Homeસાહિત્યકર્ણાટકની લોકકથા ‘જયલલિતાની સાસુ’

કર્ણાટકની લોકકથા ‘જયલલિતાની સાસુ’

Team Chabuk : ઘણા વર્ષો પહેલાની આ વાત છે. કારાપુર જંગલની પાસે આવેલા એક ગામમાં જયલલિતા રહેતી હતી. વિવાહ બાદ જ્યારે તે સાસરે ગઈ તો સાસુમાએ દોડીને તેને ગળે લગાવી લીધી. પણ થોડા જ સમયમાં સાસુમાને ખબર પડી ગઈ કે વહુ એકદમ કામચોર છે. તેનો તો બધું શીખવાડવું પડે એમ છે. હવે થાય શું ? પરણાવીને લાવ્યા તો ઘર તો ચલાવવાનું જ હતું. પાછી થોડી પિયર મોકલી દેવાય.

તેણે વહુને ટકોર મારતા કહ્યું, ‘જયલલિતા, મને પૂછ્યા વિના કોઈ કામ ન કરતી. જો એવું કર્યું તો કુળદેવતાનો શ્રાપ લાગશે.’

વહુએ તો માથુ હલાવીના હા પાડી દીધી. પછી તો આખો દિવસ ઘરમાં એક જ અવાજ આવતો હતો, ‘મા બટાટાનું શાક બનાવી નાખું ? લોટ કેટલો વાટુ? ભેંસને ચારો ક્યારે ખવડાવવાનો છે ? હું વાળ બાંધી લઉં? લોટામાંથી પાણી પી લઉં?’

થોડા દિવસ સુધી તો બધુ બરાબર ચાલ્યું. એક દિવસ સામાન્ય એવા તાવમાં સાસુ ગુજરી ગઈ. હવે શું થવાનું હતું ? જયલલિતાએ મગજ વાપર્યું અને માટીની સુંદર ઢીંગલી બનાવી નાખી. તેને જ તે સાસુ માનીને આખો દિવસ ઘરનું કામકાજ કરતી રહેતી હતી.

કોઈ પણ કામ કરતા પહેલા તે મૂર્તિને ચોક્કસથી પૂછતી હતી. તેના પતિ મલ્લણ્ણાએ તેને આ વિશે કોઈ દિવસ કંઈ કહ્યું નહીં. એક દિવસ જયલલિતા મૂર્તિને પોતાની સાથે બજારમાં લઈ ગઈ. સામાનની ખરીદી પહેલા સાસુમાને પણ પૂછવું તો પડે.

તેણે આખી બજારમાં સામાન સાસુની મૂર્તિને પૂછી પૂછીને ખરીદ્યો. પતિ મલ્લણ્ણા પણ સાથે જ હતો. પરત ફરતા અંધારૂ થઈ ગયું હતું. એટલું અંધારું હતું કે શરીર પણ દેખાતું નહોતું. પતિ પત્ની એક વૃક્ષની પાસે આવ્યા અને થોડી વાર માટે ત્યાં શરણ લીધી.

રસ્તો સુમસામ હતો. ચારે બાજુ ઘટાદાર વૃક્ષો ધરાવતું જંગલ. ડરના કારણે એ લોકો વૃક્ષ પર ચડી ગયા અને ઉતર્યા જ નહીં. તેમણે ત્યાં જ રાત પસાર કરવાનો નિર્ણય લીધો.

બંને સવારનું કામ કરી કરીને થાકી ગયા હતા. વૃક્ષ પર જ ઊંઘી ગયા. અડધી રાતે જયલલિતાની આંખ ઉઘડી. તેને યાદ આવ્યું કે એ બંનેએ તો કંઈ ખાધું જ નથી. ચોક્કસથી મલ્લણ્ણાને પણ ભૂખ લાગી હશે. તેણે વિચાર્યું. પોટલીમાં પાંચ લાડવા હતા.

આદત પ્રમાણે તેણે માટીની સાસુમાને પૂછ્યું, ‘ભૂખ તો કકડીને લાગી છે. હું બે ખાઈ લઉં. આમને ત્રણ આપું ?’

એ વૃક્ષની નીચે જ પાંચ ચોર બેઠા હતા. ચોરીના માલની વહેંચણી થઈ રહી હતી. જયલલિતાનો અવાજ સાંભળીને તેમને લાગ્યું કે નક્કી કોઈ ચુડેલ તેમને મારવાની યોજના બનાવી રહી છે.

એ સામાન ઉઠાવીને ભાગવાની તૈયારી કરી રહ્યા હતા. ત્યાં જ જયલલિતાના હાથમાંથી માટીની મૂર્તિ નીચે પડી ગઈ. ડરેલા ચોરોએ એમ સમજ્યું કે ચુડેલે તેમના પર હુમલો કરી દીધો છે. એ બધો સામાન છોડીને ત્યાંથી રફુચક્કર થઈ ગયા.

જયલલિતા અને મલ્લણ્ણા ચુપચાપ નીચે ઉતર્યા અને તમામ કિંમતી સામાન બાંધીને ઘરે પરત ફરી ગયા. માટીની સાસુમા તૂટી ગઈ હતી. મલ્લણ્ણાએ પત્નીને સમજાવી કે કદાચ માતા સ્વર્ગમાં ચાલી ગઈ છે. હવે વધારે કષ્ટ ન આપ.

જયલલિતાએ પોતાના પતિની આજ્ઞાનું પાલન કર્યું અને પોતાની બુદ્ધિથી જ ઘરસંસાર ચલાવવા લાગી.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments