Homeતાપણુંસુરતનું ડર્ટી પોલિટિક્સઃ કુંભાણીએ કોંગ્રેસનું કરી નાખ્યું ! બદલો લેવા માટે જનતા...

સુરતનું ડર્ટી પોલિટિક્સઃ કુંભાણીએ કોંગ્રેસનું કરી નાખ્યું ! બદલો લેવા માટે જનતા સાથે દ્રોહ કર્યો ?

Team Chabuk-Political Desk: સુરત લોકસભા ચૂંટણીમાં હાઈ વૉલ્ટેજ ડ્રામા સર્જનાર કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીએ કોંગ્રેસને 440 વોલ્ટનો ઝટકો આપ્યો છે. છેલ્લા 22 દિવસથી નિલેશ કુંભાણી ગુમ હતા. શુક્રવારે મોડી સાંજે અચાનક નિલેશ કુંભાણી અચાનક સામે મીડિયા સમક્ષ પ્રગટ થયા અને જે ધડાકા કર્યા તેનાથી સૌ કોઈ ચોંકી ગયા.
પહેલા તો તેમણે કોંગ્રેસ પર આક્ષેપ કરતા કહ્યું હતું કે, મેં નહીં કોંગ્રેસે મારી સાથે ગદ્દારી કરી છે. આ સાથે જ તેમણે સ્પષ્ટતા કરી કે, ભાજપ સાથે કંઈ લેવા-દેવા નથી.

નિલેશ કુંભાણીએ જણાવ્યું હતું કે, મેં કોંગ્રેસ સાથે ગદ્દારી કરી નથી. કોઈ માઈનો લાલ પેદા નથી થયો જે મને મારી શકે. કોંગ્રેસના સુરતના 5 નેતાઓના કારણે મેં આ કર્યું છે. મારા ટેકેદારો કોંગ્રેસના કાર્યકર્તાઓ છે. હું અને મારા ટેકેદારો એક સાથે છીએ. કોંગ્રેસે વિરોધ કરવાનું શરૂ કર્યું એટલે. કોંગ્રેસના નેતાઓએ 2017માં મારી સાથે બદલો લીધો એટલે મેં આ પરિવાર સાથે બદલો લીધો છે. મારા ટેકેદારો અને કાર્યકર્તાઓએ બદલો લીધો અને હું પણ તેમાં સાથે છું.

kumbhani

જો કે, અહી સવાલ એ છે કે, કોંગ્રેસ કોણ ? એ પાંચ નેતા જેના નામ લીધા વગર કુંભાણી આકરા પાણીએ છે ? કે પછી એ જે જેમણે કુંભાણી પર વિશ્વાસ કરીને લોકસભાની ટિકિટ આપી જનતા વતી સંસદમાં મોકલવાનું વિચાર્યું ? શું પાંચ નેતા સાથે બદલો લેવા કુંભાણીએ લોકશાહીનું ખૂન કર્યું ? કારણ કે, કુંભાણીના આ નિર્ણયના કારણે જ તો આખરે જનતા મતદાન ન કરી શકી.

હું પિટિશન કરવા હાઇકોર્ટમાં ગયો હતો પણ કોંગ્રેસે મારા ઘરે વિરોધ કર્યો એટલે હું ગાયબ થયો હતો. અત્યારે હું કોંગ્રેસ સાથે નથી. હવે રાજકારણમાં રહેવું કે ન રહેવું તે બાબતે મારા હિતેચ્છુ સાથે ચર્ચા કરીશું. ટેકેદારોનું અપહરણ થયુ ન હતું.

જો કે, આ નિવેદનમાં પણ ગોળ ગોળ વાતો હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે જો કુંભાણીનો પ્લાન પહેલાથી જ કોંગ્રેસ સાથે બદલો લેવાનો હતો તો પિટિશનમાં કુંભાણી શું ઉલ્લેખ કરવાના હતા ? હાઈકોર્ટને કુંભાણી સત્ય કહેવાના હતા કે મે બદલો લીધો છે ? કે પછી ટેકેદારોના નામે ખોટી પિટિશન દાખલ કરવાના હતા ?

આટલું જ નહીં કુંભાણીએ કોંગ્રેસ માટે સારી સારી વાતો પણ કરી. તેમણે કહ્યું કે, ચૂંટણી સમયે મારા નિવેદનથી કોંગ્રેસને કોઈ નુકસાન ન થાય એટલા માટે હું ચૂપ હતો. એટલે કે, કુંભાણી જ સૌથી મોટું નુકસાન કરી અને નુકસાન ન થાય તેવવી વાતો કરી રહ્યા છે.

તેમણે વધુમાં કહ્યું કે, પરેશ ધાનાણી, શક્તિસિંહ ગોહિલની મર્યાદા નડતી હતી. એટલા માટે નિવેદન આપવા ચૂંટણી પતે પછી મારે હાજર થવું હતું. મારા નિવદેનથી કોંગ્રેસને કોઈ નુકસાન ન જાય. કોંગ્રેસે 2017માં કહી દીધું હતું કે, ટિકિટ તમારી જ છે. મહેનત કરો. મેં ખર્ચો કર્યો, મહેનત કરી, ભાજપમાંથી આવેલાને મારું મેન્ડેડ આપી દીધું હતું. ટિકિટ મને મફત નહોતી આપી. જે તે પ્રમુખ હતા તેના દ્વારા ટિકિટ લીધી હતી. ત્યારબાદ ઉપરથી રૂપિયા આપ્યા તો એમણે ટિકિટ આપી દીધી. પછી ટીવીમાં સમાચાર આવ્યા કે મેન્ડેડ બીજાને આપ્યું છે.

મે પ્રમુખને કહ્યું હતું કે, ટિકિટ કોને આપી છે. તેમણે કહ્યું મેન્ડેડ મળી ગયું હોય તો ફોર્મ ભરો. સામાન્ય જનતા, પાર્ટી મારી સાથે હતી. 20 હજાર લોકોને લઇને હું ફોર્મ ભરવા ગયો હતો. ત્યારે કલેક્ટર ઓફિસે પહોંચ્યા ત્યારે મને કહ્યું કે, તમે પાછાવળો. મારી સાથે જનતા જોડાયેલી હતી. કાર્યકરો હતા. ત્યારે પાર્ટીએ ગદ્દારી નહોતી કરી. અત્યારે ગદ્દારી ગદ્દારીની વાતો કરે છે. હું ચૂપ બેઠો હતો. સમાન્ય જનતા પણ જાણે છે. કોંગ્રેસ કાર્યલય 24 કલાક ખુલ્લુ રાખ્યું છે. અહીં કોંગ્રેસના કોર્પોરેટર નહોતા. કોંગ્રેસના પ્રમુખે પણ રાજીનામું આપી દીધું હતું.

નિલેશ કુંભાણીએ વધુમાં જણાવ્યું હતું કે, જ્યારે કોરોના આવ્યો ત્યારે કોંગ્રેસને ઉજળી રાખવા માટે મેં કોંગ્રેસના નામે આઇસોલેટેડ વોર્ડ ખોલ્યો હતો. રસોડું કોંગ્રેસના નામે 24 કલાક ખોલ્યું હતું. ગામડે કોઈને જવું હોય અથવા પરપ્રાંતિય કોઈ અટવાયા હોય તો કોંગ્રેસે એક નંબર મુક્યો હતો. ત્યારે મને ફોન આવતો હતો કે આ સરનામાં પર તમે જઈ આવો. આમને કીટ આપો, આમને રૂપિયા આપો, આને ટ્રેનની વ્યવસ્થા કરી દો, કોઈને સૌરાષ્ટ્રમાં જવાનું હોય ત્યારે બસની વ્યવસ્થા હું કરતો હતો તે કોંગ્રેસના નામે હતું.

કોંગ્રેસમાં જે 5 લોકો છે, જે વિરોધ કરવાવાળા છે. એ ચૂંટણી સમયે વિરોધ કરશે. અમુક કોંગ્રેસમાંથી રાજીનામું આપીને આપમાં જતા રહ્યા હતા તે અત્યારે વિરોધ કરવા નીકળશે. આમ આદમી પાર્ટીમાંથી ટિકિટ ના આપી ત્યારે કોંગ્રેસમાં ટિકિટ લેવા માટે અને કોંગ્રેસમાં ભળવા માટે વિરોધ કરે છે. અહીંના જે વિરોધ કરે છે તે લોકો કામ નહોતા કરતા. જ્યારે કોંગ્રેસને ઊભી રાખવા 24 કલાક સરદાર ફાર્મ ખુલ્લુ રાખી કામ કરતો હતો.

કોંગ્રેસવાળા ગદ્દારી ગદ્દારી કરે છે. કોંગ્રેસે પહેલાં ગદ્દારી મારી સાથે કરી. 2017માં ટિકિટ આપી હતી. ટિકિટ આપ્યા પછી ટિકિટ છેલ્લી ઘડીએ કાપી નાખી. અત્યારે આ કોંગ્રેસ માટે કરવાનું નહોતું. પણ મારા કાર્યકર્તા, ટેકેદારો, હોદેદારો, ઓફિસનો સ્ટાફ છે એ નારાજ હતા કે એકપણ વોર્ડ પ્રમુખ બનાવે તો બહારનાને બનાવે. વોર્ડ પ્રમુખ કામ કરે નહીં ને બીજા પાસે કામ કરાવે. અહીના કાર્યકર્તાઓને કામ કરવું હતું, પણ અહીંયા બની બેઠલા 5 નેતાઓને કામ કરવું નથી અને કામ કરવા દેવું નથી. આપના નેતાઓ કે કાર્યકર્તાઓ મારી સાથે કામ કરતા હોય કે અહીંના કોર્પોરેટર મારી સાથે કામ કરતા હોય તો એમનો વિરોધ કરે કે એને શું કરવા સાથે રાખો છો. એમના ફોટા કેમ રાખો છો. અમારા ફોટા કેમ નથી રાખતા. અમને કેમ સાથે નથી રાખતા. હોદ્દેદારો છે એના કાયદેસર ફોટા રાખીએ છીએ. આપણે 2700 મત મળ્યા હોય અને જેને 50,000 મત મળ્યા હોય એને આપણે સાથે રાખવા પડે. ઈન્ડિયા ગઢબંધન છે. એટલે આપણે આમ આદમી પાર્ટીને સાથે રાખવી પડે એ સમજાવતા હતા. આમને તો ડોર ટુ ડોર જવું નથી ને વિરોધ કરે છે.

કોંગ્રેસે સસ્પેન્ડ કરવા અંગે જણાવ્યું હતું કે, 2017માં મારી ટિકિટ કાપી હતી. ત્યારે મેં કોંગ્રેસ વિરૂદ્ધ એક પણ નિવેદન આપ્યું ન હતું. ત્યારે આ કોંગ્રેસને જ મને કહ્યું હતું કે, તમે રાત્રે આવો, હું સવારે નીકળીશ. બાબુ માંગુકિયા સાથે વાત થઈ હતી અને હજી તો કરજણ પહોંચ્યો હતો. ત્યાં જ મારા ઘરે વિરોધ કરાવવામાં આવ્યો હતો. મેં મારા ટેકેદારો અને કાર્યકરો અને સમર્થકોને સમજાવ્યા કઈ કરવાનું નથી. કોંગ્રેસ આપણી સાથે છે. કરજણ ન પહોંચ્યો ત્યાં મારા ઘરે વિરોધ કરાવવામાં આવ્યો. મેં ચૂંટણી સુધી રાહ જોઈ એમ કે મારા નિવેદનથી કોંગ્રેસને નુકસાન ન જવું જોઈએ. હું ભાજપ કે આપ સાથે ન હતો. મારો ભાજપમાં કોઈ સાથે કોન્ટેક નથી થયો કે ના આમ આદમી પાર્ટી સાથે રહ્યો હતો. હું મારી ગાડીમાં જ કલેકટર કચેરી આવ્યો હતો અને ત્યાંથી મારી ગાડીમાં જ કલેકટર કચેરીએથી નીકળ્યો હતો. હું કોઈ ભાજપ વાળાની ગાડીમાં ન હતો.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments