હે ગોવા બાપા, સોશિયલ મીડિયામાં એવી વાતો થાય છે કે, આ વખતની ચૂંટણીમાં ક્યાંય પાકિસ્તાનને ઊડાવી દેવાની વાત તો નથી આવી. તો શું આ ચૂંટણી ચૂંટણી ગણાશે ? પાકિસ્તાનને મુકો તડકે બાકી નારા પણ એવા સૂરાપૂરા નથી આવ્યા. નવા નારામાં મજા નથી આવતી. મને તમારા જમાનાની વાત કરો, કે તમારા સમયના નારા કેવા હતા ?
હે ચાબુક. પાકિસ્તાનની વાત ન કરીએ તો જ સારી છે, પણ તને હું નારા વિશે કહી શકું. સાંભળ. વીકિપીડિયામાં જ્યારે તું નારાઓ વિશે સર્ચ માર ત્યારે ‘A’ ઉપર એક જ નારો છે ‘અબ કી બાર મોદી સરકાર…’ કેવું કહેવાય નહીં. પણ ચૂંટણી તો નારાકેન્દ્રી જ હોય છે. લોકોને નારો ગમી જાય તો મતની બઘડાટી બોલી જાય. હું તો અનુભવી ઘરડો અને બિહારમાં પણ મારી કેરોસીન વાળી રાજદૂતની પાવતી ફાટેલી એટલે તને કહી શકું. તો ચાલો વાત કરીએ બિહારના નારાઓની.
ઉપર આસમાન નીચે પાસવાન
રાજકારણમાં હવામાન વૈજ્ઞાનિક તરીકેનું પદ કોર્સ કર્યા વિના મેળવ્યું એ રામવિલાસ પાસવાનનું થોડા સમય પહેલા જ નિધન થયું. આ રામવિલાસ પાસવાન જયપ્રકાશ નારાયણ આંદોલનમાંથી પ્રકાશવત્ થયા હતા. ભૂતકાળમાં તેમનો સંઘર્ષ ચરમસીમા પર હતો. ઈન્દિરા ગાંધી દ્રારા લગાવાયેલી કટોકટી દરમ્યાન અને કટોકટી બાદ જયપ્રકાશ નારાયણ નામનું તોફાન આવ્યું. આ તોફાનમાં ઘણા યુવા નેતાઓ તરી ગયા. યુવા નેતાઓમાં સૌથી અગ્રીમ હરોળ પર હતા રામવિલાસ પાસવાન. હાજીપુર સીટ પરથી પાસવાન સાહેબ 4.24 લાખ વોટના માર્જીનથી જીતી લોકસભામાં પહોંચ્યા. પછી તો એમને આદત પડી ગઈ. જીતવાની નહીં ચાબુક. જીતીને પોતનો જ જૂનો કિર્તીમાન તોડી નાખવાની.
હવે થોડા ઈતિહાસમાં જઈએ. પટનાનું ગાંધી મેદાન જ્યાં લાલુ પ્રસાદ યાદવે ગરીબો માટે રેલી યોજી હતી. આ રેલી આજે પણ જોવા મળે તો અતિશ્યોક્તિ નથી! આ રેલીમાં રામવિલાસ પાસવાનને પણ અદકેરૂ આમંત્રણ મળ્યું હતું.
લાલુ પ્રસાદ યાદવ પોતાની શૈલીમાં ભાષણ આપી રહ્યાં હતા અને જનતાને મંત્રમુગ્ધ કરી રહ્યાં હતા. એવામાં ક્યાંકથી જનતાને હેલિકોપ્ટરનો અવાજ સાંભળવા મળ્યો. રામવિલાસ પાસવાન એ હેલિકોપ્ટરમાંથી ઉતર્યા. જનતાનું અભિવાદન કરતાં એ લાલુ પાસે મંચ પર જઈ રહ્યાં હતા ત્યારે માઈકમાંથી જ લાલુ પ્રસાદ યાદવ બોલી ગયા, ‘ઉપર આસમાન નીચે પાસવાન’
લાલુ નેતાઓમાં સૌથી વધારે આઈક્યૂ ધરાવે છે. અમદાવાદની IIMમાં એમનું ભાષણ એમ નેમ થોડું ગોઠવાયું હતું. લાલુ જો ત્યારે ઉપર આસમાન નીચે પાસવાન આમ બોલ્યા ન હોત તો રામવિલાસનું બિહાર અને કેન્દ્રની રાજનીતિમાં જે વજન પડતું હતું એવું ન હોત. પણ રામવિલાસ પાસવાનને ક્રિએટીવીટીનો ખૂબ શોખ. જેમ કેટલાક કવિઓ શબ્દોની ચોરી કરી નવી ગઝલ બનાવી નાખે એમ લાલુનો નારો ઉઠાવી રામવિલાસે પોતાનો નવો નારો બનાવ્યો. જેનાથી ભંગાર બિહારની રાજનીતિમાં કંઈ નથી. ‘ધરતી ગૂંજે આસમાન રામવિલાસ પાસવાન’
સારું મારા પગ દબાવ
તો હવે જે આવે છે તેમનું નામ છે કર્પૂરી ઠાકુર. સમસ્તીપુરમાં આવેલ પિતૌઝિયા ગામડામાં એમનો જન્મ થયો. આ ગામ હવે આ મહાશયના નામથી જ કર્પૂરીના નામે ઓળખાય છે. તેઓ એક શિક્ષક તરીકે ખ્યાતિ પામ્યા. આઝાદીની લડાઈમાં વિદ્યાર્થીકાળથી જોડાયા. જ્યારે દેશ આઝાદ થઈ ગયો તો બાળકોને વિદ્યા અભ્યાસ આપવાનું કામ કર્યું. રાજનીતિમાં આવ્યા ત્યારે પોતાના મનપસંદ હોદ્દા ઊપ-મુખ્યમંત્રી અને શિક્ષણમંત્રી પદ પર રહ્યા. 22 ડિસેમ્બર 1970નાં રોજ તેમણે પહેલી વખત મુખ્યમંત્રી પદના શપથ લીધા. તેમના વિશેનો એક કિસ્સો પ્રચલિત છે.
મેટ્રીકમાં ફર્સ્ટ ડિવીઝન સાથે તેઓ પાસ થયા. તેમના પિતા તેમને ગામના જમીનદાર પાસે લઈ ગયા અને કહ્યું, ‘સરકાર, આ મારો દીકરો છે, મેટ્રીકમાં ફર્સ્ટ ડિવીઝન સાથે પાસ થયો છે.’
આ વાત સાંભળી જમીનદાર તમતમી ગયો હોય કે શું ? તેણે પોતાનો પગ ટેબલ પર રાખી દીધો અને કહ્યું, ‘સારું, ફર્સ્ટ ડિવીઝનથી પાસ થયો છે ? હાલ મારા પગ દબાવ.’
એ દિવસથી કર્પૂરી ઠાકુર જે ઠાકુરની નાઈ જાતિથી આવતા હતા, તેમના મનમાં ડંખ પેસી ગયો. અને આ ડંખની અંદર રહેલું ઝેર કેવી રીતે ઉતર્યું ? તેઓ ચૂંટણી સભાઓમાં એક નારો હોશ અવાજમાં, જોરજોરથી બોલતા,
कर कर्पूरी कर पूरा, छोड़ गद्दी उठा उस्तूरा.
કર્પૂરી ઠાકુરને વસવસો તો હતો જ. મારા જેવા ભણેલ ગણેલ સામે પગ રાખવાના અને મારે દબાવવાના પણ ! એમણે સમગ્ર જિંદગી દબાયેલા, કચડાયેલા અને શોષિતો ને ઉપર ઉઠાવવામાં લગાવી દીધી. તેમણે જનતાને નારો પણ આપ્યો, ‘અધિકાર ચાહો તો લડના સીખો, પગ પગ પર અડના સીખો, જીના હૈ તો મરના સીખો.’
અક્ષય કુમારની ફિલ્મના ગીત પરથી નારો
લાલુ પ્રસાદ યાદવ નારા આપવામાં માહિરે. લાલુ પાસે નારા આપવાનું મગજ નહોત, તો કદાચ તેઓ રાજનીતિક કારકિર્દીમાં આટલા ઉપર ન ઉઠેત. લાલુ માટે 1997-98નું વર્ષ હેરાનગતિનું વર્ષ હતું. એમને જેલમાં રહેવું પડ્યું, મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવું પડ્યું, એમના પર સીબીઆઈની રેડ પડી, ઉપરથી તેમને જેલમાં સલાહ આપવા કેટલાક લોકો આવતા ત્યારે કહેતા, ‘તમારી રાજનીતિનાં દિવસો તો હવે ગણતરીના રહ્યા છે.’
લાલુજીએ ઓક્ટોબર 1997ના રોજ આવેલી અક્ષય કુમાર અને જુહી ચાવલા અભિનિત ફિલ્મ મિસ્ટર એન્ડ મિસિઝ ખિલાડી જોઈ હતી. એ ફિલ્મમાં એક ગીત છે, ‘જબ તક રહેગા સમોસે મેં આલુ, તેરા રહુંગા ઓ મેરી શાલુ.’
આ નારામાં નજીવો ફેરફાર કરતાં તેમણે વિરોધીને કહ્યું, ‘જબ તક રહેગા સમોસે મેં આલુ, તબ તક રહેગા બિહાર મેં લાલુ.’ આ નારો બિહાર પૂરતો સીમિત ન રહ્યો. આ નારો દેશના ઘર ઘરમાં ગુંજવા લાગ્યો. સમોસાની ખ્યાતિ આ નારાના કારણે થઈ. બિહારમાં તો સમોસું સમોસાના કારણે ઓછું અને લાલુના કારણે વધારે ઓળખાય છે.
નશા યે પ્યાર કા નશા હૈ…
માર્ચ 1990ની સાલ હતી. જનતા દળ તરફથી મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા લાલુ પ્રસાદ યાદવને. આ એ સાલ હતી જ્યારથી અત્યાર સુધી બિહારમાં કોંગ્રેસનો મુખ્યમંત્રી આજ સુધી નથી આવ્યો. લાલુજી મુખ્યમંત્રી બન્યા તો એમણે એક અજીબોગરીબ નિર્ણય લીધો.
તાડીના ઝાડની તો બધાને ખબર જ હશે. આ તાડીના ઝાડમાંથી નીકળતા રસને જો તાત્કાલિક પીવામાં આવે તો આરોગ્ય માટે લાભદાયક છે ચાબુક, અને જો તેને એકઠું કરી રાખવામાં આવે તો એકદમ કડક નશો.
લાલુજીએ શું કર્યું હતું ? એમણે તાડી પરથી ટેક્સ હટાવી દીધો. ટેક્સ હટાવતાની સાથે જ વિપક્ષે પલટવાર કર્યો. એમનું કહેવું હતું કે, તાડી પરથી ટેક્સ હટાવી દેવાના કારણે હવે નશાના પ્રમાણમાં વધારો થશે. વિપક્ષે આ માટે એક નારો આપ્યો. જે બોલવો ખૂબ ગમે છે પણ યાદ કોઈને નથી.
‘લાલુ, વીપી, રામવિલાસ, એક રૂપિયા મેં તીન ગિલાસ…’
પણ આ તો લાલુ એન્ડ રામવિલાસની પાર્ટી! એમ કંઈ મચક આપે!! વિપક્ષનો નારા વિરોધ કરવા માટે રામવિલાસની ટૂકડીએ જ સ્લોગન તૈયાર કરી નાખ્યું. જ્યાં જ્યાં રામવિલાસ પાસવાન જતા ત્યાં ત્યાં તેમના સમર્થકો જમાવડો કરી ઊંચા અવાજે બોલતા
‘એક રૂપિયા મેં તીન ગિલાસ, જીતેગા ભાઈ રામવિલાસ’
તો હૈ ચાબુક…. આ વખતે નીતિશ કુમારની પાર્ટી JDU દ્રારા નારો આપવામાં આવ્યો છે, ‘ન્યાય કે સાથ તરક્કી, નીતિશ કી બાત પક્કી.’ ભાજપે ફરી કેન્દ્ર પર વિશ્વાસ રાખતા ચૂંટણી નારો આપ્યો છે, ‘આત્મનિર્ભર હોગા બિહાર, ભાજપા હૈ તૈયાર’ આ પહેલા ભાજપની ટીમે જ અબ કી બારી અટલ બિહારી અને હર હર મોદી ઘર ઘર મોદી… નારો આપી મત ખેંચી લીધા હતા. કોંગ્રેસનો નારો છે, ‘બોલે બિહાર બદલે સરકાર.’
રાજદ પાર્ટીને તો શું જેટલી ટિકિટ એટલા નારા આપવા છે ? એમના દ્રારા નારાઓ આપવામાં આવ્યા છે, ‘લોટેગા બિહાર કા સમ્માન-જબ થામેંગે તેજસ્વી કમાન, શિક્ષા ક્ષેત્ર કા હાલ-ભ્રષ્ટ સરકારને કિયા બેહાલ, પલાયન કો વિકલ્પ સે હટાના ચાહતા હૈ ઈસલિએ ઈસ બાર બિહાર તેજસ્વી કો સત્તા મેં લાના ચાહતા હૈ, બંધ પડે ઉદ્યોગ ચલાયેગેં નયા બિહાર બનાયેગેં, લાલટેન કા પ્રકાશ બિહાર કા વિકાસ…’
વામપંથીઓના તો ગજબના નારા છે. ભાકપા કી પુકાર-સમાવેશી વિકાસ ગરીબો કિ સરકાર, હર હાથ કો કામ હર ખેત કો પાની, સબકી પઢાઈ સબકો દવાઈ. સબકો શિક્ષા સબકા સ્વાસ્થ્ય, ખેત ખલિહાન ગાંવ સમાજ – નહીં ચાહીયે કંપની રાજ, અપરાધમુક્ત બિહાર, ભ્રષ્ટાચાર મુક્ત બિહાર, સભી બેરોજગારો કો કામ રોજી રોટી કા ઈન્તિજામ.
‘તો હે ચાબુક મારો લેખ તને કેવો લાગ્યો ?’
‘ગોવા બાપા આ વામપંથીઓએ જેટલા નારા આપ્યા એટલી સીટ એમને આવશે?’
(ગોવા બાપાની અનુભવી કલમે લખાયેલા લેખ વાંચવા ચાબુક સાથે જોડાયેલા રહો.)