Homeસાહિત્યતારક મહેતાને રિયલ જેઠાલાલ અને ટપુ ક્યાં મળી ગયા હતા?

તારક મહેતાને રિયલ જેઠાલાલ અને ટપુ ક્યાં મળી ગયા હતા?

તારક મહેતા જઈ રહ્યા હતા. રસ્તામાં તેમના એક સંબંધી તેમને મળી ગયા. હંમેશની માફક તેમણે સ્મિત કરવાની જગ્યાએ તારકને ઘઘલાવી નાખ્યા.

તારકે તેમને પૂછ્યું, ‘શું થયું ?’

‘તારા આ દિવસો આવી ગયા?’

‘હું સમજ્યો નહીં મુરબ્બી’

‘તારી પાસે લખવાનું ખૂંટી ગયું છે તે બાપદાદાના હાડપિંજર કાઢીને વેચવા બેઠો છે?’

તારક મહેતા સમજી ગયા કે એ એમની આત્મકથા એક્શન રિપ્લેની વાત કરી રહ્યા છે. આત્મકથાઓમાં આ માથાકૂટ તો રહેવાની જ છે. આત્મકથા એ કંઈ કોઈ સરકારની ભક્ત બનીને કરવામાં આવતી પ્રશસ્તિ થોડી છે. તેમાં તો સારા અને નરસા બધાના માથા વઢાય. અને માથા વઢાવાની અગ્રહરોળમાં પરિવારના લોકો જ રહેવાના. તારક મહેતાના સગા પણ એ કારણે જ હાથ ધોઈને પાછળ પડી ગયા હતા.

એમણે તો તારક મહેતાને ઉગ્ર થઈ કહી દીધું, ‘તારે તારાં પરાક્રમો લખવાં હોય તો લખ, કપડાં ઊંચાં કરીને મોરની પેઠે કળા કર, તને કોણ ના પાડે છે. પણ બિચારા વડવાઓને શીદને ફજેત કરે છે ? તારા બાપ કેટલા જેન્ટલમેન માણસ હતા અને તું એમનું વાટવા બેઠો છું?’

આ તારકે જે આત્મકથા જીવેતજીવ લખી તે લખવામાં પણ હિંમત જોઈએ. નર્મદને પણ ખ્યાલ હતો કે હું જીવતા જીવ મારી આત્મકથા પ્રકાશિત કરીશ તો ઓળખીતાઓ જ તૂટી પડશે. એક્શન રિપ્લે આત્મકથામાં પણ તારક મહેતાએ મણિલાલ નભુભાઈ દ્વિવેદીની આત્મકથા વિશે લખ્યું છે કે, એમની આત્મકથાના નવા સંસ્કરણમાં પણ એ વાતનો કટકો મારી દીધો હતો.

હવે આપ પૂછશો કે કઈ વાતનો ?

મુંબઈની એલ્ફિન્સ્ટન કોલેજની હોસ્ટેલમાં મણિલાલ રહેતા હતા. તેમણે મિત્રો સાથે મળી નવતર પ્રયોગ આદરેલો. એ વેશ્યા પાસે જતા હતા. એ પછી તેમના મિત્રો પણ એક એક કરીને એ જ વેશ્યા પાસે જતા હતા. વેશ્યા સાથે વાતો કર્યા પછી પરત આવી કેવો અનુભવ રહ્યો એ એકબીજા સામે વાગોળતા હતા. એ જેટલા મિત્રો હતા તે બાદમાં વિદ્રાન અને સાક્ષર બન્યા. આત્મકથામાં તેમના નામ છાપવાની હિંમત કોણ કરે ?

હવે તારક મહેતાની આત્મકથામાંથી હાસ્યલેખક બનવા તડપી રહેલા અને જેઓ નવોદિત હાસ્યલેખક છે, પણ તેમને પોતાનું લખાણ બીજા હાસ્યલેખકોની તુલનાએ નથી ગમતું તે વિશેની વાત કરીએ. વજુ કોટકે ચિત્રલેખાની સ્થાપના કરી. તેઓ રોમેન્ટીક નવલકથાની સાથે સાથે હાસ્ય પર પણ સારી એવી હથોટી ધરાવતા હતા. તેમણે શહેરમાં ફરતાં ફરતાં નામની કોલમ લખી હતી. જે કોલમ તારક મહેતાને પણ અનહદ ગમતી હતી. તેમને પણ અંતરમનથી એવી ઈચ્છા હતી કે હું પણ આવું કોઈ દિવસ લખું. તારકને ત્યારે ભાગ્યે જ ખ્યાલ હતો કે ભવિષ્યમાં તેઓ ચિત્રલેખામાં જ ગુજરાતી હાસ્ય સાહિત્યના ઈતિહાસની અને વજુ કોટક કરતાં પણ મોટી શ્રેણી આરંભવાના છે.

એ દિવસોમાં જ્યોતીન્દ્ર દવેને તેઓ પોતાના ગુરૂ માનતા હતા. એમની જેમ નિબંધ લખવાની ઈચ્છા હતી, પણ લખી નહોતા શકતા. આત્મકથામાં તેઓ નોંધે છે કે, એવા બધા નિબંધો લખવાનું મારું બિલકુલ ગજું નહોતું. તારક મહેતાએ આકાશવાણી પર જ્યોતીન્દ્ર દવેનો છેલ્લો ઈન્ટરવ્યૂ લીધો હતો. એ ઈન્ટરવ્યૂમાં જ્યોતીન્દ્ર દવેએ તારક મહેતાની પ્રશંસામાં કહેલું કે, ‘હું તમારા જેવા પાત્રોની કલ્પના નથી કરી શકતો.’

આ લાખ એકની વાત છે. સમજ્યા કે નહીં ? કોઈ હાસ્યલેખમાં સારા પાત્રોની કલ્પના કરી શકે છે. કોઈ સારા હાસ્યનિબંધો લખી શકે છે તો તેમના પાત્ર ઉપસતા નથી. કોઈ દર બીજી લીટીએ હ્યુમરની ચાબુક ફટકારી શકે છે. જેમ કે વિનોદ ભટ્ટ. તો કોઈ રમૂજી ટૂચકાઓ એક જ લેખમાં એક જ વિષયને આવરતા હોય તેવા કરી શકે છે. જેમ કે બકુલ ત્રિપાઠી અને શાહબુદ્દીન રાઠોડ.

બધાને થોડું થોડું મળે છે. એક જ વ્યક્તિમાં બધું નથી હોતું. તેને જે મળ્યું હોય તેમાં જ આગળ વધવાનું હોય છે. જો તે બીજા જેવો બનાવની કોશિશ કરે તો તેને જે મળ્યું છે તેમાંથી હાથ ધોઈ બેસે. આ તો કૌશલ્યનું અપમાન કર્યું કહેવાય. વાત એવી થઈ કે પોતાના પગમાં જ કુહાડો મારવો. તારક જો જ્યોતીન્દ્ર બનવા ગયા હોત તો કોઈ દિવસ બની જ ન શકેત અને જ્યોતીન્દ્ર પણ સાચા કે તમારા જેવા પાત્રોની કલ્પના હું નથી કરી શકતો. આજે જુઓ, તારક મહેતાએ રચેલા પાત્રો ઘર ઘરમાં લોકપ્રિય છે. આત્મકથામાંથી ચાબુકને તો આ મોટી વાત શીખવા મળી. તમે વાંચશો તો તમને પણ કંઈક નવું શીખવા મળી જશે.  

આકાશવાણીના ઈન્ટરવ્યૂમાં એ લાઈન રેકોર્ડિંગ દરમિયાન તો જ્યોતીન્દ્ર બોલ્યા જ હતા, પણ તારક મહેતાને એ થોડી વધારે લાગી ગઈ તો એમણે કપાવી નાખી. જ્યોતીન્દ્રએ બોલેલી એ લાઈન ભવિષ્યમાં તારક મહેતા માટે સત્ય સાબિત થઈ. હાસ્યમાં જ્યોતીન્દ્ર જીનિયસ હતા, છે અને રહેશે.  

શરૂઆતમાં શહેરમાં ફરતાં ફરતાં વાંચતા તારક મહેતા વજુ કોટકના પ્રભાવમાં રહેવા લાગ્યા હતા. વજુ કોટકનું નિધન થયું અને તારક મહેતાએ ચિત્રલેખા વાંચવાનું બંધ કરી દીધું. ચિત્રલેખા પછીથી મધુરીબહેન અને હરકિસન મહેતા સંભાળતા હતા. દુનિયાને ઊંધા ચશ્માનો એક શો પૂરો થયો અને તારક મહેતા જેમ કહે છે કે, ડિટેક્ટિવ જેવો ચહેરો ધરાવતા હરકિસન મહેતા મને મળ્યા અને ચિત્રલેખામાં લખવાનું આમંત્રણ પાઠવ્યું.

તારક એ કરવા નહોતા માગતા. તેમને નાટકમાં જ રચ્યાપચ્યા રહેવું હતું. તારક મહેતા આત્મકથામાં નાટક અને લેખન વિશેનો તફાવત જણાવતા કહે છે કે, નાટકમાં તાત્કાલિક દર્શકોનો રિસ્પોન્સ મળે. લોકો હસે કાં હુરિયો બોલાવે. લખવામાં એવી મજા નથી. રિસ્પોન્સ મળતો નથી. તારક એટલે જ સામાયિકો અને અખબારોમાં લખવાથી દૂર ભાગતા હતા.

હરકિસન મહેતા આખા બોલા માણસ હતા. તારકના નાટકો જોતા હતા. ભલે તેમણે લેખમાળા માટે ના પાડી દીધી હોય. કોઈ નાટક ન ગમે તો હરકિસન મહેતા તારકના મોઢા સામે કહી દેતા હતા કે, આવા બંડલ નાટકો શું કામે કરો છો ? આમ કહી તેઓ ચિત્રલેખામાં લેખ લખવા માટે આમંત્રણ પાઠવતા હતા.

આત્મકથા એક્શન રિપ્લે બોલે છે-1971ની સાલમાં હું લેખમાળા શરૂ કરવા તૈયાર થયો ત્યારે મેં કહ્યું, ‘હરકિસનભાઈ, લખવાની ઈચ્છા તો ઘણી છે પણ દર અઠવાડિયે લખવાનો મને કોન્ફિડન્સ નથી.’

‘તમે કેમ માની લીધું કે દર અઠવાડિયે તમારા લેખો છાપીશું ? એ તો વાચકો નક્કી કરશે. તમે એક કામ કરો. ચાર પાંચ લેખ લખીને આપો. આપણે એ છાપીએ. વાચકોનો રિસ્પોન્સ જોઈએ પછી નક્કી કરીએ કે શું કરવું?’  

તારકદાદા તો ઊંધેમાથ લખતા ગયા. પણ મજા નહોતી આવતી. તેઓ પાત્રો ઘડવામાં માસ્ટમાઈન્ડ, પણ જોઈએ એવા પાત્રો મગજમાં આવતા નહોતા. એક દિવસની વાત છે. એમણે તેમની બિલ્ડીંગના કમ્પાઊન્ડની બહાર જેઠાલાલને જોયા. તારક મહેતાની આત્મકથામાં કાઉસમાં લખેલું છે કે, (જેઠાલાલનું અસલી નામ જુદું છે.)

‘કેમ અહીં ઊભા છો જેઠાલાલ?’ મેં પૂછ્યું.

‘સાલાને મોટર મિકેનિકનું કામ શીખવું છું.’

‘કોને?’

‘ટપુને. હરામખોર સ્કૂલે પણ જતો નથી અને મારા ધંધામાં પણ મદદ કરાવતો નથી. તો પછી કંઈક તો કામ શીખે, નહિ તો ભૂખે મરશે. છેવટે કંઈ નહિ તો મોટર મિકેનિક. એમાંય ખાસ્સી કમાણી છે.’

‘પણ એ ક્યાં છે?’

‘ગાડીની નીચે.’

ટપુ ગાડીની નીચે કંઈક સમારકામ કરી રહ્યો હતો. તારક મહેતા ઘરમાં ગયા અને વિચારવા લાગ્યા કે, કાખમાં છોકરું અને હું ગામમાં શોધું છું. મારા તો એપાર્ટમેન્ટમાં જ કેટલા બધા પાત્રો છે. તારક મહેતાએ પહેલો લેખ લખ્યો તેમાં ટપુ ઓશો રજનીશને સાંભળવા જાય છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments