Homeવિશેષપ્રજાસત્તાક પર્વની પરેડમાં ગુજરાતના આદિવાસીઓની શોર્ય ગાથાની ઝાંખી, જાણો જલિયાંવાલા બાગ કરતા...

પ્રજાસત્તાક પર્વની પરેડમાં ગુજરાતના આદિવાસીઓની શોર્ય ગાથાની ઝાંખી, જાણો જલિયાંવાલા બાગ કરતા પણ ભયંકર દાસ્તાનનો રક્તરંજિત ઈતિહાસ

Team Chabuk-Special Desk: સમગ્ર દેશ આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી કરી રહ્યું છે.  દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસની યોજાયેલી પરેડમાં ટેબ્લોના માધ્યમથી આઝાદીના સંગ્રામમાં ગુજરાતના આદિવાસીઓના યોગદાનને ઉજાગર કરવામાં આવ્યું હતું. ‘ગુજરાતના આદિવાસી ક્રાંતિવીરો’ વિષયક ટેબ્લોમાં ઉત્તર ગુજરાતના સાબરકાંઠા જિલ્લાના પાલ અને દઢવાવ ગામમાં અંગ્રેજોએ જલિયાંવાલા બાગ કરતાં પણ વધુ ભીષણ હત્યાકાંડ સર્જ્યો હતો, જેમાં 1200 જેટલા આદિવાસીઓ શહીદ થયા હતા. અત્યાર સુધી અજાણી રહેલી આ ઐતિહાસિક ઘટનાને 100 વર્ષ થઇ રહ્યા છે, ત્યારે ગુજરાત સરકાર ટેબ્લોના માધ્યમથી ગુજરાતના આદિવાસીઓની શૌર્યગાથાને વિશ્વ સમક્ષ પ્રસ્તુત કરવામાં આવી હતી. ચાલો જાણીએ આ સમગ્ર ઘટનાને.

Tribals

પાલ-દઢવાવની ઐતિહાસિક ઘટના શું છે ? 

આજથી 100 વર્ષ પહેલાંની આ વાત છે. તા. 7મી માર્ચ 1922ના ગુજરાતના અંતરિયાળ વિસ્તાર – સાબરકાંઠા જિલ્લામાં ભીલ આદિવાસીઓની વસ્તીવાળા ગામો પાલ, દઢવાવ, ચિતરીયાના ત્રિભેટે હેર નદીના કાંઠે ભીલ આદિવાસીઓ જમીન મહેસુલ વ્યવસ્થા, જાગીરદારો અને રજવાડાના કાયદાઓનો વિરોધ કરવા મોતીલાલ તેજાવતના નેતૃત્વમાં એકત્ર થયા હતા. ત્યારે મેવાડ ભીલ કોર્પ્સ (એમ. બી. સી.) નામના બ્રિટિશ અર્ધલશ્કરી દળના હથિયારબંધ જવાનો જરામરાની ટેકરીઓ પર ગોઠવાઈ ગયા. એમ.બી.સી. ના અંગ્રેજ ઓફિસર મેજર એચ.જી. સટર્ને હજ્જારોની સંખ્યામાં એકત્ર થયેલા આદિવાસીઓ પર ગોળીબાર કરવાનો આદેશ આપ્યો. જેમાં અંદાજે 1200 જેટલા નિર્દોષ આદિવાસીઓ ગોળીએ વીંધાઈ ગયા હતા.

Tribals

કોણ હતા મોતીલાલ તેજાવત?

આદિવાસી બહુમતીવાળા કોલિયારી ગામમાં, વણિક પરિવારમાં જન્મેલા શ્રી મોતીલાલ તેજાવત કરુણા, આત્મીયતા અને નિર્મળ પ્રેમના ગુણો ધરાવતા સાહસિક અને સ્વાભિમાની વ્યક્તિ હતા. આદિવાસીઓ પર થતા બેસુમાર અત્યાચાર અને શોષણના વિરોધમાં તેમનામાં સંવેદનાની સરવાણી ફૂટી હતી.  સત્ય, વફાદારી, સમર્પણ અને વિશ્વાસ જેવા તેમના સદ્ગુણો આદિવાસીઓને સ્પર્શી ગયા હતા. આદિવાસી કિસાનોમાં એકતા માટે, તેમનામાં રહેલા સામાજિક દુષણોને નાથવા માટે, મોતીલાલ તેજાવતે પ્રયત્નો કર્યા હતા. બ્રિટિશ તંત્ર અને દેશી રજવાડાઓને મોતીલાલ તેજાવતના નેતૃત્વમાં ભીલ આદિવાસીઓની એકતા અને પ્રવૃત્તિઓ વિઘાતક લાગી હતી. 

વાત એક જંગી સભાની

1919 ની 13મી એપ્રિલે પંજાબના અમૃતસરમાં જલિયાંવાલા બાગમાં 600 જેટલા નિર્દોષ નાગરિકોની હત્યા થઈ હતી. 1920માં કલકત્તામાં પૂ. ગાંધીજીએ અસહકાર આંદોલનની શરૂઆત કરી દીધી હતી. સમગ્ર દેશમાં આઝાદીના સંગ્રામનાની શરૂઆત થઈ ગઈ હતી.  ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં, અરવલ્લીની ગિરિમાળાઓમાં ખુમારીભર્યું જીવન જીવતા ભીલ આદિવાસીઓમાં પણ અંગ્રેજો અને સામંતોના શોષણ, આકરા કરવેરા તથા વેઠપ્રથા સામે વિરોધનો સૂર પ્રગટ્યો હતો. હોળીના દિવસો નજીક હતા. તે દિવસે આમલકી અગિયારસ હતી. ‘કોલિયારીના ગાંધી’ તરીકે ઓળખાતા શ્રી મોતીલાલ તેજાવતના નેતૃત્વમાં આઝાદી ઝંખતા આદિવાસી પ્રજાજનો મેળે મળ્યા હતા, જંગી સભા સ્વરૂપે ભેગા થયા હતા. ત્યાં લગભગ 1200 જેટલા નિર્દોષ આદિવાસીઓ ગોળીએ વીંધાઈ ગયા.

Tribals

લાશોથી ભરેલું મેદાન

આદિવાસીઓના નર્તન અને ઢોલના નાદ મશીનગનમાંથી છૂટથી ગોળીઓના અવાજમાં કાયમ માટે વિલાઈ ગયા. ચોમેર લાશોના ઢગલા ખડકાઈ ગયા. લડાઈના મેદાનની જેમ આખું મેદાન લાશોથી ભરાઈ ગયું હતું. બાજુમાં આવેલા ઢેખડીયા કુવા અને દુધિયા કૂવા 1200 જેટલા નિર્દોષ આદિવાસીઓના મૃતદેહોથી ઉભરાઈ ગયા હતા. મોતીલાલ તેજાવતને પણ બે ગોળી વાગી હતી, તેમના સાથીદારો તેમને ઊંટ પર નાખીને નદી માર્ગે ડુંગરા તરફ લઇ ગયા હતા. આજે પણ આ વિસ્તારના આદીવાસીઓ પોતાના લગ્ન ગીતોમાં આ ઘટનાના ગાણા ગૌરવભેર ગાય છે. 

પાલની ઘટનાને કોણે કરી ઉજાગર?

જલિયાંવાલા બાગની ઘટનાના ત્રણ વર્ષ પછી ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં બનેલી આ ભીષણ ઘટનાને ઇતિહાસે ભૂલાવી દીધી હતી, પણ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે તેમણે ઇતિહાસના આ પૃષ્ઠને દુનિયા સમક્ષ ઉજાગર કર્યું હતું. આજે આ વિસ્તારમાં શહીદ સ્મૃતિ વન અને શહીદ સ્મારક આ હત્યાકાંડના સાક્ષી સમા ઉભા છે. 

Tribals

‘ગુજરાતના આદિવાસી ક્રાન્તિવીરો’:  ટેબ્લોની વિશેષતા શું છે? 

પ્રજાસત્તાક દિવસની પરેડમાં નવી દિલ્હીના રાજપથ પર દરેક રાજ્ય પોતાની કૃતિ રજૂ કરે છે. તેમાં ગુજરાત તરફથી 45 ફૂટ લાંબા, 14 ફૂટ પહોળા અને 16 ફૂટ ઊંચા આ ટેબ્લોમાં પાલ-દઢવાવના આદિવાસી ક્રાંતિવીરો પર અંગ્રેજોના અંધાધૂંધ ગોળીબારની ઘટનાને પ્રસ્તુત કરવામાં આવી છે. આદિવાસી નાગરિકો જેને ‘કોલીયારીનો ગાંધી’ કહે છે તે શ્રી મોતીલાલ તેજાવતનું  સાત ફૂટનું આબેહૂબ સ્ટેચ્યુ ટેબ્લોની ગરિમા વધારે છે. ઘોડેસવાર અંગ્રેજ અમલદાર એચ.જી.સટર્નનું સ્ટેચ્યુ પણ શિલ્પકલાનું બેનમૂન ઉદાહરણ છે. આ ઉપરાંત ટેબ્લો પર અન્ય છ સ્ટેચ્યુ છે. ટેબ્લો પર છ લાઈવ આર્ટિસ્ટ પણ હશે, જે સ્ટેચ્યુ સાથે ઓતપ્રોત થઈને પોતાના જીવંત અભિનયથી ઘટનાની ગંભીરતાનો આબેહૂબ ચિતાર રજૂ કર્યો હતો. ટેબ્લોની ફરતે પાંચ મ્યુરલ છે. શિલ્પકલા અને ચિત્રકલાના અદ્ભુત સમન્વયસમા આ મ્યુરલ આદિવાસી ક્રાંતિવીરોની સભાના દૃશ્યોને અસરકારક રીતે પ્રસ્તુત કરે છે.  ટેબ્લો પર બન્ને તરફ બે કુવા છે, ઢેખળીયો કૂવો અને દુધિયો કુવો; કે જે શહીદ આદિવાસીઓની લાશોથી ભરાઈ ગયા હતા તેનું નિરુપણ કરે છે. ટેબ્લોના અગ્રભાગમાં હાથમાં મશાલ લઈને ક્રાંતિની મિશાલ આપતા ચાર આદિવાસી ક્રાંતિવીરોના સ્ટેચ્યુ છે. ચાર ફૂટ ઊંચા આ સ્ટેચ્યુ સ્વાધીનતા સંગ્રામમાં આદિવાસીઓના શૌર્ય, સાહસ અને સમર્પણને ઉજાગર કરે છે. 

Tribals

ઘોડા સાબરકાંઠા જિલ્લાની ઓળખ

સાબરકાંઠા જિલ્લાના આ વિસ્તારમાં આદિવાસી નાગરિકો પોતાની મનોકામના પૂર્ણ થાય તેવા ઉદ્દેશથી દેવને માટીના ઘોડા ભક્તિભાવપૂર્વક અર્પણ કરે છે. માટીકલાના વિશિષ્ટ નમૂનારૂપ વિશેષ પ્રકારના આ ઘોડા સાબરકાંઠા જિલ્લાની ઓળખ છે. ટેબ્લોની બન્ને તરફ આવા બે-બે ઘોડા પ્રસ્તુત કરવામાં આવ્યા છે. ટેબ્લો સાથે સાબરકાંઠા જિલ્લાના જ આદિવાસી કલાકારો નવી દિલ્હીમાં પરંપરાગત ગેર નૃત્ય પ્રસ્તુત કર્યું હતું. પરંપરાગત પોષાકોમાં સજ્જ આ 10 જેટલા આદિવાસી કલાકારો પોશીના તાલુકાના છે. પોતાના પૂર્વજોના બલિદાનની આ અભૂતપૂર્વ ઘટનાની પ્રસ્તુતિમાં તેઓ પણ પોતાનું યોગદાન આપશે. સાબરકાંઠા જિલ્લાના જ વાદ્યકારો અને ગાયકો દ્વારા પરંપરાગત વાજિંત્રોના વાદન સાથે તૈયાર કરવામાં આવેલો મ્યુઝીક ટ્રેક પ્રસ્તુત થશે. આદિવાસી કલાકારો આ સંગીત સાથે ગેર નૃત્યની પ્રસ્તુતિ કરી હતી એટલું જ નહીં પાલ-દઢવાવના આદિવાસીઓની  શૌર્યગાથાનું વર્ણન કરતાં ગીતો આજે પણ આ વિસ્તારમાં આદિવાસીઓ લગ્ન જેવા શુભ પ્રસંગોએ લોકબોલીમાં ગાય છે અને પોતાના વીર પૂર્વજોનું સ્મરણ કરે છે. મોતીલાલ તેજાવતને ‘કોલીયારીનો વાણિયો ગાંધી’ જેવું સંબોધન કરતું આદિવાસીઓએ જ લોકબોલીમાં ગાયેલું ગીત પણ ટેબ્લો સાથે પ્રસ્તુત કરી હતી. આઝાદીની સુવર્ણ જયંતીના આ અવસરે, આજે 100 વર્ષ પછી ગુજરાતના આદિવાસીઓનો સ્વાધિનતા સંગ્રામ પ્રજાસત્તાક પરેડના માધ્યમથી સમગ્ર વિશ્વ સમક્ષ ઉજાગર થઈ રહ્યો છે એ જ આઝાદી માટે શહીદ થઈ ગયેલા ગુજરાતના આદિવાસીઓને સાચી શ્રદ્ધાંજલિ છે.

તાજેતાજો ઘાણવો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Most Popular

Recent Comments