લોકોને વિવાદમાં વધુ રસ પડતો હોય છે. વિવાદિત ફિલ્મો કરોડોના કરોડો કમાઈ જતી હોય છે. એવું જ પુસ્તકોમાં પણ છે. ઘણા લેખકોએ તો વિવાદિત લખાણો લખીને જ નામ બનાવ્યું છે. જોકે તેમના મનમાં લખતા સમયે જરા અમથો પણ વિચાર નહોતો આવ્યો કે આ લખાણ વિવાદિત થઈ જશે. સમય, સંજોગો, સમાજ અને સ્થિતિ એવી હતી કે લખાણ આજે હિંસક કે અશ્લીલ ન લાગે તેવું એ સમયે લાગતું હતું. ઘણા લેખકોને ખબર છે કે વિવાદમાં એક અલગ જ પ્રકારનું આકર્ષણ હોય છે. પુસ્તક મેળામાં લટાર મારશો અને ધ્યાનથી નિરીક્ષણ કરશો તો ખબર પડશે કે જે વાચકો પણ વિવાદિત પુસ્તકોને શોધતા હોય છે. અમદાવાદના બુકફેરમાં લટાર મારતા મારતા કે કોઈ પુસ્તકાલયની દુકાને તમે સલમાન રશ્દિનું વિવાદાસ્પદ પુસ્તક સેતાનિક વર્સિસ જોયું છે ? આજે વાત એવા વિવાદિત પુસ્તકોની જેનો વિવાદ એટલો વકર્યો કે વેચવા પર પણ પ્રતિબંધ લગાવવો પડેલો.
લોલિતા (લેખક- વ્લાદીમીર નબોકોવ)
વીસમી સદીનાં સૌથી ચર્ચિત પુસ્તકનો એવોર્ડ આ પુસ્તકને આપવામાં કોઈ વાંધો નથી. 1955માં પ્રકાશિત થયેલું આ પુસ્તક વ્લાદીમીર નબોકોવે લખ્યું છે. અમેરિકન-રશિયન નવલકથાકાર વ્લાદીમીરનું આ પુસ્તક 1955 પ્રકાશિત થયું હતું. મૂળ અંગ્રેજીમાં લખાયેલું અને પ્રથમ વખત પેરિસમાં 1955માં ઓલંપિયા પ્રેસ દ્વારા આ પુસ્તક પ્રકાશિત કરાયું હતું. ત્યારબાદ ખુદ વ્લાદીમીરે તેનો રશિયન ભાષામાં અનુવાદ કર્યો હતો.

આ પુસ્તક આધેડ વયના હમ્બર્ટ અને 12 વર્ષની એક છોકરી ડોલોરસ હેજના સંબંધો પર આધારિત છે. લેખકે પુસ્તકમાં એક છોકરી પ્રત્યે પોતાના પ્રેમ વિશે વિસ્તારથી લખ્યું છે. પુસ્તકમાં વિવાદિત લખાણ હોવાથી છાપવા કોઈ તૈયાર ન હતું. અંતે પેરિસના ઓલંપિયા પ્રેસે તેને છાપવા પ્રતિબદ્ધતા દાખવી. ઓલંપિયા પ્રેસ પોર્નોગ્રાફી છાપવા માટે જાણીતી હતી. પુસ્તક પ્રકાશિત થયા બાદ તેના પર બ્રિટન અને ફ્રાંસમાં પ્રતિબંધ લગાવી દેવાયો. બ્રિટનમાં 1959 સુધી પ્રતિબંધ રહ્યો. આ પુસ્તકની અત્યાર સુધી પાંચ કરોડ નકલો છપાઈ ચુકી છે. આ પુસ્તક એટલું લોકપ્રિય થયેલું કે 1960 અને 1997માં આમ બે વખત તેના પરથી ફિલ્મ બનાવતા દિગ્દર્શકો ખૂદને રોકી નહોતા શક્યા.
પિક્ટનઃ ઇન હિઝ ઓન વર્ડ્સ (લેખક- રોબર્ટ પિક્ટન)
એક સમયના કરોડપતિ અને ભૂંડનું ફાર્મ ચલાવનાર રોબર્ટ પિક્ટને પિક્ટનઃ ઇન હિઝ ઓન વર્ડ્સ નામનું પુસ્તક લખેલું. અનેક હત્યાઓ કરનાર કેનેડાના રોબર્ટ પિક્ટને પોતાના અનુભવો આ પુસ્તકમાં લખ્યા હતા. પિક્ટને એક બાદ એક એમ છ લોકોને મોતને ઘાટ ઉતારી દીધા હતા. 2007માં રોબર્ટને સજા પણ થયેલી. કેનેડા પ્રાંતના બ્રિટિશ કોલંબિયાના અધિકારીએ કહ્યું હતું કે, કોઈ પણ હાલતમાં પિક્ટનના આ પુસ્તકથી તેને રૂપિયા કમાતા રોકીશું. જો કે પિક્ટન પોતાને નિર્દોષ સાબિત કરતો રહ્યો. પુસ્તકનો વિવાદ વધતા પ્રકાશકે એમેઝોનને કહ્યું કે પુસ્તક હટાવી દેવામાં આવે.

ઈફ આય ડિડ ઈટઃ કન્ફેશન્સ ઓફ ધ કિલર (લેખક- ઓજે સિમ્પસન)
અમેરિકન ફુટબોલ ખેલાડી ઓજે સિમ્પસનને 1994માં પોતાની પૂર્વ પત્ની નિકોલ બ્રુન અને તેના મિત્ર રોનેલ્ડ ગોલ્ડમેનની હત્યાના આરોપમાંથી મુક્ત કરી દેવામાં આવ્યો હતો. તેનું આ પુસ્તક વર્ષ 2007માં પ્રકાશિત થયું. તેમાં લખવામાં આવ્યું હતું કે કેવી રીતે હત્યા કરવામાં આવી હતી. જો કે સિમ્પસને આ પુસ્તક બીજા પાસે લખાવ્યું હતું. અને રૂપિયા પણ રળ્યા હતા.

પુસ્તકમાં એવું લખાણ લખાયું હતું કે જેનાથી બન્ને પીડિત પરિવારોને ઠેસ પહોંચી. સિમ્પસન હાલ જેલની હવા ખાઈ રહ્યો છે. અપહરણ અને ધાડના ગુનામાં 33 વર્ષની સજા સિમ્પસન કાપી રહ્યો છે.
ધ સેતાનિક વર્સિસ (લેખક- સલમાન રશ્દી)
હવે વાત ભારતના વિવાદિત પુસ્તકની. લેખકનું નામ સૌએ સાંભળ્યું હશે. સલમાન રશ્દી. પુસ્તકનું નામ પણ વિવાદોના કારણે જાણીતું છે. ધ સેતાનિક વર્સિસ. 1988માં છપાયેલા આ પુસ્તકમાં ઇસ્લામની આલોચના કરવામાં આવી છે. પુસ્તક છપાયા પછી મુસ્લિમ સમાજે આ પુસ્તકનો ખૂબ વિરોધ કરેલો. વિરોધ એટલો ચગ્યો કે એક સમયે લોકો ભૂલી ગયા કે સલમાન રશ્દિ ભારતનો એ લેખક છે જેણે મિડનાઈટ ચિલ્ડ્ર્ન માટે બુકર પ્રાઈઝ જીતેલું.
પુસ્તકમાં કેટલું વિવાદાસ્પદ લખાણ હશે કે કેટલાક લોકોએ સલમાન રશ્દીની હત્યા કરનારને દસ લાખ પાઉન્ડનું ઇનામ આપવાની પણ જાહેરાત કરેલી. ઇરાનના ધાર્મિક ગુરુ અયાતુલ્લા ખોમેનીએ ફતવો જાહેર કરીને રશ્દીને મોતની સજા પણ સંભળાવી દીધેલી. કોઈ એક પુસ્તકના કારણે બે દેશો વચ્ચેના સંબંધોમાં કડવાશ આવી જાય એ પુસ્તક કેટલું વિવાદાસ્પદ હશે તે તમે વિચારી શકો.

એટલો વિરોધ થયો કે સલમાન રશ્દી દસ વર્ષ સુધી ભૂગર્ભમાં ઉતરી ગયા. રશ્દીના પુસ્તક ધ સેતાનિક વર્સિસ પર આજે પણ ભારત અને ઘણા મુસ્લિમ દેશોમાં પ્રતિબંધ લગાવાયેલો છે.
માઈન કામ્ફઃ માય સ્ટ્રગલ (લેખક- એડોલ્ફ હિટલર)
હિટલરે આ પુસ્તક જેલમાં લખ્યું હતું જ્યારે તે મ્યુનિખમાં સત્તા હાંસલ કરવાની નિષ્ફળ કોશિશના આરોપસર દેશદ્રોહની સજા ભોગવી રહ્યો હતો. 1925માં આ પુસ્તક છપાઈને બહાર આવ્યું. પુસ્તક નાજીઓના ઘોષણાપત્ર જેવું હતું.

દશકા પછી જ્યારે નાજી સત્તામાં આવ્યા તો પુસ્તકે ધૂમ મચાવી દીધી. સરકાર તો નવપરણિત દંપતીઓને આ પુસ્તક ભેટમાં આપવા લાગેલી. મોટા મોટા અધિકારીઓના ઘરમાં આ પુસ્તક સજાવીને રાખવામાં આવતું. આ દરમિયાન પુસ્તકની 1 કરોડ 20 લાખ નકલો છપાઈ હતી. જો કે નાજીઓની હાર થયા બાદ 1945માં પુસ્તકના કોપીરાઈટ બૈવેરિયા રાજ્યને સોંપી દેવાયા અને પુસ્તક પર 70 વર્ષ પ્રતિબંધ રહ્યો.
આઈ નો વાય ધ કેજ્ડ બર્ડ સિંગ્સ (લેખક- માયા એન્જેલો)
1970માં છપાયેલ માયા એન્જેલોનું આ પુસ્તક તેમના અનુભવો પર આધારિત છે. આ પુસ્તકમાં અમેરિકામાં ગરીબ વિસ્તારમાં એક બાળક પર થતાં અત્યાચાર અને દુરવ્યવહારનું વર્ણન કરવામાં આવ્યું છે. લેખકે પોતાના બાળપણના 10 વર્ષ આ વિસ્તારમાં જ વિતાવ્યા હતા. તેમણે રંગભેદ પર થતાં ભેદભાવ અને પૂર્વગ્રહો વિશે લખ્યું છે.

એક સાત વર્ષની બાળકી સાથે તેની માતાનો બોયફ્રેન્ડ કેવી રીતે દુષ્કર્મ કરે છે તેનું પણ વર્ણન કરાયું છે. આ પુસ્તક પર વિવાદ પણ થયો હતો. જો કે એન્જેલાના મોત પછી અમેરિકન રાષ્ટ્રપતિ બરાક ઓબામાંએ આ પુસ્તકના વખાણ પણ કર્યા હતા.
અ ક્લોકવર્ક ઓરેન્જ (લેખક- એન્થની બર્જેસ)
એલેક્સ નામના એક કિશોર પર આધારિત આ પુસ્તક 1962માં પ્રકાશિત થયેલું. પુસ્તકમાં જે કિશોરનું વર્ણન છે તે હિંસાનો શોખીન હતો. આ પુસ્તકમાં બ્રિટનમાં ભવિષ્યમાં ઉત્પન્ન થનારી સ્થિતિનું પણ વર્ણન કરાયું છે. હિંસા અને દુષ્કર્મના વર્ણનના કારણે આ પુસ્તકને અમેરિકાની ઘણી શાળા અને લાયબ્રેરીમાંથી હટાવી દેવાયું હતું. આ પુસ્તક પરથી સ્ટેનલી ક્યુબ્રિકે સ્ટેજ પર નાટક પ્રદર્શિત કરતાં વિવાદ વધી ગયો. જોકે બાદમાં સ્ટેનલી એ જ આ બુક પરથી ફિલ્મ બનાવી હતી. જેનું કેમેરાવર્ક ધાંસુ છે. પિક્ચરના પહેલા દૃશ્યમાં જ પાંચ લોકો મહિલાને નગ્ન કરી તેના અંગો સાથે જબરદસ્તી રમી રહ્યા હોય એ પુસ્તક કેવું હશે ?

ભારતમાં પણ ઘણા પુસ્તકો વિવાદમાં રહ્યા છે. જેમાં ધ હિંદુજઃ એન અલ્ટરનેટિવ હિસ્ટ્રી, એન એરિયા ઓફ ડાર્કનેસ, નેહરુઃ એ પોલિટીકલ બાયોગ્રાફી, નાઈન ઓવર્સ ટુ રામા, ધ ફેસ ઓફ મધર ઇન્ડિયા, ધ લોટ્સ એન્ડ ધ રોબોટ, ધ ટ્રુ ફુરકાન જેવા પુસ્તકો પર વિવાદ થઈ ચુક્યો છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત