Team Chabuk-Special Desk: શરીર પર્વતની જેમ હોય એને કહેવાય પર્વતાસન. સૂર્ય નમસ્કારમાં આઠમાં નંબરનું આસન. પણ અહીં એ પર્વતાસનની વાત નથી કરી રહ્યા. જેની ખબર આગળ જતાં પડશે. આ આસન દ્વારા યોગકર્તા પર્વતની માફક સ્થિર અને ગંભીર હોવાનું શીખે છે. દેખાવમાં તો બિલકુલ સામાન્ય હોવા છતાં આ આસનના ફાયદા અનેક છે. પર્વતાસનને મુખ્ય રૂપે અષ્ટાંગ યોગાસનનું અંગ માનવામાં આવે છે. આસનને સુખાસનનું જ વેરિએશન ગણવામાં આવે છે. કોઈ પણ કરી શકતું હોવાના કારણે પ્રારંભિક આસનકર્તાઓ માટેનું આસન તેને ગણવામાં આવે. એક મિનિટથી પાંચ મિનિટ સુધી આ આસનનો અભ્યાસ કરી શકાય. જો હિન્દી અને ગુજરાતીમાં તેને પર્વતાસન કહેવામાં આવતું હોય તો અંગ્રેજીમાં તેના માટે માઉન્ટન પોઝ નામનો શબ્દ છે.
પર્વતાસનના કારણે શરીરમાં રક્તપ્રવાહ વધે છે. આખા શરીરનો વ્યાયામ હોવાના કારણે નખશીખ રૂધિર શરીરના એક એક અંગમાં વહે છે. જ્યારે રક્તસંચાર વધે છે ત્યારે શરીરના આંતરિક અંગોની કામ કરવાની પ્રણાલીમાં પણ વૃદ્ધિ થાય છે. કોરોનામાં ખૂબ ઓક્સિજન-ઓક્સિજન જોયું અને સાંભળ્યું. જો પર્વતાસન કરવામાં આવે તો ઓક્સિજનની પૂર્તિ પણ કરે છે.
કરોડરજ્જુને વ્યવસ્થિત કરવા માટે આ આસન હિતકારક છે. બને છે એવું કે આજની લાઈફ સ્ટાઈલ મુજબ વધારે પડતું ખુરશીમાં બેઠું રહેવાના કારણે કે બેઠાડું જીવશૈલીના કારણે શરીરના બાહ્યાંગોની સ્થિતિ બરાબર દેખાતી નથી. ક્યાંક કમર વળી ગઈ હોય તો ક્યાંક પેટ બહાર નીકળી ગયું હોય. શરીર જોતાં અદોદળું લાગે. જો રોજ પર્વતાસનનો અભ્યાસ કરવામાં આવે તો શરીરનો અંગ-વિન્યાસ દેખાવમાં પ્રભાવિત કરી જાય એવો બની જાય છે.
શરીરને લચીલું બનાવે પણ એ કરતાં વધારે ફાયદો એથી મળે છે કે અપર બોડી અને લોઅર બોડી બંનેને એકસમાંતર બનાવી નાખે છે. જેથી બંને વચ્ચે તાલમેલ સધાઈ જાય. શરીરમાંથી ટેન્શનને રિલીઝ કરે. ફ્લેક્સિબિલીટી બનાવે. હાથ, ખભા અને નિતંબનો ભાગ મજબૂત થાય. લાંબા સમય સુધી અભ્યાસ કરવામાં આવે તો શરીરના તમામ ભાગોમાં લચીલાપણું અને શક્તિ પ્રાપ્ત થાય છે. પેટની અંદરના તમામ અંગોને યોગ્ય રીતે મસાજ મળતી હોવાથી પાચનતંત્રની પ્રણાલી સુધરે છે. શરીરમાં પાચન માટે ઉપયોગી જરૂરી રસોનો સ્ત્રાવ થવા લાગે છે. મગજ શાંત રહે છે.
હવે આ આસન કરવું કઈ રીતે? દંડાસનમાં બેસી જાવ. એટલે કે પદ્માસનમાં. બંને હાથને પ્રણામની મુદ્રામાં રાખો. હવે ત્યાંથી ઊંડો શ્વાસ લેતાં લેતાં બંને હાથને નમસ્કારની મુદ્રામાં જ ઉપર ખેંચો. શક્ય હોય ત્યાં સુધી ખેંચાણ લાવો. શરીરનું એક એક અંગ ખેંચાતું હોય એવું અનુભવો. ત્રીસથી ચાલીસ સેકન્ડ સુધી રહો. હવે શ્વાસને ધીમે ધીમે છોડતા મુખ્ય સ્થિતિમાં આવી જાવ.
જો પર્વતાસન કરવાના હો તો એ પૂર્વે કરી શકાય એવા આસનોમાં અધોમુખ શવાસન અને ઉત્તનાસન છે. એના પછી શવાસન કરી શકાય. પર્વતાસનનો અભ્યાસ મોટાભાગે સવારમાં કરવામાં આવે છે, પરંતુ રાત્રે કે સંધ્યાટાણે કરવું હોય તો ભોજન ચારથી છ કલાક પહેલા લઈ લેવું જરૂરી છે. આસન કરતાં પૂર્વે પેટ એકદમ ખાલી હોવું જોઈએ. કેટલીક વખત આ આસન તો સાવ સરળ છે એવું માની બધી શક્તિ લગાવી દેતા હોઈએ છીએ. આમ કરવાથી શરીરને ઈજા પણ પહોંચી શકે. પર્વતાસન ભલે સરળ હોય પણ તેનો અભ્યાસ ધીમે ધીમે વધારો. જો એવું લાગે કે શરીરને બરાબર નથી લાગી રહ્યું તો છોડી દો. ક્યારેય ખભા અને ઘૂંટણ પર વધારે પડતું દબાણ ન નાંખો. એવું હોય તો વોર્મ અપ કરી લો અને પેટના સ્નાયુઓને એક્ટિવ કરી લો. એટલે શરીર આ આસન કરવા માટે તૈયાર થઈ જાય.

તાજેતાજો ઘાણવો
- IND vs ENG: લોર્ડ્સમાં ઇંગ્લેન્ડે ટેસ્ટ મેચ 22 રનથી જીતી, રવિંદ્ર જાડેજાની લડાયક ઇનિંગ્સ વ્યર્થ ગઈ
- આજે રાજ્યના આ 5 જિલ્લાઓમાં ભારે વરસાદને લઈ હવામાન વિભાગનું એલર્ટ
- ગુજરાતના તમામ રોડ રસ્તાઓ યુદ્ધના ધોરણે રિપેર કરવા મુખ્યમંત્રીએ આપ્યા આદેશ
- મોરબીમાં ભાજપનો ગઢ ગણાતા વિસ્તારમાં સુવિધા ન મળતાં લોકોએ કહ્યું- હવે વિસાવદરવાળી કરવી પડશે
- ગુજરાત પર એક સાથે 3 સિસ્ટમ સક્રિય થઈ, 6 દિવસ વરસાદ ભુક્કા બોલાવશે