું કહીને રુબિયાએ પોતાના નાના એવા બેગમાંથી લીલા કલરનો દુપટ્ટો કાઢ્યો અને હવામાં ફરકાવી દીધો. આ દુપટ્ટો વર્ષો પહેલા સરોજે રુબિયાને આપ્યો હતો. ખુશીના અતિરેકથી બંને નિ:શબ્દ થઈ ગયા. આત્મીયતાની એક સુગંધ દુપટ્ટામાંથી નીકળીને ટ્રેનના કમ્પાર્ટમેન્ટમાં ફરી વળી હતી.

બે-ચરિત્ર

શોભના મૃદુભાષી અને આકર્ષક વ્યક્તિત્વ ધરાવતી મહિલા હતી. રાજનીતિની સફળ ખેલાડી હતી. તેના ભાષણોમાં મહિલા અને બાળ વિકાસ એ પ્રમુખ મુદ્દો રહેતો હતો. એ મહિલાઓનો પક્ષ લેવા મુદ્દે અગ્ર હરોળમાં રહેતી હતી.

એક દિવસ તે પોતાની પુત્રવધુની સાથે ડોક્ટર બત્રાના ક્લિનીક પર પહોંચી. પુત્રવધુના ગર્ભની તપાસ કરાવી તો ખ્યાલ આવ્યો કે છોકરી છે. શોભનાએ ડોક્ટર બત્રાને પુત્રવધુનો ગર્ભપાત કરાવવાની વાત કરી, તો તેમને ખૂબ જ આશ્ચર્ય થયું. એમણે પૂછ્યું : ‘શોભનાજી, તમે તો મહિલા હિતોનો મજબૂતીથી પક્ષ લો છો. તો પછી પેટમાં રહેલું બાળક છોકરી હોવાથી ગર્ભપાત કરાવવા કેમ માગો છો ?’

શોભનાએ ઠહાકો લગાવતા કહ્યું, ‘ હવે છોડો ને ડોક્ટર સાહેબ, ભાષણની વાત તો અલગ છે. પોતાના ઘરનો હિસાબ તો જોવો પડે ને.’

ડોક્ટર બત્રા શોભનાના દ્રી-વ્યક્તિત્વને જોઈ હતભ્રત થઈ ગયા.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments