ઝાલાવાડી જલજીરા: મહિલાઓ બે પ્રકારની હોય છે. એક કોઈ અન્ય મહિલાની વાતો કરનારી અને બીજી એ મહિલાની વાતો આખા ગામમાં કરનારી!! ગેંગ્સ ઓફ વાસેપુરની ધરતીમાં પણ આવી જ ચાર સન્નારીઓ થઈ ગઈ. અનુરાગ કશ્યપ કૃત ગેંગ્સ ઓફ વાસેપુરમાં નારીભક્તિનાં મહિમાની જે વાત કરવામાં આવે છે, એ પૃથ્વીપટ પર ખૂબ ઓછી ચર્ચાય છે. ચિત્રપટમાં તો માત્ર અને માત્ર પુરુષપ્રધાન સમાજનું પ્રતિષોધ જ કેન્દ્ર સ્થાને રહેલું છે, પણ સ્ત્રીઓ પણ કંઈ ઓછી નથી. કોઈ મૌન રહી મહારાજાનું સત્તામાંથી મહાભિનિષ્ક્રમણ કરાવી નાખે છે. તો કોઈ વાર્તાલાપ કરી પ્રેરણાનું ઝરણું વહાવે છે.
દુર્ગા
જે રીતે સરદાર ખાને રામાધિર સિંહની જમીન પર અવૈધ કબ્જો કર્યો હતો એ રીતે જ તેણે અવૈધ પત્ની પણ બનાવી રાખી હતી. જેની સાથે વિવાહ કર્યા ન હોવા છતાં વૈવાહિક જીવન વ્યતિત કર્યું. તેની મદમસ્ત કાયા પર મોહી ગયેલો સરદાર ખાન તેનાં એક પુત્રનો પિતા પણ બન્યો. ડેફિનેટના માતા, સરદાર ખાનનાં અવૈધ પત્ની, ફૈઝલ ખાનના કાકી એવા દુર્ગાજી બંગાળી ભાષા થકી પ્રત્યાયન કરવામાં પાવરઘા છે. તેમના માંસલ દેહની ખાટકીઓ બોટી બોટી કરવા માગે છે. સરદાર ખાન થકી જ્યારે દુર્ગાજી ગર્ભવતી બને છે ત્યારે તેઓ ફેમિનીઝમનો મુદ્દો સામે લાવે છે, ‘હમ કાં બચ્ચા જનને કા મશીન નહીં બનના હૈ.’ ફિલ્મનાં અન્તમાં જીત જેની થાય છે એ ડેફિનેટનાં માતા દુર્ગાજી જ છે, કારણ કે તેમને પોતાનું કાર્ય ડેફિનેટ થઈ ગયું હોય છે. એ ડેફિનેટ કાર્ય ભૂલાય નહીં એટલે પુત્રનું નામ પણ ડેફિનેટ જ રાખ્યું હોય છે. જે ખૂબ ઓછા બોલે છે તે જીતે છે. જેમના લક્ષણો યોગ્ય નહોતા દેખાતા એ જ સત્તાધારી બને છે. અને લક્ષણ અયોગ્યને યોગ્ય બનાવનારા દુર્ગાજી જ છે. આ દુર્ગાજીને આજે મહિલા દિવસના કોટી કોટી વંદન.
નગમા ખાતુન
નગમા ખાતુન વિરોધ નથી નોંધાવતી જેના કારણે તેમને ચાર ચાર પુત્રો સરદાર ખાન થકી થાય છે. દુર્ગાજી કરતાં ઉલટું ઉદાહરણ. ફિલ્મમાં હમ દો હમારે દો સુત્રને અનુરાગ કશ્યપજી નથી લાવ્યા. જોકે તેમણે એ જ સુત્રને સેક્રેડ ગેમ્સમાં લાવી (સરકાર **** કાટ કર લે જા રહી થી.) પરિપૂર્તિ કરી દીધી. ચાર પુત્રોની માતા પ્રેરણા આપી પુત્રને પ્રતિશોધ માટે પ્રેરિત કરનારી છે. ફૈઝલ ખાનના મુખે બોલાયેલા સંવાદની ખરી માલકીણ એ જ છે. જો એ ચાકુ લઈ ફૈઝલ ખાનની દસે ઉંગલીયા કાપવા માટે અધીરી ન બનેત તો ફૈઝલ દાદા…. બાપ… અને ભ્રાતાશ્રીનો પ્રતિશોધ લેવા માટે કેવી રીતે તૈયાર થાત. પોતાના પુત્ર પર ગાલીપ્રદાન શબ્દનો પ્રયોગ કરી તે તેના પર અન્યની સંતાન હોવાનું મહેણું મારે છે. પોતાના પતિને જેલમાંથી છોડાવવા માટે અહીં સુધીના વાક્યનો પ્રયોગ કરવો કેટલો વર્જ્ય છે ? અહીં તેનો પતિ પ્રત્યેનો આકંઠ પ્રેમ ઉજાગર થાય છે. હમારી હી સંતાન હો કે દો રૂપે વાલી **** કે જહાં તુમ્હારે બાપ મુંહ મારને જાતે હૈ. સરદાર ખાનની અશ્વ સાથે તુલના કરનારા નગમાજીને વુમન્સ ડેનાં કોટી કોટી અભિનંદન.
મોહસિન
મોહસિન ચિત્રપટ જોવાની શોખીન છે. અમિતાભ બચ્ચનની આશિક છે. જ્યાં સુધી દુનિયામાં સિનેમા રહેશે માણસજાત *** બનતી રહેશે, રામાધિર સિંહના મુખે બોલાયેલા આ કાળજયી સંવાદને તે સાર્થક કરે છે. વેવિશાળ પહેલાનાં સંબંધોને તે યોગ્ય નથી માનતી. કોઈ પણ પુરુષ હોય પછી તે ભલે પરિચિત હોય તેને ઘરમાંથી તગેડી દે છે. તો દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે ફિલ્મ માટે જ્યારે ફૈઝલ ખાન તેને સિનેમા જોવા આમંત્રિત કરે છે ત્યારે ફૈઝલ ખાનની સંસ્કારી વૃતિનો પણ તે વિરોધ નોંધવે છે. આ પરથી જ કહી શકાય કે સ્ત્રીઓને સમજી શકવી મુશ્કેલ છે. ફૈઝલ ખાનના પુત્રની સંતાન બની તે જનતાની અંદર ગેંગ્સ ઓફ વસેપુર-3ની આશાને જીવંત કરે છે. જેને અનુરાગ કશ્યપજી પોતાના દરેક સાક્ષાતકારમાં તોડીમરોડીને નકારી રહ્યા છે. આજેય મોહસિનજીનાં પુત્ર આપણી છેલ્લી આશા છે.
સમ્મા પરવીન
કોઈ એક ખાનદાનમાં એક એવી સ્ત્રીનું હોવું જે પરિવારના વિરોધ છતાં દુશ્મન સાથે વિવાહ કરે તેમાં સમ્મા પરવીનનું નામ આવે છે. એ એક કર્મઠ પત્ની છે. પતિ પ્રત્યે વફાદાર છે. ભવિષ્યમાં બંને પરિવારની એકતાને જુએ છે. પણ એને ખબર નથી કે આ એકતા કપૂરની સિરિયલ સાસ ભી કભી બહુથી નહીં, પણ ગેંગ્સ ઓફ વાસેપુર છે. અહીં ગમે ત્યારે મૃત્યુ માટે તૈયાર રહેવું પડે છે.
ગેંગ્સ ઓફ વાસેપુર જેટલું પુરુષ પ્રધાનનું ચિત્રપટ છે એનાથી અત્યાધિક મહિલાઓનું ચિત્રપટ છે. મહિલાઓની ઉણપ જો હોય તો આજ મન મનમૌજી ન થાય. મહિલાઓની જો ગેરહાજરી હોય તો પટના બહાને સટના ન થાય. સિનેમાદેવમાંથી ભાતીભાતીની નારીઓ આવી. જેમાં શૌર્યની વાતો છે. બલિદાનની વાતો છે. માતૃત્વની વાતો છે. પણ જે મહિલાની વાતો અનુરાગ કશ્યપજીના ગેંગ્સ ઓફ વાસેપુર ચલચિત્રમાં જોવા મળે છે તેવી તો ન ભૂતો ન ભવિષ્યતિ. અને હજુ આ લખાણ ન સમજાયું હોય તો ચાબુકના સિનેમાવાદનો આ લેખ આપશ્રી માટે નથી. જાવ અને ‘આ મહિલા ચલાવે છે રીક્ષા…’ નામનો પદ્મશ્રી આર્ટિકલ વાંચો. તુમ્હારે લચ્છન હમે બિલકુલ ઠીક નહીં દિખાય દે રહે.
તાજેતાજો ઘાણવો઼
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત