Team Chabuk-Special Desk: 1944માં કલકત્તામાં બિક્રમ ચૌધરીનો જન્મ થયો. 1969માં તેણે યોગાઅભ્યાસ કરવાની શરુઆત કરી. 1971માં તેણે ભારત છોડ્યું અને અમેરિકાના કેલિફોર્નિયામાં વસવાટ શરૂ કર્યો. અહીં તેણે અમેરિકનોને યોગ શીખવવાની શરુઆત કરી. તેની જ બે વિદ્યાર્થિનીઓએ તેને યોગા સ્કૂલ સ્થાપી શકે એ માટે જમીન અપાવડાવી. જે લોસ એન્જલન્સમાં હતી. બિક્રમની અમેરિકામાં લોકપ્રિયતા ત્યારે વધી જ્યારે તેની પાસે યોગા શીખવા માટે અમેરિકાની સેલિબ્રિટીઓ આવવા લાગી.
બિક્રમ અમેરિકામાં મફતમાં યોગા ક્લાસિસ શીખવી રહ્યો હતો. તેની જ વિદ્યાર્થિનીએ તેનામાં લાલચ ભરતા કહ્યું કે અમેરિકામાં ભારતની જેમ કશું મફતમાં શીખવવાનું ન ચાલે. તારે પૈસા લેવા જોઈએ અને તેણે પાંચ ડૉલરની ફીથી શરૂઆત કરી. પરંતુ બધા પરંપરાગત યોગા શીખવતા હતા. બિક્રમને કશુંક નવું કરવું હતું. જેથી તે સ્થાપિત થઈ શકે અને કંપની એના નામ ઉપર જ ચાલે. એટલે તેણે બી.સી ઘોષે શીખવાડેલા 26 યોગા પ્રોશ્ચરને શીખવવાનું શરૂ કર્યું. નામ આપ્યું બિક્રમ યોગા. હવે જ્યારે બંગાળમાં ઘોષ સાહેબ શીખવતા ત્યારે પેલું 45 ડિગ્રી તાપમાનનું લટકણિયું તો નહીં જ હોય, એવું માનીએ!
થોડું બી.સી.ઘોષ વિષે જાણી લઈએ. બી.સી.ઘોષ એટલે કે બિષ્ણુ ઘોષ. પરમહંસ યોગાનંદના મોટાભાઈ. ઈન્ટરનેટ પર તેના ફોટોગ્રાફ સર્ચ કરી જોશો તો ખ્યાલ આવશે કે નેચરલ બોડી આને કહેવાય. યંગ બિક્રમ ચૌધરીની બોડીનું રહસ્ય પણ શિક્ષક ઘોષે આપેલી ટ્રેનિંગમાં જ છુપાયેલું છે. બિષ્ણુ ઘોષની પાસે ત્રણ વિદ્યાર્થીઓ હતા. ત્રણે ત્રણ યોગામાં તેજસ્વી. બુદ્ધ બોસ, ગૌરી શંકર મુખર્જી અને બિક્રમ ચૌધરી. બિક્રમને યોગાની પરંપરા શીખવવા માટે જાપાનમાં મોકલવામાં આવેલા પણ એ છેલ્લે અમેરિકા આવી ટપક્યા અને પોતાનું કારખાનું શરૂ કરી દીધું.
નેવું મિનિટના બિક્રમના ક્લાસિસ હોય. એમાં 26 યોગમુદ્રાઓનો પ્રાણાયમ સાથે સમાવેશ થઈ જાય. 24 આસન અને આરંભ અને પૂર્ણ થાય ત્યાં એક એક પ્રાણાયમ. કુલ આંકડો થયો છવ્વીસ. હવે પેલું 105 ફેરનહિટ જેને ભારતીય ભાષામાં કહેવાય 40થી 41 ડિગ્રી તાપમાનનું ગણિત સમજીએ. 1940-50ના ભારતમાં કોઈએ આવું ટેકનોલોજીકલી વિચાર્યું જ નહોતું. અમેરિકાનું વાતાવરણ ભારત જેવું નથી. આ યોગા ક્લાસિસની વિશેષતા એ હતી કે જે રૂમ તૈયાર કરવામાં આવ્યા હોય તેમાં અદ્દલ ભારતીય આબોહવાની અસર હોય. જેથી તેનો ફાયદો મળે. ભારતમાં તમારે આવા ટેમ્પરેચર રૂમમાં બિક્રમ યોગા કરવાની જરૂર નથી, કારણ કે આપણું તો વાતાવરણ જ એ પ્રકારનું છે. આ તો અમેરિકનો માટે છે. અને કેટલાક અમેરિકનોએ સ્વીકારી લીધું છે કે ભરચક તાપમાનમાં જ યોગા થાય. અને આ કારણે અમેરિકનોને ફાયદાની સાથે કેટલાક ગેરફાયદાઓ પણ થયા છે.
ફાયદાઓ તો સમજાય પણ ગેરફાયદા શું હતા? હવે જે વાતાવરણમાં આ યોગ કરવામાં આવે છે ત્યાં શરીરને અસર કરે છે. 40થી 41 ડિગ્રીમાં તે કંઈ યોગા હોય? 2013માં પ્રકાશિત થયેલા એક સંશોધન અનુસાર, રોસેકા, સાયકૉટિક એપિસોડ અને લૉ સોલ્ટ લેવલની સમસ્યા બિક્રમ યોગાથી થાય છે. કેમ કે શરીમાંથી બધું પ્રવાહી ભારે તાપમાનના કારણે વહી જાય છે. ચામડીને અસર કરે છે. ફાયદાઓ એવા છે કે એના પોશ્ચર એવી રીતે ડિઝાઈન કરવામાં આવ્યા છે કે લોઅર અને અપર બોડી મજબૂત બને છે.
બિક્રમે આ યોગા પર પોતાના કૉપીરાઈટ પણ લગાવ્યા છે. અહીંથી વિવાદની શરુઆત થઈ અને વિવાદ એટલા લાંબા ચાલ્યા કે યૌન શોષણ સુધી પહોંચી ગયા. પૂર્વ વકીલ મીનાક્ષી જાફાએ આરોપ લગાવ્યો કે બિક્રમે એને ખોટી રીતે સ્પર્શી. અમેરિકાની કોર્ટે બિક્રમને દોષિત કરાર દીધો અને 6 કરોડ રૂપિયાની ચૂકવણી કરવાનું કહ્યું. 6 અન્ય મહિલાઓએ પણ તેના પર બળાત્કાર અને યૌનશોષણની ફરિયાદ દાખલ કરી હતી. 2015માં તેની પત્ની રાજશ્રી ચૌધરીએ ડિવોર્સ ફાઈલ કર્યાં. એણે પ્રોપર્ટીમાં હિસ્સો માગ્યો. જે નાનો અમથો નહોતો. લોસ એન્જલસ, બેવર્લી હિલ્સ, હોનોલુલુ સહિતની મિલકતો માગી હતી.
પાંચ ડોલરથી બિક્રમે શરૂઆત કરી હતી અને એ પણ તેની વિદ્યાર્થિનીના કહેવાથી. આ વિદ્યાર્થિની બીજી કોઈ નહીં પણ મશહૂર અભિનેત્રી અને લેખિકા શિર્લી મેક્લેઈન હતી. જો શિર્લી તેની પાસે શીખવા ન ગઈ હોત તો બિક્રમ યોગા આટલા પોપ્યુલર ન બનત. ફૉર્બ્સ મેગેઝિને લખ્યું છે કે બિક્રમ હાલ દસ હજાર ડૉલર શીખવવાના જ્યારે 20 હજાર ડૉલર પ્રાઈવેટ યોગા ટ્યૂશનના લે છે. મેડોના, ડેમી મૂર, બિલ ક્લિંટનની દીકરી ચેલ્સી ક્લિન્ટન, અભિનેતા જ્યોર્જ ક્લૂની આ સિવાય હોલિવૂડ, રમતજગત અને પોલિટિક્સની અઢળક હસ્તીઓ તેની અનુયાયી છે. ડૉન્ટ બ્રિધ ફિલ્મ જોઈ હશે!? એમાં એક આંધળો પોતાના ઘરમાં ઘુસી આવેલા ત્રણ ચોરને પાઠ ભણાવે છે. અંધનો રોલ કરનારા અભિનેતાનું નામ સ્ટિફન લેંગ. એ પણ બિક્રમ યોગા કરે છે.

તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત