Homeવિશેષવિક્રમ અને વેતાલ : પ્રકરણ-18- જીમુતવાહન અને ગરૂડ

વિક્રમ અને વેતાલ : પ્રકરણ-18- જીમુતવાહન અને ગરૂડ

Team Chabuk : હિમાચલ પર્વત પર ગંધર્વોનું એક નગર હતું. જેમાં જીમુતકેતુ નામનો રાજા રાજ્ય કરતો હતો. તેનો એક દીકરો હતો. નામ જીમુતવાહન. બાપ અને દીકરો બંને ભલા વ્યક્તિ હતા. આખો દિવસ બસ ધર્મ અને કર્મનું જ કામ કર્યા રાખે. જેનાથી પ્રજા ખૂબ જ સ્વચ્છન્દ થઈ ગઈ. પ્રજાએ રાજાના મહેલને ચારે બાજુથી ઘેરી લીધો. રાજકુમાર જીમુતવાહને આ જોયું. એ દોડીને પિતા પાસે ગયો અને તેમને આ વાત કહી, ‘આપ બિલકુલ નિશ્ચિત રહો. હું આ બધાને મારી અને ભગાડી દઈશ.’

તેના પિતા બોલ્યા, ‘આવું ન કર. તને કદાચ જ્ઞાત નથી કે યુધિષ્ઠિર પણ મહાભારત કરી પછતાયા હતા. પોતાના જ લોકોનું લોહી વહેવડાવીને આપણે જીવનમાં ખુશ નહીં થઈ શકીએ. તેનાથી તો ઉત્તમ છે કે રાજપાટ તેમને સોંપી ક્યાંક દૂર ચાલ્યા જઈએ.’

એ પછી જીમુતકેતુ પોતાના ગૌત્રના લોકોને રાજ્યનો કાર્યભાર સોંપી રાજકુમાર જીમુતવાહનની સાથે મલયાંચલ પર્વત પર જઈને મઢીમાં બેસી ગયો. જ્યાં જીમુતવાહનની એક ઋષિના દીકરા સાથે મુલાકાત થઈ. એક દિવસ બંને પર્વત પર ભવાનીના મંદિરમાં દર્શન કરવા ગયા તો દેવયોગથી તેમને મલયકેતુ નામના રાજાની પુત્રી મળી. બંને એક બીજા પર મોહિત થઈ ગયા.

જ્યારે કન્યાના પિતાને આ વાતની ખબર પડી તો તેમણે ક્ષણિક વારનો પણ વિલંબ કર્યા વિના પુત્રીના વિવાહ જીમુતવાહન સાથે કરી દીધા. પુત્રીના વિવાહ જીમુતવાહન સાથે કરવા પાછળનું કારણ રાજાના મનમાં એ પણ હતું કે જીમુતવાહન ને તેના પિતાને ભલે રાજપાટ છોડીને આવ્યા હોય પણ સંસ્કાર અને માણસાઈમાં તેઓ ઉચ્ચકોટીના હતા. ભલે મઢીમાં રહે પણ તેમનું હ્રદય અને લાગણીઓ કોઈ રાજા મહારાજાઓથી ઓછી ન હતી.

એક દિવસની વાત છે. જીમુતવાહનને પહાડ પર એક સફેદ ઢગલો દેખાતો હતો. તેણે કોઈને પૂછ્યું, તો બાતમી મળી કે, ‘પાતાળમાંથી અઢળક નાગ આવે છે જેને ગરૂડ ખાઈ જાય છે. આ ઢગલો પણ તેમના જ હાડકાઓનો છે.’ તેને જોઈ જીમુતવાહન આગળ વધી ગયો. જીમુતવાહનને આટલા બધા નાગના હાડકા અને તેમનો સંહાર જોઈ દુ:ખ થઈ આવ્યું. તેણે નક્કી કરી લીધું કે નાગોને આ સમસ્યામાંથી હું મુક્ત કરીશ. તે હાડકાઓની દિશા બાજુ ચાલવા લાગ્યો.

થોડે દૂર જવા પર તેને કોઈના રડવાનો અવાજ સાંભળવા મળ્યો. નજીક ગયો અને જોયું તો એક વૃદ્ધા રડી રહી હતી. કારણ પૂછ્યું તો તેણે કહ્યું, ‘આજે મારા દીકરા શંખચૂડ નાગનો વારો છે. તેને ગરૂડ ખાઈ જશે.’ આટલું બોલી તે પોક મૂકી રડી પડી.

જીમુતવાહનનું હ્રદય દ્રવી ઉઠ્યું, ‘મા તું ચિન્તા ન કર. હું તેની જગ્યાએ ચાલ્યો જઈશ.’ એ વૃદ્ધાએ અજાણ્યા છોકરાને સમજાવવાની ખૂબ કોશિશ કરી પણ તે માન્યો નહીં.

એ પછી ગરૂડ આવ્યો અને તેને ચાંચમાં પકડીને લઈ ગયો. ગરૂડ જીમુતવાહનને લઈ ઊડી રહ્યો હતો ત્યારે તેનું બાજુબંધ નીચે પડી ગયું. જેના પર રાજાનું નામ લખ્યું હતું. રાજકુમારીએ એ બાજુબંધ જોયું તો તે મુર્છિત થઈ ગઈ. ભાનમાં આવતા જ તેણે જીમુતવાહનની સ્થિતિ વિશે માતા અને મિતાને માહિતી આપી. એ દુ:ખી થઈ ગયા અને જીમુતવાહનને શોધવા માટે નીકળી પડ્યા.

જીમુતવાહનને લઈ આકાશમાં ઉડતા ગરૂડની પાછળ શંખચૂડ દોડતો હતો અને જીમુતવાહનને છોડી દેવા આજીજી કરતો હતો, પણ ગરૂડ માની નહોતો રહ્યો. શંખચૂડે ફરી એક વખત ગરૂડ આગળ કહ્યું, ‘હે ગરૂડ તું એને છોડી દે વારો તો મારો છે.’

ગરૂડે રાજકુમારને પૂછ્યું, ‘તું તારો જીવ શા માટે આપી રહ્યો છે ?’

તેણે કહ્યું, ‘ઉત્તમ પુરુષોએ હંમેશાં બીજાઓની મદદ કરવી જોઈએ.’

આ સાંભળીને ગરૂડ ખૂબ જ ખુશ થયો. તેણે રાજકુમારને વરદાન માગવાનું કહ્યું.

જીમુતવાહને વરદાન માગ્યું કે, તમામ સાપોને જીવનદાન આપી દેવામાં આવે. ગરૂડે જીમુતવાહનની વાત માની અને તમામ નાગને જીવનદાન આપી છોડી મૂક્યા.

ગરૂડે જીમુતવાહનને પોતાના પગ પરથી કાઢી નીચે મુકતા શંખચૂડ તેને ભેટી પડ્યો અને તેનો આભાર માનવા લાગ્યો. એવામાં જીમુતવાહન અને તેના પિતાને રાજ્યમાંથી કાઢનારા તેના ગૌત્રના લોકો પણ ત્યાં આવી પહોંચ્યા અને વિનવણી કરવા લાગ્યા કે તેઓ પોતાનું રાજ્ય સંભાળી લે. બીજી બાજુ મહારાજા અને મહારાણી પણ ત્યાં આવી પહોંચ્યા અને જમાઈને જીવંત જોઈ ખુશ થઈ ગયા.

વેતાલે વાર્તા પૂર્ણ કરી અને વિક્રમને પૂછ્યું, ‘તો રાજા સૌથી મોટું કામ કોણે કર્યું કહેવાય ?’

રાજાએ કહ્યું, ‘શંખચૂડે.’

વેતાલે પૂછ્યું, ‘શંખચૂડે ? કેવી રીતે ?’

રાજા બોલ્યો, ‘જીમુતવાહન જાતિએ ક્ષત્રિય હતો. પ્રાણ દેવા એ તો ક્ષત્રિયનો ધર્મ હોય છે અને તેને એ વાતનો અભ્યાસ પણ હોય છે. પણ મોટું કામ તો શંખચૂડે કર્યું. જે પ્રાણોની આહુતિ દેવા ગરૂડની સામે તૈયાર થઈ ગયો. ઈચ્છેત તો એ પોતાના પ્રાણોની રક્ષા કરી ભાગી શકેત, પણ તે ભાગ્યો નહીં અને જીમુતવાહનને બચાવવા છેલ્લે સુધી લાગી પડ્યો.’

વેતાલ આકાશમાં ઉડવા લાગ્યો. રાજા તેની પાછળ દોડવા લાગ્યો. ઘુવડ ઘુક્ ઘુક્ ઘુક્ કરતું બંનેને જોતું હતું. વેતાલ સિદ્ધવડ પર ઊલટો લટકી ગયો. વિક્રમે તેને ઉતારવાનો ખૂબ પ્રયાસ કર્યો, પણ વેતાલ કોઈ વખત ઉપર કોઈ વખત નીચે. હાથમાં જ ન આવે. આખરે કૂદકો મારી પકડી અને ખભા પર ચડાવ્યો. વિક્રમ ચાલતો થયો અને વેતાલે વિક્રમને એક નવી વાર્તા સંભળાવી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments