Team Chabuk Political Desk: રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને રાજકીય પાર્ટીઓ જીત માટે પૂરેપૂરી તાકાત લગાવી રહી છે. જીતના સમીકરણો માંડી રહી છે. રાત-દિવસ પ્રચાર કરવામાં આવી રહ્યો છે. મતદાતાને રિઝવવાના તમામ પ્રયાસો નેતાઓ કરી રહ્યા છે. પરંતુ કેટલીક બેઠકો પર ભાજપને આવું કઈ કરવાની હવે જરૂર નથી કેમ કે રાજ્યમાં અલગ અલગ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની બેઠકો પર ભાજપના ઉમેદવારો મતદાન પહેલાં જ બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. ભાજપે પોતાના બિનહરીફ ચૂંટાયેલા ઉમેદવારોની યાદી બહાર પાડી છે. જેમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાના ઉમેદવારોનો સમાવેશ કરાયેલો છે.
જિલ્લા પંચાયત બે બેઠક ભાજપ જીત્યું
ચૂંટણી પહેલાં જ રાજ્યમાં બે જિલ્લા પંચાયતની બે બેઠક ભાજપે કબજે કરી લીધી છે. જૂનાગઢ જિલ્લા પંચાયતની બીલખા બેઠકના ભાજપના ઉમેદવાર અનક ભોજક બિનહરીફ થયા છે. જ્યારે સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની કોંઢ બેઠક પણ ભાજપે કબજે કરી લીધી છે. કોંઢ બેઠકના ભાજપના ઉમેદવાર ઉમાબા દેવપાલસિંહ ઝાલા બિનહરીફ થયા છે.
તાલુકા પંચાયત
તાલુકા પંચાયતમાં બિનહરીફ થયેલા ભાજપના ઉમેદવારોની વાત કરીએ તો સુરતના ઓલપાડ તાલુકા પંચાયતની પિંજરત બેઠક અને ચોર્યાસી તાલુકા પંચાયતની હજીરા બેઠક પર ભાજપના ઉમેદવાર બિનહરીફ થયા છે. અમદાવાદના દસક્રોઈ તાલુકા પંચાયતની ભુવાલડી અને ખોડીયાર બેઠક પર પણ ભાજપે ઉભા રાખેલા ઉમેદવાર બિનહરીફ થયા છે. જૂનાગઢ તાલુકા પંચાયતની બીલખા બેઠક પર પણ ભાજપના ઉમેદવાર બિનહરીફ ચૂંટાયા છે. ભાવનગરની વાત કરીએ ભાવનગર જિલ્લાની ઉમરાળા તાલુકા પંચાયતની લંગાળા અને રંઘોળા બેઠક પર ભાજપના ઉમેદવાર બિનહરીફ થયા છે. તો સુરેન્દ્રનગર જિલ્લામાં ભાજપને મોટો ફાયદો થયો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં ભાજપે અલગ અલગ 9 તાલુકા પંચાયતની બેઠકો ચૂંટણી વિના જ જીતી લીધી છે. જેમાં લીંબડી તાલુકા પંચાયતની અંકેવાળિયા બેઠક, વઢવાણ તાલુકા પંચાયતની નાના કેરાળા બેઠક, ધ્રાંગધ્રા તાલુકા પંચાયતની માલવણ અને વાવડી બેઠક, થાનગઢ તાલુકા પંચાયતની જામવાળી, ખાખરાથળ, નળખંભા, સોનગઢ અને મોરથળા બેઠક પર ભાજપના ઉમેદવાર બિનહરીફ થયા છે.

નગરપાલિકા
નગરપાલિકાની ચૂંટણીમાં પણ સુરેન્દ્રનગરની ધ્રાંગધ્રા નગરપાલિકાની કૂલ પાંચ બેઠકો ભાજપે જીતી લીધી છે. ધ્રાંગધ્રા નગરપાલિકામાં વોર્ડ નંબર-6માં એક ઉમેદવાર અને વોર્ડ નંબર-8ના ચારેય ઉમેદવાર બિનહરીફ થયા છે.

આમ ચૂંટણી લડ્યા વિના જ ભાજપે જિલ્લા પંચાયતની 2 બેઠક, તાલુકા પંચાયતની 16 બેઠક અને નગરપાલિકાની 5 બેઠક જીતી લીધી છે. કૂલ 23 બેઠક પર ભાજપના ઉમેદવારો બિનહરીફ થયા છે. ટિકિટ વહેંચણીને લઈ કોંગ્રેસમાં શરૂ થયેલી નારાજગીનો સીધો ફાયદો ભાજપને થઈ રહ્યો છે. કોંગ્રેસમાં ઘણી જગ્યાએ મેન્ડેટને લઈને પમ વિવાદ થયો છે. તો ઘણી બેઠકો પર કોંગ્રેસના ઉમેદવારોએ ફોર્મ ન ભરતાં ભાજપનો રસ્તો સાફ થઈ ગયો છે. ઘણી બેઠકો પર કોંગ્રેસના ફોર્મમાં ભૂલ હોવાનું પણ બહાર આવ્યું છે જેથી તેઓના ફોર્મ રદ કરવામાં આવ્યા છે. આમ કોઈને કોઈ કારણોસર કોંગ્રેસના ઉમેદવારો ખસી જતાં તેનો લાભ ભાજપના ઉમેદવારોને થઈ રહ્યો છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત