Team Chabuk : હવે કોઈ ટોચ પર આવતું નહોતું. છોકરાએ લોકોને કારણ પૂછ્યું તો લોકોએ જવાબ આપ્યો, ‘તું રાજા વિશે એલફેલ જે બોલે છે એ કારણે. કોઈક દિવસ રાજાને ખબર પડી ગઈ તો તારી તો ઠીક અમારી પણ શાન ઠેકાણે આવી જશે. ના બાપા ના અમારે સૂડીએ લટકાવું નથી.’
ચંદ્રભાને વિસ્મયપૂર્વક ગામના લોકોને જોયા. જેમ કે બધા ખોટું બોલી રહ્યા હોય. બધાને જોઈ તેણે કહ્યું, ‘મેં કોઈ વ્યક્તિ વિશેષ વિશે કંઈ ખોટું નથી કહ્યું. મેં તો સામાન્ય વાત જ કહી છે. એક રાજાને કેવું હોવું જોઈએ ? અને રાજા તો કોઈ પણ દેશનો હોય શકે. જો મારા જેવા એક નાનકડા છોકરાની વાતને સમજીને, મહારાજા એ વાત પર નથી ચાલતા તો પણ મારા શબ્દો આ જ રહેશે. હું મારા એક એક શબ્દ પર અટલ છું. રાજા મને સુડીએ લટકાવે કે સોના ચાંદીથી મઢાવે હું મારી વાત પરથી પાછો નહીં હટુ. મને આ શબ્દો બોલવા પર કોઈ પસ્તાવો નથી.’
ધીમે ધીમે આ વાત ચર્ચાનો વિષય બની ગઈ. ગામના લોકો જે વાત કરતા હતા. એ વાત એ વ્યક્તિ પાસે પહોંચી જે સૂરજમાનની ઈર્ષ્યા કરતો હતો. તેને તક મળી ગઈ. તેણે ગામના બીજા લોકો પાસેથી પણ શિયાળની જેમ માહિતી મેળવી. તેણે વિચાર્યું કે સૂરજભાન સાથે બદલો લેવાનો આનાથી સારો અવસર મને ક્યારે મળશે ?
બીજા દિવસે બધુ કામ તરછોડી એ ચંદ્રભાનની ચોટી પર ગયો. માણસોની વચ્ચે સંતાઈને બેસી ગયો. એ ચોટી પર ગામના લોકો સાથે વાત કરી રહ્યો હતો. એણે જોયું કે ચંદ્રભાન બે લોકોના ઝઘડાને આટોપી રહ્યો છે. બંનેનો ઝઘડો એક બકરીને લઈ હતો. તેની પર બંને પોત પોતાનો અધિકાર જમાવતા હતા. ચંદ્રભાન કાન દઈને તેમની વાત સાંભળી રહ્યો હતો.
વિચારીને ચંદ્રભાને એવો ન્યાય આપ્યો કે બધા આંખો ઉઘાડીને જોતા જ રહ્યા. એમાંથી એક વ્યક્તિ રાજીખુશી બકરી લઈને ચાલ્યો ગયો અને બીજો વ્યક્તિ ચંદ્રભાનના ન્યાયથી સંતુષ્ટ થઈ ગયો. ખૂબ જ મુશ્કેલ હતું છતાં ચંદ્રભાને એવી રીતે ન્યાય કર્યો કે બધાની આંખો ખુલીની ખુલી જ રહી ગઈ. તેના આગલા દિવસે મળસ્કે જ તેણે બે પાડોશીઓ વચ્ચે એક બાળકને લઈ થયેલા વિવાદને સમાપ્ત કરી દીધો.
પેલા વ્યક્તિના હવે બે દુશ્મન થઈ ગયા હતા. સૂરજભાન પણ અને તેનો દીકરો ચંદ્રભાન પણ. એ રાજાની કાનભંભેરણી કરવા માટે તરસી રહ્યો હતો કે જુઓ રાજા તમારા રાજ્યમાં એક છોકરો તમારા શાસનને તુચ્છ ગણે છે અને પોતે જ ન્યાય કરે છે. મનમાં આટલું વિચારી એ ખંધુ હસ્યો અને પછી ટેકરીની બાજુમાં જ થૂંક્યો.
એ વિચારી રહ્યો હતો ત્યાં પાછળથી તેના ગામના જ વ્યક્તિએ તેને રાડ પાડી બોલાવ્યો, ‘એ ભાનુપ્રતાપ ચાલ હવે મોડુ થાય છે.’
એ તેના મિત્રની સાથે જવાની જગ્યાએ મહારાજા ભોજ પાસે પહોંચી ગયો. હાથ જોડી વાહ વાહ કરતા બોલ્યો, ‘મહારાજા ભોજ તમે અહીં બેઠા છો અને એક છોકરો તમારા શાસનને પડકારી રહ્યો છે. તમારા રાજ્યમાં જ તમારા માટે અપશબ્દો વાપરી રહ્યો છે. ન્યાય કરી રહ્યો છે અને ખૂદને તમારાથી મોટો સંમજી રહ્યો છે. ક્યાંક એવા દિવસો ન આવી જાય મહારાજ કે જનતા બળવો કરી બેસે. તમારા કરતા તેના ન્યાયમાં હવે જનતાને વધારે ભરોસો છે. એ ચોટી પર બેસીને તમારા વિશે એવું એવું બોલતો હોય છે કે હું એને અહીં શબ્દોમાં વર્ણિત નથી કરી શકતો.’
‘કોણ છે એ ?’ મહારાજાધિરાજ રાજા ભોજે પૂછ્યું.
‘ચંદ્રભાન.’ આટલું બોલી એ ભાનુપ્રતાપ ખંધુ હસ્યો.
મહારાજા ભોજે તાત્કાલિક સૈનિકોને હુકમ કર્યો, ‘છોકરા પાસે કોઈ પણ ન્યાય માગવા માટે આવે તેને મારી પાસે લઈ આવવામાં આવે. રાજા હું છું કે એ ?’ સૈનિકોએ રાજાના આદેશનું પાલન કરવાનું શરૂ કરી દીધું.
આગલા દિવસે એક વેપારીને રાજા પાસે તાણીને લાવવામાં આવ્યો. રાજાએ વેપારીને રાજદરબારમાં આવવાનું કારણ પૂછ્યું. વેપારીએ કહ્યું, ‘મહારાજ હું એક નાનકડો વેપારી છું અને વેપાર કરવો એ તો મારા લોહીમાં છે. નગરમાંથી બહાર જતી વખતે મેં મારા મિત્ર પાસે કિંમતી વસ્તુઓ અમાનતના રૂપે રાખી હતી. જેથી હું પરત ફરું તો મારી બહુમૂલ્ય વસ્તુઓ મને સુરક્ષિત પાછી મળી જાય. મેં જ્યારે મારા મિત્ર પાસેથી એ વસ્તુઓ માગી તો તેણે મને ઓળખતો જ ન હોય એ રીતે ના પાડી દીધી. અમારા બંનેની વચ્ચે ઝઘડો થઈ ગયો. મહારાજા મને મારી વસ્તુઓ પરત અપાવી દો. મારી સાથે ન્યાય કરો. એ વસ્તુઓ મારા પરિવારનો એક માત્ર સહારો છે.’ વેપારીને વાત પૂરી કરતા કરતા ગળે ડૂમો ભરાઈ ગયો.
રાજાએ વેપારીના મિત્રને દરબારમાં બોલાવ્યો અને તપાસ કરી તો તેણે કહ્યું, ‘એ વાત તો બિલકુલ સાચી છે મહારાજ કે પરદેશ વેપાર કરવા જતા પહેલા તેણે મારી પાસે અનામત રૂપે કેટલીક વસ્તુઓ રાખી હતી. તેણે મને વાયદો કર્યો હતો કે તે છ મહિના પછી પરત ફરીને એ વસ્તુઓ મને પરત કરી દેશે. એ છ મહિના પછી ફર્યો અને મેં તેને તેની વસ્તુ પરત કરી દીધી.’
રાજા ભોજે તેની સામે જોઈ કહ્યું, ‘તારી પાસે કોઈ પ્રમાણ છે. કોઈ સાબિતી માટે વ્યક્તિ છે, જે એ સિદ્ધ કરી શકે કે તે તેની કિંમતી વસ્તુઓ પરત કરી દીધી છે.’
‘જી મહારાજ. મેં ગામના મુખિયા અને મંદિરના પુજારીની સામે જ બધી વસ્તુઓ પરત કરી છે.’
વેપારીના મિત્રની વાત સાંભળીને રાજા ભોજે એ બંનેને બોલાવવાનો આદેશ આપ્યો. થોડા સમય પછી રાજાના સૈનિકો મુખિયા અને પુજારીને દરબારમાં લાવ્યા. બંનેએ જે જુબાની આપી તે વેપારીના મિત્રના પક્ષમાં હતી. એ બંનેની વાત સાંભળ્યા પછી રાજાએ પોતાનો નિર્ણય સંભળાવ્યો, ‘આ વેપારી ખોટું બોલી રહ્યો છે. જેથી ખોટું બોલવાના આરોપસર તે પોતાના મિત્રની માફી માગે અન્યથા રાજદંડ ભરે.’
પેલા વેપારીના માથે તો આભ તૂટી પડ્યું. એ જોરજોરથી બોલવા લાગ્યો, ‘આ ન્યાય નથી અન્યાય છે મહારાજા. જો હું ચંદ્રભાનની ટોચે ન્યાય માટે જાત તો દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાત. પણ તમારા આ સૈનિકો જબરદસ્તી મને પકડીને અહીં લાવ્યા.’ વેપારી રડવા લાગ્યો.
વેપારીની વાત સાંભળીને રાજા ક્રોધિત થઈ ઉઠ્યો. તેણે મનમાં જ નક્કી કરી લીધું, ’સૂરજભાનનો છોકરો ચંદ્રભાન કેવો ન્યાય કરે છે એ જઈને જોવા જવાની આ તક છે.’ રાજાએ ગરદન હલાવી.
રાજા ભોજે બંનેની સામે વારાફરતી નજર ફેરવી કહ્યું, ‘જો તમે બંને મારા ન્યાયથી અસંતુષ્ટ છો તો જઈને તેની પાસે જ ન્યાય માગી જોઈ લો. હું પણ જોઉં છું કે એ છોકરો કેવી રીતે ન્યાય કરે છે.’
(ક્રમશ:)
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત