Homeતાપણુંચૂંટણીના રંગ ચાબુકને સંગ : પિતા ભાજપમાંથી પુત્ર કોંગ્રેસમાંથી!

ચૂંટણીના રંગ ચાબુકને સંગ : પિતા ભાજપમાંથી પુત્ર કોંગ્રેસમાંથી!

Team Chabuk-Political Desk :રાજકારણમાં હવે કોઈને પછાડવા માટે કે પછી કોઈની કારકિર્દી સાબુ પાણી વિના જ લમધારી લમધારીને સાફ કરી નાખવા માટે ચારિત્ર્યનો ઉપયોગ કરવામાં આવે છે. ભાજપમાં ચૂંટણી આવતા અને ટિકિટ ન મળતાં મહાકાય થવા મથતા નિરાશકાય નેતાઓ હવે તેમના જ નેતાઓને કાપી રહ્યા છે. કિશોરસિંહ ઝાલા નામના ટિકિટ મેળવવા માગતા માણસે પ્રાંતિજના ધારાસભ્ય ગજેન્દ્રસિંહ પરમાર પર આવો આક્ષેપ કર્યો છે. આક્ષેપમાં શું શું આવે છે તેના પર એક નજર કરી લઈએ. કિશોરભાઈ ગજેન્દ્રભાઈ પર આક્ષેપ લગાવતા કહે છે કે, એમણે એક દલિત યુવતીને લાલચ આપી તેનું શારીરિક શોષણ કર્યું છે. યુવતીને તો લાલચ આપેલી કે બેંકમાં નોકરી અપાવી દઈશ ને પછી એ ગાંધીનગરમાં આવેલા 50 નંબરના સદસ્ય નિવાસ ક્વાર્ટર પર લઈ જઈ યુવતીનું શારીરિક શોષણ કરતા રહ્યા.

ક્રોસ વોટિંગનો ભય

રાજકોટમાં તો હવે ક્રોસ વોટિંગનો ભય સતાવી રહ્યો છે. ઉમેદવારો હવે પોતાની જ્ઞાતિના મોવડીઓને બોલાવી બેઠક કરી રહ્યા છે.  બિચારાઓને જેટલો ભય પોતાના હરિફોથી નથી લાગી રહ્યો તેટલો પોતાની જ પેનલથી લાગી રહ્યો છે. હવે ઉમેદવારો પોતાની જ્ઞાતિના મોવડીઓને ફોન કરી રહ્યા છે અને અમારી તરફી વોટિંગ કરજો એવી માંગણી કરી રહ્યા છે. પણ આવું કરી શું કામે રહ્યા છે ? આવું કરવા પાછળનું કારણ વરવો ભૂતકાળ છે. 2015ની ચૂંટણી હતી. જેમાં ક્રોસ વોટિંગ થયું હતું. હવે આ વખતે આવું ન થાય તેની બીક ઉમેદવારોને પહેલાથી ઘરી ગઈ છે. જો ક્રોસ વોટિંગ થશે તો અસંખ્ય વોર્ડમાં પેનલ વિજેતા થવાની જગ્યાએ જ્ઞાતિના ઉમેદવાર જ વિજેતા થશે.

કોઈ ઘુસતા નહીં

સ્થાનિક સોસાયટીની જ વાત કરી લઈએ. નેતાઓ ચૂંટાય છે પછી કામ નથી કરતા તેનો વધુ એક પૂરાવો સામે આવ્યો છે. આ પુરાવો સુરતથી સામે આવ્યો છે. સુરતની સંતશ્રી આશારામ નગર સોસાયટીનો છે. જ્યાં લખેલું છે એ તો તમે નીચેના ફોટામાંથી વાંચી શકશો, પણ એક વસ્તુ તો સાફ થઈ ગઈ કે અહીંના રહેવાસીઓને સુવિધાના નામે આર્યભટ્ટે જેની શોધ કરી તે મીડું જ મળી રહ્યું છે. નહીંતર આ હદ સુધીનો બળાપો તો કોણ ઠાલવે.

એલા યાદી ગાયબ થઈ ગઈ

હવે નેતાઓ ચૂંટણી જીત્યા પછી તો ગાયબ થઈ જાય છે તેની વાતો તો સાંભળી, પણ એક યાદી જ ગાયબ થઈ ગઈ છે. વાત વીરુક્ષેત્ર વડોદરાની છે. અહીં વોર્ડ નંબર 13માં બુથ લેવલના કાર્યકરોની કોઈ યાદી ચોરી કરી ગયું છે. અન્ય કાર્યકર્તાઓનું માનવું છે કે આ અંદરનો જ કોઈ વીરલો છે. ટિકિટ ન મળવાના કારણે મહાકારસ્તાન કર્યું છે. જોકે પછી તો કોઈ યાદી મુકી ગયું હતું. હો કે…

હા રાજકારણ હા…

ભાજપમાં હોય કે કોંગ્રેસમાં પરિવારનું કોઈ એક હોદ્દા પર જોઈએ. જેનો વિચિત્ર નમૂનો જામનગરમાંથી મળ્યો છે. અહીં જામનગર વોર્ડ નંબર 11માંથી ભાજપના પ્રભારી મનસુખ ખાણધરનો દીકરો પુનિત કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડે છે!! એક જ વોર્ડમાંથી પિતા અને પુત્ર ! ઘરના જ બે સભ્યો જનતાને કહી રહ્યા છે – પ્રભારી પિતા કહે ભાજપને મત આપો અને ઉમેદવાર પુત્ર કહે, હું કોંગ્રેસમાં ઊભો છું મને મત આપો. કદાવર નેતાઓ પ્રચાર કરવા આવે તો પણ જુએ છે કે એક જગ્યાએ મનસુખભાઈનું બેનર છે જેમાં તેમને પ્રભારી તરીકે દર્શાવ્યા છે અને ત્યાંથી આગળ જાઓ તો પુત્રનું બેનર જે કહે છે કે મને વોટ આપો. હા રાજકારણ હા…

રાજકારણમાં પણ બેરોજગારી!

જામનગરની જ વાત હોય તો કહી દઈએ કે અહીં જિલ્લા અને તાલુકા આમ બંનેની મળીને 136 બેઠક છે પણ જે રીતના ફોર્મ ભરાણાં છે એ જોતા લાગે છે કે બેરોજગારી રાજકારણમાં પણ આટો લઈ ગઈ છે. 749 ફોર્મ. જામનગરનાં જ પાડોશી એવા દ્રારકામાં 713 ફોર્મ ભરાયા છે. વિદ્યાર્થીઓ કહે છે કે સરકાર બેરોજગારીનું નિરાકરણ નથી લાવી રહી અને ખૂદ સત્તામાં આવવા માટે રાજકારણના આટલા બધા બેરોજગારો થનગની રહ્યા છે. તમે સમજો!!

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments