ઝાલાવાડી જલજીરા : પહેલા લક્ષ્મી બોમ્બ (Laxmmi) અને પછી લક્ષ્મી. શીર્ષક બદલવાથી ફિલ્મની અંદરનું કથાવસ્તુ બદલી જતું હોત તો કેટલું સારું હતું. દુર્લભ ધબડકો. અક્ષય કુમારની હિટ, સેમી હિટ છે. તેમ ફ્લોપનો પણ એક મોટો આંકડો બોલે છે. તીસ માર ખાં ફિલ્મની જે સ્થિતિ હતી તેવી જ સ્થિતિ અક્ષય કુમારની લક્ષ્મીની થઈ છે. અક્ષય પાંચ-વર્ષે આવી એકાદ ફિલ્મો આપી ક્રિટિક્સને કહેતો રહે છે કે ધોકો પછાડવો હોય તો આ રહ્યું મેલું લુગડું.
તમિલમાં બની ત્યારે રાઘવ લોરેન્સે તેના પાત્રને જીવંત કરી દીધું. તેની અભિનયકળા સાથે અક્ષય કુમારને તો બસ્સો ગામ છેટું છે. આ ફિલ્મને નેગેટિવ રિવ્યૂ ખૂબ મળ્યા. શીર્ષક અને પાત્રનું મુસ્લિમ હોવું એ વાત વિવાદ જગાવી જ ચૂકી હતી. સોશિયલ મીડિયા પર પણ ફિલ્મનો બોયકોટ થયો. ફિલ્મ બોટકોટ કરવા માટે બનાવી હતી કે મનોરંજન માટે ? હવે તે જનતા દ્રારા ફ્લોપ સાબિત કરી દેવામાં આવી છે. કોઈને જોવાનું મન થશે તો પણ નહીં જોય. શરદ કેલકર માટે પણ નહીં. યુટ્યુબ પર શરદનો એ અડધો ટૂકડો મૂકી દેજો મેકર્સ.

તેના બોયકોટની આજે જે ચર્ચા થાય છે એટલી ફિલ્મની તો થતી જ નથી. આ ફિલ્મની મુખ્ય નબળી કડી તેની કથામાં કરવામાં આવેલો બદલાવ છે. થોડો ટ્વીસ્ટ આપી દેવામાં આવ્યો. કંચના નામે તો સમગ્ર ભારત સાઉથની એ સુપરહિટ ફિલ્મ જોઈ જ ચૂક્યું હતું એટલે નવું શું આપવું ? આ બહાને એક પ્રયોગ કરવામાં આવ્યો, જે પ્રયોગખોરી સાબિત થઈ ગયો.
લીડ હીરોની એન્ટ્રી થાય છે તેવું ત્રિકોણના કોઈ ખૂણાથી સાબિત જ નથી થતું. એક મેદાન છે. જેમાં એક છોકરીને પીટવામાં આવી રહી છે. કોઈ બાબા તે ચૂડેલ હોય એવું આત્મવિશ્વાસથી કહે છે.

અક્ષય કુમાર જે આસિફ બન્યો છે તે દોડીને આવે છે અને જેને છેલ્લા કેટલાય સમયથી આપણે ‘પડદાફાડ’ અભિનય માટે જોતા હતા તેની સાવ સામાન્ય રીતે એન્ટ્રી થાય છે. નથી કેમેરો તેને ટોપ એન્ગલથી દર્શાવતો. નથી તે રાડો પાડીને બાબાને ડરાવી રોકતો. તેનો હાથ અધ્ધર હોય કેમેરો એ હાથને ફોલો કરે. ધીમે ધીમે તેના ખભા પાસે કેમેરો આવે છે. થડાંગ… થડાંગ… થડાંગ આવું સંગીત વાગે છે. તેની મૂછો દેખાય છે. કેમેરો તેના હોઠનો ક્લોઝઅપ લે છે. આંખોમાં ઉકળતો ચરૂ હોય એવું બતાવે અને પછી હીરોનો ટાઈટ ક્લોઝ અપ. તે વોક કરતો આવે અને બધા તેની સામે જોવા લાગે.
સાઉથ પાસેથી આપણને આ અપેક્ષા હોય. સાઉથની રિમેક પાસેથી પણ આ અપેક્ષા જ હોવાની. એવું ન થયું. દિગ્દર્શક રાઘવ લોરેન્સ છે કે પછી તેના કાનમાં કહેવામાં આવ્યું છે કે, ‘આ રીતે નહીં આ રીતે કરો. હિટ નહીં ફ્લોપ બનાવો.!’

પ્રોટોગોનિસ્ટની આખી સાઈડ બદલાવી નાખવામાં આવી. ઈમેજ મેકઓવર કદાચ આને જ કહેવાતું હશે. નાયકનું કામ ડરવાનું છે તેના બદલે તે બહાદુરીથી સામાનો કરે છે. જેને ડર જ નથી લાગતો તેને ભૂતનું અસ્તિત્વ આ સકળ બ્રહ્માંડમાં છે, એવી વાત કરીને શું કરવું ? ફિલ્મ અહીં જ એનું સમગ્રત: હારી ચૂકી હતી. પહેલા સીનથી.
રાઘવ લોરેન્સના અભિનયમાં એનર્જી હતી. અક્ષયમાં એ એનર્જી નથી દેખાતી. ઉંઘતો હોય અને એક આંખ ખુલે તો પણ ઉંઘમાં ચાલવાની બીમારી હશે એવું લાગે. એ તો વાતે વાતે પરિવારના લોકોને કહ્યા પણ રાખે છે, જાઓ ડોક્ટર પાસે બતાવો.
અધવચ્ચેથી ફિલ્મ છોડી દઈશું તો શરદ કેલકરના ગુનેગાર સાબિત થશું. શરદ કેલકર ન આવી જાય ત્યાં સુધી એક પણ કલાકાર પાત્રને ઉપસાવી નથી શક્યો. પાત્ર દરેક વ્યક્તિ માટે બનેલું હોય છે. વ્યક્તિને અનુરૂપ હોય છે. એ પાત્રમાં મહેનત કરવી પડે. લાંબા સમય માટે.

ફિલ્મ છે એવું લાગે શરદ કેલકરને જોઈને. 10-12 મિનિટ જેટલો રોલ છે. તેણે સાઉથના અભિનેતા શરથ કુમારની સાપેક્ષે એક અલગ છબી ઊભી કરી છે. કદાવર શરીર છે. ભરાવદાર અવાજને તેણે ત્રીજા જેન્ડરમાં આબેહુબ ઢાળી દીધો છે. ડબીંગનો તેને પૂરતો ફાયદો થયો છે. બાહુબલી. લાલ સાડી અને માથામાં લાલ કલરના ચાંદલા સાથે ખૂંખાર પણ લાગે છે. અક્ષય કુમારે કેલકરને ફોલો કરવાની જરૂર હતી. સાડી ઊંચી કરી પાટુ મારતા સિવાય કંઈ ફોલો ન કર્યું. દાંત કચકચાવવામાં પણ અક્ષયની તુલનાએ શરદ બાજી મારી જાય છે. શરદને એક લિમિટેડ રોલ કરવાનો હતો. જેથી તેનું ધ્યાન પણ રહે, પણ અક્ષયની વર્ષની ચાર ફિલ્મો!!
રિમેક ફિલ્મોમાં થાય છે એવું કે, પ્રથમ આવૃતિ જોઈ લીધી હોય તો બીજી આવૃતિ ગમતી નથી. બે પાંચથી વધારે વખત બેકગ્રાઊન્ડ સંગીત પણ ડરાવતું નથી. પાત્રો ખૂદ સામા આવી જાય અને ડરી જાય. ભાભી-ઘરના જમાઈથી ડરે, સસરા જમાઈથી ડરે, જમાઈ સસરાથી ડરે. તો ભૂત શું કરે. નીચે પ્રમાણે.

પટકથામાં ફેરફાર કરવો એ રાઘવ લોરેન્સને કારગતની જગ્યાએ નડતર રૂપ સાબિત થયું. મજબૂત દિવાલ પર લગાવેલો નબળો કલર લક્ષ્મી છે. કેલકરની મહેનત એ રીતે પાણીમાં પધરાઈ જાય છે, કારણ કે અગાઉ પાત્રોએ પોતાના પરચાથી દર્શકોને મોજ ન કરાવી. ફિલ્મ હોરર કોમેડી બનવી જોઈએ. તેની જગ્યાએ હાફ હોરર અને નો કોમેડી બની ગઈ છે. પછી ફિલ્મમાં બે બાળકો પણ હતાં. ભૂત આવતા એ ડરીને ગામડે ચાલ્યા ગયા કે શું ? લક્ષ્મીની એન્ટ્રી પછી તો દિવાલ પર લાગેલા ફોટા દેખાય છે પણ એ નથી દેખાતા.