Homeવિશેષકોલેજ કથા : ચુંબન

કોલેજ કથા : ચુંબન

ગુન્હેગાર છું,ચુંબન અચાનક મેં તમારું લઇ લીધુ,
પાછું લઇ લો,ત્યાં જ છે જ્યાંથી લીધું જ્યાંથી કીધું,

‘મારી આગળ આવા નીતનવા પેંતરા અજમાવવાના રહેવા દેજે. અત્યાર સુધી મૈત્રી હતી એ ઠીક છે, એ વાત સાચી કે ડગલ ને પગલે તું મને કામ આવ્યો. મેં પણ આ કારણે જ તારું માન સાચવ્યું. અને એટલે જ આજે બધાની વચ્ચે નીચોવવાની જગ્યાએ તને અહીં એકાંતમાં કહું છું. હવે જો માન્યો નહીં તો જોયા જેવી થશે.’

મધ જેવી મીઠી અનામિકા પળભરમાં સામે ઊભેલા જશવંત માટે એસિડ બની ગઈ. જશવંતના કુણા હ્રદયમાં હળવો અટેક લાવીને રાખી દીધો.

જશવંત. જ્યારે નામ કાને પડે ત્યારે સાંઈઠ વર્ષનો મરણપથારીએ પડેલો બુઢીયો કે યુનિવર્સિટીમાં નિવૃત્તિની ઘડીઓ ગણતો પ્રોફેસર આંખો સામે તરી આવે. પણ આ શું ? જશવંતલાલ તો જૂનાગઢના મનમૌજી ધણી. પચ્ચીસ વર્ષનો છોકરો. રંગે ઘઉં વર્ણો. કદ કાઠીએ ઠીકઠાક. કોલેજ આવતા પહેલાં ફેરેન હેન્ડસમ સાથે રમતા જશવંત પર સૂરજ દેવતાને પ્રકાશ ફેંકતા બે ઘડી દયા આવી જાય એવું મોઢું. ને આ બાજુ અનામિકા નામની રમતિયાળ છોકરી.

ઈન્દ્રના દરબારની અપ્સરા. મેનકા અને ઉર્વશીનું મળેલું સંયોજન. ગુલાબી કલરનું હાફ ટીશર્ટ પહેરીને આવે ત્યારે તેની નાભીમાં ડૂબી જવાની જુવાનિયાઓમાં પનપતી એષણાઓ. દક્ષિણની કોઈ પ્રસિદ્ધ અભિનેત્રીની જેમ ઉભરેલા તેના વક્ષસ્થળો. પ્રભુએ જાણે હાથના બે અંગૂઠાઓ ફેરવીને નકામો થર કાઢી નાખ્યો હોય તેવી પાતળી કમર.

જ્યારે કાળા કાગડામાંથી ફેર એન્ડ હેન્ડસમ લગાવીને ઘઉંવર્ણા બનેલા જશવંતને વિદ્યાર્થીઓ હંસ જેવી અનામિકાની બાજુમાં જોતા ત્યારે આત્મહત્યા કરવાનું વિચારી લેતા. પણ આજે, આજે છેલ્લા એક વર્ષની દોસ્તીનો અંત આવી ગયો અને દોસ્તીના અંતનું કારણ હતું જશવંતનાં મોઢેથી નીકળેલા એ ત્રણ શબ્દો.

અનામિકાના મોઢે દાવાનળ જેવા શબ્દો સાંભળી જશવંતને જીવનનો અંત કરવો જ યોગ્ય લાગ્યો. અનામિકાને જ્યારે તે કાયમી પોતાની બનાવવા માટે પેલા રૂપાળા ત્રણ શબ્દો ગોખીને ગયેલો ત્યારે બે વર્ષ પછી કાજી પાસે જવાનીય ઈચ્છાઓ તેના મનમાં સળવળી રહી હતી, પણ અનામિકાએ તેને કાજીની જગ્યાએ આજીનો કરી નાખ્યો.

કવિતા અને નાટકની સ્પર્ધામાં કોલેજકાળથી જીતતો આવતો જશવંત પણ કલાનો માલિક હતો. જો અનામિકા સુંદરતાની સ્વામિની હોય તો જશવંત કલામાં ટાગોર બનવા કૂદકા મારતો હતો. કવિતાઓ લખી નાખતો, નવલકથાઓ ફટાફટ વાંચી લેતો અને યુનિવર્સિટીની સ્પર્ધા માટે નાટકો પણ લખી નાખતો.

અનામિકાના કારણે આ વર્ષે તેને યુવક મહોત્સવની સ્પર્ધામાં નાટક લખવાની બિલકુલ ઈચ્છા નહોતી. આ જવાબદારી પ્રથમ વર્ષના અને લેખક બનવા થનગનતા અવ્ય ગાંધીના હાથમાં આવી. તેણે સરસ મજાનું એક નાટક લખી નાખ્યું. સિનિયર જશવંતે આપેલી આ તકના બદલામાં આ નાટકનો લીડ હીરો પણ તેને જ બનાવ્યો. સામેની બાજુ લીડ હીરોઈન અનામિકા હતી!

રિહર્સલમાં ગયા ત્યારે રાબેતા મુજબ અંગારા જરવા લાગ્યા. અનામિકાની આંખોમાંથી તેજાબ વરસતું હતું. એના કાને હજુ પેલા શબ્દો પડઘાતા હતા, ‘હું તને પ્રેમ કરું છું. તું મને ખૂબ જ ગમે છે.’

સંવાદો યાદ રાખવામાં સૂરોપૂરો એવો જશવંત પણ સામે અનામિકાને નાટકની લીડ હીરોઈન તરીકે જોઈ ઢીલો પોચો થઈ ગયો. તેના ગાત્રો શીથીલ થઈ ગયા. એના મગજમાં અનામિકાનો એક જ શબ્દ ઘુમરાઈ રહ્યો હતો, ‘તું મારે લાયક નથી.’

પણ પ્રિન્સિપાલ શ્રી ફડકદેવના કારણે બેઉંને ભેગું થવું પડ્યું. નાટકનું રિહર્સલ કચવાતા મને થયું. એમાં ખાલી માણસો હતા પાત્રો ન હતા. વાક્યો હતા સંવાદો ન હતા. પ્રેમના નાટકમાં ઉષ્માની ગેરહાજરી હતી.

આખરે અવ્ય ગાંધી દ્રારા લિખિત નાટક અન્યનું મન યુનિવર્સિટીના મુખ્ય મેદાનમાં યોજાયું. વિદ્યાર્થીઓનું ટોળું ચીચીયારીઓ કરી રહ્યું હતું. એ ચીચીયારીઓ અને હોહોના અવાજો અનામિકા નામની ઉર્વશી માટે હતા.

નાટક પૂર્ણ થયું અને તાળીઓનો ગડગડાટ થયો. જશવંતે પાછી ફરતી અનામિકાનો હાથ પકડી ખેંચી લીધી. મધ જેવી મીઠી કેરીને જશવંતે પોતાના બંન્ને હાથ વચ્ચે લઈ લીધી. અનામિકાની ભ્રકૂટી તણાય, ‘જશવંત છોડ.’  

હાથમાં આવેલા મધના પૂડાને કોણ મુકે. એણે બધાની સામે અનામિકાના હોઠ ભીનાં કરી નાખ્યા. પાછળ ઊભેલો અવ્ય ગાંધી પોતાના નાટકની સ્ક્રિપ્ટને વાંચવામાં પડી ગયો અને બોલી ઉઠ્યો, ‘આવો તો અંત હતો જ નહીં.’

મહોત્સવમાં હાહાકાર મચી ગયો. આખા જગતની સામે ભમરે ફૂલને ચૂમી લીધી. જશવંતના ચહેરા પર યુદ્ધ જીત્યાનો ઉન્માદ હતો. અનામિકાના ચહેરા પર જશવંતે કરેલો ડાઘ એના માટે કાયમ રહી જવાનો હતો. એ ત્યાંથી ભાગી ગઈ. કંઈ બોલી નહીં. મેદાનની જનમેદની હજુ પણ રાડો પાડી રહી હતી. અનામિકા માટે ન સાંભળવા યોગ્ય શબ્દો બોલાય રહ્યા હતા.

બીજા દિવસે પ્રિન્સિપાલ ફડકદેવની સામે જશવંતનો કોલેજમાંથી રસ્ટિકેટ લેટર ધડાધડ ટાઈપ થયો. અવ્ય ગાંધી હજુ પણ ફડકદેવ અને અન્ય સહપાઠીઓને સમજાવી રહ્યો હતો કે, ‘પટકથામાં ભૂલ નહોતી.’ બધાને ખબર હતી છતાં ડરી ગયેલો અન્ય અન્ય તો શું કરે ?

આ વાતને સાતેક વર્ષ વીતી ગયા. અનામિકા કોણ તેની વાતો નહોતી થતી, પણ હા, જ્યારે જ્યારે યુવક મહોત્સવ થતો ત્યારે ત્યારે એક ભરાવદાર શરીરની માલકણ પર નમી પડેલ એક છોકરાની વાતો ચકડોળે ચડતી. હવે તો જશવંત ક્યાં હશે ?

આજે સાત વર્ષ પછી ફરી એક વખત યુવક મહોત્સવ હતો. યુવક અને યુવતીઓ એ જ પ્રાંગણમાં ભેગા થયા હતાં. શોરબકોર અને રાડારાડો થતી હતી. એ પ્રચંડ ધ્વનિ અને તેના આગાજની પાછળનું કારણ બસ એટલું જ હતું કે, ગુજરાતનો પ્રતિષ્ઠિત લેખક વિશેષ પટેલ આવી રહ્યો હતો. છાપાઓમાં તેની પ્રેમ વિષયક વાર્તાઓ યુવા હૈયાઓના ધબકારા વધારી દેતી હતી. દરેક યુવક અને યુવતી તેને પોતાની વાર્તા કહેવા અધીરું રહેતું હતું.

યુવક મહોત્સવ શરૂ થવાના બરાબર અગિયારનાં ટકોરે કુલપતિ અને સિન્ડિકેટ સભ્યોથી ઘેરાઈને વિશેષ પટેલ આવી પહોંચ્યો. ફરી એકવાર રાડા રાડી થવા લાગી. સ્ટેજ પર વિશેષ પટેલ ગયો અને તેણે ભાષણની શરૂઆત કરી.

પ્રેમની જૂની ફિલોસોફીઓના એણે છોતરા ઉડાવી દીધા. પ્રેમની આડે વિઘ્ન બનીને આવતી સમસ્યાઓ પર તેણે શબ્દરુપી બુલડોઝર ફેરવી દીધું. વક્તવ્યમાં વાતે વાતે પ્રેમની શાયરીઓ કહી તેણે જુવાન હૈયાઓને ડોલાવી દીધા. તર્ક જ નહીં પણ દેશ વિદેશના લેખકોના ક્વોટેશનો સંદર્ભ રૂપે મૂક્યા.

ને… ને એક એવી ક્ષણ આવી ગઈ કે તે મુંગોમંતર થઈ ગયો. તે કંઈ બોલી શકતો ન હતો. જાણે જીભને ખંભાતી તાળુ લાગી ગયું હોય. તેની પાસે યુવકોને મોહિત કરવા માટે થોથામાંથી બાણ ખૂંટી પડ્યાનું દેખાયું. કલાકનું બોલવાનું કહેલ પણ અડધી કલાક બોલી તેણે શ્રોતાઓને થેન્ક યૂ કહ્યું.

પોતાના પુસ્તકો પર ઓટોગ્રાફ આપવાની જગ્યાએ એ ભાગવા લાગ્યો. ભાગી અને કારમાં બેસી ગયો. અંદર તેનો મિત્ર સુધીર હતો.

‘ભાઈ વિશેષ એવી કઈ વિશેષ વસ્તુ થઈ ગઈ કે એક કલાકનું ભાષણ અડધી કલાકમાં પૂરું થઈ ગયું? આ પહેલા તો આવું થયેલું જોયું નથી.’

‘એ ખુરશી…. એ એક ખુરશી…’

‘ખુરશી ખુરશી શું બોલે છે? કંઇક તો ખુલીને વાત કર મારા ભેરૂ.’

વિશેષની આંખમાંથી પાણી નીકળવાના હતા. મંદ ગતિએ જઈ રહેલી વિશેષ અને સુધીરની કારની આડે અચાનક એક બીજી કાર આવી ગઈ.

ડ્રાઈવર ઉતર્યો અને તેણે વિશેષને બીજી કારમાં બેસવાનું કહ્યું. સુધીર બોલવા માગતો હતો પણ તેને વિશેષે હાથથી રોક્યો.

વિશેષ સફેદ કલરની કારની આગળ ગયો. એણે કારના કાચના બારણા તરફ જોયું અને સામેથી અવાજ આવ્યો, ‘વિશેષ કહું કે જશવંત?’

એ અનામિકા હતી. જેને ખુરશીમાં જોઈને વિશેષ થોથવાઈ ગયો હતો. તેની આંખો સામે સાતેક વર્ષ પહેલાની એ ઘટના તાજી થઈ ગઈ. ડાબા હાથમાં અનામિકાની કમરને કરેલો સ્પર્શ જીવંત થયો, તેના હોઠમાં ફરી એ સુવાસ પ્રગટી ઉઠી. ડ્રાઈવરને બહાર રહેવાનું કહી વિશેષ અંદર ગોઠવાયો.

‘મને જોઈને બોલતો બંધ થઈ ગયેલો.’

‘મેં ખોટું કર્યું હતું. મારી ભૂલ હતી.’ જશવંતે સાત વર્ષ પહેલા બનેલી એ ઘટનાની ગળગળા અવાજે આજે છેક માફી માગી.

‘કોલેજમાંથી રસ્ટિકેટ થયા પછી મને કોઈ દિવસ મળ્યો?’

વિશેષ બનીને બેઠેલા જશવંત પાસે કોઈ જવાબ નહોતો.

‘મારું શું થયું હતું એ તને ખબર હતી ?’ અનામિકાએ ફરી પૂછ્યું.  

જશવંતની જગ્યાએ એક મૂર્તિ આવી ગઈ હોય તેવું લાગતું હતું.

‘શરમની મારી એ દિવસે તો હું કોલેજે ન આવી બાકી તને રસ્ટિકેટ કરતો રોકી દેત.’ જશવંતને કંઈ સમજમાં નહોતું આવતું.

‘બધા સામે તે મારા હોઠ એઠા કર્યા હતા. જીવતેજીવ બીજા છોકરાઓ મને આભડછેટની દ્રષ્ટીએ જોતા હતા. શું તારો પ્રેમ આવો જ હતો, કે મને પાછો ન મળે? દરેક છોકરી અચાનક આવેલા એ ત્રણ શબ્દોને પુરુષની પરીક્ષા હેતુ ટાળતી જ હોય છે!! તારા કારણે હું વગોવાય અને હજુ કુંવારી છું. મૂરતિયો જોવા આવે ત્યાં સ્ટેજ પર તે આચરેલું પરાક્રમ આડુ આવી જાય છે. ચાલ હું જાઉં છું. મારે યુવક મહોત્સવમાં જજ તરીકે હાજર રહેવાનો સમય થઈ ગયો છે.’

જશવંત ગાડીમાંથી ઉતરી ગયો. અનામિકાની ગાડી ચાલી ગઈ. ધૂળની ડમરીઓ ઉડાવતી. સુધીર તેની બાજુમાં પહોંચે ત્યાં જશવંત દોડ્યો. એ ગાડીની પાછળ.

‘ગાંડો બનીને ક્યાં દોડે છે ?’ સુધીરે રાડ પાડી પણ જશવંત પર ભૂત સવાર થઈ ગયું હતું.

જશવંતની પાછળ રહી ગયેલા સુધીરને મહોત્સવમાં હાજર વિદ્યાર્થીઓનો અવાજ સંભળાયો,

આ શેનો અવાજ હશે ?

સ્ટેજ પર સાત વર્ષ પહેલાના જશવંત અને અનામિકા હતા. એ જ સ્થિતિનો. બીજું શું ?

(શીર્ષક પંક્તિ – અવિનાશ વ્યાસ)   

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments