Team Chabuk : ઘણા વર્ષો પહેલાની વાત છે. અયોધ્યા નગરીમાં વીરકેતુ નામનો પ્રતાપી રાજા રહેતો હતો. તેના રાજ્યમાં રત્નદત્ત નામનો એક શાહૂકાર હતો. જેની રત્નાવતી નામની સુંદર છોકરી હતી. એ સુંદર તો હતી, પણ એક સમસ્યા હતી. ગુલાબનું આ ફુલ હંમેશાં પીપળાનું ઝાડ બનીને રહેતું હતું. અર્થાત્ તે હતી છોકરી પણ છોકરાના સ્વાંગમાં જ રખડતી રહેતી હતી. આટલું જ નહીં એ તો કોઈ પુરુષ સાથે વિવાહ કરવા તૈયાર જ નહોતી. ઘણા રાજા મહારાજા તેની સાથે વિવાહ કરવા માટે આવ્યા, પણ રત્નાવતીએ ના પાડી દીધી અને તેના પિતા ખૂબ દુ:ખી થયા.
આ વચ્ચે નગરમાં ખૂબ જ ચોરીઓ થવા લાગી. પ્રજા દુ:ખી થઈ ગઈ. પ્રયત્ન કરવા છતાં ચોર પકડાયો નહીં તો રાજાએ પોતે મેદાનમાં ઉતરવાનું નક્કી કર્યું.
હવે બીજી તરફ રત્નાવતીને એક ખરાબ આદત હતી. એ ફળ ચોરી કરી ખાતી હતી અને આનંદ લેતી હતી. એક રાતે એ વૃક્ષથી ફળ તોડવાનો પ્રયાસ કરી રહી હતી કે નજીકમાંથી એ જ ચોર પસાર થયો. તેણે રત્નાવતીને ફળ તોડતા જોઈ લીધી. એ ફળ કેમેય કરીને તેના હાથમાં નહોતું આવી રહ્યું. ચોરે તેની મદદ કરી અને ફળ તોડી આપ્યું. સાથે કેવી રીતે ફળ તોડવા એ પણ શીખવાડ્યું.
રત્નાવતી દરેક રાતે ફળ તોડવા આવતી અને ચોર એ જ સમયે ત્યાંથી પસાર થતો તો તેની મદદ કરતો હતો. ધીમે ધીમે બંને એકબીજાની નજીક આવતા ગયા. મૈત્રી થઈ ગઈ.
જ્યારે કેટલાય દિવસ સુધી રાજાની પકડમાં ચોર ન આવ્યો તો તેમણે જૂની કહેવત પ્રમાણે અમલવારી કરવાનું નક્કી કર્યું. લોઢું લોઢાને કાપે.
એક રાતે રૂપિયાની થેલી લઈ રાજા નગરમાં ચોરના રૂપમાં ઘુમી રહ્યો હતો. તેને નજીક જ એક માણસ દેખાયો. રાજા ચૂપચાપ તેની પાછળ ચાલવા લાગ્યો.
બંને એક ઘરની પાસે પહોંચ્યા. ચોર ઘરની પાછળની બાજુથી ઘરમાં ઘુસી ગયો જ્યારે રાજા સામેના દરવાજાથી. બંને ઘરમાં આગળ પાછળથી પ્રવેશ્યા અને મુલાકાત થઈ ગઈ. ચોરે રાજાને પૂછ્યું, ‘તું કોણ છો ? અહીં શું કરી રહ્યો છો ?’
રાજાએ કહ્યું, ‘હું ચોર છું, પણ તું કોણ છો ?’
ચોરે રાજાની પોટલી તરફ જોયું અને કહ્યું, ‘ઓહ, તો તો તું મારો સાથી થયો કહેવાય. હવે સવાર થવાની જ છે. ચાલ મારા ઘરે.’
બંને ઘરે પહોંચ્યા. તેને ઘરમાં બેસાડીને ચોર કોઈ કામ માટે બહાર ચાલ્યો ગયો. ચોરના જતા જ એક દાસી ત્યાં આવી અને રાજાને કહ્યું, ‘તું અહીં શા માટે આવ્યો છો ? ચાલ્યો જા. નહીંતર ચોર તને મારી નાખશે.’
રાજાએ દાસીની વાત માની લીધી. એ પછી તે સૈનિકોની ટુકડી લાવ્યો અને ચોરના ઘર પાસે ઘેરો ઘાલ્યો. ચોરે જોયું તો તે લડવા માટે તૈયાર થઈ ગયો. બંને વચ્ચે લડાઈ થઈ અને અંતમાં ચોર હારી ગયો. રાજા તેને પકડીને રાજધાનીમાં લઈ આવ્યો અને ફાંસીના માચડે લટકાવવાનો હુકમ કર્યો.
સંયોગથી રત્નાવતીએ તેને જોઈ લીધો તો તે બોલી, ‘હું આની સાથે વિવાહ કરીશ નહીંતર મરી જઈશ.’
શેઠની પાસે તો કોઈ ઉપાય પણ નહોતો. આમ પણ છોકરી કોઈને પસંદ નહોતી કરતી. અને તેને ગમ્યો તોય કોણ ગમ્યો ? એક ચોર.
રત્નાવતીના પિતાએ રાજાને ખૂબ જ વિનંતી કરી અને ચોરનો જૂર્માનો ભરવા માટે પણ તૈયાર થઈ ગયો. પણ રાજાએ તેની વાત ન માની અને ચોરને ફાંસી પર લટકાવી જ દીધો.
ફાંસી પર લટકતા પહેલા ચોર ખૂબ જ રડ્યો. ખૂબ રોયો અને પછી ખૂબ જ હસ્યો. ફાંસી પર લટકાવી દીધા પછી તેના માથાને લઈને રત્નાવતી ચિતા પર બેસી ગઈ. એ સમયે જ દેવીએ આકાશવાણી કરી, ‘હું તારી પતિભક્તિથી પ્રસન્ન થઈ છું. જે ઈચ્છે તે માંગી લે.’
રત્નાવતીએ કહ્યું, ‘મારા પિતાને કોઈ પુત્ર નથી. જેથી વરદાન આપો કે એમને ત્યાં પુત્ર થાય.’ દેવી તથાસ્તુ કરતા બોલી, ‘એ જ થશે. બીજું કંઈ માગ.’
એ બોલી, ‘મારા પતિ જીવિત થઈ જાય.’ દેવીએ તેને જીવિત કરી દીધા. બંનેના વિવાહ થઈ ગયા. રાજાને જ્યારે ખબર પડી તો તેણે તેને દરબારમાં રાખી લીધો.
આટલી વાર્તા સંભળાવીને વેતાલે પૂછ્યું, ‘હે રાજન્ હવે આખી વાર્તામાંથી મને એ વાત કહે કે ચોર ફાંસીએ લટકતા પહેલા હસ્યો શું કામે. પહેલા તો ખૂબ રડ્યો, પણ પછી હસવા શા માટે લાગ્યો ? બોલ, જો તું જાણતો હોવા છતાં ઉત્તર નહીં આપે તો તારા માથાના ટૂકડા ટૂકડા થઈ જશે.’
બુદ્ધિમાન વિક્રમ તો ઉત્તર જાણતો જ હતો. એ બોલ્યો, ‘સાંભળ વેતાલ. એ ચોર રડ્યો એટલા માટે કે આટલું ધન ચોરી કર્યા પછી તે તેનો ઉપયોગ ન કરી શક્યો. અને જે શરીર માટે તે ચોરી કરી રહ્યો હતો એ હવે તેને છોડવાનું હતું. અને હસ્યો એટલા માટે કે રત્નાવતી મોટા મોટા રાજા-મહારાજાઓને છોડીને તેના પર મુગ્ધ થઈ ગઈ હતી. સ્ત્રીના મનની ગતિને કોઈ નથી સમજી શક્યું.’
‘વાહ… અદભુત રાજા. મને એમ હતું કે આ વાર્તાના સવાલનો ઉત્તર તું નહીં આપી શકે, પણ તે તો મને ખોટો સાબિત કર્યો. બરાબરનું ગણિત લગાવ્યું. પણ ન બોલવાની શરત તોડી નાખી. ચાલ હું જાઉં છું.’ કહી વેતાલે ઉમેર્યું, ‘પાછળ ન આવતો.’ અને હસતો હસતો ઊડી સિદ્ધવડ પર લાગી ગયો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત