Homeવિશેષસિંહાસન બત્રીસી : લીલાવતીની દાનવીરતાની વાર્તા

સિંહાસન બત્રીસી : લીલાવતીની દાનવીરતાની વાર્તા

Team Chabuk : ચોથી પુતળીની વાર્તા સમાપ્ત થતા જ પાંચમી પુતળી લીલાવતી રાજાની સામે પ્રસ્તુત થઈ ગઈ. લીલાવતીએ રાજાભોજને વિક્રમાદિત્યની દાનવીરતા વિશેની વાર્તા સંભળાવી.

હંમેશાંની માફક રાજા વિક્રમાદિત્ય પોતાના મંત્રીઓની સાથે રાજકાજનું કામ પતાવી રહ્યા હતા. એટલામાં એક બ્રાહ્મણ દરબારમાં આવ્યો. બ્રાહ્મણને આવતા જોઈ રાજાએ કહ્યું, ‘બોલો ભુદેવ શું કાર્ય લઈને આવ્યા છો ?’

બ્રાહ્મણે પ્રણામ કરી રાજાને કહ્યું, ‘આપના રાજ્યની જનતા ખુશહાલ થઈ જશે અને તેમની પણ કીર્તિ ચારે દિશાઓમાં પવન વેગે ફેલાય જશે. બસ એક કાર્ય કરો. તમે પોતાના માટે એક નવો ભવ્યાતિભવ્ય મહેલ બનાવડાવો.’

વિક્રમને પણ તેની વાત યોગ્ય લાગી. તેમણે એક વિશાળ મહેલનું નિર્માણ કરાવ્યું. કારીગરોએ એ મહેલને હીરા, મોતી, ઝવેરાતથી સજાવ્યો હતો. મહેલ જ્યારે બનીને તૈયાર થયો ત્યારે તેની ભવ્યતા આંખો આંજી દેતી હતી. વિક્રમ પણ પોતાના સગા સંબંધીઓ અને નોકરો સાથે એ મહેલની ઝાંખી કરવા માટે ગયો. તેમની સાથે એ બ્રાહ્મણ પણ હતો. મહેલ અત્યંત અદભુત બન્યો હતો. વિક્રમ તો મંત્રમુગ્ધ થયો જ પણ સામે બ્રાહ્મણ તો મોઢું ખોલી જોતો જ રહી ગયો. કંઈ પણ વિચાર્યા કારવ્યા વિના તેના મોઢામાંથી અનાયાસે નીકળી ગયું, ‘કદાચ, હું આ મહેલનો માલિક હોત.’

આ વાત વિક્રમાદિત્યના કાને પડી ગઈ. તેમણે ક્ષણિકવારનો પણ વિચાર કે વિલંબ કર્યા વિના એ મહેલ બ્રાહ્મણને દાન કરી દીધો.

બ્રાહ્મણના પગ તો જમીનને અડકી નહોતા રહ્યા. એ દોડતો દોડતો પોતની પત્નીને સમાચાર સંભળાવવા માટે પહોંચ્યો. બ્રાહ્મણી તેને ખાલી હાથને આવેલો જોઈ કંઈ બોલે તે પહેલા જ બ્રાહ્મણે તેના કાને હીરા-મોતી, ઝવેરાતથી નિર્મિત મહેલ દાનમાં મળ્યો હોવાની વાત કહી દીધી. બ્રાહ્મણની પત્નીની ખુશીની કોઈ સીમા ન રહી. એ અત્યંત પ્રસન્ન થઈ ગઈ. તેણે તો સપનામાં પણ નહોતું વિચાર્યું કે એક મહેલ તેને મળી જશે. એક ક્ષણ તો તેને એવું પણ લાગ્યું કે પતિ ગાંડો થઈ ગયો છે અને મનઘડત વાતો કરી મારી ફિરકી લઈ રહ્યો છે. પણ પતિને વારંવાર બોલતો જોઈ બ્રાહ્મણીને તેના પર વિશ્વાસ આવી ગયો. બંનેએ સામાન ઉઠાવ્યો અને મહેલમાં રહેવા માટે ઉપડ્યા. મહેલની શોભા જોઈ તેની આંખો ખુલીની ખુલી રહી ગઈ. મહેલનો એક એક ખૂણે ખૂણો જોયો અને મનમાં જ બોલવા લાગી, ‘મારા આવા ભાગ્ય, સાચેક??’

મહેલ એટલો મોટો હતો કે ચાલી ચાલીને બ્રાહ્મણ અને બ્રાહ્મણીના ટાંટીયા દુખી ગયા. થાક તેમના શરીર પર ચડી ગયો. બેઉં એક કક્ષમાં આવ્યા અને મખમલના ગાદલા પર પડતા વેત જ ઉંઘી ગયા. અડધી રાત વીતી ગઈ. એક અવાજ સંભળાયો. બેઉંની આંખો ખુલી ગઈ.

મહેલમાં સુગંધ ફેલાયેલી હતી અને આખો મહેલ પ્રકાશમાન હતો. તેમણે ધ્યાનથી સાંભળ્યું તો લક્ષ્મી બોલી રહી હતી. લક્ષ્મીને સામે જોઈ બ્રાહ્મણ અને બ્રાહ્મણી તો માની જ નહોતા શકતા. મહેલ અને પછી લક્ષ્મી?

લક્ષ્મી દેવીએ કહ્યું, ‘આજે તમારું ભાગ્ય ચમક્યું છે. તમે જે માગશો એ હું તમને આપીશ.’

લક્ષ્મીજીને આંખો સામે જોઈ, આટલા મોટા મહેલમાં ઊંઘતી બ્રાહ્મણી તો મુર્છિત થઈ ઢળી પડી. લક્ષ્મીએ આ ને આ વાત ત્રણ વખત કહી સંભળાવી. બ્રાહ્મણ અને બ્રાહ્મણી કંઈ બોલી નહોતા રહ્યા. છેલ્લે ક્રોધિત થઈ લક્ષ્મી ત્યાંથી ચાલી નીકળી. લક્ષ્મીજીની વિદાય સાથે જ પ્રકાશ અને સુગંધ બંને લિપ્ત થઈ ગયા.

લાંબા સમય પછી બ્રાહ્મણી ભાનમાં આવી અને બોલી, ‘આ મહેલમાં ભૂત છે. એટલે જ રાજાએ તુરંત દાનમાં આપી દીધો છે. આનાં કરતાં તો આપણું તૂટેલું ફાટેલું ઝૂંપડુ જ બરાબર હતું.’

બ્રાહ્મણી બોલેત નહીં તો તેનો પતિ પણ માનેત નહીં. જોકે બ્રાહ્મણીએ બોલતા તેના પતિએ પણ કહ્યું, ‘તારી વાત સાચી છે. રાજા એક જ ઝાટકે આટલો વિશાળ મહેલ એમ નેમ થોડો આપી દે. એ પણ મારા જેવા ગરીબ બ્રાહ્મણને. નહીં… નહીં દાળમાં કંઈક તો કાળું છે જ.’

‘અરે દાળ જ આખી કાળી લાવ્યા છો.’ બ્રાહ્મણીએ બ્રાહ્મણના ખભા પર હાથની થપાટ મારી.

માંડ માંડ એ રાત બીતા બીતા પસાર થઈ. સવારની પ્રથમ કિરણ ઉગતાની સાથે જ ઝૂંપડીમાંથી જેટલો સામાન લાવ્યા હતા એટલો જ સામાન લઈ બ્રાહ્મણ અને બ્રાહ્મણી ભાગી ગયા. ઝૂંપડીથી બ્રાહ્મણ સીધો રાજ મહેલમાં આવ્યો અને વિક્રમાદિત્યને વિનંતી કરી, ‘હે મહારાજ, હું તો એક બ્રાહ્મણ છું. મારે આટલા મોટા મહેલની શું આવશ્યકતા. એના કરતાં એ મહેલ આપ પરત લઈ લો તો હું રાજી થઈશ. હુંય કેવો ધુર્ત છું કે જે મહેલ બનાવવાનું કહ્યું તેને જ માગી બેઠો અને આપ કેવા દાનવીર છો. મારી વાત સાંભળીને મને જ આપી દીધો.’

વિક્રમાદિત્યએ કહ્યું, ‘નહીં. દાન કરેલી વસ્તુ વિક્રમાદિત્ય કોઈ દિવસ સ્વીકારતો નથી.’

‘તમે લઈ લો…’ બ્રાહ્મણ ગળગળો થઈ ગયો.

‘ના.’

‘મહેરબાની કરો. હું બ્રાહ્મણ છું અને તમે વીર વિક્રમાદિત્ય. મારા મહારાજ. મારી આટલી અમથી વાતનો સ્વીકાર કરો. અરે હું તો તમારી જનતા કહેવાઉં.’

બ્રાહ્મણને આ રીતે અશ્રુઓ સારતો અને કરગરતો જોઈ વિક્રમાદિત્યથી ન રહેવાયું. તેનું હૈયુ પીગળી ગયું અને તેણે નાણામંત્રીને આદેશ આપતા કહ્યું, ‘આ બ્રાહ્મણની પાસેથી ઉચિત કિંમત જાણો અને મહેલ ખરીદી લો, અન્યથા દાનમાં આપેલી વસ્તુ રાજા નથી લેતો.’

બ્રાહ્મણ પાસેથી મહેલ ખરીદતાની સાથે જ એ મહેલ ફરી વિક્રમનો થઈ ગયો. વિક્રમાદિત્ય તેમાં રહેવા લાગ્યા. હવે ત્યાં દરબાર પણ ભરાતો હતો. એક દિવસ તેઓ ઉંઘતા હતા. એ જ સુગંધ મહેલમાં પ્રસરી ગઈ. એ જ પ્રકાશ ફેલાવા લાગ્યો. લક્ષ્મીજીનું પુન: મહેલમાં આગમન થયું. વિક્રમે લક્ષ્મીદેવીને જોયા.

લક્ષ્મીએ તેને કહ્યું, ‘માગ વિક્રમાદિત્ય. તું જે માગીશ એ હું તને આપીશ.’

રાજાએ હાથ જોડી લક્ષ્મીજીને પ્રણામ કર્યા અને કહ્યું, ‘તમારી કૃપાથી મારી પાસે તમામ વસ્તુ છે. છતાં તમે કંઈ આપવા જ માગતા હો તો મારી પ્રજાને સુખી કરી દો. તેમના પર ધનવર્ષા કરી દો. મારી પ્રજા જે વસ્તુ માગે તેમને એ મળી જાય. કોઈ ઉણપ ન આવે.’

લક્ષ્મીજીએ વિક્રમાદિત્યની વાત માની. બીજા દિવસે સવારે જ ધનવર્ષા થઈ. લોકો ખુશખુશાલ હતા. વિક્રમાદિત્યએ હુકમ આપ્યો, ‘કોઈ અન્યના ભાગનું ધન નહીં લે. ફક્ત પોતાના ભાગમાં જે પડ્યું છે એ જ લેશે.’ જનતા ખુશ થઈ ગઈ. વિક્રમાદિત્યનો જયજયકાર થઈ ગયો.

(ક્રમશ:)

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments