Homeવિશેષવિક્રમ અને વેતાલ : પ્રકરણ-12- કોનું ત્યાગ મોટું?

વિક્રમ અને વેતાલ : પ્રકરણ-12- કોનું ત્યાગ મોટું?

Team Chabuk : ગાંધાર દેશમાં બ્રહ્મદત્ત નામનો રાજા રાજ્ય કરતો હતો. તેના રાજ્યમાં એક વૈશ્ય હતો. જેનું નામ હિરણ્યદત્ત હતું. તેને મદનસેના નામની એક દીકરી હતી.

એક દિવસ મદનસેના બહેનપણીઓ સાથે બગીચામાં ક્રીડા કરવા ગઈ. જ્યાં સંયોગવશ્ સોમદત્ત નામના શેઠનો પુત્ર ધર્મદત્ત પણ પોતાના મિત્ર સાથે આવ્યો હતો. મદનસેનાને જોતા જ તેની અંદર પ્રેમના અંકૂરો ફૂટવા લાગ્યા. કામદેવના બાણ તેને વાગી ગયા. એ તેના પર મોહિત થઈ ગયો. મદનસેનાના બદને તેની આંખ અને હ્રદય પર હુમલો કરી દીધો. ધર્મદત્ત ઘરે તો પાછો આવી ગયો પણ તેના વિચારમાંથી મદનસેના નહોતી હટી રહી. એ તો બીજા દિવસે પણ બગીચાની મુલાકાત કરવા ગયો. બગીચાની નહીં પણ મદનસેના નામના પુષ્પની.

એ દિવસ તો ધર્મદત્તનો જ હતો. મદનસેનાની કોઈ બહેનપણી આવી નહોતી. એ એકલી જ બેઠી હતી. બાગના સુંદર ફૂલોની હાજરીમાં તેણે મદનસેનાને કહી દીધું, ‘હે સુંદરી હું તને પ્રેમ કરું છું. તારા પર મોહિત થઈ ગયો છું. તારા પ્રેમમાં પડ્યા પછી મને બેચેની જેવું લાગે છે. રાત્રીના ઊંઘ પણ નથી આવતી.’

મદનસેનાને તેના રૂપની જાણકારી તો હતી જ. તેણે તો ધર્મદત્તના પ્રેમ પ્રસ્તાવને અવગણી દીધો અને તેને પોતાની આંખો સમક્ષથી દૂર હટી જવાનું કહ્યું. ધર્મદત્તે ફરી પ્રેમ પ્રસ્તાવ સામે મૂક્યો, પણ સુંદરતાના શિલ્પ સમી મદનસેના ન માની.  

ધર્મદત્તે ફરી પ્રયત્ન કરી જોયો. તેણે મદનસેનાને કહ્યું, ‘જો તું મારી સાથે પ્રેમ નહીં કરે તો હું મારા પ્રાણની આહુતિ આપી દઈશ.’ મદનસેના માટે આ નવું ન હતું. યુવાનો તો સુંદર છોકરીને પામવા માટે આવી ધમકીઓ આપતા રહે છે, પણ ધર્મદત્તના કિસ્સામાં તો ગંભીર પૂરવાર થયું. એ નદી તરફ દોડ્યો અને પાણીમાં કૂદી ગયો.

મદનસેના બોલી, ‘કૂદયો છે. થોડી ક્ષણોમાં પાણી ઊંડુ આવશે અને ડૂબવા લાગશે તો પોતે જ તરીને બહાર આવી જશે.’ મદનસેના જે બોલી હતી તે પાસુ તો ઉલટુ પડવા માંડ્યું. યુવક નદીની વચ્ચોવચ ગયો અને ડૂબવા લાગ્યો. મદનસેનાને હવે ચિંતા થવા લાગી. એ પોતે પાણીમાં કૂદી પડી અને યુવકનો જીવ બચાવી લીધો.

‘તું કેટલો મૂર્ખ છો. જો નદીના ઊંડા પાણીમાં ડૂબી જાત તો… તું તરીને બહાર કેમ નહોતો આવતો.’

‘હું તારા વિના જીવી નથી શકતો. હું તો મરવા માટે જ કૂદી પડ્યો હતો. મને તો તરતા પણ નથી આવડતું.’

યુવકના મોઢામાંથી નીકળેલા આ શબ્દોએ મદનસેનાના હ્રદયને દ્વવિત કરી નાખ્યું. એ વધુ કંઈ બોલી ન શકી. એ પછી ધર્મદત્તે જ વાતના દોરાને પકડી આગળ ચલાવ્યું, ‘મદનસેના હું તને ખૂબ જ પ્રેમ કરું છું. હું પૂર્ણિમાના દિવસે તારી પ્રતીક્ષા કરીશ. તું આવીશ?’

‘જો ઈશ્વરે ઈચ્છ્યું તો હું અચૂક આવીશ.’ આટલું કહીને મદનસેના ત્યાંથી ચાલી ગઈ.

મદનસેના તો ધર્મદત્તના હ્રદયમાં પોતાની લાગણીનું બીજ મૂકીને ચાલી ગઈ હતી. ધર્મદત્ત પણ તેમાંથી ફણગો ફૂટવાની રાહ જોઈ બેઠો હતો.

બીજી બાજુ મદનસેનાના ઘરનું વાતાવરણ જોઈએ તેવું ન હતું. ઘરમાં મદનસેનાને જોવા કેટલાક લોકો આવ્યા હતા. મદનસેનાના માતાપિતાને તો છોકરો ખૂબ જ પસંદ આવ્યો હતો અને એ બધાને મદનસેના પસંદ હતી.

વાત કંઈક એવી હતી કે યુવકના દાદી હવે ક્ષણિક સમય માટે જ હતા. તેમની અંતિમ ઘડી ગમે ત્યારે આવી શકે તેમ હતી. તેઓ આ દુનિયામાંથી વિદાય લે તે પહેલા પોતાના દીકરાના દીકરાના વિવાહ જોવાની તેમને ઈચ્છા હતી. અને એટલે જ હડબડીમાં વિવાહ કરી નાખવાની યોજના બનાવવામાં આવી હતી. થયું એવું કે છોકરી પણ મદનસેના જેવી રૂપસુંદરી મળી.

મદનસેના પોતાના માતા-પિતાને ના ન પાડી શકી. શરણાઈ વાગી. ઢોલ ઢબૂક્યા અને મદનસેના પરણીને સાસરે ચાલી ગઈ. સાસરે પતિની પાસે જઈ ઉદાસ થઈ બોલી, ‘તમે મારા પર વિશ્વાસ કરો અને મને અભયદાન આપો તો હું તમને એક વાત કહું.’

પતિએ પત્નીને વિશ્વાસ અપાવ્યો અને પત્ની મદનસેનાએ તેને નદીમાં ડૂબેલા ધર્મદત્ત અને તેની પૂર્ણિમાની પ્રતીક્ષા સુધીની વાત કહી દીધી.

પતિએ આ વાત સાંભળી તો તેને અંદરથી સાંપ ડસવા લાગ્યા. તેને થયું પત્ની તો ચરિત્રહીન નીકળી. એ તો ક્યાંક મોઢું મારીને આવી છે. તેણે અંતરમનથી જ પત્ની મદનસેનાનો ત્યાગ કરી દીધો. અને તેને જવાની આજ્ઞા આપી. ખબર ન પડે એ રીતે તેનો પતિ પણ તેની પાછળ પાછળ જવા લાગ્યો.

મદનસેના તૈયાર થઈ. તેણે સારા વસ્ત્રો પહેર્યા. ચમકતા ઘરેણા પહેર્યા. એ રસ્તે ચાલીને જતી હતી કે તેને એક ચોર મળી ગયો. તેણે ચાલીને જતી દેવસેનાનો પાલવ પકડી લીધો. મદનસેનાએ વિનંતી કરતા કહ્યું, ‘તું મને છોડી દે અને મારા ઘરેણા લઈ જવા ઈચ્છતો હો, તો લઈને ચાલ્યો જા.’

ચોરે કહ્યું, ‘હું ઘરેણા નહીં તને ઈચ્છું છું.’ મદનસેનાએ તેને આખી વાત કહી દીધી અને ઉમેર્યું, ‘પહેલા હું ત્યાં જઈ આવું પછી હું તારી પાસે આવીશ.’

ચોરે તેને છોડી દીધી પણ તેય તેની પાછળ પાછળ જવા લાગ્યો.

મદનસેના ધર્મદત્ત પાસે પહોંચી ગઈ. તેને જોઈને એ ખૂબ જ ખૂશ થયો. તેને પણ ખબર હતી કે મદનસેનાના વિવાહ થઈ ચૂક્યા છે છતાં તે તેની કાગડોળે રાહ જોઈ રહ્યો હતો. તેણે મદનસેનાને પૂછ્યું, ‘તું તારા પતિથી બચીને કેવી રીતે આવી ?’

મદનસેનાએ આખી વાત સાચે સાચી કહી દીધી. ધર્મદત્ત પર તો એ વાતની મોટી અસર થઈ. તેને હવે મદનસેના સાથે સમય વિતાવવું યોગ્ય નહોતું લાગતું. તેણે તેને સમજાવીને ઘરે પાછી મોકલી દીધી.

મદનસેના ધર્મદત્ત પાસે જઈ ચોરની તરફ આવી રહી હતી. ચોર તો છૂપી રીતે આ બધી વાત જાણીને વધારે પ્રભાવિત થયો હતો અને ગ્લાનિ મહેસૂસ કરી રહ્યો હતો. તેણે મદનસેનાને કંઈ પણ કર્યા વિના જવા દીધી. મદનસેના પતિ પાસે આવી ગઈ. પતિએ પણ પોતાની આંખોથી મદનસેનાએ જે જે કર્યું તે જોયું હતું. તે આનંદિત્ત થયો અને પત્નીને અપનાવી લીધી.

વાર્તા પૂરી કરી વેતાલ બોલ્યો, ‘તો બતાવ વિક્રમ. હવે તારો ન્યાય શું કહે છે? પતિ, ધર્મદત્ત અને ચોર તેમાં સૌથી વધારે ત્યાગી કોણ ?’

વિક્રમે વેતાલને જવાબ આપ્યો, ‘જે ત્યાગ કોઈ પણ પ્રકારના સ્વાર્થ વિના કરવામાં આવે છે તેને જ સાચો ત્યાગ કહેવામાં આવે છે. ચોરનું ત્યાગ જ સૌથી મોટું ત્યાગ છે. મદનસેનાનો પતિ તો તેનું બીજા યુવક સાથે પ્રેમ હોવાનું સાંભળી ત્યાગ કરે છે. ધર્મદત્ત તેને એ માટે છોડી દે છે કે તેનું હવે મન બદલી ગયું છે. પછી તો તેને ડર પણ લાગી રહ્યો છે કે, ક્યાંક તેનો પતિ તેને રાજા પાસે દંડ ન અપાવે. પણ ચોરની તો કોઈને ખબર જ નહોતી. છતાં તેણે તેને છોડી દીધી. ઘરેણા પણ ન લીધા. જેથી ચોર જ સૌથી વધારે ત્યાગી થયો કહેવાય.’

રાજાનો જવાબ સાંભળીને વેતાલ આકાશમાં ઉડવા લાગ્યો. ઉડતા ઉડતા બોલતો હતો, ‘વાહ રાજા. તું સાચેક ન્યાયી છો. તારો ન્યાય તો સમગ્ર વિશ્વમાં અમર છે. અને પછી ત્યાંથી સિદ્ધવડ પર જઈને લટકી ગયો. રાજા ફરી તેનો પીછો કરવા માટે દોડ્યો.’

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments