Homeવિશેષસિંહાસન બત્રીસી : મૃગનયનીની રાણીના વિશ્વાસઘાતની વાર્તા

સિંહાસન બત્રીસી : મૃગનયનીની રાણીના વિશ્વાસઘાતની વાર્તા

Team Chabuk : રાજા વિક્રમાદિત્ય ન માત્ર પોતાના રાજકાજને યોગ્ય રીતે ચલાવતાં હતાં, પણ ત્યાગ, દાનવીરતા, દયા, વીરતા વગેરે અનેક શ્રેષ્ઠ ગુણો ધરાવતા હતા. એ કોઈ તપસ્વીની માફક અન્નજળનો ત્યાગ કરી લાંબા સમય સુધી તપસ્યામાં લીન રહી શકતાં હતાં. એવું કઠોર તપ કરી શકતાં હતાં કે ઈન્દ્રાસન પણ ડોલી જતું હતું.  

એક વખત તેમના દરબારમાં એક સામાન્ય વેશભૂષા ધરાવતા યુવકને પકડીને સૈનિકો દ્વારા લાવવામાં આવ્યો. એ રાતના અઢળક ધન લઈને સંદિગ્ધ અવસ્થામાં કોઈ જગ્યાએ જઈ રહ્યો હતો. તેની વેશભૂષાથી એવું બિલકુલ નહોતું લાગી રહ્યું કે આ ધનનો તે માલિક છે. જેથી સૈનિકોને લાગ્યું કે કદાચ આ ચોર હોય અને ચોરીના ધનની સાથે ક્યાંક ભાગી જવાનો હોય. રાજાએ એ યુવકને તેના પરિચયની સાથે પૂછ્યું, ‘યુવાન તારી પાસે આટલું ધન કેવી રીતે આવ્યું ? તે નગરમાં ક્યાંય ધાડ તો નથી પાડીને?’

યુવકે કહ્યું, ‘મહારાજા, હું એક ધનાઢ્ય સ્ત્રીને ત્યાં સામાન્ય નોકર છું. તેનાં ઘરની ચાકરી કરું છું. આ બધું ધન એ સ્ત્રીએ જ આપેલું છે.’

રાજાની જિજ્ઞાસામાં વધારો થતાં તેમણે પૂછ્યું, ‘સ્ત્રીએ આ ધન તને કેમ આપ્યું અને તું આ ધન લઈ ક્યાં જાય છે ?’

યુવકે કહ્યું, ‘સ્ત્રીએ મને એક જગ્યાએ પ્રતીક્ષા કરવાનું કહ્યું હતું. ખરેખર તો મહારાજા એ સ્ત્રીના મારી સાથે અવૈધ સંબંધ છે. અમે બંને એકબીજાને પ્રેમ કરીએ છીએ અને એ મને તેના પતિની હત્યા કર્યા બાદ આવીને મળવાની હતી. જો સૈનિકોની પકડમાં ન આવેત તો અમે આ પુષ્કળ ધનની સાથે આરામથી જીવન વ્યતિત કરેત.’

વિક્રમે તેની વાતની સત્યતા ચકાસવા માટે તુરન્ત સૈનિકોને એ જગ્યાએ મોકલ્યા જેની યુવકે વાત કરી હતી. સૈનિકોએ એ જગ્યાની ભાળ મેળવી રાજાને માહિતી આપી કે, ‘એ સ્ત્રીને નોકરનાં કેદ થવાની સૂચના મળી ચૂકી છે. હવે તે વિલાપ કરતા કહી રહી છે કે ડાકુઓએ બધું ધન લૂંટી લીધું અને તેના પતિની હત્યા કરી નાખી ભાગી ગયા. તેણે તો પતિની ચિતા સજાવી રાખી છે અને સતી થવાની યોજના બનાવી રહી છે.’

સવારમાં યુવક અને સૈનિકોને સાથે લઈ વિક્રમ એ સ્ત્રીનાં ઘરે પહોંચ્યો તો દૃશ્ય જોઈને સાચે જ ચોંકી ગયો. ઘરનાં પાછળના ભાગમાં સ્ત્રી પોતાના પતિની ચિતા પર બેસી ચૂકી હતી અને ચિતાને અગ્નિ લગાવવાની હતી. રાજાએ તુરન્ત ચિતાને અગ્નિદાહ દેનારને રોકી લીધો અને એ સ્ત્રીને ચિતા પરથી નીચે ઉતરવાનું કહ્યું. રાજાએ સ્ત્રીને તમામ ધન અપાવ્યું જે તેમણે નોકર પાસેથી લીધું હતું. રાજાએ સ્ત્રીને ગુનો કબૂલવાનું કહ્યું અને ત્રિયા ચરિત્ર મુજબ રાજદણ્ડ ભોગવવા તૈયાર થવાની આજ્ઞા આપી.

સ્ત્રી થોડીવાર માટે તો ભયભીત થઈ ગઈ. તેણે રાજાની સામે જ ચિતાને આગ લગાવી મોટા અવાજે કહ્યું, ‘મારા ચરિત્ર પર આંગળી ઉઠાવતાં પહેલાં તમારે તમારી નાની રાણીના ચરિત્રની તપાસ કરવી જોઈએ.’ આટલું બોલીને તે વિજળીવેગે સળગતી ચિતામાં કૂદી ગઈ અને પોતાનો જીવ હોમી દીધો. રાજા અને સૈનિકો તો આ વિસ્ફારિત આંખે જોતા જ રહી ગયા.

કોઈ કંઈ કરે તે પહેલા જ સ્ત્રી સળગીને રાખ થઈ ગઈ હતી. રાજા સૈનિકો સાથે પોતાના મહેલ પરત ફરી ગયા. તેને એ સ્ત્રીના અંતિમ શબ્દો હજુ પણ સળગાવી રહ્યા હતા. કાનખજૂરો જાણે કાનમાં ઘુસી ગયો હોય અને મગજમાં ચાલી રહ્યો હોય એમ એ વાક્ય રાજાના મગજમાં ભમી રહ્યું હતું.

મહારાજાએ નાની રાણી પર જાસૂસી કરવાની શરૂઆત કરી દીધી. એક રાતે તેમને ઉંઘતા જોઈને નાની રાણી ઊઠી અને પાછળના દરવાજેથી મહેલથી બહાર નીકળી ગઈ. રાજા પણ ઉંઘતો નહોતો. એ ઉંઘવાનું નાટક કરતો હતો. નાની રાણીના જતાં જ એ દબાયેલા પગે તેની પાછળ જવા લાગ્યો.

ચાલીને તે થોડે દૂર ધૂણી ધખાવીને બેઠેલા સાધુની પાસે ગઈ. સાધુ તેને જોતા જ ઉઠી ગયો અને નજીકમાં રહેલી કુટિયાની અંદર બંને ચાલ્યા ગયા. વિક્રમે સાધુની કુટિરની અંદર જોયું તે અસહનીય હતું. બેઉંના વસ્ત્રો ઉતરી ગયા હતા. રતિક્રિડામાં લીન હતા. સાધુ અને નાની રાણી એકબીજાને આલિંગન અને ચુંબન આપી રહ્યા હતા.

રાજાએ વિચાર્યું કે નાની રાણીને તેઓ આટલો પ્રેમ કરતા હતા છતાં તેણે વિશ્વાસઘાત કર્યો. તેમનો ક્રોધ જ્વાળામુખીની માફક ફાટ્યો અને સાધુની ઝૂંપડીમાં જઈ નગ્ન રાણી અને સાધુની તલવારનાં ઝાટકે હત્યા કરી નાખી.

જ્યારે તેઓ મહેલ પરત ફર્યા ત્યારે તેમની માનસિક શાંતિ જઈ ચૂકી હતી. એ હમેશાં નિરાશ અને ચિંતિત રહેવા લાગ્યા. સાંસારિક સુખોથી તેમનું મન ઊભરી ગયું. હવે રાજપાટમાં પણ તેમનું મન નહોતું લાગતું. તેમના મનમાં વૈરાગ્યની ભાવનાએ જન્મ લઈ લીધો. મહારાજાને લાગ્યું કે તેમના ધર્મ અને કર્મમાં નક્કી કોઈ ક્ષતિ રહી ગઈ હશે નહીંતર ભગવાન તેમને રાણીનો આટલો મોટો વિશ્વાસઘાત દેખાડી દંડિત કઈ રીતે કરે.

આ બધા વિચારમાં ઘેરાયેલા રાજાએ રાજપાટ છોડી દેવાનો નિર્ણય કર્યો. તેમણે રાજ્યનું કાર્ય મંત્રીઓને સોંપી દીધું અને પોતે સમુદ્ર તટ પર તપસ્યા કરવા નીકળી પડ્યા.

સમુદ્ર તટની નજીક તેમણે એક પગ પર ઊભા રહીને સમુદ્ર દેવતાનું આહ્વાહન કર્યું. તેમની તપસ્યાથી સમુદ્ર દેવતા પ્રસન્ન થયા તો મહારાજા વિક્રમાદિત્યએ એક નાની માગ પૂર્ણ કરવાની વિનંતી કરી.  

સમુદ્રદેવતાએ કહ્યું, ‘બોલ વિક્રમ.’

વિક્રમાદિત્યએ કહ્યું, ‘હું સમુદ્રતટ પર એક ઝૂંપડી બનાવીને અખણ્ડ સાધના કરવા ઈચ્છું છું અને મારી સાધના નિર્વિઘ્ન પૂર્ણ થાય તેવા આશીર્વાદ ઈચ્છું છું.’

સમુદ્રદેવતાએ તેમને આશીર્વાદ અને એક શંખ આપતા કહ્યું, ‘જ્યારે પણ કોઈ દૈવિય વિપત્તિ આવશે, એ વિપત્તિ આ શંખની ધ્વનિથી દૂર થઈ જશે.’

સમુદ્ર દેવતા પાસેથી ઉપહાર લઈને વિક્રમ ધન્ય થઈ ગયો. તેણે એક ઝૂંપડી બનાવી અને સાધનામાં લીન થઈ ગયો. લાંબા સમય સુધી એવી આકરી સાધના કરી કે દેવલોકમાં હડકમ્પ મચી ગયો. દેવલોકમાં વાતો થવા લાગી, ‘વિક્રમ આ રીતે જ સાધનામાં લીન રહ્યો તો ઈન્દ્રાસન પર કાબુ કરી લેશે.’

ઈન્દ્રને તેનું સિંહાસન ખતરામાં દેખાવા લાગ્યું. તેમણે તેમના સહયોગીઓને આદેશ આપ્યો, ‘સાધના સ્થળની નજીક એટલો વરસાદ વરસાવો કે સમગ્ર વિસ્તાર જળમગ્ન થઈ જાય અને વિક્રમ ઝૂંપડી સહિત પાણીમાં તણાઈ જાય.’

ઈન્દ્રના આદેશ પર ભયાનક અતિવૃષ્ટી થઈ. થોડા કલાકોમાં જ સમગ્ર વિસ્તાર જળમગ્ન થઈ જાત અને વિક્રમ પાણીમાં તણાઈ જાત પણ એવું કશું થયું નહિ. સમુદ્રદેવતાએ તેમને આશીર્વાદ આપ્યા હતા. જેટલું પણ પાણી પડ્યું એ બધું પાણી સમુદ્રદેવતા પી ગયા. વિક્રમનું સ્થળ હતું એવું જ કોરુકટ રહ્યું.

ઈન્દ્રએ આ જોયું તો તેની ચિંતા વધી ગઈ. તેણે તેના સહયોગીઓને કહેવડાવી મૃત્યુલોકમાં આંધી અને તોફાન ફેલાવવાનો આદેશ આપ્યો. ઈન્દ્રના આદેશનું પાલન કરતાં વિક્રમ જે જગ્યાએ તપસ્યા કરી રહ્યો હતો ત્યાં આંધી અને તોફાન ફેલાવા લાગ્યું. વિક્રમની ઝૂંપડી ઉડી ગઈ. ભારે તોફાનમાં તેના પગ પણ જમીન સાથે ચોંટી નહોતા રહ્યા. હવે વિક્રમને સમુદ્રદેવતાનો શંખ યાદ આવ્યો. તેણે શંખમાં ફૂંક મારતા જ આંધી અને તોફાન ઉડી ગયા. હતી એવી જ નિરવ શાંતિ તપસ્યા સ્થળે ફેલાઈ ગઈ.

ઈન્દ્રની સમસ્યા વધી ગઈ. તેમને સમજાઈ નહોતું રહ્યું કે વિક્રમની સાધના કેવી રીતે ભંગ કરવી ? હવે વિક્રમની સાધનાને ફક્ત સ્ત્રીનું આકર્ષણ જ સમાપ્ત કરી શકે. ઈન્દ્રએ તિલોત્ત્મા નામની અપ્સરાને બોલાવી કહ્યું, ‘જા અને વિક્રમની તપસ્યા ભંગ કર.’

તિલોત્ત્માનું સૌંદર્ય અનુપમ હતું અને તેનું રૂપ જોઈને કોઈ પણ કામદેવના બાણથી ઘાયલ થયા વિના નહોતો રહી શકતો. તિલોત્ત્મા ધરતીલોક પર આવી. ગાયન અને નૃત્ય શરુ થઈ ગયા. તિલોત્ત્મા નૃત્ય કરવા લાગી અને વિક્રમની સાધનામાં વિઘ્ન પાડવા લાગી.

વિક્રમ તો વૈરાગી થઈ ગયો હતો. વિક્રમે શંખમાં ફૂંક માર્યો અને તિલોત્ત્માનું શરીર સળગવા લાગ્યું. ભયાનક તાપથી તે ઉદ્ધિગ્ન થઈ ગઈ અને એ જ સમયે ત્યાંથી અદૃશ્ય થઈ ગઈ.

અપ્સરાની અંતિમ યુક્તિ, જેની સામે ભલભલા પાણી પી જાય તે પણ કારગત ન નીવડતા ઈન્દ્ર આગબબુલા થઈ ગયો. તેનો આત્મવિશ્વાસ ડગમગી ગયો. ક્રોધમાં આવીને તેમણે આખરે બ્રાહ્મણનો વેશ ધારણ કર્યો. એ જાણતો હતો કે વિક્રમ યાચકોને કોઈ દિવસ નિરાશ નહિ કરે અને તેની પાસે હશે તેનું દાન કરશે. ઈન્દ્ર વિક્રમની પાસે વેશપલટો કરીને પહોંચ્યા તો વિક્રમે પૂછ્યું, ‘હે ભૂદેવ આપનું અહીં આવવાનું પ્રયોજન?’

તેમણે વિક્રમને ભિક્ષા આપવાનું કહ્યું અને ભિક્ષાના રૂપમાં વિક્રમની પાસેથી તેની સાધનાનું તમામ ફળ માગી લીધું. વિક્રમે તેમની સાધનાનું ફળ એમને આપી દીધું. સાધના ફળ આપતાની સાથે જ ઈન્દ્રને તો અભયદાન મળી ગયું.

તેમણે પ્રગટ થઈને વિક્રમની મહાનતાનાં ગુણગાન ગાયા અને તેમને આશીર્વાદ આપી ચાલ્યા ગયા.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments