Homeસાહિત્યબ્રેવહાર્ટ્સ : ગોવર્ધનરામ ત્રિપાઠીનો ભાણિયો જે થોમસ આલ્વા એડિસનને મળેલો

બ્રેવહાર્ટ્સ : ગોવર્ધનરામ ત્રિપાઠીનો ભાણિયો જે થોમસ આલ્વા એડિસનને મળેલો

સાહસકથા અને વિજ્ઞાન વિષય પર લખતા લેખકો પુસ્તકની બનાવટ વિશે પોતાના પુસ્તકમાં વધારે નથી લખતા. આ પરાપૂર્વથી ચાલ્યું આવે છે. વધીને એક પેજમાં તેઓ આભાર માની લે છે. બ્રેવહાર્ટ્સનો પ્રથમ ભાગ 2015માં પ્રકાશિત થયો હતો. એ ગુજરાત સમાચારના પત્રકાર અને લેખક લલિત ખંભાયતાનું પ્રથમ પુસ્તક. પ્રથમ પુસ્તકની પ્રસ્તાવનામાં તેમણે વિગતવાર વાત કરેલી તેવું પણ નહીં કહી શકાય. એવું એટલા માટે ન કહી શકાય કારણ કે લેખોની સંશોધન યાત્રા વિશે એક પ્રસ્તાવનામાં ન સમાવેશ કરી શકાય. વિજ્ઞાન અને વ્યક્તિચરિત્રો વિશે લખતા લેખકો તો કરેલા સંશોધન પર પણ એક પુસ્તક કરી શકે.

દર રવિવારે ગુજરાત સમાચારમાં આવતી સમયાંતર કોલમમાં તેમના આ લેખો પ્રકાશિત થઈ ચૂક્યા છે અને તેના કટિંગ વિવિધ કોલેજોના નોટિસબોર્ડ પર પણ લાગી ચૂક્યા છે. મોઢે મોઢ પ્રશંસા અને સંદેશાઓનું ગૌરવ તો ઘણા લેખકોને મળે છે પણ નોટિસ બોર્ડનું ગૌરવ ખૂબ ઓછા લેખકોને મળે છે. પ્રધ્યાપક મહોદયને પોતાના જ્ઞાનથી આંજી દેવા એ દરેક લેખકના બસની વાત નથી.

લલિત ખંભાયતા જે વિષયને અનુલક્ષીને લખે છે એ આ જમાનામાં ઘણું આકરું છે. આકરું હોવા પાછળનું કારણ 2015માં આવેલા બ્રેવહાર્ટ્સ પુસ્તકની પ્રસ્તાવનામાં ધૈવત ત્રિવેદીએ કહી દીધું છે, ‘ગુજરાતી સાહિત્ય અને પત્રકારત્વ હાલ આ સંક્રાતિકાળમાંથી પસાર થઈ રહ્યા છે. એવું શું લખવું જે વાચક માટે નવું હોય ? કેવી રીતે લખવું જેથી વાચક અચંબિત થાય ? એવા કયા વિષય પર લખવું જેનાંથી વાચક અજાણ હોય? આ સવાલ આજના સમયમાં કદાચ સૌથી વધુ જટિલ બની રહ્યા છે, કારણ કે વાચકની સજ્જતા અને માધ્યમોની સર્વવ્યાપકતા વધી છે. આ સવાલો છેલ્લા દાયકામાં લેખન-પત્રકારત્વના ક્ષેત્રે પ્રવેશેલા વ્યાવસાયિક માટે બહુ જ મોટો પડકાર છે.’

તમે જે વિષય પર લખવાના હો તે વિષયની તમારા વાચકને પહેલાથી જ ખબર પડી ગઈ છે. એ વિષયમાં તેણે શું નથી જાણ્યું એ માહિતી તમારે એમને આપવાની છે. પત્રકારત્વમાં માધ્યમો વધ્યા, માહિતીના સ્ત્રોતો વધ્યા, તેમ તેમ તે પત્રકાર માટે આકરું બનતું જઈ રહ્યું છે. આકરું બનવાનું કારણ કે વાચકને તમારી પહેલા જ બધી ખબર છે. કંઈ ન ખબર હોય એવું હેડિંગ મારી આપો તો એ વાંચશે બાકી નહીં. લલિત ખંભાયતાએ પોતાના તમામ લેખોમાં અને પુસ્તકોમાં આ કામગીરી સિદ્ધ કરી બતાવી છે અને નવા પત્રકારોને સંશોધન કેવી રીતે કરવું તે અંગેની એક નવી કેડી પણ કંડારી આપી છે.

બ્રેવહાર્ટ્સના ત્રણ પુસ્તકો. કિશોર સાહસકથા એ નગરનું નામ ખાંડવપ્રસ્થ. જેમ્સ બોન્ડ અને સૌથી ગમતું પુસ્તક રખડે તે રાજા. એ પુસ્તક વાંચ્યા પછી ચાબુક કહે છે કે, લેખક કોલમના ભાગરૂપે ભલે લખતા બાકી સત્ય તો એ છે કે એ પ્રવાસ લેખનના માણસ છે. એ પ્રવાસ વર્ણન કોઈ પણ આડી અવળી વાત કર્યા વગર, વાચકને સીધા સ્થળ પર લઈ જઈ જેવી રીતે કરી શકે છે, તેવી રીતે તેમના અન્ય લેખો પણ કેટલીક વખત નથી ઉપસતા. બ્રેવહાર્ટ્સની ખાસિયત પણ પ્રવાસ જ રહી છે. કેવી રીતે ? 2015થી વાત કરીએ.

2015માં પ્રથમ બ્રેવહાર્ટ્સ પુસ્તક આવેલું ત્યારે તેમાં કુલ 28 કથાઓ હતી. એમાં ગીરકાંઠાના કેસરીનો ડાંગ ઉઠાવી સામનો કરતી 21મી સદીની ‘ચારણ કન્યાઓ’! નામનો એક આર્ટિકલ છે. આ લેખ તેમના પ્રવાસ વર્ણન તરીકેનું ઉત્તમ ઉદાહરણ છે. એ પછી તો સમયાંતર કોલમમાં આવા અગણિત લેખો લખાયા. અને પછી બુક શેલ્ફ દ્વારા પ્રકાશિત કરવામાં આવેલી એ જ સિરીઝનું બ્રેવહાર્ટ્સ-બે અને ત્રણ પુસ્તક પણ હવે આવી ચૂક્યું છે. પ્રથમ બ્રેવહાર્ટ્સ-2ની વાત કરીએ.

પ્રથમ બ્રેવહાર્ટ્સ પુસ્તક સદાકાળ સથવારો આપતી સત્યકથાઓ વિષય પર હતું. બીજું બ્રેવહાર્ટ્સ પુસ્તક સાહસિકો અને શૂરવીરોનાં ચરિત્રો વિશે છે. પુસ્તકના મુખપૃષ્ઠ પર એક જંગલ છે અને જંગલમાં એક વૃક્ષની ઉપર માચડો છે. હવે ત્યાં કોઈએ ઘર બનાવ્યું હોય તો એને સાહસિક જ કહેવો રહ્યો!! પુસ્તક વાંચતા વાંચતા આંખો 15 નંબરના પેજ પાસે અટકી જાય છે. એ લેખ છે કાન્તિલાલ પંડ્યાનો. એ ગુજરાતીના વિજ્ઞાન લેખક હતા અને તેમણે થોમસ આલ્વા એડિસન સાથે મુલાકાત કરી હતી. કોઈ ગુજરાતીએ થોમસ આલ્વા એડિસન સાથે મુલાકાત કરી હોય તેવું તમારા ધ્યાનમાં આવ્યું છે ?

લેખક કાન્તિલાલ પંડ્યા વિશે શું લખે છે, ‘‘નડિયાદમાં જન્મેલા લંડનમાં ભણેલા અને આગ્રાની સેન્ટ જોન્સ કૉલેજમાં પ્રોફેસર તરીકે ભણાવતા કાન્તિલાલ છગનલાલ પંડ્યાને કદાચ બધા ન ઓળખતા હોય. પરંતુ તેમના મામા ગુજરાતી સાહિત્યમાં અમર સ્થાન ભોગવે છે. એ મામાનું નામ ગોવર્ધનરામ ત્રિપાઠી! ડૉ. સુશ્રુત પટેલે કાન્તિલાલના પરિચયમાં લખ્યું છે કે એ જમાનામાં આઈન્સ્ટાઈન અને સાપેક્ષવાદ વિશે સચિત્ર માહિતી તેમણે લખી હતી. આહાર, રસોઈ, હિલિયમ વાયુ, ખગોળશાસ્ત્ર, ધૂળ, વીજળી, ભારતની ખનીજસમૃદ્ધિ, ભારતની સોનાની ખાણો… વગેરે વગેરે અનેક વિષયો પર તેમણે લખ્યું હતું. મહાન વિજ્ઞાનીઓ વિશે સિરીઝ લખી હતી, જેમાં ઘણી મહિલા વિજ્ઞાનીઓનો પણ સમાવેશ થાય છે.’’

બ્રેવહાર્ટ્સ-2માં લેખકે ગુજરાતીઓની ખાસ્સી કથાઓ આવરી લીધી છે. સુરતના નવાબની વાત છે. રામવાળો પણ છે. રામવાળાને કોઈ જગ્યાએ ન જોયો હોય તો તેનું ચિત્ર પુસ્તકમાં છે. આ પુસ્તકમાં પરદેશી શૂરવીરોની વાતો જાણવી ગમશે એટલી જ દેશીઓની પણ ગમશે. સૌરાષ્ટ્રના કેટલાક ચોક્કસ વિસ્તારો અને વ્યક્તિઓ વિશે જે લોકો જાણવા માગતા હોય. જેમની માહિતી ગૂગલ પર ઉપલબ્ધ છે જ નહીં, તેમને બ્રેવહાર્ટ્સમાં એ તમામ માહિતી મળી જશે.

હવે માહિતીપ્રદ પુસ્તકમાં કંઈ ઉપમા અને અલંકારો, ઘટનાનું તિરોધાન જેવી લાંબી લાંબી વાતો અને સંવાદોનો સંગ્રામ તો ન ચલાવવાનો હોય. સીધા જઈએ બ્રેવહાર્ટ્સ-3 પર.

આ પુસ્તકમાં વિદેશી નર-નારીઓની જાજેરી કથાઓ છે. અગાઊના બે પુસ્તકોની માફક જ તસવીરો છે. લખાણની દૃષ્ટીએ આપ ગુજરાતી વાંચી શકવા સક્ષમ છો તો ખરીદી જ શકો છો. ભાષામાં મનને મરોડી નાખતા અને કોઈ વાર્તાની જેમ શૃંગારિક શબ્દો લેખકે નથી વાપર્યા કે, ‘આહા…. નવો શબ્દ જાણવા મળ્યો.’ એમ બોલી બેસો. લેખક જે તે લેખના સીધા મુદ્દા પર આવે છે. તેમની શરૂઆત કરવાની પદ્ધતિ નોખી અનોખી રહે છે. કોઈ વખત ભૂતકાળથી શરૂઆત થાય કોઈ વખત વર્તમાનથી થાય.

આપણે કોઈ પુસ્તક વાંચીએ તો હંમેશાં જે તે લેખકને કોઈ પૂર્વસૂરીના બોક્સમાં બેસાડવાનું ઠેકાણું શોધતા હોઈએ છીએ. લલિત ખંભાયતા લેખક તરીકે કોઈ પૂર્વસૂરીના ચોગઠામાં નથી બેસતા. જેમ કહો કે ફલાણો લેખક તો કનુ ભગદેવ જેવું કે અશ્વિની ભટ્ટ જેવું લખે છે. તેવું લલિત ખંભાયતાના કિસ્સામાં બનતું નથી દેખાતું. તેમની લેખને પ્રસ્તુત કરવાની આગવી શૈલી છે. ઘણી જગ્યાએ તેમનામાં ધૈવત ત્રિવેદીની વિસ્મયનો ચમકારો દેખાય છે, પણ એ ક્ષણવાર માટે જ હોય છે.

લેખકને તો જે તે ચોગઠામાં ન બેસાડી શકીએ પણ પુસ્તકને અચૂક બેસાડી શકીએ. અત્યારના વાચકો કોઈ પુસ્તક વિશે પૂછે એટલે એમ પૂછે છે કે એ અગાઉના કયા સારા પુસ્તક જેવું છે ? નવલકથા કે વાર્તાની વાત તો અલગ રહી. તેમાં તો લેખકે અનુભવ્યું અને લખ્યું એ ખરું.

માહિતીના મોહનથાળ સમા પુસ્તકોની હરોળમાં બ્રેવહાર્ટ્સ આવે છે. પુસ્તક નગેન્દ્ર વિજયના સફારીના લેખો, ધૈવત ત્રિવેદીના વિસ્મય શ્રેણીના લેખો, યશવંત મહેતાનું બ્રેવહાર્ટ્સના કદનું જ પુસ્તક ઉદ્યમ પ્રેરણાની કથાઓ જેવું છે. એક લેખ. માહિતી. તસવીરો. નોલેજ. વાત પૂરી. બ્રેવહાર્ટ્સની વાત અહીં જ પતાવીએ. ગૂગલમાં ન મળતું હોય અને જાણવું હોય તો અચૂક ખરીદજો. વાર્તા, નાટક કે નવલકથાના પ્લોટની જેમ નિરાશ થવાનો તો વારો નહીં જ આવે. સમય મળ્યે નવા એક પુસ્તકની સાથે ચાબુકના વાંચનથાળમાં આવીશું.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments