Homeતાપણું‘ટીકા ઉત્સવ’ની ટીકા

‘ટીકા ઉત્સવ’ની ટીકા

Team Chabuk-political Desk: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તારીખ 11 એપ્રિલ થી 14 એપ્રિલ સુધી ટીકા ઉત્સવ મનાવવા માટે દેશને આહ્વાન કર્યું હતું. આજથી ટીકા ઉત્સવનો પ્રારંભ પણ થઈ ગયો છે. વધુને વધુ લોકોને વેક્સિન લગાવવામાં આવે તેવા હેતુથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ ટીકા ઉત્સવની જાહેરાત કરી હતી. પરંતુ ટીકા ઉત્સવ મનાવવાની વચ્ચે ઘણા રાજ્યમાં પૂરતા પ્રમાણમાં વેક્સિનનો જથ્થો ન હોવાની ફરિયાદો ઉઠી રહી છે. એક તરફ બિહાર અને ઉત્તરપ્રદેશ જેવા રાજ્ય વેક્સિન લગાવવા માટે લોકોને અપીલ કરી રહ્યા છે જ્યારે બીજી તરફ દિલ્હી અને મહારાષ્ટ્ર જેવા રાજ્યમાં વેક્સિનની ઘટ હોવાની વાત સામે આવી રહી છે.

ટીકા ઉત્સવ અને વેક્સિનની ઘટને લઈને કોંગ્રેસે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને સરકાર સામે આક્ષેપો કર્યા છે. કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ રણદિપ સુરજેવાલાએ ટ્વિટ કરીને આ મામલે સરકારની ટીકા કરી હતી. સુરજેવાલાએ ટ્વિટ કરીને લખ્યું કે, શું રંગ વગર હોળી મનાવી શકાય ! શું દિપ વિના દિવાળી મનાવી શકાય ! શું ચંદ્ર વિના ઇદ મનાવી શકાય ! એવી જ રીતે આજે વેક્સિન વગર ટીકા વેક્સિનેશન ઉત્સવ મનાવવાનો આદેશ આવ્યો છે. મોદીજી જરૂરિયાતમંદોનો અવાજ સાંભળ્યા વિના મહામારીનો ઉત્સવ મનાવી રહ્યા છે.

વેક્સિન ન હોવાની ફરિયાદ

એક તરફ આજથી ટીકા ઉત્સવનો પ્રારંભ થયો છે ત્યારે કેટલાક રાજ્યમાં વેક્સિનનો પૂરતો સ્ટોક ન હોવાની ફરિયાદ સામે આવી રહી છે. મહારાષ્ટ્ર, પંજાબ, રાજસ્થાન, દિલ્હી અને ઝારખંડમાં વેક્સિનના સ્ટોક અંગે કેન્દ્ર સરકારને ચેતવણી આપવામાં આવી છે. વધી રહેલા કેસની વચ્ચે અલગ અલગ રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર પાસે વેક્સિનની માગ કરી રહી છે.

તેલંગાણા રાજ્ય સરકારે વેક્સિન ઉપલબ્ધ કરાવવા માટે કેન્દ્ર સરકારને પત્ર લખ્યો છે. તેલંગણા સરકારે માત્ર ત્રણ દિવસ ચાલે તેટલો જ સ્ટોક ઉપલબ્ધ હોવાની વાત પત્રમાં લખી છે. તેલંગાણા સરકારે આ પત્ર કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણને લખ્યો છે.

પંજાબના મુખ્યમંત્રી અમરિંદર સિંહે પણ કેન્દ્ર સરકારને પત્ર લખીને વેક્સિનનો સ્ટોક લગભગ પૂર્ણ થવામાં હોવાની સૂચના આપી છે. પંજાબ સરકારના જણાવ્યા અનુસાર પંજાબ પાસે હવે માત્ર 5 દિવસ ચાલે તેટલો જ વેક્સિનનો સ્ટોક છે.

દિલ્હીની કેજરીવાલ સરકાર પાસે પણ માત્ર 7 થી 10 દિવસ ચાલે તેટલો જ વેક્સિનનો જથ્થો ઉપલબ્ધ હોવાની મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જાણકારી આપી હતી. આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચડ્ઢાએ વેક્સિનનો સ્ટોક ખાલી થઈ રહ્યો છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને માગ કરી છે કે અન્ય દેશોને મોકલવામાં આવતી વેક્સિન પર રોક લગાવવામાં આવે.

આ તરફ રાજસ્થાનમાં પણ આ જ પરિસ્થિતિ હોવાનું જાણવા મળ્યું છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગહલોતે જાણકારી આપી કે રાજસ્થાન સરકાર પાસે માત્ર બે દિવસ જ વેક્સિનેશન થઈ શકે તેટલી વેક્સિન છે.

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લોકોને અપીલ કરીને ટીકા ઉત્સવમાં સહભાગી બની વેક્સિન લગાવવા અપીલ કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ટીકા ઉત્સવની શરૂઆત કરાવી હતી. વડાપ્રધાને કોવિડ-19 વિરુદ્ધ આ બીજી મોટી લડાઈની શરૂઆત હોવાનું જણાવ્યું. વડાપ્રધાને કહ્યું કે, આજે 11 એપ્રિલ એટલે કે જ્યોતિબા ફુલેની જયંતીથી આપણે ટીકા ઉત્સવની શરૂઆત કરી રહ્યા છીએ જે 14 એપ્રિલ એટલે કે બાબા સાહેબ આંબેડકર જયંતી સુધી ચાલશે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના દ્વારા જાહેર કરાયેલા રવિવારના આંકડા પ્રમાણે દેશમાં 86 દિવસમાં 10.15 કરોડથી વધુ રસીના ડોઝ લગાવવામાં આવી ચુક્યા છે. ભારત સૌથી ઝડપી વેક્સિન આપતો દેશ પણ બની ગયો હોવાનું સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું હતું.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments