Homeગામનાં ચોરેરાકેશ ટિકૈત પર હુમલાની ઘટનામાં ABVPના નેતા સહિત 16ની ધરપકડ

રાકેશ ટિકૈત પર હુમલાની ઘટનામાં ABVPના નેતા સહિત 16ની ધરપકડ

Team Chabuk-National Desk: ખેડૂત નેતા રાકેશ ટિકૈતના કાફલા પર શુક્રવારે રાજસ્થાનના અલવર જિલ્લાના તાતરપુર ચોકમાં હુમલો થયો હતો. કેટલાક લોકોએ સ્વાગત કરવાના બહાને તેમની ગાડી રોકી હતી અને બાદમાં હુમલો કર્યો હતો. તેમના પર શાહી પણ ફેંકવામાં આવી હતી અને તેમની કારના કાચ પણ તોડવામાં આવ્યા હતા. આ હુમલા બાદ રાકેશ ટિકૈતે ભાજપ પર આરોપ લગાવ્યો હતો. ટિકૈતનો આરોપ હતો કે ભાજપના ગુંડાઓએ તેમના પર હુમલો કર્યો છે.

એફઆઈઆર પ્રમાણે રાકેશ ટિકૈત પર શુક્રવારના રોજ 33 લોકોએ હુમલો કર્યો હતો. જે ઘટનામાં અત્યાર સુધીમાં 16 લોકોની ધરપકડ થઈ ચૂકી છે. એફઆઈઆરમાં લખવામાં આવ્યું છે એ પ્રમાણે સ્વાગત કરવાના બહાને સૌ પ્રથમ રાકેશ ટિકૈતની ગાડીને રોકવામાં આવી. જે પછી લાકડી વડે કારના કાચને તોડી નાખવામાં આવ્યો. આ સિવાય રાકેશ ટિકૈત પર કાળી શાહી પણ ફેંકવામાં આવી હતી. આ હુમલામાં રાકેશ ટિકૈત અને રાજસ્થાનના ડીજીપી એમએલ લાઠરના શ્વસુર રાજારામ મીલના સુરક્ષાકર્મી પાસેથી હથિયાર આંચકવાનો પણ પ્રયાસ કરવામાં આવ્યો હતો.

ટિકૈત પરના હુમલાની ઘટનાને શુક્રવારે મોડી રાતે ફાઈલ કરવામાં આવી હતી. આ ઘટનામાં પોલીસે ABVPના કાર્યકર્તા કુલદિપ સિંહ યાદવ સહિત 16 લોકોની ધરપકડ કરી છે. રાકેશ ટિકૈત પર આ હુમલો એ સમયે કરવામાં આવ્યો જ્યારે તેઓ સાવલીમાં સભા પૂર્ણ કર્યા બાદ બાનસૂરમાં સભા કરવા માટે જઈ રહ્યા હતા.

હવે આ સમગ્ર ઘટનાને રાજનીતિક ચોગઠામાં રાખીને જોવામાં આવી રહી છે. એક બાજુ રાકેશ ટિકૈતે આ સમગ્ર હુમલામાં ભાજપને કસૂરવાર ઠેરવ્યું છે. તેમણે આ હુમલાને પૂર્વઆયોજીત કાવતરું કહ્યું છે. બીજી બાજુ ભાજપે પણ આ હુમલાને લઈને પોતાની પ્રતિક્રિયા આપી છે. ભાજપે કહ્યું છે કે, આ હુમલાને તેની પાર્ટી સાથે કોઈ લેવા દેવા નથી. ભાજપે પોલીસ પર સવાલ ઊભા કરતા કહ્યું છે કે, આ સમગ્ર ઘટના પોલીસની હાજરીમાં જ થઈ છે. આખરે પોલીસ ત્યાં મૂકદર્શક શા માટે બનીને રહી ગઈ?

આ હુમલા માટે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે પણ ભાજપ પર પ્રહાર કર્યા છે. અશોક ગેહલોતે ટ્વીટ કરી કહ્યું છે કે, ‘‘અલવરમાં ભારતીય કિસાન યુનિયનના નેતા રાકેશ ટિકૈતના કાફલા પર ભાજપના લોકો દ્વારા કરવામાં આવેલો હુમલો નિંદનિય છે. દોષિતો વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. ભાજપ ખેડૂત આંદોલનની શરૂઆતથી જ ખેડૂતોના હકમાં સંઘર્ષ કરનારાઓ પ્રત્યે ખોટા નિવેદનો આપી રહી છે. અલોકતાંત્રિક વર્તન કરી રહી છે. જે શરમજનક છે.’’

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments