Team Chabuk-International Desk: ચીનમાં ઉઈગર મુસ્લિમોને અપાતી નર્ક સમાન યાતનાના કારણે સમગ્ર વિશ્વ સ્તબ્ધ છે. હવે જગત જમાદાર અમેરિકાએ ચીનના નાકને ચીપીયાથી દબાવવાનું કામ કર્યું છે. કોરોના પછી જ્યારે વિશ્વ આર્થિક સંકડામણની ચક્કીમાં પીસાયું ત્યારથી ચીની ડ્રેગનના વધી ગયેલા ફૂંફાડા પર ઠંડું પાણી રેડવા માટે એનકેન પ્રકારે બ્રિટન અને અમેરિકા હસ્તુધનૂન કરી તેને પાઠ ભણાવવાની કોઈ તક છોડવા તૈયાર નથી. તેનો છેડો શિતકાલીન ઓલિમ્પિકમાં પોતાના રાજનીતિજ્ઞોને ન મોકલવા સુધી તો પહોંચી જ ગયો છે. ચારેબાજુથી ઘેરાયેલા ચીન ઉપર હવે અમેરિકાએ વિનિમયના કડક પગલાં લીધા છે.
યુએસ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવે જબરદસ્તી શ્રમ રોકથામ અધિનિયમને મંજૂરી આપતું બિલ પાસ કરી દીધું છે. જેના હેઠળ ચીનના શિનજિયાંગમાં જબરદસ્તી શ્રમ કરાવી બનાવવામાં આવેલા સામાનોને આર્થિકરૂપથી પ્રતિબંધિત કરવામાં આવ્યા છે. જેનું અમેરિકામાં વેચાણ કરવામાં આવતું હતું. અમેરિકાનો આ નિર્ણય એ ચીન પર આર્થિક સ્ટ્રાઈક તરીકે ગણવો રહ્યો!
સમાચારપત્ર બ્લૂમબર્ગે પોતાના અહેવાલમાં આ અંગેની જાણકારી આપી છે. અમેરિકાના આ વિરાટ પગલાંથી ચીનને આર્થિક ક્ષેત્રે મોટી લપડાક પડવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. શિનજિયાંગમાં ઉઈગર મુસ્લિમો પાસેથી પરાણે કામ કરાવવામાં આવે છે, જ્યારે ઉઈગર મુસ્લિમો કામ કરવા પર નનૈયો ભણે છે ત્યારે તેમને પારાવાર કષ્ટ આપવામાં આવે છે. આ આતંક એટલો વધી ચૂક્યો છે કે તેમને ન્યૂનતમ મજૂરી કરતા પણ ઓછું વેતન આપવામાં આવે છે.
બીજી બાજુ ઉઈગર મુસ્લિમો પર અત્યાચારને લઈ સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર કાર્યાલય પણ જલ્દી જ પોતાના અહેવાલને અંતિમ ઓપ આપશે. જિનેવા ખાતેના માનવાધિકાર કાર્યાલયના પ્રવક્તા રુપર્ટ કોલવિલે કહ્યું કે યુએનની માનવાધિકાર આયુક્ત મિશેલ બેચલેટને આશા છે કે આવનારા કેટલાક અઠવાડિયાઓમાં એ પોતાની રિપોર્ટને પ્રગટ કરી દેશે. વધુમાં તેમણે કહ્યું કે, શિનજિયાંગની પ્રસ્તાવિત યાત્રાને લઈ ચીની અધિકારીઓની સાથે લાંબા સમયથી ચાલી રહેલી ચર્ચાની કોઈ ખાસ પ્રગતિ નથી થઈ.
અમેરિકાએ દસ ડિસેમ્બરના રોજ ચીનની આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ કંપની સેન્સટાઈમ ગ્રુપની નિકાસને કાળી સૂચીમાં નાખી દીધી છે. સેન્સેટાઈમ પર આરોપ છે કે તેણે એવું સોફ્ટવેર બનાવ્યું છે, જે ઉઈગર મુસ્લિમોની ઓળખ કરી લે છે. જોકે કંપની વારંવાર પોતાનો લૂલો બચાવી કરી રહી છે.
ઉઈગર મુસ્લિમો એ લઘુમતી તુર્ક જાતિય સમૂહથી સંબંધ ધરાવે છે. જે મૂળ મધ્ય અને પૂર્વ એશિયાના રહેવાસી છે. તેમની ભાષા તુર્ક છે. ચીનમાં 55 અલ્પસંખ્યક સમુદાયોને અધિકારિક માન્યતા પ્રદાન કરવામાં આવી છે. ઉઈગર તેમાંથી જ એક છે. વર્તમાનમાં ઉઈગર મુસ્લિમોની સૌથી મોટી સંખ્યા ચીનના શિનજિયાંગ વિસ્તારમાં વસવાટ કરે છે.
ચીનમાં ઉઈગર મુસ્લિમોની સ્થિતિ પર અધિકારી જિયાંગે ભૂતકાળમાં કેટલાય ચોંકાવનારા ખુલાસાઓ કર્યાં હતા. એક મુલાકાત સમયે જિયાંગે કહ્યું હતું કે, ચીનના ડિટેન્શન સેન્ટરમાં તેમને ખુરશી અને દોરડા વડે બાંધીને રાખવામાં આવે છે. ચીની અધિકારીઓની શરત ન માનવા પર તેમને ચાબુક ફટકારવામાં આવે છે. યાતનાઓ એટલી જઘન્ય હોય છે કે તેમને ઉંઘવા પણ નથી દેવામાં આવતા. પુરુષ સિવાય મહિલાઓની ઉપર પણ બર્બરતા આચરવામાં આવે છે.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત