1) પ્રથમ નવલકથા વિશે કહો. એ કથા કેવી રીતે સ્ફૂરી અને પ્રથમ નવલકથા લખવાનો સમગ્ર અનુભવ કેવો રહ્યો ?
હું 19 થી 22 વર્ષની ઉંમરમાં (જ્યારે મારી એન્જિનીયરીંગ કોલેજ ચાલતી હતી) ત્યારે એકલાં-એકલાં ખુબ રખડ્યો. ખિસ્સા ખાલી હતાં. આત્મામાં આગ હતી. I was a raging bull. ગમતું કામ ખબર ન હતી. જે કરતો એ ગમતું ન હતું. મારા સવાલો લાખ હતા. જવાબો શૂન્ય. મારે દુનિયામાં મારો ડંકો વગાડવો હતો. અલગ-નવું-ક્રાંતિ ભર્યું જીવવું હતું. મારે એવું જીવવું હતું જેમાં અફસોસ જેવું કશું જ ન હોય. દરેક ક્ષણને ચિક્કાર ઊંડાણથી જીવી હોય. મારે ગુજરાતીઓ જેવા ફંદ કે ફાંદ જોઈતાં ન હતાં. મારે હજારો અનુભવોથી ભરેલું એવું મન-શરીર જોઈતું હતું જે સમય-સંજોગ સામે અડીખમ હોય. મારે એવું જોમ-જનૂન જોઈતું હતું કે કોઈ જ્વાળામુખીની જેમ ઉપરથી શાંત લાગે પણ અંદરથી આગનો દરિયો હોય. આવી યુવાનીના બે કારણ હતાં.
આ કુદરતી સ્વભાવ હતો. મારા બાપુજી (પપ્પા) પણ આવા જ માણસ છે. બીજું વાંચન. કોલેજમાં માત્ર રખડતો જ નહીં, પરંતુ આંખો દુ:ખી જાય એટલું વાંચતો. સેંકડો ફિલ્મો જોતો. IMDbની ટોપ 500 ફિલ્મો કોલેજમાં જ પતાવી નાખેલી. રાત્રે આઠ વાગ્યે ફિલ્મો ચાલુ થાય તો એ સવારના ચાર વાગ્યા સુધી ચાલે. શનિ-રવિમાં કોઈ નવલકથા લીધી હોય તો સોમવારે પૂરી થઇ ગઈ હોય.
જ્યારે આવું જીવન હોય, અને ઉપરથી અકસ્માતે ખબર પડી જાય કે મારે વાર્તા લખીને લેખક થવું છે. ત્યારે સમજી લો કે આખલો લાલ કપડું ભાળી ગયો છે. નવલકથા મારું લાલ કપડું હતું. (નવલકથાનો વિચાર એટલે આવેલો કારણ કે દર બે મહીને હું ખાલી ખીસ્સે ટ્રેનમાં ચડી જતો. એકલાં. અજાણ્યાં માણસો સાથે દોસ્તી કરી લેતો. જેટલાં અનુભવો થાય એ કરવાં હતા. એમાં મને એવાં પાત્રો મળી ગયેલાં જેમની વાર્તાઓ અંદરથી ન નીકળે તો આગળ ન વધી શકું. એટલે ચાર સત્ય વાર્તાઓ ભેગી થઈને એકબીજામાં મળી ગઈ અને નવલકથાનો જન્મ થયો)

કોલેજના ચોથા વર્ષમાં ચાલુ કરેલી નવલકથા ત્રણ વર્ષ ચાલી. કોલેજ પૂરી થઇ. આખલાનું ધ્યાન લાલ કપડાં (નવલકથા) ઉપર એટલું હતું કે નોકરી ન મળી. બેરોજગાર રહ્યો. આત્મહત્યાના વિચારો આવ્યાં. ખાલી ખીસ્સે ક્રિએટીવીટી મરવા લાગી. ખિસ્સા-ખર્ચી નીકળે એટલે કોલ સેન્ટરમાં કામ કર્યું. પછી દર એક-બે મહીને નોકરી ફેરવવાનું ચાલું કર્યું. વેઈટર, વોચમેન, સર્વિસ એન્જીનીયર, ઇન્સ્યોરન્સ સર્વેયર, સાઈટ એન્જીનિયર એવું બધું કર્યું. દિવસે નોકરી, રાત્રે કામ, ખાલી ખિસ્સાં, રમતાં રામ. રોજે રાત્રે ઉજાગરાં કરીને નવલકથા પૂરી કરી.
‘’વિશ્વમાનવ’ પૂરી થઇ ત્યારે સવારના ચાર વાગ્યાં હતાં. મેં લેપટોપ બંધ કર્યું. ખુશીના આંસુ આવ્યાં. હું લેપટોપ લઈને મારા પેઈંગ ગેસ્ટ રૂમની બહાર આવ્યો. રસ્તા પર કૂતરાં ભસતાં હતાં. મને એવો આનંદ થયો હતો કે મેં લેપટોપ સાઈડમાં મુકીને ઘડીક રસ્તા પર નાચી લીધું. મજા આવી. મને લાગ્યું કે મેં લાલ કપડાંને પકડી લીધું છે, પરંતુ ઘણી ફાઈટ બાકી હતી. જિંદગી ભારે હોંશિયાર બુલરેન્જર હોય છે.
2) નવલકથાનો વિષય મળી જાય પછી તમારી સમગ્ર પ્રક્રિયા કેવી હોય?
પ્રક્રિયા થોડી જટિલ છે. શા માટે અઘરી છે એનું કારણ છેલ્લે કહું. જ્યારે ખબર પડી જાય કે હવે આગળના ત્રણ વર્ષ હું આ વાર્તાને જીવવાનો છું, પછી મોટેભાગે એ વાર્તા મારું અસ્તિત્વ બની જાય. પાત્રો સતત મગજમાં જીવતાં હોય. દિવસે તો ઠીક, પણ રાત્રે જાગીને પણ મોબાઈલમાં કશુંકને કશુંક લખાતું હોય. હું આખી વાર્તા મનમાં આવી જાય એની રાહ ન જોઉં. લખવાનું ચાલુ કરી દઉં. એક વર્ષ રિસર્ચ ચાલે. એક વર્ષ લખવાનું ચાલે. એક વર્ષ એડીટીંગ અને પબ્લિશિંગ ચાલે. આ ત્રણેય ફેઇઝને થોડાં ઊંડાણથી કહું:
૧. રીસર્ચ ફેઇઝ: આ તબક્કામાં હું ચિક્કાર જીવવાનું રાખું. રખડું. પ્રેમ કરું. દોસ્તી ઊંડી હોય. વાંચન ગાંડુ હોય. આ બધાં છતાં મનની અંદર ખુબ ધીમે-ધીમે અવાજ કરતા જીવન ઉપર કાન હોય. શું કહે છે મારું મન? કયા પાત્રો ઉભાં થઇ રહ્યા છે? કેમ થઇ રહ્યા છે? એમને સાહિત્યમાં મુકીને શું હું એવો રણકો મૂકી શકીશ જે સેંકડો વર્ષો સુધી વાચકના મનમાં જીવ્યાં કરે? મારા મનમાં જન્મતા-જીવતાં-મરતાં વાર્તા-વિશ્વમાંથી એવું શું છે જેને મારે દુનિયા સામે લખીને કહેવું પડે એવું છે? એવું શું છે જેને લખવા માટે મારું અસ્તિત્વ નીચોવી નાખું તો એ મને પરમ-આનંદ આપશે? For me this is a research! એ અંદરનું હોય. ક્યારેક બહારનું હોય. ખુબ ધીરજથી વાર્તા નક્કી થાય.
૨. લેખન ફેઇઝ: લખતી વખતે વાંચક મરી જાય. I don’t care what world needs. હું એવું લખું જે મારે માટે મહાન સર્જન હોય. રોજે લખવાનું. સવારમાં લખવાનું. કશું જ વિચાર્યા વિના એક જ ધૂન કે – આ વાર્તાને અંત સુધી કઈ રીતે લઇ જાઉં.
૩. એડીટીંગ, પબ્લિશિંગ ફેઇઝ: એકવાર નવલકથા પૂરી થાય એટલે દસ-પંદર એવાં વાચકયારોને જાય જેઓ મારા જીગરી યારો છે. જે સત્ય મારા મોઢા પર મારી શકે છે. તેઓને મેઈલ કરું. એ બધાં વાંચે. ફીડબેક માટે લાંબા ફોન ચાલે. પહેલાં આખી નવલકથા વિષે વાતો થાય, પછી પ્રકરણો, પછી ફકરાઓ, પછી વાક્યો, પછી શબ્દો. મારે એમને એક-એક શબ્દનો હિસાબ દેવાનો હોય. એ બધાં મારા કરતાં ખુબ હોશિયાર માણસો છે. એટલે હું એમની સલાહો માનું. તેઓ કહે એમાંથી મારે કરવાં હોય એ સુધારા કરું. પછી ફરીથી નવલકથા બીજા દસ વાંચકોને મોકલું. જે મારા પાક્કા દોસ્તો નથી. બસ ચાહે છે. તેઓ નવલકથાની Beta testing નો ભાગ છે. એમનો ઓવરઓલ ઓપિનિયન મારે પચાવવાનો હોય. એમની ફીડબેક લઈને ફરી હું થોડું-ઘણું મઠારું. છેલ્લે મારી બહેનો, અજાણ્યાં રેન્ડમ માણસોને નવલકથા મોકલું. એવાં લોકો જે ક્યારેય વાંચતા જ નથી. આ લોકો મારું સાચું ઓડીયન્સ છે. જે ક્યારેય નથી વાંચતો એ માણસ જો વાર્તા વાંચીને ત્રાંસો-બાંગો-ફાંગો-ખાંગો થઇ જાય, જો એને મોજ પડે તો મારું કામ સફળ. આ સાચું ઓડીયન્સ એટલે છે, કારણ કે સાહિત્યમાં આવાં માણસોને જીતી શકો તો વિસ્તરી શકે. બાકી બંધિયાર બની જાય.
3) તમે અંગ્રેજી ખૂબ વાંચો છો પણ તેની સાપેક્ષે ગુજરાતી નથી વાંચતા એવું સાંભળવા મળ્યું છે. આ પાછળનું શું કારણ ?
હું અંગ્રેજી ખુબ નથી વાંચતો. હું વૈશ્વિક સાહિત્ય ખુબ વાંચું છું. જર્મન, ફ્રેન્ચ, જાપાનીઝ, રશીયન, આફ્રિકન, લેટીન અમેરિકન આ બધું સાહિત્ય અંગ્રેજીમાં આવે ત્યારે મને સમજાય. એટલે હું અંગ્રેજી ખુબ વાંચુ એવું લાગે. જો કે ગુજરાતી નથી વાંચતો એવું નથી. ગુજરાતી ઓલરેડી પુષ્કળ વાંચી નાખ્યું છે. જીવતાં લેખકો તરફથી નવું નવું આવે એ કશું વાંચતો નથી કારણ કે to be honest ક્યાંક મને એમ લાગે છે કે જીવતાં લેખકો ચિક્કાર મહેનત કરીને કશું ક્રાંતિકારી લખતાં નથી કે જેને હું મારો સમય અને પૈસો આપું. મને જીવતાં લોકોમાંથી મારા કરતાં સારું લખતાં માણસો દેખાતાં નથી. By the way આ આગળનું વાક્ય ઈગો કે જાતપ્રેમ ભર્યું અંધત્વ નથી. આ ક્લેરિટી છે.
મને મેઘાણી-મુનશી-પન્નાલાલ-મડિયા-અશ્વિની ભટ્ટ-ધૂમકેતુ-ધ્રુવ દાદા- જયંત ખત્રી આ બધાં મારા કરતાં કાબેલ લેખકો લાગે છે. એમને વાંચીને મને થાય કે બંદો હોનહાર છે. મારે વર્તમાન કે આવનારી ગુજરાતી પેઢીઓના દિલો પર જીવવું હોય તો આ બધાં જુના લેખકો કરતાં પણ સારું લખવું જોઈએ. મારી સામે અશ્વિની ભટ્ટ આવીને ઉભાં રહે તો હું એમનાં પગે નમીને ચોંટી જાઉં. હું એમની સાથે સ્પર્ધા કરવા ઈચ્છું. હું કહું કે ચાલો બેસીએ. એક ટોપિક પર વાર્તા લખીએ. પછી વાર્તા નીચે આપણા નામ નહીં લખવાનાં! એ વાર્તા દસ માણસોને આપીએ અને કહીએ કે જણાવો કઈ વાર્તા સારી છે!
હું આવું એટલે કરવાં માંગુ કારણ કે મને અશ્વિની ભટ્ટની ચાહના એટલી છે. અમે બંને આવું કરીએ તો સાહિત્ય ફલક મોટો બને. મીઠી-હેલ્ધી સ્પર્ધા થાય તો સાહિત્યનો પનારો લાંબો થાય.
હું અત્યારના જીવતાં લેખકો, આ ઉપર કહી એવી સ્પર્ધા એટલે ન કરું કારણ કે મને વિજેતા ખબર હોય! આમાં ઈગો નથી. ક્લેરિટી છે. આઈ એમ ઓપન ટુ ટેઈક ધીસ ચેલેન્જ.
લાંબી વાત ટૂંકી : મેં ગુજરાતીમાં ઉપર કહ્યા એ બધાને વાંચ્યા છે. એમનાથી વધું ઓછાં વાંચ્યા છે. મને સારું પુસ્તક મળે એટલે એ અધૂરું ન રહે.
4) કોઈ નવલકથા શરૂ કરી તો દિવસમાં કેટલા કલાક લખવાનું? કોઈ એવું શેડ્યુલ ખરું કે જ્યારે મજા આવે ત્યારે?
હું સવારે પાંચ-છ વાગ્યે ઉઠું. (શિયાળામાં છ વાગ્યે. ઉનાળામાં પાંચ વાગ્યે) અને લેપટોપ સામે બેસી જાઉં. કોઈ શેડ્યુલ નથી. આ જરૂરિયાત છે નવલકથા લખનારા માણસ માટે. હું મોર્નીગ પર્સન છું એવું નથી. વિશ્વમાનવ મેં રાત્રે લખેલી. નોર્થપોલ સવારે સાત વાગ્યેથી લખેલી. ધ રામબાઈ સવારના ચાર વાગ્યામાં ચાલુ કરતો. આ બધું પાત્રોની માગ મુજબ ચાલે. પ્લસ 2016 પછી હું ગમતી નોકરીમાં જોડાયો. (હું 2016માં પ્રતિલિપિ નામની કંપનીમાં ગુજરાતી ભાષાના મેનેજર તરીકે જોડાયો. 2018માં હું ગુજરાતી છોડીને બાર ભાષાના કો-ઓર્ડિનેટર તરીકે પ્રમોટ થયો. 2020માં હું બારેય ભાષાઓની ટીમના લીડર તરીકે પ્રમોટ થયો). એટલે નોકરીની જવાબદારીને ધ્યાનમાં રાખીને હું સવારે વહેલો લખવા બેસું. દસ વાગ્યા સુધી લખું. દસ વાગ્યા પછી મારું મગજ માત્રને માત્ર ટીમ-લીડરશીપમાં ફોકસ થયેલું હોય. સાંજે આઠ વાગ્યા સુધી હું લેખક નથી હોતો. સાંજે જમીને હું વાંચવા બેસું. ઓટોમેટીકલી જ્યારે હાથમાંથી પુસ્તક પડી જાય અને ઊંઘ ચડી જાય ત્યારે સુઈ જાઉં. મારું એલાર્મ સેટ હોય. એટલે ઉઠીને જાતે ચા બનાવીને લખવા બેસી જાઉં.

5) કોઈ લેખકનો તમારા પર પ્રભાવ ખરો?
લેખકો કરતાં મારા પર નવલકથાઓનો પ્રભાવ રહ્યા કરતો હોય છે. પરંતુ એ મારા લખવામાં ન આવે, કારણ કે હું એક વર્ષ જ્યારે લખતો હોઉં ત્યારે સ્પેસ સાયન્સ, સાયન્સ ફિક્શન, ફિલોસોફી, સાયકોલોજી આ બધા વિષયો વાંચતો હોઉં. નવલકથા ઓછી વાંચુ. નવલકથા વાંચુ તો પ્રભાવ તરત મારા લખવામાં આવી જાય, કારણ કે હું સેન્સીટીવ ખુબ છું. પરંતુ રીસર્ચ ફેઇઝ અને એડીટીંગ ફેઇઝમાં નવલકથાઓ વધુ ચાલતી હોય. કારણકે એમાંથી મને ખબર પડે કે મારે મારી નવલકથામાં શું ફેરફાર કરવા જોઈએ. ખાસ પબ્લિશિંગ ફેઇઝમાં ગુજરાતી ખુબ વાંચુ જેથી મારું ગ્રામર સારું બને. હુંય જાતે ભૂલો પકડી શકું,
આમાં એક અપવાદ વિશ્વમાનવ છે. જ્યારે હું હેમિંગ્વે, બક્ષી, મુનશી, કામુ, ગેબ્રિયલ માર્કેઝ ના જીવનના પ્રભાવમાં હતો.
6) પુસ્તક અને પ્રકાશનની દુનિયા વિશે શું માનો છો?
તમારા પ્રશ્નને થોડી અલગ રીતે બ્રેકડાઉન કરીને જવાબ આપું. મારા જવાબમાં પ્રકાશનની દુનિયા આવી જશે.
ગુજરાતી આખા જગતમાં ચોવીસમાં નંબરની સૌથી વધુ બોલાતી ભાષા છે. ઘણાં માણસો ગુજરાતીની ચિંતા કરતાં હોય છે કે ભાષાનું અસ્તિત્વ જોખમમાં છે! ભાષાઓ મરતી હોય છે. સેંકડો ભાષાઓ માનવજાતના ઈતિહાસમાં મરી ચૂકી છે. અમુક વર્ષો પછી સંસ્કૃત જેવી મહાન ભાષા પણ ઓલમોસ્ટ જતી રહેશે. “સાહિત્ય” એ કોઈ પણ ભાષાને તંદુરસ્ત રાખતું હોય છે. એ ભાષાની જિંદગીનું મેડીટેશન છે. કોઈ પણ સાહિત્ય નીચેના ત્રણ તબક્કાથી ટકી રહે:
૧. સર્જકો: સર્જક એટલે સપ્લાય. ગુજરાતીનો જય-જયકાર ત્યારે થાય જ્યારે એમાં હજારોની સંખ્યામાં સર્જકો વાર્તાઓ, ફિલ્મો, ભણતર બધું સ્પલાય કરતાં હોય. વર્તમાન સમયને મોટી સંખ્યામાં સર્જનહારોની જરૂર છે. સારું-ખરાબ નથી જોવાનું. દરિયો હશે તો ખારાશ તો હશે જ. Let there be thousands of creators. એમાંથી સારા હશે એ ઉપર આવશે જ. ઉપર આવવાં માટે લાંબા સમય માટે, સતત, એકધારું સારું પરફોર્મન્સ કરનારાં સર્જકો જોઈએ. એક-બે-ત્રણ કૃતિ નહીં. દસ કૃતિ હોય જે બેસ્ટ હોય. આવું બેસ્ટ લખનારા એક-બે નહીં. હજાર હોય. માત્ર લેખકો નહીં, પરંતુ સેંકડો ડિરેક્ટર્સ, ટીચર્સ, જર્નાલિઝમના ખા માણસો બધાં કશું લાંબુ વિચાર્યા વિના, અજાણ્યાં જ, એકધારા ગુજરાતી ભાષાની અંદર જ બધું કરતાં હોય.
૨. વાચકો: જો સપ્લાય મોટો-એકધારો-ક્વોલીટી સભર હોય તો વાંચકો નવરાં જ બેઠાં છે. ડીમાન્ડ સાઈડમાં ગુજરાતી પાસે છ કરોડ માણસો છે જેમાંથી ચાલીસ લાખથી વધુને તરત જ સારું સર્જન પોંખતા-પકડતા આવડે છે. કન્ઝ્યુમર્સ (વાચક, શ્રોતા, વ્યૂઅર્સ, વિધાર્થીઓ) હંમેશાં સપ્લાયર્સ કરતાં હોશિયાર હોય છે. એમને શું પોખવું એની ખબર હોય છે. (આમાં 30% વર્ગને ચોઈસ કરતાં આવડતી હોતી નથી, પરંતુ તેમની ચોઈસ પરોપજીવી હોય છે, એટલે બીજા સારું વાંચનારા એમને કહે કે આવું વાચો, આ ફિલ્મ જુઓ, આ શિક્ષક પાસે ભણો વગેરે)
૩. પ્લેટફોર્મ/પ્રકાશકો: I will be completely honest here. કોઈ પ્રકાશક આ વાચતા હોય તો આ જવાબ વાંચીને દુઃખી કે ક્રોધિત થવા કરતાં જવાબની અંદરનું સત્ય જોવા પ્રયત્ન કરવો. સપ્લાયર્સ અને કન્ઝ્યુમર વચ્ચે મૂળભૂત હોય છે પ્લેટફોર્મ. ઉદાહરણ તરીકે એમેઝોન પર એક લાખ વેપારી છે, જે દસ લાખ વસ્તુઓ વેચે છે. સામે એક કરોડ ખરીદનારા છે. પરંતુ એમેઝોનની સાઈટ કે એપ ઘંટા જેવી હોય, સારી વસ્તુઓ મોટી સંખ્યામાં વેચવાની દાનત-આવડત ન હોય, બોગસીયો માલ વેચીને ક્ષણિક કમાણી કરી લેવી હોય, સરખી સર્વિસ, સારો ઇન્ટરફેસ, સારો યુઝર એક્સપીરીયન્સ ન આપવો હોય તો કાલે ઉઠીને ગ્રાહક બંધ થઇ જશે.
પ્રકાશકો એ ખુબ સારા સપ્લાયર લેખકો, અને આજ રીતે પ્રોડ્યુસર માટે ડીરેક્ટર ને શોધીને, ન્યુઝ એજન્સી માટે પત્રકાર શોધીને એમનાં ગુજરાતીના સર્જનોને બેસ્ટ રીતે પ્રોડ્યુસ અને માર્કેટિંગ કરીને, મોટા પાયે ઉત્પાદન કરીને, ગ્રાહક સુધી પહોંચાડીને, ગ્રેટ સર્વિસ આપીને, એમની ફીડબેક લઈને વધુ બહેતર રીતે સારા સપ્લાયર્સને પકડી રાખવા. ઉપરાંત આ લૂપ મોટા પાયે લાંબાગાળે ચલાવવું પડે. ભાષા તો સંવર્ધન પામે.
હાલના પ્રકાશકોને બેચેની થાય એવાં હોનહાર લેખકો દસ-પંદર વર્ષથી મળ્યા નથી. એટલે પ્રકાશકો જૂનાને છાપ્યાં કરે. એમને વધુ કમાવાની લાલચ જાગે એટલે ગલીપચી થાય એવાં સેલ્ફ-હેલ્પ પુસ્તકો નબળી રીતે પ્રેઝન્ટ કરે. વાચકોને ઉલ્લું બનાવવાનું કામ એક-બે પ્રકાશક કરે તો ચાલે, બધાં કરે, અને એ પણ લાંબાગાળા પર કરે તો પછી તકલીફ આવનારી પેઢીઓને થાય.
પ્રકાશકો અને લેખકો સાહસિક બને અથવા બંગડીઓ પહેરી લે. પુસ્તકની 1000 કોપી વેચાતી ન હોય તો એ તમારો અને લેખકનો પ્રશ્ન છે, સાહિત્યનો નહીં. તમારું સાહસ અને ગણિત નબળું છે. સાહિત્ય ભાંગી નથી રહ્યું. પ્રકાશકને ધંધો ચલાવવાનો છે, પણ નબળી પ્રોડક્ટ્સ વેચીને લાંબુ ન ચાલે. વાચક ભારે ઉસ્તાદ છે.
7) તમારી નવલકથાઓમાં તમારું પોતાનું જીવન કેટલું ઉપસતું દેખાય છે. એક ઉદાહરણ આપો. જે તમારા જીવન સાથે પણ બન્યું હોય અને નવલકથામાં પણ તમે લખ્યું હોય, કોઈ પણ પ્રકારની બાંધછોડ વગર.
નોર્થપોલ નવલકથાના શરૂઆતના પંદર ચેપ્ટર.
ધ રામબાઈ નવલકથાનો બીજો ભાગ.
8) એક યુવા નવલકથાકાર તરીકે તમારી કૃતિને પારિતોષિક મળે તેવી ઈચ્છા ખરી ? કે વાચકો એ જ તમારું પારિતોષિક ?
ઈચ્છા તો એવી છે કે ગુજરાતી નવલકથાઓ ગુજરાતના સીમાડાઓ વટી જાય. દરેક ગુજરાતીના ઘરમાં પુસ્તકોના ઢગલાં હોય. સાંજે ડાયનીંગ ટેબલ પર ધંધાની સાથે-સાથે લોકો સાહિત્ય-ફિલોસોફી-વાર્તાઓ વિષે વાત કરતાં હોય. આમાં મારી નવલકથા હોય તો મારા જીવનકાળના જેટલાં વર્ષ મેં લખવામાં આપ્યા છે એ સાર્થક. બેશક પ્રાઈઝ કે પૈસા તો જોઈએ જ છે, સાથે સાથે ઈચ્છા છે કે પ્રાઈઝ એક-બે લેખકને નહીં, પરંતુ વાર્ષિક એકસોને વીસ લેખકોને મળતાં હોય એટલો મોટો ફાલ હોય.

હું ખેડૂત પરિવારનો છું. અમારે કપાસ માત્ર શેઢા ઉપર સારો નથી જોઈતો. એક છોડ સારો નથી જોઈતો. આખું ખેતર મબલક હોય. ક્યાય ખાલા ન હોય. વેપારી પાસેથી ભાવ પણ જોઈએ છે. અમારે વાવીએ એવું લણવું છે. એટલે લેખક તરીકે પ્રાઈઝ મળે તો કલમ ખીલે. મોજ છૂટે. આપો પ્રાઈઝ.
ટૂંકમાં પ્રાઈઝ અને વાચકો બંને જોઈએ. પરંતુ તમારો સવાલ સિલેકશન માટેનો છે એટલે એક પસંદગી હોય તો એ છે : વાચક.
9) નવા લેખકમાં કોણ કોણ ગમે ?
મારું મન જીતવું અઘરું છે. કોઈ નહીં.
10) સાચું કહેજો જીતેશભાઈ કુલ કેટલા પુસ્તકો લખ્યા છે ?
તમે સત્ય કઢાવી દેશો હો! મેં ટોટલ પાંચ લખ્યા છે. ચડતાં ક્રમમાં: વિશ્વમાનવ, હિતેચ્છુ, અંતરવલોણું, નોર્થપોલ, ધ રામબાઈ.
આમાંથી હું હિતેચ્છુ અને અંતરવલોણુંને હવે મારા ગણતો નથી, કારણકે બંને પ્રકાશકને માટે લખેલા. રૂપિયા કમાવા લખેલા. ખિસ્સાં ખર્ચી માટે. એ સમયે હું બેરોજગાર હતો. ઓફર આવી. બંનેના થઈને ટોટલ 50,000 રૂપિયા મળતાં હતાં. બે મહિનામાં લખવાના હતાં. તો લખી આપ્યા. પણ એ વાંચો તો એનાથી મારું પાણી માપવું નહીં. મારું પાણી માપવું હોય તો મારી ત્રણ નવલકથાને લઈને જ માપવું : વિશ્વમાનવ, નોર્થપોલ, ધ રામબાઈ.
હિતેચ્છુ – એક બાયોગ્રાફી છે. મારા કેશોદના કરોડપતિ દોસ્ત હિતેશ ચનીયારા ઉપર. મેં એમનાં ઈન્ટરવ્યું લઈને લખેલી.
અંતરવલોણું – એક સારા વિચારો ધરાવતી ગમતી ફોલોસોફી અને વાર્તાઓની નાનકડી 100 પેજની ચોપડી છે. સારી છે, પણ એટલી બધી પણ નહીં.
11) ફેસબુક પરથી એક તો માનવું પડે કે તમારી ફેન ફોલોઈંગ તો છે. તમે તમારા એ મિત્રો પાસેથી શું અપેક્ષા રાખો છો ?
વાચક હો તો મારી નવલકથાઓ ખરીદો. લેખક હો તો તમે પણ લખો.
વાચક માટે: પુષ્કળ વાંચો. ત્યાં સુધી વાંચો કે જ્યાં સુધી તમને જાતે ખબર ન પડી જાય કે શું વાંચવું. Self help books wont help. સાયન્સ વાંચો. સાયકોલોજી વાંચો. ફિલોસોફીના માંધાતાઓને વાંચો.
લેખક માટે: વર્ષો સુધી પરફોર્મન્સ આપો. સતત. સારું. એકધારું. પ્રકાશકોને મજબૂર કરો કે જેથી તેઓ કચરો સેલ્ફ-હેલ્પ છાપવાનું બંધ કરીને તમારી બાંગને સાંભળે. પ્રકાશકો હાથ ન પકડે તો જાતે પ્રિન્ટ કરી નાખો. વાચક હાથ પકડે તો પ્રકાશક તો તમારી આંગળીઓ ચૂમશે.
12) ધ્રૂવ ભટ્ટ વિશે કહો.
અદભુત વ્યક્તિત્વ. ઊંડાણથી ઊંચુ જીવેલા માણસ. એવા વ્યક્તિ જેઓ મેં ઉપર આપ્યાં એવાં બધા જવાબ ક્યારેય ન આપે. એમને પોતાની ધરા ખબર છે. એમની ભ્રમણ કક્ષા નોખી છે. એમને કોઈ રીગ્રેટ નથી. દિલથી દિવ્યાબાને પ્રેમ કર્યો છે. ભાળ્યું એ લખ્યું છે. વાચકોએ પ્રેમ આપ્યો છે. એમને કોઈ અપેક્ષા નથી જગત પાસેથી. તેઓ સાથે હું માધવપુર, કેશોદ રખડ્યો છું. મારા દિલમાં વસતા દોસ્ત છે. એમને મારી નવલકથા ગમે એ મારે માટે એવોર્ડ હોય.
13) રામબાઈ પછી જીતેશને કયા વિષય પર લખવું છે ?
No idea. હાલ તો રીસર્ચ ફેઇઝ ચાલે છે. મારી ઈચ્છા તો સાયન્સ ફિક્શન કે ફેન્ટસીની મોટી દુનિયા બનાવવાની છે જે અમુક ભાગોમાં પ્રકાશિત થતી હોય. હાલ તો એવું કશું અંદર આવતું નથી.
14) છેલ્લો સવાલ તમારા મમ્મી અને પપ્પા વિશે જણાવો.
મારા ભગવાન. મારું સર્વસ્વ. મારા પપ્પા કાળુભાઈ દોંગા ખેડૂત છે. ગામનાં ઉપસરપંચ પણ રહ્યા પંદરેક વર્ષ. ભાયડો. કોઈનો ડર નહીં. હિંમતથી જીવ્યા. ખુબ ઈમોશનલ છતાં ક્યારેય ઢીલા પડેલા ન દેખાય. ગામમાં એમનું માન ખુબ સારું. ખેતીમાં એમની સૂઝ કોઠા સાથે જોડાયેલી. હું પોતે એવો માણસ છું કે જે મહીને 4000 રૂપિયા હોય તો પણ મોજથી જીવે. મારી જરૂરિયાતો ખુબ ઓછી. હું અત્યારે લાખોનો ટેક્સ ભરું એટલી કમાણી એટલે કરું છું, કારણ કે મારા બાપુજીનું માથું ગર્વથી ઊંચુ રહે. એમનું ખિસ્સું ભરેલું હોય. એમને ક્યારેય કોઈની દુકાને ખરીદી કરવા જાય તો પૂછવું ન પડે આનો ભાવ શું છે?
મારી બા વિશે કશું લખી નહીં શકું. આંસુડા આવી જાય અને આ ટાઈપ કરવાનું બંધ થઇ જાય. હું માવડિયો છું એટલે મારી બા મારા માટે એવું પાત્ર છે જેવું ફેઇઝ અહમદ ફેઇઝને પોતાની બા માટે હતું.