Homeસિનેમાવાદઅંતે સ્ટીવન સ્પીલબર્ગે ફિલ્મની ડિગ્રી તો લીધી પણ ફાઇનલ પેપરમાં પોતાની જ...

અંતે સ્ટીવન સ્પીલબર્ગે ફિલ્મની ડિગ્રી તો લીધી પણ ફાઇનલ પેપરમાં પોતાની જ સૌથી સર્વશ્રેષ્ઠ ફિલ્મ સબમિટ કરી, જાણો છો એ કઈ ફિલ્મ?

Team Chabuk – Entertainment Desk : સ્ટીવન સ્પીલબર્ગ વિષે એવું ચોખ્ખા શબ્દોમાં કહી શકાય કે આ મહામાનવની અંદર ફિલ્મમેકર બનવાના લક્ષણો તેના માતા અને પિતાના કારણે આવ્યા. માતા પીઆનિસ્ટ હતી એટલે ત્યાંથી આર્ટ્સ મળ્યું અને પિતા ઈલેક્ટ્રિક એન્જિનિયર એટલે ત્યાંથી સાયન્સ મળ્યું. અને એટલે જ બાર વર્ષની કિશોરવયમાં તેણે પ્રથમ ફિલ્મ બનાવવાનું પરાક્રમ કર્યું. આ સાહસને કંઈ ઓલ ટાઇમ ગ્રેટ ફિલ્મ ન કહી શકાય, પણ તેને કશુંક બનાવવાનું ભૂત વળગ્યું હતું. પોતાનો કેમેરો તૂટી ગયેલો એટલે પિતાના કૅમેરાની સહાયતાથી એણે ફિલ્મ બનાવી. એ વેસ્ટર્ન ફિલ્મ હતી. વેસ્ટર્ન ફિલ્મ એટલે ક્લિન્ટ ઈસ્ટવૂડની The Good, the Bad and the Ugly. બાકી ઇન્ટરનેટ પર સર્ચ કરીને વેસ્ટર્ન ફિલ્મોનાં ઇતિહાસ વિષે જાણી શકવા તમે સ્વતંત્ર છો. શોલે પણ ભારતીય સ્વાંગમાં રહેલી વેસ્ટર્ન ફિલ્મ જ કહી શકાય.

સ્પીલબર્ગ વિષે એક વાત મોટીવેશન તરીકે વણાય ગઈ છે કે એમને ફિલ્મના અભ્યાસ માટે શાળામાં પસંદ કરવામાં નહોતા આવ્યા. આ વાત એક રીતે ખરી પણ ફક્ત આ વાતની જ ચ્યુંગમ ન ચાવવી. યુનિવર્સિટી ઓફ સાઉથર્ન કેલિફોર્નિયા નામક ફિલ્મનું પ્રશિક્ષણ આપતી સંસ્થા માટે એમણે સતત ત્રણ વખત એપ્લાઇ કરેલું પણ ખાલી હાથે પાછા ફરવું પડ્યું. અંતે કેલિફોર્નિયા સ્ટેટ યુનિવર્સિટીમાં એડમિશન માટે એપ્લાઇ કરતાં એમનો ગજ વાગી ગયો. અહીં એ ડિગ્રી કેવી રીતે પૂર્ણ કરે છે એ આગળ જતાં વાત કરીશું.

steven spielberg

1994માં યુનિવર્સિટી ઓફ સાઉથર્ન કેલિફોર્નિયાએ ફિલ્મ ક્ષેત્રે તેમના યોગદાન બદલ ડૉક્ટરેટની માનદ ડિગ્રી આપી. જ્યાંથી તેઓ સિલેક્ટ નહોતા થઈ શક્યા. એ જ યુનિવર્સિટીના બાદમાં તેઓ ટ્રસ્ટી પણ બન્યા. મજાકમાં તેમણે કહેલું, “I eventually had to buy my way in.”

ધ શ્યુગરલેન્ડ એક્સપ્રેસ એમની પ્રથમ ફિલ્મ. એને તો સ્પીલબર્ગની શ્રેષ્ઠતમ્ ફિલ્મોના જુવાળ વચ્ચે કોઈ યાદ નથી કરતું. હવે સ્પિલબર્ગની ઉંમર સત્તાવીસ વર્ષની થઈ. યુનિવર્સલ પિક્ચર્સ એક ફિલ્મ બનાવી રહી હતી. પ્રોડક્શનનો ધ્યેય દર્શકગણને ડરાવી પૈસા કમાઈ લેવાનો હતો. એમણે સ્પીલબર્ગના નામ પર મહોર મારી. પટકથા આટોપાઈ નહોતી, પણ વિષય દમદાર હતો. સ્પીલબર્ગની સાથે સહ લેખક તરીકે કાર્લ ગોટિલેબ હતા. એમણે ફિલ્મનું શૂટિંગ જેમ જેમ આગળ ધપે તેમ તેમ પટકથા પણ લખવાનું શરૂ કર્યું. આ અદ્દલ એવું હતું જેવું તિગ્માંશુ ધૂલિયાએ ફિલ્મ હાંસિલમાં કરેલું. હાંસિલના સંવાદો અભિનેતાઓ માગે ત્યારે દિગ્દર્શકશ્રી તેને શૂટિંગ લોકેશન પર લખતા જોવા મળતા. એ ક્લાસિક મોન્સ્ટર ફિલ્મનું નામ ‘Jaw’.
Jawમાં એક શાર્ક છે. એ શાર્ક દરિયા કિનારે મજા મસ્તી કરતાં લોકો પર પોતાનો આતંક વર્તાવે છે. તેના શિકાર માટેની જે પળોજણ કરવાની છે એ પ્રકારનું કથાવસ્તુ આ ફિલ્મમાં હતું. ફિલ્મ જોનારાઓને ખ્યાલ જ હશે કે તેમાં અત્યારે જેનો સખત પ્રમાણમાં ઉપયોગ થાય છે તે વીએફએક્સ કે ગ્રાફિકનો ઉપયોગ નહોતો કરવામાં આવ્યો. એકદમ સાચો સમંદર. એ સમંદરમાં તરે એક શાર્ક. જોકે મહાકાય દેખાતી એ શાર્ક બનાવટી હતી. ખારા પાણીમાં બનાવેલું આ રમકડું ડૂબાડીએ તો તરે કે ડૂબે તેનો કોઈ પૂર્વાભ્યાસ નહોતો કરવામાં આવ્યો. પરિણામે જ્યારે શાર્કને શૂટિંગ માટે લાવ્યા એ ભેગી ખારા પાણીની તેને એલર્જી થઈ અને તે સહન ન કરી શકી. સ્પીલબર્ગના વકીલનું નામ બ્રૂસ હતું. એના પરથી આ શાર્કનું નામ ફિલ્મ સાથે સંકળાયેલા તમામ લોકોએ બ્રૂસ પાડી દીધેલું. સ્પીલબર્ગ આ બનાવટી શાર્ક માટે વારંવાર એક વાક્ય પ્રયોજતા હતા: “The great white turd.” છેલ્લા શબ્દનો અર્થ થાય છે, પ્રાણીનું મળમૂત્ર.

મધ દરિયે જ્યારે શૂટિંગ થતું ત્યારે કોઈ જહાજ જો આવી ચડે તો મહામહેનતે તૈયાર કરવામાં આવેલું પેલું દૃશ્ય જાય ઊંડા પાણીમાં! પાણીની વચ્ચે મહેનત પર પાણી ફરી વળે! પાછું વોઇસમાં પણ એવું. જહાજ પોતાનું વૉલ્યુમ ઊંચું કરે એટલે કલાકારોનો અવાજ દબાય જાય. ફરી રિ-ટેક લેવાની ગધ્ધામજૂરી. ફિલ્મ સાથે સંકળાયેલી અને સ્પીલબર્ગની મુસીબતમાં વધારો કરી દેનારી બીજી એક વાત કે, ફિલ્મમાં જે બોટનો ઉપયોગ કરવામાં આવ્યો છે તેમાં શૂટિંગ વચ્ચે કાણું પડેલું અને બદલાવવી પડેલી.

આ સ્થિતિમાં સ્પીલબર્ગે Jawનું શૂટિંગ પાર પાડ્યું અને તેને ક્લાસિક બનાવી દીધી. એ પછી તો Jaw ફિલ્મનાં ઘણાં ભાગ આવ્યા, પણ તેમાં સ્પીલબર્ગ નહીં ને! એટલે ક્યાંથી લાવવો પેલો જાદુઈ સ્પર્શ? થયું એવું કે બાકીની ફિલ્મો નિષ્ફળ નીવડતી ગઈ. આ તો એવું હતું કે સ્પીલબર્ગ જે વસ્તુ પર હાથ રાખે તે સુવર્ણ બની જતી.

હવે આ ફિલ્મના એક દૃશ્યને યાદ કરીએ ત્યાંથી આપણે સ્પીલબર્ગની એક બીજી રસપ્રદ વાત તરફ જઈશું. Richard Dreyfuss જે Jaw ફિલ્મમાં હૂપરનું પાત્ર ભજવી રહ્યો છે, એ શાર્કને મારે છે. જ્યારે શાર્કના કટકા થાય છે ત્યારે તેના શરીરમાંથી એક પ્લેટ નીકળે છે. એ અમેરિકાના લૂસિયાનાની લાયસન્સ પ્લેટ છે. તેની ઉપર ત્રણ ડિજીટમાં આંકડા લખેલા છે. 007! શું કામ? 1970માં સ્ટીવન સ્પીલબર્ગને બોન્ડ ફિલ્મનું દિગ્દર્શન કરવાની ખૂબ ઇચ્છા હતી. એ ઇચ્છા ઇચ્છા બનીને રહી ગઈ, પણ એમનો બોન્ડ પ્રત્યેનો અપ્રતિમ અનુરાગ શાર્કના પેટમાંથી આ રીતે બહાર નીકળ્યો.

એમની ફિલ્મોમાં પ્રતીક તરીકે ‘કિશોર’નું જીવન તો હોય જ. ETને લઈ લો કે ગૂનીસને, કોઈ પણ ફિલ્મને. આ સર્જક પોતાના જીવનને ફિલ્મના માધ્યમથી વાસ્તવિકતા અને કપોળકલ્પના જ્યાં મેળ ખાઈ એ ચોગઠામાં મૂકે છે. એટલે એવું તો કહેવું જ નહીં કે સ્પીલબર્ગની ફિલ્મોમાં કલાનો ધરમૂળથી છેદ ઉડાવી દેવામાં આવ્યો છે. તોય કેટલાક વિવેચકોએ સ્પીલબર્ગની ફિલ્મોની ટ્રીટમેન્ટ જોઈ અને છોતરા કાઢી નાખતા શબ્દોનો તેમના વિરુદ્ધ પ્રયોગ કર્યો. સ્પીલબર્ગ પાસે ઉત્તર આપવા માટે ‘કલા ખાતર કલા’ પ્રકારની ફિલ્મો બનાવવી, એ સિવાય કશું નહોતું. 1986ની કલર પર્પલ, 1987ની એમ્પાયર ઓફ ધ સન અને 1993ની શિન્ડલર્સ લિસ્ટ દ્વારા એમણે એ સાબિત કરી બતાવ્યું.

જ્યોર્જ લૂકાસ અને સ્પીલબર્ગ પાક્કા ભાઈબંધ થાય છે. સ્પીલબર્ગ અને લૂકાસ કોઈ ફિલ્મ પૂરી કરીને અચૂક વેકેશન પર જાય. ઈ.સ 1977માં પણ તેઓ વેકેશન પર ગયેલા ત્યારે લૂકાસની કોઈ ફિલ્મનું કામ હજુ ચાલતું હતું જ્યારે સ્પીલબર્ગે ક્લોઝ એન્કાઉન્ટર ઓફ ધ થર્ડ કાઇન્ડનું પ્રોડક્શનકાર્ય પતાવેલું. વાતો થતી હતી ત્યારે લૂકાસે સ્પીલબર્ગને કહ્યું, “મારી પાસે એક વિચાર છે. એક માણસ જેના હાથમાં ચાબુક હોય. જે આર્કિયોલોજીસ્ટ હોય અને જે જગતની માયથોલોજીકલ વસ્તુઓ શોધતો હોય.” લૂકાસને સ્પીલબર્ગની બોન્ડ પ્રીતિ વિષે ખ્યાલ હતો. એણે ઉમેર્યું કે, “હું બોન્ડ કરતા પણ કશુંક વિશેષ લાવ્યો છું.”

ET ફિલ્મ વિશે અગાઉ એક શબ્દમાં યાદ અપાવી. ET ફિલ્મ તો વખણાઈ પણ તેનો એક શૉટ ફિલ્મ અભ્યાસુઓ અને ફિલ્મ સાથે સંકળાયેલા વિદ્વાનોમાં ચર્ચામાં રહ્યો. એ શૉટ નક્કી વીએફએક્સને આભારી હશે એવું તમે માનતા હશો, પણ નહીં. યાદ કરો એ દૃશ્ય, સાઇકલમાં આગળ બેઠેલો ET અને તેની પાછળ કિશોર નાયક સાઇકલ ચલાવી રહ્યો છે. સાઇકલ આકાશમાં ઊડે છે. ચંદ્ર દેખાય છે અને આસપાસ વનરાજી છે. આ દૃશ્યને શૉટ કરવા માટે સ્પીલબર્ગે ખાસ પ્રતીક્ષા કરેલી. નકશાઓ અને એસ્ટ્રોલોજીની મદદ લીધેલી. જ્યારે પૂર્ણ કળાએ ખીલેલો ચંદ્ર વૃક્ષોની ઉપર બરાબર બેઠક જમાવી ચૂક્યો હોય. સ્પીલબર્ગે શીખવાડ્યું કે કોઈ પણ કામ ધીરજથી થાય. ઉતાવળે આંબા થોડાં પાકે!

હવે તો અવતાર અને અવેન્જર્સ એન્ડગેમ વિશ્વની સર્વાધિક કમાણી કરનારી ફિલ્મોમાં ટોચ પર છે. એ તો લોકપ્રિયતાની દૃષ્ટીએ અને જે તે સમયે આવેલી ફિલ્મોની નૂતન પ્રોદ્યોગિકીના કારણે. પરંતુ સ્પીલબર્ગ આવું ઇતિહાસમાં ત્રણ વખત કરી ચૂક્યા છે. 1975ની Jaw, 1982ની ET અને 1993ની જુરાસિક પાર્ક.

ફિલ્મો જોતાં જોતાં આપણને માલૂમ થયું છે કે લેખક-દિગ્દર્શકની જોડી હોય, દિગ્દર્શક અને સિનેમેટોગ્રાફરની જોડી હોય, દિગ્દર્શક અને એડિટરની જોડી હોય. તેનાથી વિપરિત સ્પીલબર્ગનું રહ્યું છે. એમની જોડી મ્યૂઝિક કમ્પોઝર જ્હોન વિલિયમ્સ સાથે બની. વિલિયમ્સને સ્પીલબર્ગની 28 ફિલ્મોમાં સંગીત આપ્યું છે. ત્રણ ફિલ્મોએ ઓસ્કાર જીત્યો છે. 14 નોમિનેટ થઈ છે. ઓસ્કારથી યાદ આવ્યું કે 1993 એ સ્પીલબર્ગનું સર્વોત્તમ વર્ષ ગણાય. જુરાસિક પાર્ક પણ ત્યારે આવી અને શિન્ડલર્સ લિસ્ટ પણ. જુરાસિકે કમાણીના કીર્તિમાન તોડી નાખ્યા તો વળી શિન્ડલર્સ લિસ્ટે વિવેચકોના ગાલ પર થપ્પડ મારી 7 ઓસ્કાર જીત્યા. આમાં પણ પેલા સ્પીલબર્ગના પ્રિય જ્હોન વિલિયમ્સનભાઈ તો હાજર હતા જ.

આપણે થોડું કામ વધારે આવી જાય તો ઘેલા ઘેલા થઈ જઈએ. સ્પીલબર્ગ જ્યારે જુરાસિકનું એડિટિંગ કામ સંભાળી રહ્યા હતા એ સમયે જ શિન્ડલર્સ લિસ્ટનું શૂટિંગ પણ કરતાં હતાં. એ પોતે રૂઢિચુસ્ત યહુદી ફેમિલીના એટલે શિન્ડલર્સમાંથી જેટલી પણ કમાણી થઈ એ તેમણે સહોહ ફાઉન્ડેશનને દાનમાં આપી દીધી. 22 મિલિયન ડૉલરમાં ફિલ્મ બનેલી અને તેની કમાણી અધધ 322 મિલિયન થયેલી. સ્પીલબર્ગે એક રૂપિયો પણ પોતાના ખિસ્સામાં ન રાખ્યો.

હવે વાત પાછી ફિલ્મના ભણતરે આવીને અટકી જાય છે. 2009માં, 41 વર્ષ પછી એમણે ફિલ્મ પ્રશિક્ષણની ડિગ્રી પૂર્ણ કરી. જે તે સમયે તેઓ યુનિવર્સલ પિક્ચર સાથે કામ કરવા લાગેલા ત્યારે અભ્યાસ આટોપી નહોતા શક્યા. એમને ફાઇનલ પેપર આપવાનું હતું. આ ફાઈનલ પેપર શૉર્ટ ફિલ્મનું હતું પણ સ્પીલબર્ગે પોતાના અધ્યાપકને કહ્યું, “હું થો…ડી… લાંબી ફિલ્મ આપી શકું?”
પ્રોફેસર કહે: “જરૂરથી.”
અને સ્પીલબર્ગે શિન્ડલર્સ લિસ્ટ સબમિટ કરી દીધી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments