ઝાલાવાડી જલજીરા : એક માત્ર યુધિષ્ઠીરને સ્વર્ગમાં પ્રવેશ મળ્યો. તેણે નજર કરી તો તેના પાંડવ ભાઈઓ ત્યાં ઉપસ્થિત નહોતા. તેણે તેના ભાઈઓ અને દ્રોપદી પાસે જવાની ઈચ્છા વ્યક્ત કરી. દેવદૂત તેને લઈ ગયો. યુધિષ્ઠિર તેની સાથે ગયા. એ માર્ગ કાંટાળો હતા. લોઢાની ચાંચ ધરાવતા કાગડાઓ આસપાસ પડેલી લાશોને ખૂંદતા હતા. અક્ષમ્ય દુર્ગંધ આવી રહી હતી. રક્તનું પ્રક્ષાલન થઈ રહ્યું હતું.
નર્કનું નામ અસિપત્ર હતું. એણે જોયું તો તેના ચારે ભાઈઓ અને દ્રોપદી ત્યાં ઉપસ્થિત હતા. યુધિષ્ઠિરને વિચાર આવ્યો કે, મારા ભાઈઓએ એવું શું કાર્ય કર્યું હતું કે તેને નર્કનો સામનો કરવો પડ્યો. નર્કને પાત્ર તો કૌરવો હોવા જોઈએ. થોડી ક્ષણોમાં જ સમસ્ત દેવતાગણનું આગમન થઈ ગયું. ઈન્દ્ર પણ હતા. દેવતાઓના પ્રવેશ માત્રથી નર્કની દુર્ગંધ સુગંધમાં પરિવર્તિત થઈ ગઈ. ઈન્દ્રએ કહ્યું, ‘તે દ્રોણાચાર્યના પુત્ર અશ્વત્થામાને છળથી મરાવ્યો હતો. અસત્ય બોલીને. એટલે તારે થોડી ક્ષણો માટે નર્કમાં નિવાસ કરવો પડ્યો.’
આ વાર્તા આપ વાંચકોને ફિલ્મ જોયા બાદ સમજાય જશે. ફિલ્મના પરિપ્રેક્ષ્યથી તો એક કટકો જ અહીં બતાવ્યો છે. બાકીનું તમારે તમારી રીતે સમજી જવાનું છે.
ચાર વાર્તાઓને ભેગી કરવી. કોઈ એકબીજાથી પરિચિત નથી. કેટલાક માણસો તો બે જ વખત મળ્યા છે. એમના તાંતણાને ગૂંથવું એ સંકલનની દૃષ્ટીએ એડિટર મહાશયને સળગતી ભઠ્ઠીમાં બેસાડી દીધો હોય અને નર્કાનુભૂતિ કરાવતો હોય એવો વિષય છે. ઓલરેડી શૂટિંગ કેટલા લાંબા થતાં હોય. પાછી વાર્તા ગંગા, જમાના, સરસ્વતી, કાવેરી બની એક દરિયામાં મળતી હોય. એ દરિયો એટલે સંકલનનું નાનકડું ટેબલ.
લક્ષ્મી બોમ્બના ધબડકા બાદ જનતાને એક એવી કથા જોઈતી હતી જે કેટલાક ડબલ મિનિંગ સંવાદો દ્વારા એમનું મનોરંજન કરે. મનોરંજન સુધી વાત અટકી ન જાય એટલે એમને એક જોરદાર ઝટકો પણ આપે.
કથા એ સામાન્ય વસ્તુમાંથી બને છે. કેટલીક વખત વાર્તાઓ ક્લિક થઈ જાય અને તેને બહુફલક પર લાવવાનું ભગીરથ કાર્ય જ્વંલત દિગ્દર્શકો કરતા હોય છે. વર્ષોથી આપણે ગુજરાતી અખબારોમાં કોયડો પૂરીએ છીએ. કોઈ ગુજરાતી ફિલ્મમેકરને એ કોયડા પરથી વાર્તા બને તો કેવું લાગે તેવો વિચાર ન આવ્યો. સુડોકુ પણ રમીએ છીએ. એમાંથી પણ ન આવ્યો. લુડો આવી ગઈ.
મસ્તમજાની ગેમ છે. એ રમતને માણસના જીવન સાથે સાંકળી. અજાણ્યા મુફલીસો મદદ માટે ભાગતા દોડતા કોઈ એક જ જગ્યાએ ભેગા થઈ જતા હોય છે. આ બધુ નિમિત્ત છે. બનવા જોગ છે. તમે કોઈ ક્ષેત્ર પસંદ કરો અને લાગી પડો. એ ક્ષેત્રની વચ્ચે તમને ગમતાં લોકો મળતા જશે અને કારવા બની જશે. ઘરની અંદર પુરાઈને તમે કામ કરતાં હશો તો પણ.
ફિલ્મ શરૂઆત થાય છે બે લોકોથી. જેઓ લુડો રમવા માટે બેઠા છે અને વાર્તા કહે છે. એ કોણ છે એ હું નહીં કહું ? એક નદીની વચ્ચોવચ અડ્ડો આવેલો છે. જ્યાં એક પછી એક પાત્રો એકઠા થવાના છે. કોણ કોણ ભેગા થવાના છે ? એ હું તમને નહીં કહું. બધાને પોત પોતાની સમસ્યા છે જેમાંથી છૂટકારો મેળવવાનો છે. કઈ કઈ સમસ્યા છે ? એ હું તમને નહીં કહું.
હું આ બધું એટલે નથી કહી શકતો કે ફિલ્મ સરસ છે. તમે ખૂદ જોઈ તેની અંદરથી પસાર થજો. એકધારી સહન ન થાય એવી પણ છે. વેબ સિરીઝના 58 મિનિટના કટકાઓ જોઈ જોઈ આંખને ટૂંકું માણવાની આદત પડી ગઈ છે. એ અનુસંધાનમાં 2 કલાક 30 મિનિટની ફિલ્મ કિંગ ક્રોબા સાપ જાય તો પૂંછડી ક્યારે આવે તેની રાહ જોતા રહીએ, એમ પ્રતિક્ષા કરતી રહેવાની છે.
તમારી આંખો શોધશે અભિનયના જાણતલ અને ખડતલ એવા શ્રી શ્રી પંકજ ત્રિપાઠીને. શું અભિનય છે. શરૂઆત તેની મિર્ઝાપુરની અદાથી થાય છે. ‘મુક્તિ દેને આએ હૈ.’ એ એક સીનને ત્રણ ત્રણ વખત દર્શાવવામાં આવ્યો છે. અલગ અલગ રીતે. અંદરથી-બહારથી-નીચેથી.
ઘણી બધી વલ્ગર વાતો છે. ડાર્ક કોમેડી તો એને જ કહેવાય. ડાર્ક કોમેડી સૌ જગ્યાએથી વહી આખી ફિલ્મને ગંદી નથી કરતી. એ ફક્ત બે પાત્રો સાથે જ નિસબત ધરાવે છે. અહીં તમામ વાર્તાઓને અભિનંદન પાઠવવા જોઈએ. માનવ જીવનના નાના-નાના અતરંગી અને સતરંગી રંગોને એ બતાવે છે.
કોઈને બાળપણથી પ્રેમ કરો છો. એ પ્રેમ નિરંતર ચાલ્યા કરે. તેના પરણી ગયા પછી પણ તેને ચાહો અને તે તમારી પાસેથી કામ કઢાવ્યા કરે. સુંદર નારીની આ જ વાત પર તો પુરૂષો ઢગલો થઈ જાય છે. એ વાતને નકારી નથી શકતા. નારી આંસુ પાડે તો નર ડોલ બની જાય છે. એ આંસુથી ભરેલી ડોલને પી જાય છે. એ દુ:ખી થાય તો મજાક કરવા લાગે છે. ખૂદને ભલે અમિતાભ ગમતો હોય પણ એને મિથુન ગમતો હોય, તો પોતે લાંબા વાળ રાખી મિથુન બની જાય છે.
પોર્ન વેબસાઈટમાં ઢગલો ઈન્ડિયન કન્યાઓના અશ્લીલ એમએમએસ હોય છે. જેના લગ્ન થવાના છે એ છોકરીની પોર્ન ક્લિપ વાઈરલ થઈ જાય તો કેવી ધમાચકડી મચી જાય? તેની સાથે સંભોગ કરનારો નર ખૂદ નારી સમક્ષ પ્રસ્તુત થઈ કહે, ‘આપણા સંભોગની અઢળક પ્રતિક્રિયાઓ સામાજીક માધ્યમમાં પ્રસ્તુત થઈ ચૂકી છે. લોકો એ સંભોગનો આનંદ ઉઠાવી રહ્યા છે. જોકે કેટલાક લોકોએ તો એવી ટીપ્પણી પણ કરી છે કે હેલોજન લાઈટ લગાવીને કરો તો નાયક અને નાયિકાનો ચહેરો દૈદિપ્યમાન થાય.’
અભિષેક બચ્ચન એક્ટિંગથી અધૂરો લાગે છે. તેના અભિનયનું પ્રસ્તુતિકરણ આરંભમાં નહીં ગમે. એમાં ક્યાંક યુવાનો લલ્લન દેખાય છે. તેની સાથે અભિનય કરતી નાની ટેણકી પોતાની લાગણીથી તેના અભિનયનું રોકેટ સળગાવી જનતાને દિવાળી ગીફ્ટ આપે છે.
માધ્યમમાં ભાષાનો અવરોધ કેવી રીતે સર્જાય તે પણ જોવાનું છે. મલયાલમ છોકરી જેની હિન્દી ભાષાની સૌ કોઈ મજાક ઉડાવતા હોય છે. ભાષા અહીં મજાક તરીકે નહીં ગંભીરતા તરીકે લીધી છે. એક દૃશ્યથી સમજીએ. મલયાલમ ગીત વાગતા જ સામેના ટેબલ પર દારૂ ઢીંચી મદહોશ થયેલા આદિત્ય રોય કપૂર અને સાન્યા મલ્હોત્રામાં નૃત્ય કરવાની ઉત્સુકતા જાગે છે. ભાષા સંગીત સાથે જોડાય ત્યારે તેનો અર્થ દબાય જાય છે અને મસ્તિષ્કમાં નૃત્ય કરવાનો તાર છંછેડાય છે.
કેમેરા વર્ક અદભુત છે. કારના અથડાવાના દૃશ્યો સિવાય કેટલાક દૃશ્યોમાં સ્પેશિયલ ઈફેક્ટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તે નજીવો છે. કલાકારો અભિનય કરી જાણે છે એક્શન નહીં. લોંગ શોટ અને મીડ શોટની ભરમાર છે. આદિત્ય રોય કપૂરના સમયે કેમેરો મીડ ક્લોઝઅપ થઈ જાય છે અને ધીમે ધીમે દૃશ્યને વિશાળ કરે છે.
રાજકુમાર રાવનો એક ટેકમાં બોલાયેલો લાંબો સંવાદ તેની અભિનય પ્રતિભાની ઊંચાઈ સાબિત કરે છે. પંકજ ત્રિપાઠીનું મૃત્યને હાથતાળી દઈ ફરી પાછું જગતમાં આવી જવું એ તેને અશ્વત્થામા બનાવે છે. એ જીવંત છે પણ પોતાના ઘાથી મરેલો છે.
વર્ષમાં એકાદ વખત આટલી સારી ફિલ્મો આવે છે. ફિલ્મને જોતી વખતે પટકથાને ઈમેજીન કરો. એ પટકથા લખાઈ કેવી રીતે હશે ? શૂટ કેવી રીતે થયું હશે ? તેનું સંકલન જુઓ. એક દૃશ્ય આડુ ફંટાણું નથી. દિવાળી પરનો સાચો ધમાકો લુડો છે. આભાર અનુરાગ બાસુ. જતા જતા આ ગીત સાંભળતા જાઓ. ફિલ્મ જોશો ત્યારે હસવાની મજા આવશે.