Team Chabuk-Special Desk: સરકારી નોકરી મેળવવી એક આજ-કાલ લાખો યુવાનોનું સપનું બની ગયું છે. સરકારી નોકરીની ભરતીઓમાં લાખો યુવાનો ઉમેદવારી નોંધાવતા હોય છે. પરંતુ તેમાં સફળ થવાની ટકાવારી ખૂબ જ ઓછી હોય છે. વર્ષોની મહેનત અને ધગશ પછી જ સરકારી નોકરી મળતી હોય છે. ઘણા યુવાનો એવા પણ હોય છે કે જેઓ એક બે વખત પરીક્ષામાં નિષ્ફળતા મળે એટલે પરીક્ષા આપવાનું બંધ કરીને કામ-ધંધો કે નાની મોટી નોકરી શોધી લેતાં હોય છે. પરંતુ આજે એક એવા યુવાનની વાત કરવી છે જેણે જીપીએસસીના ઇન્ટરવ્યૂ સુધી પહોંચ્યો પણ નિષ્ફળતા હાથ લાગી. સરકારી નોકરી હાથ વગી જ હોય અને નિષ્ફળતા મળે, આવું આ યુવાન સાથે એક નહીં ત્રણ ત્રણ વખત બન્યું પરંતુ તે હાર ન માન્યો અને આખરે સરકારી નોકરી મેળવીને જ શ્વાસ લીધો.
આ યુવાન એટલે જગદીશ ભગુભાઈ પટેલ, જગદીશ પટેલ વલસાડ જિલ્લાના પારડી તાલુકાના મોટા વાઘછીપા ગામના વતની છે. જે હાલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર તરીકેની સરકારી નોકરી કરી રહ્યા છે. આ યુવાને સરકારી નોકરી મેળવવા જે સંઘર્ષની સફર કરી છે તે અંગે આજના યુવાનોએ જાણવું જોઈએ. જગદીશ પટેલે હાલમાં જ જીપીએસસીની ક્લાસ-2 પરીક્ષા પાસ કરીને ઈતિહાસમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકેની નોકરી મેળવી છે. જગદીશ પટેલનું જીપીએસસી પરીક્ષા પાસ કરવાનું જે સપનું હતું તેમાં ઘણી બધી અડચણો આવી, અનેક વખત નિષ્ફળતાઓ પણ મળી પરંતુ તે ધ્યેયને વળગી રહ્યો.
ધ ચાબુક સાથેની વાતચીતમાં જગદીશ પટેલ જણાવે છે કે, ‘તેને અભ્યાસમાં પહેલેથી જ રુચિ હતી. બી.એ અને એમ.એ પાસ કર્યું. એમાં પણ ગોલ્ડ મેડલ મળ્યો. અભ્યાસ પૂર્ણ થતાં બાદ નોકરી મળી. પરંતુ લક્ષ્ય સરકારી નોકરી મેળવવાનું હતું તેથી નોકરીની સાથે સાથે પરીક્ષાની તૈયારી ચાલુ કરી. 2015થી સતત નોકરીની સાથે સાથે પરીક્ષાની તૈયારી કરવામાં લાગી ગયો. સરકારી નોકરીની ભરતી આવે એટલે ઉમેદવારી નોંધાવી પરીક્ષા આપું પરંતુ અનેક વખત નિષ્ફળતા મળી. 2017માં જીપીએસસી ક્લાસ 1-2ની પરીક્ષા આપેલી, ઈન્ટરવ્યૂ સુધી પહોંચ્યો પણ ખરો પરંતુ નિષ્ફળ રહ્યો. ત્યારબાદ વર્ષ 2018-19માં ફરીથી જીપીએસસી ક્લાસ 1-2ની પરીક્ષા આપી પ્રિલિમ પાસ કરી, પરંતુ મેઈન્સમાં ફરીથી અસફળ રહ્યો. 2019માં જ સ્ટેટ ટેક્સ ઈન્સ્પેક્ટરની પરીક્ષા આપી, તેમાં પણ મેઈન્સ પરીક્ષામાં નિષ્ફળતા હાથ લાગી. આમ ચારથી પાંચ વખત અસફળ થવાથી માનસિક રીતે તૂટી જવાયું હતું. પરંતુ મનને મારીને પણ પરીક્ષા માટે સતત પ્રયત્નો ચાલુ જ રાખ્યા.’
તાજેતરમાં આસિસ્ટન્ટ પ્રોફેસરની પરીક્ષાનું અંતિમ પરિણામ આવતા જ જગદીશ પટેલના ચહેરા પર ખુશીની લહેરો દોડવા લાગી છે. જીપીએસસી પ્રોફેસરની પ્રિલિમ પરીક્ષા 2019માં લેવાઈ હતી. જેમાં જગદીશ પટેલ સફળ થયો. પરંતુ વચ્ચે કોરોના મહામારી આવી જતાં ઈન્ટરવ્યૂ અટકી ગયા હતા. એવામાં ને એવામાં એક વર્ષ પસાર થઈ ગયું. તેમ છતાં નોકરીની સાથે સાથે વારંવાર વાંચીને મહેનત કરીને ઈન્ટરવ્યૂમાં સફળતા હાંસલ કરી.
સરકારી નોકરી માટેની પરીક્ષાની તૈયારીઓ કેવી રીતે કરવી એ અંગે જગદીશ પટેલ ધ ચાબુકને જણાવે છે કે, ‘પરીક્ષાની તૈયારીની શરૂઆત કોલેજકાળ દરમિયાનથી જ કરી દીધી હતી. પરંતુ શરૂઆતમાં યોગ્ય માર્ગદર્શન કે દિશા વિશે ચોક્કસ ખ્યાલ કે રણનીતિ ન હતી. આથી સતત અસફળ જ રહેતાં માનસિક રીતે ભાંગી જવાયું હતું. પરંતુ જેવી જીપીએસસીની પ્રિલિમ્સ પરીક્ષા પાસ થતી એટલે આપડી ગાડી પાટા પર આવી જતી હતી. આવીને આવી રીતે સતત પાંચ વર્ષથી થતું આવ્યું હતું. કોઈકવાર તો હવે જીવનમાં પરીક્ષા નહીં આપું એવું પણ લાગતું હતું. પરંતુ બીજા દિવસથી મનને પાછું વાળી દેતો કે આપણે પરીક્ષા પાસ કરવાની છે.’
જગદીશ પટેલ આગળ કહે છે કે, ‘જીપીએસસીની આસિસ્ટન્ટ પ્રોફેસરની પરીક્ષાના પરિણામના દિવસે સતત મોબાઈલમાં ગુગલ સર્ચ કરતો કે જીપીએસસીએ પરિણામ મૂક્યું કે નહીં. સાંજે સાડા સાત સુધી પરિણામ ના આવ્યું એટલે મને લાગ્યું કે હવે કાલે સવારે જ આવશે પરંતુ સાંજે આઠ વાગ્યે મિત્રોએ ગ્રુપમાં મૂક્યું કે રિઝલ્ટ આવી ગયું. પરંતુ મેં કોઈને કહ્યું નહીં અને 10 મિનિટ સુધી પરિણામ જોવા ગુગલમાં સર્ચ પણ ના કર્યું. તુરંત જ બીજા મિત્રોને ફોન કર્યા અને પૂછ્યું કે શું આવ્યું તમારું પરિણામ, તો તેઓ પાસ થઈ ગયા હતા. આથી મારા ધબકારા વધી ગયા અને વિચારો આવવા લાગ્યા કે મારું શું થશે. રિઝલ્ટ મેં પોતે જોયું નહીં અને મારા સાથી મિત્ર મુકેશને મેં રિઝલ્ટ વોટ્સએપ કર્યું. એમણે જણાવ્યું કે તમે પાસ છો. બસ આ ઘડીએ જ હું અને મારી વાઇફ ખુશીથી જુમી ઉઠ્યા કે આપડે પાસ થઈ ગયા છીએ.’
‘બસ આમ મારું જે ધ્યેય હતું તે હવે પૂરું થયું છે. જીપીએસસી પરીક્ષા પાસ કરવાની આ સફર ખૂબ જ સરસ રહી. ખૂબ જ આનંદિત થવાયું જીવનમાં.’ અંતમાં જગદીશ પટેલ પરીક્ષાની તૈયારી કરતાં યુવાનોને સફળતાનો મંત્ર આપતાં કહે છે કે, ‘સતત પ્રયત્નો એક દિવસ ચોક્કસ સફળતા અપાવે છે.’
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત