ઝાલાવાડી જલજીરા: આંખ, ચક્ષુ, નયન, લોચન. આંખના સામાનાર્થી આટલા અર્થ થયા. વધારે પણ થતાં હશે. આંખનું કામ સામેની વસ્તુ જોવાનું. માત્ર 10 મીટર સુધી આંખ બંધ કરીને સામે ચાલવાનું કોઈ કહે તો પણ કોની સામે અથડાશું તેની ચિંતા થવા માંડતી હોય, તો ત્રણ આંધળાઓએ બેન્ક કેવી રીતે લૂંટી ? 2002માં રિલીઝ થયેલી આંખે ફિલ્મ વિશે જાણતા પહેલા 2005ની એક સત્યઘટના પર નજર કરીએ.
વર્ષ 2005માં એક બનાવ બન્યો. મહારાષ્ટ્રનાં મીંરા રોડ પર આવેલી બેન્કમાં કેટલાક લોકો પ્રવેશ્યા. લગભગ એક લાખની લૂંટ કરી અને ફરાર થઈ ગયા. મુખ્ય આરોપીનું નામ ફિરોઝ હતું. ફિરોઝ પકડાયો ત્યારે તેણે કબૂલ કર્યું કે આંખે ફિલ્મ જોઈ અમે ચોરીની આખી બાઝી રમવાનું વિચારેલું અને તેમાં સફળ પણ સાબિત થયા હતા. હિન્દી સિનેમાની લોકો પર શું અસર થાય છે અને લોકો તેને કેવી રીતે ઈમ્પલિમેન્ટ કરે છે તે આ વાત પરથી ફલિત થાય છે. દર શુક્રવારે રિલીઝ થતી ફિલ્મની માફક સ્ટાઈલ રાખવી, ગોગલ્સ પહેરવા, બાઈક ચલાવવી તે તો મુગ્ધતાપણું દર્શાવે જ છે. પણ ફિલ્મની માફક જ ચોરીનો આખો પ્લોટ ઘડી નાખવો અને કોઈને ખબર પણ ન પડવા દેવી તે સિનેમાપ્રેમીઓ માટે રિસર્ચનો મુદ્દો છોડતો જાય છે.
ગુજરાતી ડાયરેક્ટર વિપુલ અમૃતલાલ શાહે પોતાના જ ગુજરાતી નાટક આંધળો પાટો પરથી આંખે ફિલ્મ બનાવી હતી. ફિલ્મ તેની ચોરીના આઈડિયા અને ટાઈટ સ્ક્રિપ્ટીંગનાં કારણે હિન્દી સિનેમા પર પોતાની છાપ છોડી ગઈ હતી. આમ છતાં ઘણી ઓડિયન્સનું એવું માનવું હતું કે આંખે આંધળો પાટો નાટકની તુલનામાં નબળી છે. નાટક તો હવે ભજવાતું નથી પણ ફિલ્મ હજુ છે.
વિજય સિંહ રાજપૂત જે એક બેન્ક મેનેજર છે. ગુસ્સેલ મિજાજના છે. એક રૂપિયો પણ આમથી તેમ થયો તો હાડકા ભાંગી નાખે છે. જેમના કારણે તેમને બેન્કમાંથી તગેડી મુકવામાં આવ્યા છે. નક્કી કરે છે કે બેન્કથી બદલો તો લેવો જ છે. ઘણા પ્રયત્નો કરે છે પણ નિષ્ફળતા હાથ લાગે છે. એક વાર રસ્તામાંથી ચાલીને જતા હોય છે અને તેમની નજર નેહા પર પડે છે, જે અંધ વ્યક્તિઓને ટ્રેનિંગ આપતી હોય છે. મનમાં લડ્ડુ ફુટે છે કે ત્રણ આંધળાઓ બેન્કમાં ચોરી કરે તો કોઈ વ્યક્તિને શંકા નહીં ઉપજે. આ માટે વિશ્વાસ પ્રજાપતિ, અર્જૂન શર્મા અને ઈલિયાસની પસંદગી કરે છે. બેન્ક લૂંટવાની હોય છે તે પણ ત્રણ આંધળા વ્યક્તિઓએ એટલે પહેલા તો ના પાડે છે. પણ બાદમાં હા પાડી દે છે. અને બેન્ક લૂંટવાની કામગીરીમાં લાગી પડે છે.
અક્ષય કુમાર અને પરેશ રાવલની આ ફિલ્મમાં પણ જોડી યથાવત્ત હતી. ઉમેરો થયો હતો તો હટ્ટા ગટ્ટા અને બોલિવુડમાં કંકુ પગલાં કરેલા અર્જુન રામપાલનો. અમિતાભ બચ્ચને ભજવેલું પાત્ર ગુસ્સાથી પીડાય છે. એક રૂપિયાની ચોરી થાય તો પણ તેને પસંદ નથી. લોકો તેનાથી ડરે છે. એ ગુસ્સા સાથે તેનો રિવેન્જ ભડે છે. ક્રાઈમ-થ્રીલર ફિલ્મો માટે જરૂરી સામગ્રી એટલે રિવેન્જ અને ગુનેગારનું માનસપટ. જે બંન્ને ડાયરેક્ટર વિપુલ શાહે થોડી મિનિટોમાં જ જણાવી દીધું. પાત્રમાં વધુ એક ખાસિયત એ રહી છે કે તે સારો રિસર્ચર છે. કોઈ પણ વ્યક્તિને અને તેમાં પણ બેન્ક સામે રિવેન્જ લેવું હોય તો સંશોધન કરવું પડે. ગ્રાફિક્સથી ખુદ ચોરી કરે છે. ઉંદરને બેન્કમાં મોકલી કેવી રીતે ચોરી કરી શકાય તેના રસ્તા કાઢે છે, પણ અંતે તો નિષ્ફળતાને જ વરે છે. માત્ર પૈસા લઈને ભાગવાનું નથી. ખુદને નિર્દોષ ઉમેદવાર તરીકે બેન્કની સામે ઉભો પણ રાખવાનો છે.
ડાયરેક્ટરે એક વસ્તુનો અહીં ફોડ નથી પાડ્યો કે આખરે આ ત્રણ લોકો વિજય સિંહને ક્યારે મળ્યા ? પણ સિનેમા છે એટલે જતુ કરી શકીએ. બાદમાં પરંપરાગત રીતે કોમેડી ફિલ્મો માટે જાણીતા થયેલા પરેશ રાવલની કોમિક ટાઈમિંગ અને તેની ચોરી માટેની યાદશક્તિ લાજવાબ છે. ફિલ્મ જે જગ્યાએ બોર કરે છે અથવા તો વ્યર્થ લાગતા અને કંટાળો ઉપજાવતા અર્જુન રામપાલ અને સુષ્મિતા સેનના સીનને લંબાવતા અટકાવે છે તો તે પરેશ રાવલની કોમેડી છે.
જમાનો હજુ અક્ષય કુમારના એક્શનનો હતો. અક્ષયે છઠ્ઠી ઈન્દ્રિય ધરાવતા વ્યક્તિના કેરેક્ટરને પ્લે કર્યું છે. એક રીતે અક્ષય ફટાફટ કોઈ એક્શન સીન પ્લે કરી લેશે તેવું લાગે છે પણ એવું બનતું નથી. જ્યારે ઓડિયન્સને એવું લાગે કે હા, હવે આવું જ થવાનું છે અને તેનાથી ઉલ્ટું થાય ત્યારે ફિલ્મી ડકવર્થ લૂઈસ એટલે કે ડાયરેક્ટરનો નિયમ ઉલ્ટો અને તે પણ સમજદારી ભર્યો કામ કરે છે તે માની લેવું.
થોડી થ્રીલ સાથે ડર પણ પેદા થાય છે કે બેન્ક લૂંટવા ગયા એ સમયે જ પરેશ રાવલની આંખમાંથી લોહી નીકળવાની સમસ્યા શરૂ ન થઈ જાય તો સારું. એ ડર ઓડિયન્સનાં મનમાં ન પનપે તો સમજવું રહ્યું કે આ વસ્તુને પ્રેઝન્ટ કરવામાં અભિનેતા ભૂલ કરી બેઠો છે.
વાત રહી અર્જુન રામપાલ અને સુષ્મિતા સેનની. અર્જુન રામપાલે ચશ્મા પહેર્યા છે ત્યાં સુધી બરાબર છે. અભિનય બરાબર જામી નથી રહ્યો. એક્સપ્રેશન મેડમ તુષાદ મ્યુઝિયમનાં મીણના પુતળા જેવા છે. અર્જુન ચહેરાથી જેટલો હેન્ડસમ છે તેટલો અભિનયથી નથી લાગતો. પણ અક્ષય કુમારની તેની સાથે વાતે વાતે રહેતી હાજરીના કારણે તે બચી ગયો છે. સુષ્મિતા સેનની હિટ તરીકે છેલ્લી ફિલ્મ ગણવી રહી. અંધ લોકોના ટ્રેનરનો કિરદાર તેણે બખૂબી ભજવ્યો છે. સાથે છાશવારે ભાઈને બચાવવા માટે આવી જતા ઈમોશન્સ પણ પ્રભાવીત કરે છે.
ફિલ્મના ત્રણ ક્લાઈમેક્સ દર્શાવવામાં આવ્યા છે. જમી લીધા પછી પાછું કંઈક આવે અને પાછું કંઈક આવે છતાં ફરજીયાત ખાવું પડે તેવી સ્થિતિ આ ફિલ્મ પેદા કરે છે. એક તો ચોરી થઈ ગઈ એટલે ગંગા ન્હાયા. જે આખો સીન શ્વાસ થંભાવી દે તેવો છે. પછી ઘરમાં અમિતાભ, અર્જૂન અને અક્ષય વચ્ચે થતી ટોમ એન્ડ જેરી ગેમ. અને લાસ્ટમાં ટ્રેનમાં અક્ષય-અર્જૂનની સામે અમિતાભનું આવી જવું. જે પ્રતીક તરીકે દર્શાવે છે કે વિજયનો રિવેન્જ બેન્ક સાથે પૂરો થઈ ચૂક્યો છે પણ હવે આ બે અંધ સાથેનો રિવેન્જ તે ચાલુ રાખશે. પછી શું થાય છે તે ફિલ્મ બતાવતી નથી.
બેકગ્રાઉન્ડ સ્કોર એપિક હતો. થ્રીલ પેદા કરતી અને હોરર જોનરની ફિલ્મોમાં બેકગ્રાઉન્ડ સારું ન હોય તો ઓડિયન્સના હ્રદયને ડાયરેક્ટર હચમચાવી ન શકે. બેન્ક ચોરીની પ્રેક્ટિસ દરમ્યાન વાગતું મ્યુઝિક. અક્ષય-અમિતાભની સામે આવી જાય ત્યારે બેકગ્રાઉન્ડમાંથી થ્રીલ પેદા કરતું સંગીત અફલાતુન હતું. ગીતો પર આવીએ તો પ્રસૂન જોષીએ લખેલું ગુસ્તાખીયા એ ફિલ્મનું સૌથી હિટ સોંગ હતું. 6 મિનિટનાં ગીતમાં એક વ્યક્તિની પૂરી બેકગ્રાઉન્ડ સ્ટોરી આવી ગઈ. તે શું છે ? કોણ હતો ? તે અંધ કેવી રીતે બન્યો….? વગેરે વગેરે… આ સિવાય ફટેલા જેબ ગીતે ત્રણે કેરેક્ટર્સનો બ્રોમાન્સ બતાવ્યો અને એ સિવાયના 7 ગીતો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત