Homeસાહિત્યમુલાકાત: ‘ચા’ – ‘બુક’ સાથે પરમ દેસાઈ : ‘મારી વાંચન પદ્ધતિ જરા જુદી છે,...

મુલાકાત: ‘ચા’ – ‘બુક’ સાથે પરમ દેસાઈ : ‘મારી વાંચન પદ્ધતિ જરા જુદી છે, મારા મતે નવા લેખકોએ આ રીત અપનાવવી જોઈએ…’

Team Chabuk–Literature Desk: ગુજરાતી સાહિત્યમાં કિશોર સાહસકથા! આ વાક્ય ઉપર પણ આજે તો ધૂળ જામી ગઈ હોય એવું લાગે! આજથી ચાલીસ-પચાસ વરસ પહેલાં એક જમાનો હતો જ્યારે યશવન્ત મહેતા, હરીશ નાયક, શ્રીકાંત ત્રિવેદી, નવનીત સેવક જેવા મૂર્ધન્ય લેખકોએ બાળકિશોરો માટેના સાહિત્યનો – અને ખાસ તો સાહસકથાઓ-વિજ્ઞાનકથાઓનો ઢગલો કરી દીધેલો. એક વાંચે ત્યાં બીજી લખાય ને બીજી વાંચે ત્યાં વળી ત્રીજી આવીને ઊભી જ હોય. એ સુવર્ણકાળમાં જીવેલા બાળકો આજે તેમની પાકટ ઉંમરે આ બધું યાદ કરીને ચોક્કસ પોરસાતા હશે. આજે તો કિશોર સાહસકથા એ કઈ બલાનું નામ છે એય બાળકોને સમજાવવું પડે એવી નોબત આવી છે. આવા કપરા સમયે ડૉક્ટર આઈ.કે. વીજળીવાળાએ ‘હીરાનો ખજાનો’થી સાહસકથાઓનો નવો મોરચો ખોલ્યો અને લગભગ દર બે-ત્રણ વરસે સતત સાહસકથાઓ આપણને આપતા રહે છે. તેમના સિવાય સાવ જ દુષ્કાળ.

આવા સમયે ફરી એ જ જૂના જમાનાને નવાં સ્વરૂપમાં લાવવાની ખેવના સાથે બે યુવાનોમાં જબરો થનગનાટ છે. એ થનગનાટના પ્રતાપે આપણને ફરી યશવન્ત મહેતા અને હરીશ નાયકની યાદ અપાવતી કિશોર સાહસકથા ‘અજય-અમિત અને મિલનું ભૂત’ મળી છે. આપણી ભાષામાં પહેલી જ વાર આવું બન્યું છે કે કોઈ કિશોર સાહસકથા સંયુક્ત રીતે લખાઈ હોય. તેના લેખકો છે મયૂર ખાવડુ અને પરમ દેસાઈ. મયૂર ખાવડુ ઘણા સમયથી લખે છે, જાણીતા છે. તેઓ પાક્કા સાહિત્યના માણસ છે, પણ હજીયે દિલમાં કિશોર બેઠો છે. જ્યારે પરમ દેસાઈ અગાઉ બે પુસ્તકો ‘સ્પેક્ટર્નનો ખજાનો’ (કિશોર સાહસકથા) અને ‘રહસ્ય રંગ’ (લેખસંગ્રહ) દ્વારા સાહિત્યમાં પદાર્પણ કરી ચૂક્યા છે અને હજી પોતાને ઉગતા લેખક ગણાવે છે. આજે આપણે તેમની સાથે થોડી વાતો કરવાની છે.

1) પરમભાઈ, ‘મિલનું ભૂત’ લખવાનો વિચાર કેવી રીતે આવ્યો?

પરમ દેસાઈ: ‘મિલનું ભૂત’ના ઉદ્દભવનો સંપૂર્ણ શ્રેય મયૂરભાઈને જાય છે. સુરતથી પ્રકાશિત થતા ‘ગુજરાત ગાર્ડિયન’માં મારી કૉલમ ‘રહસ્યરંગ’ પૂરી કરીને હું નવરો થયો હતો. મયૂરભાઈ સાથે એ સમયે દેશપરદેશની સાહસકથાઓની લાંબી ચર્ચાઓ કરતો. ત્યાં એક દિવસ એમણે ઑફર મૂકીઃ મેં એક કિશોર સાહસકથાના છ પ્રકરણ લખ્યાં છે. આપણે વાર્તાકથનમાં જોડાઈ જઈએ તો? એકાએક જ એમને આવેલો આ વિચાર તદ્દન નવીન હતો. મેં ઑફર સ્વીકારી લીધી અને એ રીતે વાત આગળ ચાલી. આગળનાં પ્રકરણો મેં લખી ફરી એમને વાર્તા મોકલી. અંત અમે બંનેએ સાથે ઘડ્યો. વચ્ચે જે ઉમેરવાનું-કાઢવાનું લાગ્યું એ અમે બંનેએ અમારી રીતે કર્યું. આમ પણ ‘સ્પેક્ટર્ન..’ પછી મારે બીજું કંઈક લખવું હતું જ. ત્યાં આ સર્જન થઈ ગયું.

2) કિશોર સાહસકથાઓ લુપ્ત થતી જાય છે એવા સમયે પ્રવાહની વિરુદ્ધ દિશામાં જવાનો અનુભવ જણાવો

પરમ દેસાઈ: (હસીને) હજી તો ક્યાં અનુભવ મેળવ્યો જ છે? આ તો પાશેરામાં પહેલી પૂણી છે. હજી તો ઘણું ખેડાણ કરવાનું છે. પ્રવાહની વિરુદ્ધ જવામાં જ મજા છે ને ! હું અંગત રીતે એમ માનું છું કે તમામ સાહિત્ય પ્રકારોનું સર્જન સમતુલિત રહેવું જોઈએ. પ્રેમકથાઓ આવતી હોય તો સાથે સાથે રહસ્યકથાઓ પણ એટલી જ આવવી જોઈએ. તો જ વાંચકોને વૈવિધ્ય મળે. આજે આ સમતુલા ખોરવાઈ છે. લેખકો અમુક જ રચના પ્રકારો લખ્યા કરે છે. એને કારણે ઘણા સારા સાહિત્ય પ્રકારો પડદા પાછળ ધકેલાઈ ગયા છે. કિશોરકથાઓ એમાંનો જ એક પ્રકાર છે. એ સાવ જ લુપ્ત ન થઈ જાય તે માટે એને જીવતો રાખવો જરૂરી છે. સારું સાહિત્યસર્જન થશે તો ચોક્કસ કિશોર વાચકો આકર્ષાશે.

3) તમને કયા કિશોર સાહિત્યકારોએ પ્રેરણા આપી ?

પરમ દેસાઈ: યશવન્ત મહેતા, હરીશ નાયક, નવનીત સેવક, શ્રીકાંત ત્રિવેદી. આ બધા જ લેખકોએ એટલી સરસ સાહસકથાઓ આપણને આપી છે કે આપણે એમની જોઈએ એવી કદર ન કરી શક્યા. આ લેખકોનાં હાલ મોટા ભાગના અપ્રાપ્ય પુસ્તકો મેં રાજકોટ અને અમદાવાદની રવિવારી (ગુજરી) બજારોમાંથી અને જૂના પુસ્તકોના વિક્રેતાઓ પાસેથી એકઠાં કર્યાં. વાંચ્યા. ચિંતન-મનન કર્યું. સાહસકથા કેમ લખાય એની ઝીણવટભરી સમજ હજુય મેળવી રહ્યો છે. આ લેખકો પરોક્ષ રીતે ગુરુઓ છે. કિશોરો માટેની જે ઉપયુક્ત ભાષા છે એ આ લેખકોએ શીખવાડી છે. એમનો કાયમનો ઋણી રહીશ.

4) અજય-અમિત પાત્રો આજના કિશોરો સાથે કેટલાં પ્રસ્તુત છે ?

પરમ દેસાઈ: મયૂરભાઈએ શરૂઆતથી જ એમ વિચારેલું કે આપણે પાત્રોના હાથમાં મોબાઈલ નામનું ભૂત પકડાવવું જ નથી. જૂના વખતમાં બાળકો જે રીતે રખડપટ્ટી કરતા ને સાહસો કરતા એ જ રીતે એમને સાહસો કરાવવા છે. ડિજિટલને બદલે દિમાગનો ઉપયોગ કરાવવો છે. એમની રીતે તો એ સાચા જ છે. છોકરાંઓ મોબાઈલનું વળગણ ઓછું કરીને કુદરતના ખોળે મહાલે એનાથી રૂડું બીજું કંઈ ન હોય. પણ સામે એય જરૂરી છે કે તેઓ ક્યારેક મુસીબતમાં ફસાય તો મોબાઈલનો ઉપયોગ કરીને એમાંથી બહાર આવી શકે. ટેક્નોલોજીનો આ પ્રકારનો ઉપયોગ ભવિષ્યમાં અમે અજય-અમિત પાસે કરાવીશું જ, જેથી આજનાં કિશોરો સાથે તેઓ સરળતાથી કનેક્ટ થઈ શકે.

param desai

5) તમારી લખવાની પ્રવૃત્તિ અંગે જણાવો

પરમ દેસાઈ: લખવામાં તો હું બહુ જ આળસુ છું. કારણ કે અત્યારે સતત મારી વાંચનપ્રક્રિયા ચાલુ છે. મારો વાંચન શોખ મોડો ખીલ્યો. એને કારણે ઘણાં બધાં પુસ્તકો વાંચવાના બાકી રહી ગયાં. હવે એ પુસ્તકો અકરાંતિયાની જેમ વાંચવાનું ચાલુ છે. એને લીધે લેખન પ્રવૃત્તિમાં બહુ સમય નથી આપી શકાતો. પણ થોડું થોડું કરીને પણ લખું છું જરૂર. પણ લખવું બહુ દુષ્કર કામ છે. તમને થકવી દે. એમાંય કિશોર સાહિત્ય લખવું તો પરસેવો લાવી દે. હકીકતે સહેલું લખવું અઘરું છે એવી વાત છે.

6) તમારી વાંચન પદ્ધતિ કેવી ? બીજા કયા સાહિત્ય પ્રકારો ખેડવા માગો છો ?

પરમ દેસાઈ: મારી વાંચન પદ્ધતિ જરા જુદી છે. હું વાંચનમાં બહુ જ ધીમો છું. કારણ કે મને ધ્યાનથી વાક્ય રચનાઓ સમજવાની અને નવા શબ્દો મળે એને મમળાવવાની આદત છે. મારા મતે નવા લેખકોએ આ રીત અપનાવવી જોઈએ. ખરેખર તો આજના મોટાભાગના નવોદિત લેખકોમાં પૂરતાં વાંચનનો અભાવ છે. એને કારણે કૃતિઓમાં કચાશ રહી જાય છે. આજે આપણે ઓલ્ડ ઈઝ ગોલ્ડ જૂના લેખકોને નથી ભૂલી શકતા એનું કારણ શું ? એ જ કે એ લોકો એક તાલીમબદ્ધ રીતનું લેખન કરતા, જે આ જમાનાના લેખકોમાં નથી દેખાતું. મારા સહિતના નવોદિતોએ જૂના લેખકોને જ ગુરુ બનાવવા અનિવાર્ય છે. ભવિષ્યની વાત કરું તો સસ્પેન્સ-થ્રિલર, કૉમેડી અને હોરર મારા ગમતા પ્રકારો છે. કિશોર સાહિત્યની સાથે આ રચના પ્રકારો પણ સતત વાંચું છું. જો લખી શકાશે તો આ પ્રકારોમાં લખવાની ઈચ્છા છે.

ajay-amit

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments