Team Chabuk-Gujarat Desk: અફઘાનિસ્તાનના કોમેડિયન નઝર મુહમ્મદ ઉર્ફ ખાસા જવાં ચર્ચામાં છે. તેઓ પોલીસની નોકરી કરતા હતા બાદમાં પોતાની અંગચેષ્ટાઓથી હસાવવાના કામમાં લાગી ગયા. ધીમે ધીમે વર્તમાન સમયના મુખ્ય ઉપકરણ સોશિયલ મીડિયામાં છવાઈ ગયા. તાલિબાનીઓને તેમની હરકતો પસંદ નહોતી અને હવે જ્યારે અફઘાનિસ્તાનમાં તાલિબાનીઓનો ફેણ ફરી ઊંચો થયો છે, નઝર મુહમ્મદની હત્યા કરી દેવામાં આવી છે.
સોશિયલ મીડિયા પર નઝર મુહમ્મદની આસપાસ કેટલાય હથિયારધારી તાલીબાનીઓ તેમને કારમાં બેસાડીને ક્યાંક લઈ જતા હોય તેવો વીડિયો વાઈરલ થઈ રહ્યો છે. કારની પાછળની સીટ પર નઝર મુહમ્મદને બેસાડનારાઓ થપ્પડ પણ મારે છે. અમેરિકાના અખબાર વોશિંગ્ટન પોસ્ટ દ્વારા જણાવ્યા મુજબ, ખાસાની હત્યા 19થી 25 જુલાઈની વચ્ચે કંધાર પ્રાંતમાં કરવામાં આવી હતી. મીડિયા રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે તાલિબાનીઓએ કોમેડીયનને પહેલા તેમના નિવાસસ્થાનથી પકડ્યા અને પછી એક ઝાડ સાથે બાંધી તેમનું ગળું કાપીને હત્યા કરી નાખવામાં આવી. તેમની લાશ જમીન પર પડેલી મળી હતી.
કોમેડિયન નઝર મુહમ્મદની હત્યા કરી હોવાનો તાલિબાનીઓ નનૈયો ભણી રહ્યા હતા. જોકે હવે સામે આવ્યું છે કે આ હરકત પણ શૈતાન તાલિબાનીઓની જ છે. જેની પુષ્ટી અમેરિકાના સૌથી મોટા અખબાર વોશિંગ્ટન પોસ્ટે કરી છે. અખબારના અહેવાલમાં લખવામાં આવ્યું છે કે, જૈબુલ્લા મુજાહિદ દ્વારા આ હત્યાની જવાબદારી લેવામાં આવી છે. જોકે જૈબુલ્લા મુજાહિદનું કહેવું છે કે હજુ આ હત્યાની તપાસ કરવામાં આવી રહી છે, કારણ કે કોઈ પણ દોષીને સૌ પ્રથમ ઈસ્લામિક કોર્ટમાં રજૂ કરવામાં આવે છે. એ પછી જ તેને મોતની સજા આપવામાં આવે છે. આ પહેલા તાબિલાનના એક અન્ય પ્રવક્તા સુહૈલ શાહીન ખાસાની મોતની જવાબદારી લેવાથી ઈન્કાર કરી દીધો હતો.
નઝર મુહમ્મદનો વીડિયો સામે આવ્યા બાદ વિશ્વભરમાંથી તાલિબાનીઓની હરકત પર ગુસ્સો ફૂટી નીકળ્યો છે. તમામ કલાકાર અને એક્ટિવિસ્ટ આ ઘટનાને અફઘાનિસ્તાનના અંધકારમય ભવિષ્યની નિશાનીમાં ખપાવી રહ્યા છે. અફઘાનિસ્તાનના બીજા ઉપ રાષ્ટ્રપતિ સરવર દાનિશે પોતાની ફેસબુક પોસ્ટમાં લખ્યું છે કે, ‘આ અફઘાનિસ્તાનના મોઢા ઉપર તમાચો છે. માનવતા અને માનવીય ગરિમાનું અપમાન છે. ન્યાય, જ્ઞાન અને કલાનું અપમાન છે.’
અફઘાનિસ્તાનમાં અમેરિકાના રાજનાયિક મિશનના મુખિયા રોસ વિલ્સને પણ ટ્વીટર પર આ ઘટનાને કડક શબ્દોમાં વખોડતા કહ્યું હતું કે, ‘નઝર મુહમ્મદ ખાસા સંકટના સમયે પણ લોકોના ચહેરા પર સ્મિત લાવતા રહેતા હતા. તાલિબાનીઓએ તેમની ધરપકડ કરી લીધી અને તેમની હત્યા કરી દેવામાં આવી. એ પછી બેશર્મીપૂર્વક ટ્વીટર પર તેનું પ્રમાણ આપતો વીડિયો પોસ્ટ કર્યો. અમે આ તાલિબાની નેતૃત્વ અને આ ઘૃણિત હરકતની કડક શબ્દોમાં નિંદા કરીએ છીએ.’
તાજેતાજો ઘાણવો
- પહેલગામમાં આતંકી હુમલામાં 26 પ્રવાસીઓના મોત, આતંકીઓએ નામ પૂછીને ગોળી મારી
- રાજકોટ-મુંબઈ વચ્ચે દોડશે સુપરફાસ્ટ તેજસ ટ્રેન, જાણી લો ટાઈમટેબલ
- રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો
- ઊના: સૈયદ રાજપરામાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો, પાડોશી મહિલાએ જ કરી કળા !
- સુરેન્દ્રનગરમાં સી.યુ. શાહ ટી.બી. હોસ્પિટલની બેદરકારીના કારણે દીકરીનો જીવ ગયો હોવાનો આરોપ