ખડ પાણી ને ખાખરા, પાણા નો નય પાર વગર દિવે વાળુ કરે, પળ જુઓ પાંચાળ
જસદણથી જસ્મીન સુવાગીયા : રાજાશાહીના સમયમાં બનેલ જસદણના પુસ્તકાલયમાં હું જૂના છાપા વાંચી રહ્યો હતો ત્યારે મિત્ર જીતેન્દ્રનો ફોન આવ્યો, ‘બાપુ જસદણ આવ્યો છું, તમે ક્યાં છો?’
‘મેં કહ્યું જસદણમાં જ છું, તમે જૂના બસ સ્ટેન્ડ પર ઉતરી જાવ?’
હું જીતેન્દ્રને લેવા માટે બસ સ્ટેન્ડ પર ગયો. જીતેન્દ્રભાઈ બે કલાક બસમાં પસાર કરીને રાજકોટથી જસદણ આવી ગયા પહોંચ્યા હતા. બન્ને મિત્રો સીધા ચાની કીટલી પર પહોંચ્યા અને ગરમ ગરમ ચાની પ્યાલી મોઢે માંડી.
ચાનો કપ ઠપકારતા મેં પૂછ્યું, ‘અચાનક આવી ગયો ? અગાઉ ફોન કર્યો હોત તો ક્યાંક ફરવાનું આયોજન કરી શક્યા હોત, પણ વાંધો નહીં ચાલો ગામડે હવે.’
જીતેન્દ્રએ હસીને કહ્યું, ‘માંડ પરીક્ષા પછી થોડી શાંતિ મળી છે, હિંગોળગઢ જવું છે.’
તેણે મારા હ્રદયની વાત કહી દીધી હોય એમ લાગ્યું.
મેં કહ્યું, ‘તો હું ચંદ્રેશને ફોન કરીને બોલાવું. એ કદાચ જસદણમાં જ ક્યાંક લટાર મારતો હશે.’
સદભાગ્યે ચંદ્રેશ પણ જસદણ જ હતો, આમ તો એ રોજ ચા પીવા માટે જસદણ આવતો જ હોય છે. ગામડાનો દરેક વ્યક્તિ દિવસમાં એક વખત જસદણ લટાર મારી ન જાય ત્યાં સુધી તેનો પગ રખડવાનો ભૂખ્યો જ રહે.
થોડી વારમાં તો અમારી ત્રિપુટી ભેગી થઈ ગઈ. ચંદ્રેશે આવીને સીધું જ જીતેન્દ્રને કહ્યું ‘આવો જીતેન્દ્રભાઈ… તમને જસદણ બહુ ગમતું લાગે, જ્યારે મન થાય ત્યારે આવી ટપકો છો, પાછા ફોન પણ કરતા નથી.’ ચંદ્રેશની વાત મને સમજાય ગઈ હતી. તેણે બીજી વાતો કરવાનું શરુ કર્યું એ પહેલાં તેનો કહેવાનો ઉદ્દેશ્ય હું પામી ચૂક્યો હતો.
ત્રિપુટી જસદણથી હિંગોળગઢ જવા નીકળી પડી. જસદણથી 14 કિમી જેટલું થાય હિંગોળગઢ, ટિકિટ કાઉન્ટર પર જઈ પાસ મેળવી અમે ત્રણેય સાથીદાર પ્રકૃતિની ગોદમાં આવી પહોંચ્યા. હિંગોળગઢ એટલે ભારતનું એકમાત્ર પ્રાકૃતિક શિક્ષણ અભયારણ્ય. અહીંની ધરતી ટેકરાવાળી રહી છે.
આ પંચાલની ધરતી વિશે કહેવાય છે કે ખડ પાણી ને ખાખરા, પાણા નો નય પાર વગર દિવે વાળુ કરે, પળ જુઓ પાંચાળ. હિંગોળગઢની ધરતી એટલે ચારે તરફ ટેકરા અને કાંટાળી વનસ્પતિનું જંગલ. પ્રકૃતિની આ ગોદમાં નીલગાય, સરિસૃપો, વિહંગો નિરાંતે આશરો લઈ રહ્યાં છે. જંગલને ચીરીને વચ્ચેથી પસાર થતો હાઈવે આપણા હ્રદયને ઝંઝોળી મૂકે છે. ઉપર આકાશથી એવું લાગે, જાણે આપણે પ્રકૃતિ માતાની છાતી ચીરીને બે ભાગ પાડી દીધા હોય.
ઉચી પહાડી પર દેશી બાવળ, ઉમરો, ઈંગોરીયા જેવી કેટલીય કાંટાળી વનસ્પતીનું સામ્રાજ્ય છે. આવા સૂકા પ્રદેશમાં પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવાની ક્ષમતા માત્ર આ જ વનસ્પતીમાં છે.
પક્ષીનો મધૂર કલરવ, જંગલ વિભાગે ઊભી કરેલી કાંટાની વાડ, નીલગાયની રેવાળ દોડથી ધ્રૂજતી ધરા, અંધારીયા ખૂણામાં બેઠેલો ખડચિતરા સાપનો કૂકરની સિટી જેવો અવાજ. અહીં સંઘળુ પ્રકૃતિમય છે. કદાચ એ તમામ વસ્તુને હું અહીં કાગળ પર ઉતારવાનો પ્રયત્ન કરું તો મારું આયખુ નીકળી જાય.
અહીંનું ‘ક્રૂરֹ’ શિકારી પક્ષી જાણીતું છે. જે પોતાના શિકારને ચાંચમાં પકડીને કાંટાળી વનસ્પતિ પર ફેંકે છે. કુરુક્ષેત્રમાં વિંધાયેલા ભીષ્મના શરીરની જેમ શિકારનું શરીર કાંટામાં જડાય જાય છે અને પછી આ પક્ષી નિરાંતે પોતાનું પેટ ભરે છે.
ખરેખર આની શિકાર કરવાની રીત ખૂબ ‘ક્રૂર’ છે. પણ આપણા સભ્ય સમાજમાં આનાથી મોટા શિકારી મેં જોયા છે. એટલે બહુ નવાઈ પામવાનો કોઈ પ્રશ્ન હતો જ નહીં.
આ પ્રાકૃતિક અભ્યારણ્યમાં ગાઈડનું કામ કરતા આલભાઈનો પ્રકૃતિ પ્રેમ ખૂબ જાણીતો છે. દેશી બનાવટના ચામડાના બુટ અને હાથમાં નેતરનો દડો આ જ એમની ઓળખ.
આલભાઈએ અમને એકાદ કલાક જંગલમાં ફેરવ્યા. વિવિધ પ્રાણીઓનાં મોડેલ બતાવી પોતાની ભાષામાં પરિચય કરાવ્યો. પછી અમે ત્રણેય જાતે જંગલનો ખોળો ખૂંદવા લાગ્યા. આલભાઈએ કહ્યું, ‘બહુ દૂર ન જતા, હું હવે જમવા જાઉં છું.’
ચંદ્રેશે આલભાઈને સમસ્યામાંથી મુક્તિ આપતા કહ્યું, ‘શું ચિંતા કરો છો, અહીં કોઈ સાવજ તો છે નહીં, હું તો આ જંગલમાં ઉછર્યો છું, મને ખબર છે… અહીંની ભૂગોળ.’
ત્રણેય સાથીદાર ક્યારેક પહાડી ચડતા તો ક્યારેક ઉતરતા, હું અને ચંદ્રેશ પોતાની સમજણ મુજબ જંગલ અને વનસ્પતી વિશે જીતેન્દ્રને જ્ઞાન આપતા હતા.
રખડપટ્ટીથી થાકીને અંતે અમે શિબિર માટે બનાવેલા મકાનની છાયામાં બેઠા. અહીં એક મોટો હોલ છે. જેની આજુબાજુ લાકડામાંથી બનાવેલી વાડ, બાજુમાં 10 જેટલા ઓરડા છે.
પ્રાકૃતિક શિક્ષણ શિબિરમાં આવતા વિદ્યાર્થીઓ આ ઓરડામાં રાતવાસો કરતાં હોય છે. ઓરડાનાં નામ પક્ષીઓના નામ પર રાખવામાં આવ્યા છે. ચાતક, કલકલિયો, કાબર, મોર આવા બધા ઓરડાના નામ છે.
હું જ્યારે પ્રાથમિક શાળામાં હતો ત્યારે અહીં શિબિરમાં આવ્યો હતો. આ જ ઓરડામાં રાત વીતાવી હતી. ઓરડા ઘણાં મોટાં છે ઉપર નળિયા છે. મને યાદ છે ત્યારે અમે કલકલિયા નામના ઓરડામાં રોકાયા હતા. અને એ રૂમમાં અમે બધાએ મળીને એક તોફાની છોકરાને પુરી દીધો હતો. બસ પછી શું ? તેને પુરીને અમે જંગલમાં નીકળી પડેલા.
પછી ટીચરને જાણ થતા બધાને મેથીપાક મળ્યો હતો.
અહીં આવી જૂના સંસ્મરણો પણ જંગલની માફક લીલા થઈ ગયા. જોકે ફરવાની મજા ચોમાસામાં જ આવે. ઉનાળામાં આખુ જંગલ સુકુ ભઠ્ઠ હોય, કાંટાળી વનસ્પતી હોવાથી ઉનાળામાં મોટાભાગના વૃક્ષોના પાંદડા ખરી ગયા હોય અને માત્ર કાંટા હોય, દરેક કાંટાનો અહીં એક આગવો ડંખ છે અને એ ડંખ પછીની વેદના પણ અલગ છે.
હિંગોળગઢનું આ જંગલ આવા કેટલાય વૃક્ષો, પ્રાણીઓનું આશ્રય સ્થાન છે. અમારા જેવા કેટલાક પ્રકૃતિ પ્રેમીઓ અહીં કુદરતનો પાઠ ભણવા આવી ચડે છે ત્યારે પ્રકૃતિ માતા તેના ચિત્તને સો ટકા પ્રસન્ન કરે છે. મારા વિચારોને તોડતા ચંદ્રેશે કહ્યું, ‘બાપુ જંગલ તો બહુ ફરી વળ્યા, હવે ઘર ભળી જઈએ અને ભોજન પાણી કરીએ.’
મે કહ્યું, ‘ચાલો અહી નજીકમાં જ કંઈક જમી લઈએ. પણ ઘરે નથી જવું. હજુ ગઢ જોવાનો તો બાકી છે.’
(ક્રમશ:)
(જો તમે પણ પ્રવાસના શોખીન હો તો તમારો લેખ અમને મોકલી આપો. અમારું ઈમેલ ચાબુક વેબસાઈટ પરથી જ મળી જશે.)