હિન્દીના લેખક નામવર સિંહે જ્યારે શ્રીલાલ શુક્લને જ્ઞાનપીઠ એવોર્ડ મળવાની જાહેરાત થઈ ત્યારે કટુ વાક્યનો પ્રયોગ કરી ને જ્ઞાનપીઠની આલોચના કરતા કહ્યું હતું કે, ‘જ્ઞાનપીઠ એવોર્ડ કમિટીએ શ્રીલાલ શુક્લને આટલું મોડું પારિતોષિક આવવા બદલ પશ્ચાતાપ કરવું પડશે.’
વાચકો અને લેખકોને જે લેખકો ખૂબ જ ગમતા હોય અને જે સાચા અર્થમાં પારિતોષિકના હકદાર હોય છતાં તેમની નિત્ય મિર્ઝાપુરના મુન્નાભૈયાની જેમ અવગણના થતી હોય ત્યારે વાચકોનો પિત્તો છટકી જાય છે. અને ન છટકે તો તેને સાહિત્યપ્રેમી ન કહેવાય.
1969માં તેમને સાહિત્ય અકાદમી પુરસ્કાર મળી ગયો હતો પણ પછી 42 વર્ષ સુધી જ્ઞાનપીઠની રાહ જોવી પડી. જ્ઞાનપીઠ મળ્યો ત્યારે તેઓ લખનઉની હોસ્પિટલમાં પથારીવશ હતા અને બોલી પણ નહોતા શકતા. એમની સાથે અમરકાંતજીને પણ પુરસ્કાર આપવામાં આવ્યું હતું. ઈન્ટરવ્યૂમાં આ વિશે જ્ઞાનપીઠ કમિટી સાથે જોડાયેલા સુશીલ સિદ્ધાર્થે કહેલું કે, ‘તેમને અને અમરકાંતજીને એકસાથે જ્ઞાનપીઠ આપવાનું કારણ માત્ર એટલું હતું કે કોઈ પણ ભાષાના લેખકને એક વખત જ્ઞાનપીઠ મળે છે તો કમિટી એ ભાષાના લેખકો વિશે આગામી ત્રણ વર્ષ સુધી ચર્ચા નથી કરતી, કારણ કે જ્ઞાનપીઠે ભારતભરના લેખકો વિશે મંથન કરવાનું હોય છે.’
શ્રીલાલ શુક્લનો આજે જન્મદિવસ છે. તેની વાતનો ખ્યાલ તો તમને અમારા ફેસબુક પેજ પર શ્રીલાલ શુક્લની મુકેલી તસવીરો અને રાગ દરબારીના ક્લાસિક ડાઈગોલથી જ આવી ગયો હશે.
ગુજરાતીના લેખકો અંગ્રેજી અને હિન્દી સહિતની વિવિધ ભાષાની અજર અમર કૃતિઓમાંથી પ્રેરણા લઈ શકશે, પણ રાગ દરબારીમાં ફક્ત પ્રેરણાથી કામ નહીં ચાલે. મેજર હ્યુમર જોઈશે. એ મેજર હ્યુમર કુદરતની દેન હોય છે. કેટલાક લેખકો અથવા તો વક્તાઓ પોતાના વક્તવ્યમાં પ્રયત્ન પૂર્વક હાસ્ય લાવવા મગજમાં હથોડા મારતા હોય છે અને મૂર્ખા ઠરે છે. બે લોકો હસે અને બાકીનાની બત્રીસી ન ખૂલે તે વક્તા માટે ઘોર શરમજનકની સ્થિતિ સિવાય કશું નથી. આના કરતા તો ઉચિત છે કે સારા લેખકો એ બસ લખવું બોલવું નહીં.
સારા લેખકો સારા વક્તા નથી હોતા અને ઘણા સારા વક્તાઓ સારા લેખક નથી બની શક્યા તે પણ સાચી વાત છે. સાચી વાત તો એ પણ છે કે સારા સારા લેખકો વક્તા બન્યા પછી પોતાનું સારામાં સારું લખાણ ભેંસના બે અઠવાડિયા જૂના પોદરા જેવું કરી ચૂક્યા છે. શ્રીલાલ શુક્લના ઓછા ઈન્ટરવ્યૂ પ્રકાશિત થતા હતા. એ વધારે વક્તવ્યો પણ આપતા નહોતા. સરકારી નોકરી હતી. કલેક્ટરના પદને આવા સારા લેખકે શોભિત કરેલું. નોકરીમાંથી નવરા થઈ લખતા હતા. નોકરીમાં જ આસપાસનું નિરીક્ષણ કરતા હતા. જે તે વ્યક્તિ મુલાકાત લેતો તેને નખશીખ લેખક-રેથી માપી લેતા.
સરકારી નોકરી કરનારા આપણે ત્યાં ઘણા છે પણ એ શ્રીલાલ શુક્લ નથી, જે આટલું બારીકાઈથી સમાજનું, શિક્ષણનું અને ગ્રામીણોનું ઓબ્ઝર્વેશન કરી શકે. એ નિરીક્ષણના પ્રવાહને હાસ્યમાં તબ્દિલ કરી શકે, કારણ કે કોઈના પણ જીવનની વાતોમાં દુ:ખ તો હશે જ. લખનારને ખ્યાલ છે કે આ પૃથ્વીમાં તમારું દુ:ખ બીજાના દુ:ખ કરતા ચડીયાતુ જ છે. પણ કોઈ એમ નથી કહેતું કે મને મારા દુ:ખમાંથી આટલું હાસ્ય મળ્યું છે. દુ:ખમાંથી સુખને તારવી બીજાઓને હસાવનારાઓની સંખ્યા કોંગ્રેસની લોકસભા સીટ બરાબર છે.
સરકારના દાંત ખાટા કરી નાખનારી કૃતિ લખવાનું જોમ સરકારી નોકરીયાતોમાં છે. પણ છે કોઈની હિંમત? કોઈ પ્રાથમિક શાળાનો શિક્ષક છે જે તેના જીવનમાંથી એક રાગ દરબારી આપી શકે? છે કોઈ સરકારી પટ્ટાવાળો જે તેના જીવનમાંથી રાગ દરબારી કાઢી શકે ? કોઈ રાજ્યના મુખ્યમંત્રીની તાકાત છે કે રાગ દરબારી નવલકથા જેવો એક પત્ર લખી ફેસબુકમાં વાઈરલ કરી શકે? તમે વિચારો આખા ભારતમાં એવો કોઈ મુખ્યમંત્રી જ નથી જે સાહિત્યને કોઈ સારી કૃતિ આપી શકે. હસવા જેવી વાત તો એ છે કે એમની તો આત્મકથાઓ પણ બીજાએ લખવી પડે છે.
શ્રીલાલ શુક્લનું જ્યારે અવસાન થયેલું ત્યારે વિજય રાયે તેમના સન્માનમાં કહેલું કે, ‘‘શ્રીલાલ શુક્લનું ન રહેવું એ હિંદી જગત માટે કોઈ દિવસ પૂરી ન શકાય તેવી ખોટ છે. ગોદાન બાદ રાગ દરબારી હિંદીનું સૌથી શ્રેષ્ઠ અને લોકપ્રિય પુસ્તક રહ્યું છે. હિંદીના નવા રચનાકારો માટે તેમનું સાહિત્ય સદાય પ્રેરણા સ્ત્રોત રહ્યું છે અને રહેશે.’’
આ લેખ વાંચનારા કેટલાક લોકોએ રાગદરબારી જ નહીં પણ ગોદાન પણ નહીં વાંચી હોય. હિન્દીમાં બી.એ કરનારાઓની સંખ્યા જેમ ઓછી થતી જઈ રહી છે તેમ દિનપ્રતિદિન હિન્દી વાંચનારાઓની સંખ્યા પણ ઓછી થઈ રહી છે. હિન્દુસ્તાનીઓ દ્વારા હિન્દીની કૃતિઓના અંગ્રેજી અનુવાદોનું પઠન થાય છે. આનાથી મોટી દુર્દશા અને વ્યંગ શું હોઈ શકે ?
એક દિવસ શિવમૂર્તિ નામના હિંદીના સાહિત્યકાર શ્રીલાલ શુક્લની મુલાકાત લેવા માટે ગયા હતા. તેમણે શિવમુર્તિને પ્રેરણા આપતા કહેલું કે, ‘જે પણ કરવું હોય ને તે 40-45 વર્ષની ઉંમર પહેલા જ કરી નાખો. એ પછી ભાઈ શરીર બિલકુલ સાથ નથી આપતું.’ આ સાચી વાત છે. મેઘાણીએ યુવાની માટે અમનેમ થોડું લખ્યું છે, ‘ઘટમાં ઘોડા થનગને આતમ વીંઝે પાંખ અણદીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ…’
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત