Team Chabuk : પચ્ચીસમી પુતળી ત્રિનેત્રીની વાર્તા રાજા ભોજ સાંભળવા લાગ્યા.
મહારાજા વિક્રમાદિત્ય પોતાની પ્રજાની સુખાકારી માટે વેશપલટો કરીને ઉજ્જૈન નગરીની જગ્યાએ જગ્યાએ વિચરતા રહેતા હતા. સમસ્યાઓ શોધતા અને એ સમસ્યાનો ઉકેલ લાવતા હતા. કોઈ કોઈ વખત તો નગરજનોને ખબર પણ ન પડતી કે મહારાજાએ આપણી સહાયતા કરી છે.
તેમના રાજ્યમાં એક દરિદ્ર બ્રાહ્મણ અને ભાટ રહેતા હતા. એ બંને પોતાનું દુ:ખ પોતાના સુધી જ સિમિત રાખતા હતા અને કોઈ દિવસ કોઈને ફરિયાદ નહોતા કરતાં. એ પોતાની ગરીબીને પોતાનું નસીબ સમજીને સદાય ખુશ રહેતા હતા અને ઓછું ધન હોવા છતાં સંતુષ્ટ રહેતા હતા.
બધું બરાબર ચાલી રહ્યું હતું, પણ ભાટની દીકરી હવે વિવાહ યોગ્ય થઈ. માતા પિતાને તેની ચિંતા થવા લાગી. ખાસ તો ભાટની પત્નીને તેની ચિંતા વધારે કોરી ખાતી હતી. તેણે તેના પતિને કહ્યું કે, ‘પેઢીઓથી ચાલતાં આપણાં ધંધાથી તમે જે લાવો છો તેનાથી ઘરખર્ચ અને પેટનો ખાડો તો પૂરાય જાય છે પણ દીકરીના વિવાહ આટલા પૈસામાં નહિ થાય. તમે જે રૂપિયા લાવો છો તેમાંથી કંઈ નથી બચતું. બીજો કોઈ પ્રયત્ન કરવો પડશે.’
ભાટ આ સાંભળીને હસવા લાગ્યો, ‘દીકરી તો મને ભગવાનની ઈચ્છાથી પ્રાપ્ત થઈ છે. જેથી તેના વિવાહ માટે ભગવાન જ કોઈ રસ્તો શોધી કાઢશે. જો એવું જ હોત તો બધા દમ્પતિને સંતાનમાં પુત્રની જ પ્રાપ્તિ થાત અને કોઈ દમ્પતિ સંતાન વિનાની નહોત. સઘળું ઈશ્વરની ઈચ્છાથી જ થાય છે. એમણે દીકરી આપી છે તો વિવાહ પણ તે જ કરાવશે.’
વાત ભાટ પૂરતી સિમિત નહોતી. આ બાજુ ગરીબ બ્રાહ્મણને પણ પોતાની પુત્રીની ચિંતા થવા લાગી હતી. એ પણ વિવાહને લાયક થઈ હતી અને તેને પણ લગ્ન માટે ધન જોઈતું હતું. બ્રાહ્મણ તેની પત્નીને કહેતો, ‘એક દિવસ મહારાજા વિક્રમાદિત્ય આપણી સહાયતા કરશે અને આપણને દીકરીના વિવાહ માટે ધન આપશે.’
દિવસો વિતતા ગયા પણ ભાટને દીકરીના વિવાહમાં ખર્ચ કરવા માટે ધન ન મળ્યું. તેની પત્ની હવે દુ:ખી રહેવા લાગી. ભાટ પોતાની પત્નીનું દુ:ખ ન જોઈ શક્યો. એ ધન એકઠું કરવા માટે નીકળી પડ્યો. ઘણા રાજ્યોનું ભ્રમણ કરીને તેણે અસંખ્ય રાજ્યાધિકારીઓ તથા મોટા મોટા શેઠોને હસાવીને તેનું મનોરંજન કર્યું અને તેની પ્રશંસામાં ગીતો ગાયા.
ખુશ થઈને એ લોકોએ તેને ભેટ આપી. જેના થકી દીકરીના વિવાહ ધામધૂમથી થઈ શકે એટલું ધન ભેગું થઈ ગયું. એ ઘરે પરત ફરી રહ્યો હતો. અચાનક રસ્તામાં ચોર આવી ગયા. ખબર નહિ કેવી રીતે ચોરોને તેના ધનની ભનક લાગી ગઈ હતી. એમણે ભાટનું બધું ધન લૂંટી લીધું.
એ દુ:ખી દુ:ખી થઈ ગયો. હવે ભગવાન સિવાય કોઈ તેનું ઉદ્ધાર ન કરી શકે. જે ધન ભેગું કર્યું હતું એ તો ચોર લઈ ગયા હતા. એ ઘરે પરત ફર્યો. પત્ની તેની પાસે દોડીને આવી અને ધન વિશે પૂછવા લાગી.
ભાટે પોતાની પત્નીને કહ્યું, ‘હું દીકરીની ખુશી માટે ધન એકઠું કરવા અસંખ્ય પ્રદેશોમાં ગયો. ઘણા લોકોને મળ્યો. તેમનું મનોરંજન કરતાં એ લોકોએ મને ધન પણ આપ્યું. જોકે ભગવાનને એ પૈસાથી દીકરીનાં વિવાહ થાય તે બિલકુલ મંજૂર નહોતું.’
પત્નીએ પૂછ્યું,‘આ શું કહો છો?’
‘હા.’ ભાટે અધૂરી વાત આગળ ચલાવી, ‘હું ધન એકત્રિત કરીને આવી રહ્યો હતો. માર્ગમાં મને ચોર મળી ગયા. તેમણે મારી પાસેથી ધન આંચકી લીધું.’
વાત સાંભળીને ભાટની પત્ની ચિંતામાં ડૂબી ગઈ. તેમની હોડી તો નદીની વચ્ચોવચ્ચ આવીને ડૂબી ગઈ હતી. ધન મળ્યું હતું પણ ચોર લૂંટીને લઈ ગયા હતા. પત્ની રડી રહી હતી અને ભાટ ફરી વખત એ જ શબ્દોનું પુનરાવર્તન કરી રહ્યો હતો, ‘જેણે દીકરી આપી છે એ જ પૈસા આપશે. ઈશ્વર પર ભરોસો રાખો.’
તેની પત્ની ફરી વખત આ વાત સાંભળી ઉગ્ર થઈ ગઈ અને બોલી, ‘લાગે છે ઈશ્વર તો મહારાજા વિક્રમને કહેશે અને વિક્રમ આપણી દીકરીનાં વિવાહની ઠાઠમાઠથી તૈયારી કરી આપશે.’
ભાટની પત્ની જોરજોરથી વિક્રમને કારણ વિનાની વાતની વચ્ચે લાવી ટોકી રહી હતી અને વિક્રમ એ ઘરની બહાર જ ઊભો ઊભો આ કકળાટ સાંભળી રહ્યો હતો. ભાટની પત્ની વિક્રમને અનુલક્ષીને જે જે વાત કરી રહી હતી તેનાં પર વિક્રમ મરક મરક હસી રહ્યો હતો.
બીજી બાજુ બ્રાહ્મણ તો હવે પેઢીનાં ધંધામાંથી જે પૈસા ભેગા થતાં તેમાંથી માંડ માંડ ઘર ચલાવતો હતો. એમાં દીકરીના વિવાહના તો પાછા ભેગા કરવાની વાત તો ક્યાંથી આવે ? તેની પત્નીની સોઈ પણ ત્યાં જ અટકેલી હતી. એ પતિ પર રોજ ગુસ્સે ભરાતી હતી. દીકરીના વિવાહ માટે ધન ભેગુ કરવાની વાત કરતી હતી. પતિ થાક્યો પાક્યો ઘરે આવે એટલે વાતની શરૂઆત પૈસાથી જ થાય અને ઘર કંકાસથી ભરાય જાય. પતિ પણ હવે કંટાળ્યો હતો.
આમ જ એક દિવસ ઘરે આવ્યો તો પત્નીએ તેને સાફ શબ્દોમાં કહી દીધું, ‘જાવ મહારાજા વિક્રમાદિત્યની પાસે અને લઈ આવો દીકરીના લગ્ન માટે ધન. કારણ કે હવે કોઈ વિકલ્પ બાકી નથી રહ્યો. તમે જે એક દિવસની વાત કરતા હતા એ એક દિવસ નજીક આવી ગયો છે. હું પણ જોઉં છું કે વિક્રમ તમને કેવી મદદ કરે છે?’
રોજ રોજની ભેજાકૂટનો નિવેડો લાવવા બ્રાહ્મણ તૈયાર થઈ ગયો, ‘હું જાઉં છું મહારાજા વિક્રમાદિત્ય પાસે.’
મહારાજા વિક્રમે તો આ વાત પણ સાંભળી લીધી, કારણ કે મહારાજાને તો હવે આ પતિ-પત્નીની વાતમાં રસ જાગ્યો હતો. બ્રાહ્મણ પછી મહારાજા ભાટના ઘર પાસે પહોંચ્યા તો ત્યાં પણ આ જ વાતનો દોર ચાલી રહ્યો હતો. તેની પત્ની પણ તેને વિક્રમ પાસે જઈ ધન માગવાનું દબાણ કરી રહી હતી, ‘જાવ અને ભગવાન એટલે કે તમારા વિક્રમ પાસે જઈ દીકરીના વિવાહ માટે નાણાં લઈ આવો.’
બ્રાહ્મણ અને ભાટ બંને મહારાજાના દરબારમાં એક સાથે આવ્યા. મહારાજાને તો આ બંનેની સમસ્યાને પહેલાથી જ ખબર હતી. બેઉંએ દીકરીના વિવાહ માટે ધન માગ્યું.
મહારાજાએ ભાટને પોતાના હાથેથી રાજકોષમાંથી દસ લાખ સુવર્ણમુદ્રો આપી અને બ્રાહ્મણને કેટલીક જ સુવર્ણમુદ્રાઓ આપી. ભાટ અને બ્રાહ્મણ મહારાજાના ગુણગાન ગાતા ખુશીખુશી ચાલ્યા ગયા.
એમની વિદાય બાદ એક દરબારીએ પૂછ્યું, ‘મહારાજા આ શું ? બ્રાહ્મણ પર ગરીબ જ હતો અને ભાટ પણ ગરીબ જ હતો, તો પછી સુવર્ણમુદ્રાઓ આપવામાં આટલો ભેદ. ભાટને દસ લાખ અને બ્રાહ્મણને બસ થોડી જ. મને તો આ પક્ષપાત ન સમજાયો.’
‘મને ખ્યાલ હતો કે આ પ્રશ્ન કોઈના મનમાં તો સળવળશે જ.’ વિક્રમે આગળ કહ્યું, ‘ભાટ ધન માટે મારા આસરે નહોતો બેઠો. એ ઈશ્વરના આસરે બેઠો હતો. ઈશ્વર તો કંઈ પણ આપી શકે અને આ કારણે જ મેં ઈશ્વરના પ્રતિનિધિ બનીને તેને ધન આપ્યું. અઢળક ધન આપ્યું. રહી વાત બ્રાહ્મણની. તો બ્રાહ્મણ કુલીન વંશનો હોવા છતાં ઈશ્વરમાં પુરી આસ્થા નહોતો રાખતો. એ મારી પાસે સહાયતાની અપેક્ષા રાખી રહ્યો હતો. રાજા પણ સામાન્ય મનુષ્ય જ છે. ઈશ્વરનું સ્થાન નથી લઈ શકવાનો. કોઈ દિવસ નથી લઈ શકવાનો. મેં તેને એટલું જ ધન આપ્યું જેનાથી તેની પુત્રીના વિવાહ થઈ જાય.’
મહારાજાની વાત સાંભળી દરબારીઓ તેમની બુદ્ધિમતાની પ્રશંસા કરવા લાગ્યા.
(ક્રમશ:)
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત