ઝાલાવાડી જલજીરા : અગિયારમી જાન્યુઆરીના રોજ ક્રિકેટર રાહુલ દ્રવિડનો જન્મદિવસ ગયો. ખૂબ ધામધૂમપૂર્વક સોશિયલ મીડિયામાં ઉજવાયો. રાહુલ દ્રવિડનું એક ક્વોટેશન છે, ‘તમે 15 વર્ષની ઉંમરે સફળ થઈ ગયા છો તેનો અર્થ એ નથી કે તમે 19 વર્ષની ઉંમરે પણ સફળ જાવ. 19 વર્ષની ઉંમરમાં તમે સફળ છો તેનો અર્થ એ નથી કે તમે 23 વર્ષની ઉંમરે પણ સફળ જાઓ. જે લોકો વધારે પ્રેશર સહન કરે છે તે લોકો વધારે સફળ જાય છે. જો તમે સારું પ્રદર્શન નથી કરી શકતા તો તમારે તેની પાછળનું કારણ જાણવું પડશે.’
માની લો કે ઉપરના રાહુલ દ્રવિડના વિધાનનો આજના વ્યક્તિ સાથે નાડીનેફા વગર જેવો સંબંધ છે. એક એક્ટર છે. એક ક્રિકેટર છે. ખાલી પાછળ ‘ટર’ લાગે છે. એક શાંત રહે છે. બીજો સાઉથનો સ્ટાર છે. ધૂમધડાકા કર્યા રાખે છે. કિન્તુ – પરન્તુ – ઓ બેટાજી આ બ્રહ્માંડમાં રાહુલ દ્રવિડનું ક્વોટેશન દરેક ફિલ્ડમાં પરફેક્ટ બેસી જાય છે. જેમ ચેસની રમત અન્ય કોઈ પણ રમતમાં લાગુ પડે એવી રીતે. જરૂરી નથી કે 96 આપી એ પછીની ફિલ્મ હિટ જાય. જરૂરી નથી કે વિક્રમ વેધા પછી તમારી આવેલી ફિલ્મો હિટ જાય. હવે તમને બંને ઘટનાઓ પરથી સમજાય ગયું હશે.
કમાલ છે માસ્ટરનો ડાયરેક્ટર લોકેશ કનગરાજ. આજના દિવસે એ રોકડુ કરી લેવાનો છે. માસ્ટરમાં થલપતિ વિજયના સહ અભિનેતા વિજય સેતુપતિનો જન્મદિવસ છે. લોકો ઉમટી પડવાના છે. આમ નહીં તો આમ હેપ્પી બર્થ ડે કહેવા માટે. સાઉથમાં હીરોપૂજાનું મહત્વ છે!
થોડીવાર માટે તમારા ભેજાને શાંત કરી નાખો. વિચારો કે વિજય સેતુપતિ કોઈ સ્ટાર નથી. એ તમારો પાડોશી છે. જેને તમે રોજ મળો છો. હાઈ હેલ્લો કરવાના સંબંધ છે. ખાંડ અને દૂધ માગવાનો વાટકી વ્યવહાર છે. એ તાડ જેટલો ઊંચો છે અને કાળો છે. ઘરનો પંખો બગડી જાય ત્યારે તમે એમને જ બોલાવો છો. ‘સેતુપતિભાઈ પ્લીઝ આવોને એક મિનિટ!!’
મોઢું હાથીની જેમ જાડુ છે. શરીર તો દિવસે ને દિવસે વધતુ જ જાય છે. તમે નિરીક્ષણ કરો છો કે આ શ્રીમાન રોજ સવારે ઉઠે ત્યારે એક ઈંચ વધી ગયા હોય તેવું મને કેમ લાગે છે ? ઉપરોક્ત દેહનું શાબ્દિક પ્રસ્તુતિકરણ કર્યું, તેમાં તમને જરા અમથો પણ એવો વિચાર આવ્યો કે આ માણસ સુપરસ્ટાર બની શકે?
માણસ સફળ હોય છે એટલે હેન્ડસમ લાગે છે એટલે આપણને ગમે છે. વિજય સેતુપતિ હેન્ડસમ નથી. એ સફળ છે એટલે સુંદર છે. એ તમારી સામે આવી ઊભો રહે તો રાવણ લાગે. રાવણનો રોલ પ્લે કરવાની તેનામાં અભિયોગ્યતા છે.
તેણે ભંગાર ફિલ્મો પણ આપી છે. યુટ્યુબ પર ગોલ્ડમાઈન ટેલિફિલ્મ્સમાં તેની કેટલીક ફિલ્મો પડેલી છે. વ્યૂ સારા છે પણ તે ‘‘ફિલ્મો સારી’’ છે એ જોયા પછી તમે નહીં કહી શકો. યૂટ્યુબ પર કોમેન્ટ બોક્સના મહેમાન બન્યા વિના જઈ આવો અને જોઈ આવો. ફિલ્મ પૂર્ણ થયા પછી એક સેકન્ડ માટે પણ તમને નહીં લાગે કે હમણાં જે ફિલ્મ જોઈ એ વિજય સેતુપતિની હતી કે પછી કોઈ બીજાની ? આ એ જ હીરો છે જે 96માં હતો? આ એ જ હીરો છે જે વિક્રમ વેધામાં હતો? આ એ જ હીરો છે જે પેટ્ટામાં હતો? અને હવે 13 જાન્યુઆરીએ રિલીઝ થયેલી માસ્ટરમાં પણ છે.
અગેઈન દ્રવિડ ક્વોટેશન. જરૂરી નથી કે તમે ત્યારે પણ સફળ હતા એટલે આજે પણ સફળ જશો. ક્રિકેટમાં આ નહીં સમજાય એટલે ફિલ્મનો આશરો લઈ તમારો ઝાલાવાડી તમને સમજાવી રહ્યો છું. 96 પછી પાછી બે 96થી ઉમદા ફિલ્મો તમે નથી આપી શકતા. મહેનત બરાબર છે, પણ સામેથી સ્ક્રિપ્ટોનો ઢગલો આવતા પસંદગીમાં થાપ ખાઈ જાવ છો. તમને લાગે છે કે મારી હાજરી માત્રથી ફિલ્મ સફળ જશે ? દરેક ફિલ્મ વિક્રમ વેધા નથી હોતી.
વિજય સેતુપતિ ખૂબ ગમે છે. 2017 પછી તો ખૂબ જ ગમે છે. જે વિજય સેતુપતિના અભિનય ઓરામાં પ્રવેશ કરવાથી વંચિત છે તેમને વિક્રમ વેધા માધવનની ફિલ્મ લાગશે. ત્રીસેક મિનિટના અંતર પછી સેતુપતિનો પ્રવેશ થશે અને તે ફિલ્મ માધવનની જગ્યાએ વિજયની બની જશે. તમે માધવનની જગ્યાએ વિજયના ફેન બની જશો. સાઉથ ફિલ્મફેરની કમિટી પણ માધવનની જગ્યાએ વિજયને શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ આપી દેશે. વિજયની આ ખાસિયત છે.
રજનીકાંતની ફિલ્મ તો રજનીકાંતની જ હોય. એમાં વચ્ચે વિજય સેતુપતિ એન્ટ્રી મારે અને અભિનયમાં બીબાઢાળ રજનીકાંતને સફરજનના એક જ બટકા ભેગો ખાઈ જાય. ડિલક્સમાં એ સાબિત કરે કે હું વિક્રમ કરતા અલગ છું અને 96માં ?
આપણને ભૂતકાળને ખોદવાનો શોખ હોય છે. કેવા ગાંડા છીએ આપણે કે ફેસબુકમાં જ્યારે એકાઉન્ટ ખોલ્યું ત્યારે જૂના મિત્રોને શોધવા લાગી ગયેલા. 96 એ જૂના-ખોવાયેલા-જેને પ્રેમ કરતા એ વ્યક્તિને શોધવાની ફિલ્મ છે. એ અચાનક સામે આવી જાય ત્યારે હ્રદય ધબકારો ચૂકી જાય છે અને આપણે પડી જઈએ છીએ. વિજય સેતુપતિ એ ફિલ્મમાં ક્લાસરૂમની અંદર જઈ બેસે છે. હાથને નળની નીચે ટેકો આપી ગળામાં પાણી ઉતારે છે, તો આપણને એના ચહેરાના હાવભાવથી લાગે છે કે એને જગતનું સંધુય સુખ એક ખોબામાં ભરેલા પાણીથી મળી ગયું.
96 ફિલ્મનો નાયક કેટલો નસીબદાર છે. 1996ની એની સ્કૂલ હજુય નથી બદલી. છે એવી ને એવી જ રહી છે. એ ફિલ્મ જોયા પછી દુ:ખ ખાલી એટલું જ થાય કે રામ કૃષ્ણમૂર્તિનું બધુ હતું એમનું એમ જ રહ્યું. આપણું એવું કંઈ ન રહ્યું. ફિલ્મો એટલે જ ગમે છે. એની પાસે આપણે એ બધુ કરાવી શકીએ છીએ જે આપણે આપણી જિંદગીમાં નથી કરી શક્યા. બેતાલીસના થવા પર જન્મદિવસની શુભકામનાઓ વિજય સેતુપતિ.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત