લેખક-શરદ જોશી
અનુવાદ-Team Chabuk
નેતા શબ્દ બે અક્ષરથી બન્યો છે. ‘ને’ અને ‘તા’ આમાંથી એક પણ અક્ષર ઓછો થઈ જાય તો કોઈ નેતા ન બની શકે. પણ અમારા શહેરના એક નેતા સાથે અજીબ કરુણાંતિકા સર્જાય. એક દિવસ એવું થયું કે તેમનો ‘તા’ ખોવાઈ ગયો. ફક્ત ‘ને’થી કામ ચલાવી રહ્યા છે. નેતા ખૂબ જ વ્યથિત હતા. નેતાનો અર્થ હોય છે નેતૃત્વ કરવાની તાકાત. તાકત તો ચાલી ગઈ ફક્ત નેતૃત્વ રહી ગયું. ‘તા’ ની સાથે તાકાત ગઈ, તાળીઓ ગઈ જે ‘તા’ ના કારણે વાગતી હતી. નેતાએ ખૂબ રાડો પાડી. પણ જેનો ‘તા’ ચાલ્યો ગયો તેની સાંભળે છે કોણ ? ખૂબ તપાસ થઈ પણ ‘તા’ ન મળ્યો. નેતાએ એક શેઠને કહ્યું, ‘યાર મારો ‘તા’ ગાયબ છે. તારા તાળામાંથી ‘તા’ મને આપી દે.’
શેઠ બોલ્યા, ‘એ સત્ય છે કે ‘લે’ ની મને જરૂર રહે છે, કારણ કે ‘દે’નું તો કામ નથી પડતું. પણ જો તાળાનો ‘તા’ જ ચાલ્યો જશે તો લઈને રાખશું ક્યાં ? બધુ ઈન્કમ ટેક્સવાળા લઈ જશે. કોઈ વખત તાળાબંધી કરવી પડી તો ? એવે વખતે તું તો મજૂરોનો સાથ આપીશ. મને ‘તા’ થોડો આપીશ.
નેતાએ શેઠને ખૂબ જ સમજાવ્યા, ‘જ્યાર સુધી નેતા રહીશ મારો ‘તા’ આપનું સમર્થન કરશે. તમે ‘તા’ મને આપી દો અને પછી ‘લે’ આપનું. લેતા રહેજો. હું કંઈ નહીં કહીશ.’
શેઠજી ન માન્યા. વિરોધીઓ મજાક ઉડાવવા લાગ્યા. અખબારમાં ખબરો છપાવા લાગી કે નેતાનો ‘તા’ નથી રહ્યો. જો ‘ને’ પણ ચાલ્યો ગયો તો એ ક્યાંયનો નહીં રહે. ખુદ નેતાના દળના લોકોએ દિલ્હી જઈને ફરિયાદ કરી. તમે એક એવો નેતા અમારા માથે રાખી દીધો છે, જેની પાસે ‘તા’ નથી.
નેતા દુ:ખી હતો પણ તેનામાં એટલી હિંમત નહોતી કે એ જનતાની પાસે જાય અને કબુલ કરે કે તેનામાં ‘તા’ નથી.
એક દિવસ તેણે અજીબ કામ કર્યું. ઓરડો બંધ કરીને બુટમાંથી ‘તા’ કાઢ્યો. અને ને સાથે ચોંટાડીને નેતા બની ગયો. તેના વ્યક્તિત્વમાંથી દુર્ગંધ આવી રહી હતી. પણ એ ખુશ હતો કે ચાલો નેતા તો છું. પાર્ટીએ પણ કહ્યું, ‘જે પણ નેતા છે ઠીક છે.’ સમસ્યા ફક્ત એ રહી ગઈ કે લોકોને ખબર પડી ગઈ. આજે સ્થિતિ એ છે કે લોકો નેતાને જુએ છે અને પગરખું હાથમાં ઉઠાવી લે છે. એમને ડર છે કે ક્યાંક એ એમના પગરખામાંથી ‘તા’ ચોરી ન લે.
પત્રકાર પૂછે છે, ‘સાંભળ્યું છે તમારો ‘તા’ ગાયબ થઈ ગયો હતો ?’
એ ધીમેથી કહે છે, ‘ગાયબ નહોતો થયો. મમ્મીને જોતો હતો તો મેં આપી દીધો. આજે હું જે પણ છું તેમના જ કારણે છું. એ ‘તા’ શું મારો ‘ને’ પણ લઈ લે તો હું ના નહીં પાડીશ. નેતાની નમ્રતા તો જોતા જ દેખાય આવે છે. પણ મારો વિશ્વાસ છે મિત્રો જ્યારે પણ મુસીબત આવશે, નેતાનો તા નહીં રહે. લોકો નિશ્ચિત હાથમાં પગરખુ લઈને બેસશે અને પ્રજાતંત્રની પ્રગતિમાં પોતાનું યોગદાન આપશે.
પ્રગતિના પગલાં
રાજા ભરતે પોતાના રાજ્યની પ્રગતિની વાર્ષિક રિપોર્ટ વાચતા કહ્યું, ‘જેવું કે આપણું લક્ષ્ય હતું દેશમાં દૂધ અને દહીંઓની નદીઓ વહેવા લાગે, એ ચાલુ વર્ષમાં પૂર્ણ થઈ ગયું છે અને તમે જોયું હશે કે દૂધ અને દહીંની નદીઓ વહી રહી છે. પણ એ વચ્ચે દેશને ભારે મુસીબતનો સામનો કરવો પડી રહ્યો છે. કોઈ ટેકનીકલ ક્ષતિના કારણે દહીમાં મળવાથી દૂધની નદીઓ પણ જામી ગઈ છે અને ફાટી જવાના કારણે દૂધ પીવા લાયક નથી રહ્યું. હવે આપણી સામે સમસ્યા એ છે કે આ સડેલા દહીંને જેની દુર્ગંધના કારણે જનતાને ઘણું જ કષ્ટ ઉઠાવવું પડી રહ્યું છે એ કઈ રીતે સાફ કરી શકાશે. અમે આ કાર્ય માટે વિદેશથી મદદ માગી છે….’
સ્વપ્ન અને સત્ય
સપનામાં સમસ્ત રાજપાટ દાન કરીને વિશ્વામિત્ર બીજી સવારે વારાણસી આવી ગયા અને સીધા રાજા હરિશ્ચંદ્રના નિવાસ પર દોડ્યા. હરિશ્ચંદ્ર ત્યારે ઘરની બહાર દાંતણ કરી રહ્યા હતા. વિશ્વામિત્રને જોયા તો વિચારવા લાગ્યા કે આ ડોસાને ક્યાંક જોયો તો છે.
‘આપો દક્ષિણા.’ વિશ્વામિત્રએ હાથ વધાર્યો, ‘કાલ સપનામાં તે મને આખુ રાજપાટ દાન કરી દીધું છે. હવે હું તેની દક્ષિણા લેવા આવ્યો છું.’ હરિશ્ચંદ્રએ તેને માથાથી પગ સુધી જોયો અને બોલ્યા, બાબા, ‘દક્ષિણા પણ સપનામાં જ આવીને લઈ જજો.’ અને બીજી બાજુ મોઢું ફેરવીને દાંતણ કરવા લાગ્યા.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત