Homeવિશેષસિંહાસન બત્રીસી : પ્રકરણ-1-આરંભ

સિંહાસન બત્રીસી : પ્રકરણ-1-આરંભ

Team Chabuk : ઉજ્જૈન નગરી. ન્યાય, આદર્શ, સામાજિક અને ધાર્મિક પ્રવૃતિનું સર્વોત્તમ પ્રતીક. ઉજ્જૈન નગરીમાં રાજ રાજા ભોજનું. કહેવાય ક્યાં રાજા ભોજ અને ક્યાં ગાંગો તૈલી. રાજાના રાજમાં સમસ્ત પ્રજા સુખી જીવન વ્યતિત કરતી હતી. બ્રાહ્મણોને દાન મળતું હતું. સાધુઓ અને વટેમાર્ગુઓને આશરો મળતો હતો. પુરુષોને વ્યવસાય મળતો હતો. ઉજ્જૈન નગરીની વાતો દૂર દૂર સુધી ફેલાયેલી હતી અને રાજ ચલાવવા માટે ઉજ્જૈનના રાજા ભોજના ઉદાહરણ દેવામાં આવતા હતા.

આ ઉજ્જૈન નગરીમાં કુંભારોની વસતિ હતી. કુંભારો માટીના આકર્ષક અને મનમોહક ઘડા બનાવતા હતા. ચાકડા પર માટીના લોંદાને ચડાવીને હાથેથી ઘડાને આકાર આપે તો આસપાસ જોવા માટે છોકરાઓથી લઈ મોટેરાઓનું પણ ટોળું એકઠું થઈ જાય. તેમના દ્વારા બનાવવામાં આવેલી માટીની વસ્તુઓને બીજા રાજ્યોમાં પણ સન્માનની નજરથી જોવામાં આવતી હતી. આ જ કારણ હતું કે આ વસતિના તમામ કુંભારો પૈસે ટકે સુખી અને સમ્પન્ન હતા સાથે જ સન્માનિત પણ હતા.

ખેતી પણ થતી હતી. રાજ્યમાં ખેતીની ઉપજ વર્ષે એટલી થાય કે અન્ય રાજ્યોમાં નિકાસ કરી કરીને રાજાના મંત્રીઓ પણ થાકી જતા હતા. અને આ જ ઉજ્જૈનમાં રહેતો હતો એક માલધારી. માલધારીનું નામ સૂરજભાન.

સૂરજભાનના મકાનથી થોડે જ દૂર તેનો પાક્કો મિત્ર રહેતો હતો. બંને પાડોશી હોવાની સાથે સાથે એકબીજાને એટલો પ્રેમ કરતા હતા કે એકબીજા માટે પોતાનો જીવ પણ ન્યોછાવર કરી દેવા તૈયાર હતા.

પણ એક વખત નાના છોકરાને લઈ ઝઘડો પનપ્યો. બંનેની લાંબી દોસ્તીને કોઈની નજર લાગી ગઈ. દોસ્તી દુશ્મનીમાં બદલી ગઈ. દુશ્મની છતાં સૂરજભાન તેના મિત્રથી દૂર નહોતો રહી શકતો. સમય આવ્યે તેણે ફરી મિત્રતા કરી લીધી. પણ બીજા એક ગામડાના વ્યક્તિને તેમની દોસ્તી જોઈ ઈર્ષ્યા થતી હતી. એ ગમે તે ભોગે આ બંને મિત્રોની દોસ્તીને તોડાવવા માગતો હતો. કપટ અને છળ કરવું હોય તો પણ મોકો જોઈએ. પેલાને કોઈ કાળે તક જ નહોતી સાંપડતી. એ કારણે એ પણ હાથ ને મુઠ્ઠી પછાડતો હતો.  

સૂરજભાન અને તેના મિત્રને પણ આ ઈર્ષ્યાળુ મિત્રના સ્વભાવની ખબર હતી પણ કોઈ ચિંતા નહોતી. ચિંતા એટલે નહોતી કે બંને દસ દસ ને પહોંચી વળે એવા બળિયા હતા. બંને આરામથી આસપાસના લોકોના પશુઓને ચરાવતા હતા.

એક વખત ઉજ્જૈન નગરીનો કુંભાર વાસણ બનાવવા માટે ગામથી દૂર આવેલી જગ્યાએ માટી ખોદી રહ્યો હતો. માટી ખોદતા તેને મજબૂત ઈંટ, મૂર્તિ અને ઘર ગૃહસ્થીનો સામાન હાથ લાગ્યો. આ વાતની આખા નગરમાં ચર્ચા થવા લાગી. કોઈ કહેતું કે વર્ષો પહેલા અહીંયા કોઈ રાજાનું સામ્રાજ્ય હતું. ભૂકંપમાં કાટમાળ દટાય ગયો. કોઈ આક્રમણની વાત કરતું, કોઈ ભારે વરસાદની વાત કરતું. ધીમે ધીમે એ જગ્યાએ કુંભારોની વસતિ એકઠી થવા લાગી. આટલા બધા કુંભારો આ જ જગ્યાએ રહેતા હોવાનું કારણ એ હતું કે અહીંની માટી ખૂબ ચીકણી હતી. હાથેથી દબાવો અને ભેગી કરો ત્યાં તો લોચો થઈ જાય. ગોળ ગોળ લોટના પીંડાની જેમ બનવા માંડે અને પછી ચાકડા પર ચડાવતા જે વાસણ બને, વાત જ ન પૂછો. આવી માટીને તો કયો કુંભાર છોડે. એમને તો આ જમીન જીવ જેવી વ્હાલી થઈ ગઈ. તો લોકોની ખોદકામ માટે ભીડ પણ ખૂબ થતી. જ્યારથી ખબર પડી હતી કે ધરતીના પેટાળમાંથી કિંમતી વસ્તુઓ નીકળે છે ત્યારથી માનવ મહેરામણ ઉમટ્યું હતું.

બીજી બાજુ સૂરજભાનનો એક દીકરો હતો. દીકરાનું નામ ચંદ્રભાન હતું. જેવો બાપ એવો દીકરો. કહેવત છે ને વડ એવા ટેટા ને બાપ એવા બેટા. સૂરજભાન અને ચંદ્રભાન પણ એવા જ. ખાલી નામ સૂરજ અને ચંદ્ર બાકી કામ તો બંનેનું એક સરખું. બંને મિત્રતા નિભાવનારા. બંને પરોપકારી. બંને દયાળુ અને બંને કામમાં પાવરધા.

ચંદ્રભાન પશુઓને ચારતો અને નાની પહાડીની ટોચ પરથી જોતો કે કુંભારો ખોદકામ કરવામાં કેટલા વ્યસ્ત છે. લોકો કોથળા લઈ આવતા અને માટી ભરી ભરીને લઈ જતા. ગધેડાઓના ગધેડાની કતારો લાગતી હતી. આ જોઈ ચંદ્રભાન બોલી પડતો હતો, ‘ધરતી માતા પાસેથી પ્રાપ્ત થયેલી વસ્તુઓ પર જનતાનો એક સમાન અધિકાર છે. કોઈ પણ વ્યક્તિ ઉપભોગની આ વસ્તુ ફક્ત પોતાની ન માની શકે. આ તમામ વસ્તુઓ બધામાં બરાબર વહેંચાવી જોઈએ.’

લોકો તો તેની વાતો મજાકમાં ઉડાવી દેતા હતા. જોર જોરથી હસવા લાગતા અને બોલતા, ‘અરે મુર્ખ…’ ચંદ્રભાન શરીરમાં તો તેના પિતા કરતા નબળો હતો પણ અકલમાં તેને કોઈ ન પહોંચે. એ રોજ ટોચ પર જતો અને ખોદકામમાંથી નીકળતી વસ્તુઓને લોકોમાં બરાબરની વહેંચી દેતો હતો. કોઈ પણ માણસને સમજતા વાર લાગવાની જ. ચંદ્રભાનનું પણ એવું જ નીકળ્યું. જે લોકો તેની મજાક ઉડાવતા હતા તેમનેય ચંદ્રભાનની વાતો સાચી લાગવા માંડી. ચંદ્રભાન જે રીતે જમીનના ખોદકામમાંથી નીકળતી વસ્તુઓને લોકો વચ્ચે બરાબર ભાગ પાડી આપી દેતો હતો તે સૌને ગમતું હતું. બધા કહેતા, ‘વાહ ચંદ્રભાન વાહ.’

દરેક માણસ દરેકની નજરમાં સારો નથી હોતો. કોઈ તો દુશ્મન હોય જ છે. જેવું કામ કરો એવા પ્રકારના દુશ્મન ઊભા થાય. એ રીતે ચંદ્રભાનના પણ કેટલાક દુશ્મનો થઈ ગયા. એ સ્વાર્થી હતા. ચંદ્રભાનથી છૂપાવી વધારે સામાન લઈ જતા હતા. ચોરી કરતા હતા. લાગે કે આ વસ્તુ તો કિંમતી છે તો પછી તેના પર જ તેમની નજર ચોંટેલી રહે.

પણ સૌથી વધારે આશ્ચર્યની વાત તો એ હતી કે ચંદ્રભાનને જ્યારે જ્યારે ચોરી કરનારાઓની ખબર પડતી ત્યારે ત્યારે તે તેમની પાસેથી સામાન લઈ લેતો અને રાજાની જેમ ન્યાય કરી તેને વહેંચી દેતો હતો. ધીમે ધીમે આખી ઉજ્જૈણી નગરીમાં એ વાત ફેલાય ગઈ કે ચંદ્રભાન ન્યાયપ્રિય છોકરો છે. ગામના લોકો તેને પહેલા કરતા વધારે સન્માન આપવા લાગ્યા. ચંદ્રભાનની બધી વાતો જ્ઞાન અને ધ્યાન વિશેની હતી. એ પ્રવચનો આપવા માંડ્યો. લોકો પણ મૂંઝવાણા કે આટલા અમથા છોકરામાં આટલી બધી બુદ્ધિ ? આટલી સમજણ ? કેવી રીતે ? એ લોકોને પેલી ટોચ પર ભેગા કરતો હતો અને જ્ઞાનની વાતો કરતો હતો. મોટા મોટા ઉપદેશ આપતો હતો. ગામે ગામ આ વાત વાયુવેગે પ્રસરી ગઈ. એક ગામના લોકો બીજા ગામના લોકોને કહે અને પછી એ ગામના લોકો ટોળુ વળી છોકરાને સાંભળવા આવે. એ પણ સાંભળી મંત્રમુગ્ધ થઈ જાય એટલે બીજા ગામના લોકોને કહે.

એ ટોચ પરથી ઉતરીને ચંદ્રભાન ઘર તરફ પ્રયાણ કરતો તો તેનું મુખ ચમકતું દેખાતું હતું. એના મુખની ચમક સૌને આકર્ષિત કરતી હતી. સૌ તેની પ્રશંસા કરતા હતા. હવે તો રોજની વાત થઈ. ચંદ્રભાન ટોચ પર ચડી જતો અને આવતા જતા લોકોની વાત સાંભળી ને તેમને નિરાકરણ કરી આપતો હતો.

એક વખત ચંદ્રભાને તેની મુલાકાત લેવા આવનારાઓને જિજ્ઞાસાવશ પ્રશ્ન પૂછ્યો કે આપણો રાજા કોણ છે? તો કેટલાક લોકોને રાજાનું નામ પણ યાદ ન હતું. કોઈએ તેનો ચહેરો પણ નહોતો જોયો. એકે તો એમ પણ કહ્યું કે જ્યારે અમારા ગામડામાં રાજા આવ્યો તો તેના સૈનિકોના કારણે આખા વર્ષનો પાક નિષ્ફળ ચાલ્યો ગયો. ચંદ્રભાને લોકોના મુખેથી આવી આવી વાતો સાંભળી કહ્યું, ‘રાજા એ હોય છે જે સમસ્યાના સમયે કામ નથી આવતો પણ મુસીબત આવતા પહેલા જ કંઈક ને કંઈક બંદોબસ્ત કરી નાખે છે.’

લોકોને લાગ્યું કે તેણે રાજા ભોજ વિશે કંઈ એલફેલ બોલવાની જરૂર નહોતી. ગામડાના લોકોની સમસ્યાનું નિરાકરણ કરવું એ અલગ વાત છે અને સમગ્ર રાજ્યની સંભાળ રાખવી એ પણ અલગ વાત છે. કહેવું સરળ છે કરી દેખાડવું મુશ્કેલ છે. હવે ગામના લોકોને ભય લાગી રહ્યો હતો કે ચંદ્રભાને મહારાજા માટે ઉપયોગમાં લીધેલા આ શબ્દો ક્યાંક રાજાના કાને અથડાયા તો? તો રાજા અવશ્ય તેને ફાંસી પર લટકાવી દેશે.

લોકોના ચહેરાનો રંગ ઉડી ચૂક્યો હતો. એ સૌ વિચારી રહ્યા હતા કે જો કોઈએ આ વાત સાંભળી લીધી અને જઈને રાજાને ફરિયાદ કરી દીધી તો ચંદ્રભાનની સાથે સાથે ગામડાના તમામ લોકોનો વારો ચડી જશે, કારણ કે ગામના બધા લોકો રાજાની વિરુદ્ધની તેની વાત સાંભળી રહ્યા હતા. ચંદ્રભાનને ત્યાં આવનારા લોકોના હ્રદયમાં થડકો પડ્યો અને પછી ધીમે ધીમે ત્યાં આવનારા લોકોની સંખ્યામાં ઘટાડો થતો ગયો. જ્યારે તેને ખબર પડી કે હવે લોકો સામેથી જ આવતા બંધ થઈ ગયા છે તો તેણે પણ એ ટોચ પર જવાનું માંડી વાળ્યું.

(ક્રમશ:)

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments