Team Chabuk-National Desk: બંગાળમાં ચૂંટણીની તારીખ નજીક આવતાં આવતાં વાતાવરણ તંગ બની રહ્યું છે. એક બીજા પર આક્ષેપ અને પ્રતિઆક્ષેપ થઈ રહ્યા છે. મમતા સત્તા બચાવવા માટે દોડધામ કરી રહ્યા છે, તો બીજી બાજુ ભાજપને ગમે તે ભોગે સત્તા જોઈએ છે. આ કારણે જ અન્ય રાજ્યો કરતા ભાજપના બાહુબલી નેતાઓ બંગાળમાં જ પ્રચાર માટે વધુ જઈ રહ્યા છે. અન્ય રાજ્યોમાં પણ બંગાળની સાથે સાથે ચૂંટણી હોવા છતાં હવે ભાજપ માટે બંગાળ વટનો સવાલ બની ગયું હોય એવું લાગી રહ્યું છે.
આ વચ્ચે ગઈકાલે આઠમી માર્ચનાં રોજ મુખ્યમંત્રી મમતા બેનર્જીએ મહિલાઓની પદયાત્રા કાઢી હતી અને મહિલા દિવસ પર પોતાની મહિલાશક્તિનો પરચો આપ્યો હતો. આ સંદર્ભે મમતા બેનર્જીએ ગળામાં લગાવેલું જય બંગાળ પોસ્ટર આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. મમતાએ પોસ્ટરની સાથે જ મોદી સરકાર અને પ્રધાનમંત્રી પર પણ પ્રહારો કર્યા હતાં. મમતાદીદીએ કોઈનું પણ નામ લીધા વિના સાફ સાફ કહી દીધું હતું કે, બંગાળમાં બહારના ગુંડા ન જોઈએ.
આમ કહી તેમણે ભાજપ શાસિત, ગુજરાત, ઉત્તર પ્રદેશ અને બિહારમાં ભાજપની સરકાર હોવા છતાં ત્યાં મહિલાઓ વિરૂદ્ધ અપરાધ થાય છે તેમ પણ પોતાના ભાષણમાં જણાવ્યું હતું. ઉપરથી મમતા બેનર્જીએ ગુજરાતનું નામ લઈ કહ્યું હતું કે, ગુજરાતમાં મહિલાઓ વિરૂદ્ધ સૌથી વધારે અપરાધ થાય છે.
ગુજરાતમાં છેલ્લા 25-25 વર્ષથી ભાજપની સરકાર છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ત્રણ ટર્મ મુખ્યમંત્રી રહી ચૂક્યા છે એટલે મમતા બેનર્જીએ તેમના શાસનને પણ વધારે શબ્દોનો ઉપયોગ કર્યા વિના કાળું ગણાવી વખોડી કાઢ્યું હતું.
ગુજરાત મોડલની ટિકા કરતા તેમણે કહ્યું કે, આવું મોડલ ન જોઈએ. ચૂંટણીમાં બંગાળની પ્રજા એમને પદાર્થપાઠ ભણાવશે. ઉલ્લેખનીય છે કે નરેન્દ્ર મોદી 2014માં જ્યારે સત્તામાં આવ્યા ત્યારે ગુજરાત મોડેલ જ ખાસ્સુ ચર્ચામાં રહ્યું હતું. એવામાં મમતાએ એ ગુજરાત મોડેલની ભરપૂર ટીકા કરી છે અને આવું મોડેલ અને આવા લોક ન જોઈએ તેવી વાત ઉચ્ચારી છે.
મમતા બેનર્જીએ પ્રધાનમંત્રીની ટિકામાં પણ કંઈ બાકી નહોતું રાખ્યું. હાલમાં જ તૈયાર થયેલા વિશ્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમને લઈ તેમણે કટાક્ષ કર્યો હતો. તેમણે સ્ટેડિયમ અને કોરોનાની રસીમાં પણ મોદીનું નામ અને તસવીરો છે એમ કહી કટાક્ષ કર્યો કે, એક સમયે દેશનું નામ પણ તેમના નામ પરથી જ રાખવામાં આવશે.
બંગાળમાં મમતા બેનર્જી પાસે પ્રશાંત કિશોર છે. જેમણે રણનીતિ ઘડી છે અને ભાજપને સો કરતા વધારે સીટ નહીં આવે, જો આવશે તો પોતે વ્યૂહરચના ઘડવાનું છોડી દેશે તેવું આત્મવિશ્વાસ ભર્યું નિવેદન પણ આપ્યું છે. સામે ભાજપ બંગાળમાં સત્તા મેળવવા અધીરી બની છે. મમતાના મહાકાય નેતાઓને પોતાની તરફ ખેંચી ભાજપ મજબૂત થઈ રહી છે. રવિવારની રેલીમાં ભાજપે અખૂટ શક્તિપ્રદર્શન કર્યું હતું. જેમાં મિથુન ચક્રવર્તીએ પણ રાજકારણની ત્રીજી ઈનિંગના શ્રી ગણેશ કર્યા હતા. હવે જોવાનું રહેશે કે બંગાળ કોનું થાય છે ?
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત