Team Chabuk-Special Desk: આજની વ્યસ્ત જિંદગી. કમરની સમસ્યા તો હવે સામાન્ય બની ગઈ છે. જીવન બેઠાડું થઈ ગયું છે. એકધારું બેસી બેસી કમરને મરણતોલ મારા આપ્યા રાખીએ છીએ. ઉપરથી સૂવાની પણ એવી જગ્યા કે જ્યાં કમરને જરાય સમતોલન ન મળે. તો શું કરવું? યોગાસનમાં એક આસન છે. અંગ્રેજીમાં એને કોબ્રા પોઝ કહેવાય પણ આપણે નામ આપ્યું છે ભુજંગાસન. ભુજંગનો અર્થ થાય એક કાળો સાપ. એટલે એને સર્પાસન પણ કહેવામાં આવે છે. જે શબ્દ યોગ અભ્યાસુઓમાં ઓછો ચલણમાં છે. હવે કોબ્રા અને ભુજંગ આ બંનેને સમજી જ ગયા હશો એટલે આગળ વધીએ.
જે લોકો કાયમ સૂર્યનમસ્કાર કરે છે તેમને ખ્યાલ છે કે સાતમાં નંબર પર જે આસન કરવામાં આવે તે ભુજંગાસન જ હોય છે. શરીરને લચીલું બનાવી નાખે. કમરની સમસ્યાને સ્વાહા કરી નાખે. શ્વાસની બીમારીને પાતાળલોકમાં ધકેલી દે. પણ આ બધું કાંઈ એક ઝાટકે ન થાય, યારા. ધીમેધીમે થાય. રોજ અભ્યાસ કરવો પડે શ્રીમાન.
તો સૌથી પહેલા જમીન પર પેટના ભાગે સૂઈ જાવ. રિપીટ…. કે સૂવાનું છે ઊંઘી નથી જવાનું. પગને એકદમ સીધા રાખો. પગ અને પગની પાનીઓને પણ એકસાથે રાખો. બંને હાથ બંને ખભાની બરાબર નીચે રાખો. બંને કોણીઓને શરીરની પાસે રાખો. લાંબો ઊંડો શ્વાસ ધીમેધીમે લેતાં લેતાં માથું, પછી ગરદન, પછી પેટના ભાગને આકાશની તરફ ઊંચા કરો. શરીરને ઉપર ઉઠાવતા બંને હાથનો ટેકો લઈ કમરને પાછળની તરફ લઈ જાવ. બંને ખભાઓ પર ભાર મૂકતા સંતુલન બનાવીને રાખો. આ લખેલું અઘરું લાગતું હોય તો હવે ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયાનો જમાનો છે. એક ક્લિક કરશો તો આ આસન તમારી આંખ સામે ફૂંફાડા મારતું ઊભું હશે.

હવે જે લોકોને શ્વાસ સંબંધી સમસ્યા છે તેમને આ આસન કરવાથી રાહત મળશે. થાક અને તણાવમાંથી મુક્તિ પ્રદાન થશે. પીઠ, ગરદન અને ખભાની સમસ્યામાંથી છૂટકારો પ્રાપ્ત થશે. કમરના ભાગને પાછળ ખેંચવાનો હોવાથી લચીલાપણું મળશે. સ્થૂળકાય લોકો માટે આ આસન રામબાણ ઈલાજ સમાન છે, કારણ કે શરીરની ચરબીને ઓગાળે છે. પાચનક્રિયા સારી થશે. કિડની અને ફેફસાને નરવા રાખશે. લોહીનો પ્રવાહ અટકી ગયો હશે તો વેગ મળશે. ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદેમંદ છે. જે મહિલાઓને પિરીયડ બરાબર ન આવતા હોય કે ચક્રના સમયમાં ફેરફાર થયો હોય તેમણે અચૂક કરવું.
હવે કોણે ન કરવું અને કઈ સમસ્યા હોય તો ન કરવું એનું જરા તપાસી લઈએ. હર્નિયાની બીમારી હોય એ લોકોએ આ આસનથી બાર ગાવનું અંતર રાખવું. પીઠમાં ઈજા પહોંચી હોય કે ફ્રેક્ચર થયું હોય એમણે પણ ન કરવું. કર્પલ ટર્નલ સિન્ડ્રોમમાં આ આસન ન કરવું જોઈએ. આ વળી શું? કર્પલ ટર્નલ સિન્ડ્રોમ એક એવી અવસ્થા છે જેમાં તમારા હાથની નસ દબાઈ ગઈ હોય, જેથી ભારે દુખાવો થાય. જો પેટનાં નીચેના ભાગમાં સર્જરી કરવામાં આવી હોય તો તો સદંતર દૂર રહેવું. કેમ કે આ આસનનું પ્રમુખ કાર્ય ખેંચવાનું છે. માથાનો દુખાવો હોય તો પણ ન કરવું અને કરતી વખતે ઉત્સાહમાં આવી જઈ એવું પ્રદર્શન તો બિલકુલ ન કરવું કે જેથી કમરને ઝાટકો આપી બેસો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત