Homeતાપણુંચૂંટણી હારેલાએ બિહારમાં નીતિશ સામે શિંગડા ભરાવતા નીતિશે રોકડું પરખાવી દીધું

ચૂંટણી હારેલાએ બિહારમાં નીતિશ સામે શિંગડા ભરાવતા નીતિશે રોકડું પરખાવી દીધું

Team Chabuk-Politics Desk : કોરોના પોતાનો કેર દબદબાપૂર્વક વર્તાવી રહ્યો હતો. અલબત્ત તે રાજકીય સભાઓથી તો ખાસ્સુ અંતર જાળવી રહ્યો હતો! એવામાં પુનીયાની વિધાનસભામાં લાગણીનો તાર છેડતા નીતિશ કુમાર બોલેલા કે આ તો મારી છેલ્લી ચૂંટણી છે. એ લાગણીના તારથી પણ તેમની પાર્ટીને કાંકરી જેટલોય ફાયદો નહોતો થયો. ફાયદો થયો હતો ભાજપને. નીતિશની પાર્ટીના અડધો ડઝન કરતા વધારે નેતાઓને ઘરે પલોઠીવાળીને બેસવાનો વારો આવી ગયો હતો. સામેની બાજુ બીજેપીની પાર્ટીને સોથી વધારે બહુમતિ મળી હતી. મોદી મેજીક પૂરવાર થયો હતો!! એક તબક્કે લાગતું હતું કે મુખ્યમંત્રી ભાજપનો જ બનશે પણ બન્યા પાછા નીતિશ. આ ફકરાને અંતિમ ફકરા સાથે લેવાદેવા છે એટલે લખ્યો. આપ વાંચવામાં કન્ટિન્યુ કરો.

હવે એ જ નીતિશ કુમાર આગામી કેટલા સમય સુધી બિહારની ચૂંટણી લડ્યા રાખશે તે તો સમય જ બતાવશે. સમાચાર છે કે, જનતા દળ યુનાઈટેડની પ્રદેશ કાર્યકારિણીની બેઠક દરમિયાન ચૂંટણી હારનારા અસંખ્ય ઉમેદવારોએ ભારતીય જનતા પાર્ટી વિરૂદ્ધ ભડાસ કાઢી. અને આ માટે સીધી રીતે સહયોગી દળ જેડીયુને જવાબદાર ઠેરવ્યું. આમ છતાં નીતિશ કુમારે તેમને હાર ભૂલી જઈ કામ પર ધ્યાન આપવાનું કહ્યું છે. સાથે કહ્યું છે કે અમારી સરકાર તો પૂરી પાંચ વર્ષ સુધી ચાલશે.

નીતિશનું આ નિવેદન ઘણું જ મહત્વનું માનવામાં આવે છે, કારણ કે બિહાર એનડીએમાં હાલ સ્થિતિ ડામાડોળ ચાલી રહી છે. ડામાડોળ સ્થિતિની ચર્ચા તો ચૂંટણી બાદ જ ચાલવા માંડી હતી. સાથે જ હાલમાં જ પાર્ટીની બેઠકમાં નીતિશ કુમારે એ પણ કહ્યું કે, ચૂંટણી વખતે તો મને ખબર જ ન પડી કે મારો મિત્ર કોણ અને શત્રુ કોણ ?

જેડીયુ પ્રદેશ કાર્યકારિણીની બેઠકના પહેલા દિવસે બોગો સિંહ, જય કુમાર સિંહ, લલન પાસવાન જેવા કેટલાય કદાવર નેતાઓએ પાર્ટીના નેતૃત્વને આગાહી કરી હતી કે તેઓ બીજેપીથી સાવધાન રહે. ઘણી સીટ પર મળેલા અણધાર્યા પરાજયના કારણે લોક જનશક્તિ પાર્ટી (એલજેપી) નહીં પણ સીધી બીજેપીને જ જવાબદાર ઠેરવી રહ્યા છે. બેઠકમાં પણ નીતિશ કુમાર જેડીયુ નેતાઓની તમામ વાતો શાંતિપૂર્વક સાંભળતા રહ્યા હતા. એ નેતાઓને સાંભળવા પડ્યા હતા જેમની રાજકીય કારકિર્દી પર પાંચ વર્ષ સુધી ગ્રહણ લાગી ગયું છે.

જ્યારે મુખ્યમંત્રી નીતિશ કુમારનો બોલવાનો વારો આવ્યો ત્યારે ચૂંટણી હારેલા ઉમેદવારોને મોઢા સામે રોકડું પરખાવતા સલાહ આપી બોલ્યા હતા કે, ચૂંટણીની હારને ભૂલી જઈને તમારા વિસ્તારમાં મજબૂતીથી કામ કરો જેવી રીતે પહેલા કરતા હતા. જેવી રીતે તમે ચૂંટણી જીતેત તો કરવાના હતા. નીતિશ કુમારે જનતાની વાતને પ્રાથમિકતા આપતા કહ્યું કે, આપણી પાર્ટીને જેમણે વોટ આપ્યા કે નથી આપ્યા એ બધા માટે એક સમાન રીતે કામ કરવાનું છે. તમે લોકો સમાજના દરેક વ્યક્તિ પાસે જાવ અને તેમના ઉત્થાનનું કામ કરો. સરકાર તો પૂરી પાંચ વર્ષ જ ચાલશે.

જોકે તેમણે એક વખત ફરી રિપીટ કર્યું કે ચૂંટણીના પરિણામો આવ્યા પછી તેઓ મુખ્યમંત્રી બનવા નહોતા ઈચ્છતા. પણ બીજેપીના દબાણને વશ થઈ તેમણે ફરી વખત મુખ્યમંત્રી પદ સંભાળ્યું. આપણા માટે રાજનીતિ એ સેવા માટે છે, સ્વાર્થ ખાતર નથી. આ વખતે તમામ લોકોના કહેવા પર મેં મુખ્યમંત્રી પદનો સ્વીકાર કર્યો છે. આમ કહી તેમણે પાર્ટીના નેતાઓને મનાવી લીધા હતા.

જોકે એક વાતનો તો સહર્ષ સ્વીકાર કરવો જ પડે. નીતિશ કુમાર જનતાની જ નહીં પાર્ટીના નેતાઓની ફિલીંગ સાથે પણ ધમાલિયો ધોકો બરાબરનો રમી જાય છે. મારે તો ક્યાં મુખ્યમંત્રી બનવું હતું ? આ તો એમણે કહ્યું એટલે હું બન્યો!!

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments