Team Chabuk-Gujarat Desk: વનમંત્રી રમણભાઈ પાટકરના નિવેદન પરથી એવું લાગ્યું હતું કે ગુજરાત ભાજપને શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં જે જીત મેળવી તેને હડેડાટ ખાઈ લેવી છે. ભાજપને લાગે છે કે તેની લોકપ્રિયતા અત્યારે ચરમસીમા પર છે એમાં વહેલી ચૂંટણી થઈ જાય તો ફરી સત્તામાં આવી જાય. જોકે રાજકારણમાં ચાલતી આવી તમામ વાતોનો મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ એક ઘાએ છેદ ઉડાવી દીધો હતો અને ચૂંટણી તો તેના નિયત સમયે જ થશે તેવું નિવેદન આપી દીધું હતું.
મહાત્મા મંદિરમાં સોમવારના રોજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી મહિલા દિવસનો કાર્યક્રમ પતાવ્યા બાદ મીડિયા સમક્ષ હાજર થયા હતા. અને ત્યાં તેમણે એવું સ્પષ્ટ નિવેદન આપી દીધું હતું કે વિધાનસભાની ચૂંટણી તેના નિયત સમયે જ થશે. અમે ચૂંટણી વહેલી કરાવવા માગતા નથી.
જણાવી દઈએ કે વર્તમાન સમયમાં ગુજરાતની ભાજપ સરકાર છે તેની 14મી વિધાનસભાની મુદ્દત જાન્યુઆરી 2023નાં રોજ પૂર્ણ થાય છે. આ પહેલા 15મી વિધાનસભાની રચના માટે વર્ષ 2022ના નવેમ્બ-ડિસેમ્બરનાં અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે.
મહત્વનું એ છે કે હાલમાં જ યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપને ઐતિહાસિક પ્રતિસાદ મળ્યો છે. જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય લેવલે ભગવો જ લહેરાયો છે. ઉપરથી કોંગ્રેસને ભાજપે ગુજરાતની મોટાભાગની જગ્યાએ પાષાણયુગની બનાવીને રાખી દીધી છે. ગુજરાતમાં હવે તેના અસ્તિત્વ સામે પણ પ્રશ્નો ઉઠી રહ્યા છે. ભાજપે 6 મ્યુનિસિપલ કોર્પોરેશન અને 31 જિલ્લા પંચાયતો, 204 કરતા વધારે તાલુકા, 75થી વધારે નગર નિગમ આમ મોટાભાગની જગ્યાઓ પર કમળ ખીલવી દીધું છે.
એક તરફ ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ 164થી વધુ નેતાઓ ગૃહમાં આવશે તેવું નિવેદન આપ્યું હતું તો ઉતાવળમાં આંબા પકાવી નાખતા મંત્રી રમણભાઈ પાટકરે વહેલી ચૂંટણી યોજવાનું કહી દીધું હતું. જોકે હવે મુખ્યમંત્રીએ ખૂદ દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી નાખ્યું હોવાથી ચૂંટણી તો ટાઈમે જ થશે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત