Homeસાહિત્ય‘અને’ ઓફ ધી રેકર્ડ : લેખક કબૂતરોને સંવનન કરાવે છે પણ નાયક-નાયિકા...

‘અને’ ઓફ ધી રેકર્ડ : લેખક કબૂતરોને સંવનન કરાવે છે પણ નાયક-નાયિકા વચ્ચે નથી કરાવતા

Team Chabuk-Literature Desk : …અને લેખકની કૃતિની અંદર તેનું જીવન ક્યાંક ને ક્યાંક ડોકિયું કરતું હોય છે. કવિતા, વાર્તા કે નવલકથા એ લેખકે અનુભવેલી કે જીવી જાણેલી કથા હોય છે. તમે કે હું, છેલ્લે તો બસ કોઈ બીજાની આત્મકથા જ વાંચતા હોઈએ છીએ. કોઈ વાર આત્મકથા પાત્રો બદલી એકની એક કથાસ્વરૂપે પ્રગટ થયા કરે છે. આવા લેખકોનો પણ તૂટો નથી.

સર્જકોએ હંમેશાં સંભાળીને કલમ ઉપાડવી. જેથી પોતાના વિશે લખેલું ભવિષ્યમાં ફોગટ સાબિત ન થાય. લેખક આ નવલકથામાં લખે છે, ‘હું કહેવાતો ઉગતો લેખક છું. મેં ક્યારેય કૃત્રિમ પ્રસિદ્ધિનું મહોરું પહેર્યું નથી. બનાવટી નકાબ પહેરીને દુ:ખી દુ:ખી રહી દાઢી વધારીને જીવન જીવવાની ફેશનમાં હું માનતો નથી…’

બાકી બધી વાત સાથે મારે એટલે કે ચાબુકને કંઈ લેવા દેવા નથી પણ દાઢી વધારવાની વાતથી યાદ આવ્યું કે આજે આપણા લેખક ભવ્ય રાવલ દાઢી સાથે રખડે છે!

લેખકે આ પહેલાં અન્યમનસ્કતા નવલકથા લખી છે. અન્યમનસ્કતા અને …અને વચ્ચે ફર્ક એટલો કે પ્રથમ નવલકથા વખતે તેમને દાઢી નહોતી અને પછી તેમણે દાઢી ઉગાડી દીધી. નવલકથાની પ્રસ્તાવના કૃષ્ણકાંત ઉનડકટે લખી છે. અને પ્રસ્તાવના બરાબર લખાઈ છે. બીજો કોઈ લેખક હોત તો પ્રસ્તાવનામાં જ વાઘ બકરી ચા જેવું કડક વિવેચન વાંચી પ્રસ્તાવના કાઢી નાખેત, પણ ભવ્યએ એ જ પ્રસ્તાવના રાખી અને પુસ્તક કરાવ્યું તે તેની સર્જક તરીકેની ખેલદિલીનો નમૂનો છે.

રાજકોટમાં એંસી ટકા લોકો માવાસેવી છે. નેટસેવી કરતાં માવાસેવીની સંખ્યા વધારે પણ હોઈ શકે! લેખક ભવ્ય રાવલે પણ નવલકથામાં આ અંગે પ્રકાશ પાડ્યો છે. તેનો નાયક વિબોધ જોશી ખૂદ માવો ખાય છે અને માવા પર ફિલોસોફી કરે છે.

‘વિબોધે જાત સાથે સંવાદ તોડ્યો. ખિસ્સામાંથી ફાકી કાઢી ને બે હાથની હથેળી વચ્ચે મસળતો રહ્યો. માવો ગલોફામાં ચડાવી તેને થોડી વધુ મજા આવી. ચૂનો થોડો તેજ થઈ ગયો હતો. તેવું તેને લાગ્યું. સજીવ વ્યક્તિની આદત છૂટી જાય છે, પણ આ માવો ખાવાની લત જતી નથી. એકધારા કરતા ફરી ફરી નશો કરવાની પણ મજા આવે છે. કાશ પ્રેમ પણ ફરી ફરી કરી શકાતો હોત… તો ?’

સાહિત્યમાં માવા વિશે ખૂબ ઓછું લખાયું છે. પણ અહીં લેખક માવા અને પ્રેમનું એકીકરણ કરી એક નવું ઔષડ બનાવી રહ્યાં હોય તેવું લાગે છે.

તો પ્રથમ સંવાદથી શરુઆત કરીએ. જેથી તમારો રસ જળવાય રહે. ચોપડી ખૂબ કાચી વયે લખાય છે. કથાની દૃષ્ટીએ સરસ છે. પણ તેમાં જે શબ્દો અને તેનું તત્વજ્ઞાનનું મેરવણ કરવામાં આવ્યું છે તેવું જ્ઞાન પચે તેમ નથી. ઓનલાઈન પ્લેટફોર્મ પર આવા જ્ઞાનો વેચાતા રહે છે. પણ વાચકે પોતે એ જ્ઞાન સ્વીકારવું કે નહીં તે વિશે વિચારવાનું છે. માવા સિવાયનો એક પણ સંવાદ ચાબુકને આકર્ષી શક્યો નથી.

આ કથા દક્ષિણની એક પિક્ચર જેવી છે. જેમાં કોઈ નાયકને ચાર ગોળી ધડામ… ધડામ…. ધડામ… ધડામ કરીને લાગી જાય છે છતાં નાયક જીવતો રહે છે. હોસ્પિટલમાં તેની સામે ઉભેલા અને દાધારિંગા બનેલા લોકોને જુએ છે. જેઓ નવલકથામાં વિલનની ભૂમિકા ભજવી રહ્યાં છે. ચાર ગોળી લાગ્યા પછી અને એ પણ પેટમાં, કોઈ પણ વ્યક્તિનું બ્લડ એટલું લોસ થઈ ગયું હોય કે તેનો જીવ જ યમરાજને પૂછ્યા વિના પાડા પાછળ બેસી જાય. પણ આપણો નાયક ખાટલા પર સૂતો છે તે હજુ મર્યો નથી. તેની આંખોના પોંપચા ધીમે ધીમે ખુલે છે. તેને હજુ કેટલાંક પ્રકરણો સુધી જીવંત રહેવાનું છે. પછી એ કેટલો જીવે છે એ તમારી રીતે વાંચીને જોઈ લેજો.

એને સાંભળાય છે કે તેનો પોસ્ટમોર્ટમ રિપોર્ટ તૈયાર થઈ રહ્યો છે. જેથી વાંચકને રસ જાગે કે એવું કયુ પાપ પત્રકારે છાપરે ચઢીને કર્યું છે કે તેને બંદૂકની ચાર ગોળી દેવી પડી અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ વિલનોએ પોતાની સામે ઊભા રહી તૈયાર કરાવડાવ્યો.

ચાબુકે તો બે વખત વાંચ્યું ત્યારે ખ્યાલ આવ્યો કે સત્યા એ કોઈ છોકરીનું નામ છે, છોકરાનું નહીં. તે મહારાષ્ટ્રની છે, પણ રાજકોટમાં રહે છે. સત્યા નામ મહારાષ્ટ્રના કોઈ ગુંડાનું હોત. પણ જેવી લેખકની મરજી. અમે જ્યારે જ્યારે સત્યા વાંચીએ છીએ ત્યારે ત્યારે અમને એ છોકરીની જગ્યાએ છોકરો લાગે છે. અમારા વિચારનો બાયપાસ કરવામાં ચોપડીના લેખકનો કોઈ વાંક નથી. સમગ્ર વાંક સત્યા ફિલ્મના રામગોપાલ વર્માનો છે, કે અમને સત્યા છોકરો લાગી રહ્યો છે.

‘ગાંડી ગર્લ’ જેવા શબ્દોનો પ્રયોગ કરતી સત્યા બે કવિતા સંગ્રહ અને હજાર કવિતાઓ લખી ચૂકી છે. વિબોધ સાથે તેની ફેસબુકમાં મુલાકાત થાય છે. વિબોધ આકાશવાણી પાસે વન બીએચકે ફ્લેટમાં રહે છે. આપણો વિબોધ એક એવો નાયક છે જેને વારેઘડીએ પ્રેમ થઈ જાય છે. એ ભણવા જાય છે તો નવી આવેલી મેડમના પાતળીપટ્ટીના સ્લીવલેસ બ્લાઉઝને જોઈને પણ તેને કંઈક થાય છે. સામેની બાજુ મેડમ પણ તેની અડધી કલાકની ચર્ચા સાંભળી તેની વાતોમાં આવી જાય છે. પછી બંન્ને ફ્લેટમાં મળે છે. લીવ ઈનમાં પણ રહેવાનો પ્રોગ્રામ બનાવે છે કે નહિ આ માટે તમારે વાંચી લેવું.

રાજકોટ ભાવનગર રોડમાં જોરદાર વરસાદ વરસતો હોવા છતાં અને વિબોધ સત્યા વચ્ચે રાજા હિન્દુસ્તાનીના આમિર અને કરિશ્મા જેવા દ્રશ્યનું સર્જન થયું હોવા છતાં એ કંઈ કરતાં નથી. તો પછી નાયક એની ડાર્ક સાઈડમાં એમ શા માટે કહે છે કે મને તો છોકરીઓ ફેરવવામાં રસ છે ? ફેરવવું એટલે ગાડી પાછળ બેસાડી રખડાવવું એવું હોય શકે ? આભ ફાટી ગયું છે. ગુફામાં વિબોધ અને સત્યા છે. એકલા છે. તો પણ લેખક પુસ્તકમાં કબૂતરોને સંવનન કરાવે છે પણ નાયક-નાયિકા વચ્ચે સંવનન નથી કરાવતા!! અરે લેખકે નાયકને જેવો ચીતર્યો છે એ પ્રમાણે ચુંબનની આપ લે પણ નથી થતી.

એક મોહન નામનું પાત્ર છે. જે વારંવાર પોતાનો ધર્મ બદલ્યા કરે છે. ગોવિંદાની ફિલ્મોની હીરોઈનો જેટલી ઝડપથી પોતાના કપડાં નથી બદલતી એટલી ઝડપથી માઈકલ મોહન બને છે અને મોહનમાંથી મોહમ્મદમાં પરિવર્તિત થઈ જાય છે. હજુ પણ તે કંઈક આગળ બને છે. ભવાઈમાં વિદૂષક હતાં તો આ અહીં વિદૂષકની સમકક્ષ જ પાત્ર ભજવી રહ્યો છે.  

નાયક વિબોધ કોઈને સમજાય તેવો નથી. એને ગમે ત્યાં મોઢા મારવા છે. પેજ નંબર 43માં સંવાદ છે, ‘યુનિવર્સિટી જવાનું છે.’

તેનો રૂમ પાર્ટનર મોહન કહે છે, ‘આજે મનપસંદ મોહતરમાનો લેક્ચર હશે.’

એ પછી સાફ થઈ જાય છે કે વિબોધને ઉંમરમાં મોટી ખાસ તો મહિલા પ્રોફેસરો સાથે પ્રેમ થયા કરે છે. નવી લેક્ચરર આવી છે તો ત્યાં પણ તેને પ્રેમ થઈ જાય છે. માણસ દિવસમાં જેટલી વખત પાણી નથી પીતો તેનાથી વધુ વખત નાયક વિબોધ પ્રેમ કરતો હોવો જોઈએ, કારણ કે નાયક વિબોધજીનો પ્રેમ એ ફાકી તુલ્ય છે!

લેક્ચરર કૌશર ખાનને પ્રથમ દૃષ્ટીએ જોઈ લાગતું નથી, પણ એ લગ્નને હાસ્યામાં ધકેલી તુરંત છેદ ઉડાવી દે છે. કૌશર વિબોધને કહે છે, ‘તમારું જીવનસાથી જે બનશે એ નસીબદાર હશે. હું પણ તમારાં જેવા એક એવા ખુલ્લા દિલના પાત્રની ખ્વાહિશ આજ દિન સુધી રાખું જે લગ્ન બાદ પણ મારાં મેરિટિકલ અફેર્સ સ્વીકારી શકે. હું તેનું એકાદ લફરું હસી કાઢું. અમારી વચ્ચે બધું જ હોય. બસ મિલન બાદની જુદાઈ ન હોય, જુદાઈ જાનલેવા હોય છે વિબોધ.’ તો પછી પરણવાની જરૂર જ નથી !

કોઈ પણ પ્રકરણની શરૂઆત અને તેનો અંત અનેથી થાય છે. એવા કુલ 58 વખત ‘અને’ આવશે. પાંચેક વખત ધાણીફૂટ ગોળીબાર થાય છે અને અવાજ પણ આવે છે. ધડામ… ધડામ…. ધડામ… ધડામ.. આ સિવાય એક ઠાક…ઠાક…ઠાક… અવાજ પણ આવે છે.  

હજુ તો દાઉદ પણ આવશે !! એ કોણ એ બધું ચાબુક નહીં કહે. નવલકથામાં ડાયરીમાંથી જે ભૂતકાળ વંચાય છે એ પૂર્ણ થયા પછી લેખકને કંઈક વધારે જ ઉતાવળ છે. તુરંત આખી વાતનો ફોડ પાડી દીધો. નવલકથાના અંતમાં તો ચરમોત્કર્ષ તુરંત આવી ગયો. એક જ પ્રકરણમાં બધા નર્કે ગયા. અહીં સત્યા અને વિબોધ સિવાયના કોઈ પાત્રોને લેખકે વિકસવાની તક જ ન આપી. અધકચરા લાગે. પ્રકરણ 17 પછી પાત્રો જે કરી રહ્યાં છે એ એકતા કપૂરની સિરીયલમાં થઈ ચૂક્યું છે.

સારી વાત. નવલકથામાં સ્થળ સરસ ઉભરે છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ન જોનારાઓએ પણ કંઈ ગુમાવવાનું નથી. સિમેન્ટના રોડ, સ્પીડબ્રેકર, લાઈબ્રેરીથી લઈને રસ્તામાં આવતી જગ્યાઓ, તમામનું લેખકે બરાબર નિરીક્ષણ કરીને લખ્યું છે. એક વાત માટે લેખકને ફરી સલામ. નવલકથામાં ટાઈપિંગ મિસ્ટેક છે પણ જોડણીની એક પણ જગ્યાએ ભૂલ નથી. ભાષા માટે ખૂબ ખૂબ અભિનંદન. બાકી ઉપરનું તો… ધડામ… ધડામ… ધડામ….

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments