મયૂર ખાવડુ: અત્યારે તો અમદાવાદમાં એ પાછો બિલાડીની જેમ દબાયેલા પગે વાદળમાં ઘુસી ગયો છે. આપણા નેત્રો આભમાં તેને શોધે છે. માત્ર ગડગડાટ થાય છે. કાનના સુખ અપરંપાર છે આંખના સુખ ક્યાંય દેખાતા નથી. બપોરે એક કલાક એનો લટાર મારવાનો સમય હોય. એણે એની નોકરીનો સમય નિર્ધારિત કરી રાખ્યો છે. આકાશ સામે ફાટી આંખે જોતાં જોતાં મને એક અનરાધારનું સ્મરણ થઈ ગયું. ચાલો હું તમને એ ત્રીજા અનરાધારમાં ભીંજાવા લઈ જાઉં.
એ અનરાધાર કેવો? ડાકણના બિહામણા હાસ્ય જેવો ભેંકાર. પવન ફરફર કરીને વાતો આવે અને અરેબિયન નાઈટ્સનો જીન બારી પર પોતાની ચોંટલી અથડાવે એના જેવો. એનો પવન પણ મૂર્છિત કરી નાખતાં અટ્ટહાસ્ય જેવો વાતો. તમારી અંદરનો બુદ્ધિજીવી પ્રશ્ન કરતો હશે કે, આટલા મોટા મોટા અને આકરા પાણી જેવા શબ્દો અમદાવાદ માટેના તો છે જ નહીં. આ તો કોઈ પરભૂમિની વાત લાગે છે.
આવો અનરાધાર રાજકોટમાં પડેલો. એક મહિના પહેલા જ ભારે ટાંટીયાતોડ કરીને ગિરનાર હોસ્ટેલમાં ચોવીસ નંબરનો રૂમ મળેલો. સાહેબે રૂમની ચાવી આપી દરવાજો ખોલ્યો તો એમાં ઠેર ઠેર બાવા દેખાતા હતા. કરોળિયાએ રૂમમાં જ એક નાનકડું ખોરડુ બનાવીને રાખ્યું હતું. એના જાળમાં બારીકાઈથી જુઓ તો રસોડું ધમધમતું હતું. દિવાલમાં પડેલી ફાટનો આકાર નાગ જેવો હતો. ખાટલાને અડકતા કિચૂડ કિચૂડ જેવો ધ્વનિ, કાને અર્જુને ગાંડીવનો ટંકાર કર્યો હોય એમ પોતાની હયાતીના હસ્તાક્ષર લાદી પર લખતો હતો. ઘુવડ એની ગરદન સતત ફેરવ્યાં કરે તો એને કેવી તૃપ્તિ થાય? ટ્યૂબલાઈટ પણ એની જેમ જ ફડફડ થતી અને ચારેક મિનિટ પછી એમાં સ્થિતપ્રજ્ઞતા આવતી. પંખાની લાઈટ જોરથી દબાવું તો પંખો ઘુમે! એની ઉપર ચોંટેલા બાવાના ઝાડા પણ પંખાની શોભામાં અભિવૃદ્ધિ કરતા હતા. એ પંખાના કદમાં પણ વધારો કરે અને રાતમાં તો અમેરિકાના લેખક એડગર એલન પોની ભયાનક કથા જેવા ભાસે.
હજી તો એડમિશનની પ્રક્રિયા શરૂ થઈ હતી. આજુબાજુ જ્યાં જ્યાં નજર ઠરે ત્યાં ત્યાં કોઈ છોકરો દેખાય નહીં. વચ્ચેના થાંભલા પર કૂતરું તેનું કલર કામ કરવા આવતું! નવા છોકરા કેવા હશે? તેની સાથે આપણું જામશે કે નહીં? હેરાન તો નહીં કરેને? રાતનાં રૂમે એકલા હોઈએ તો દરવાજો ખખડાવીને ભાગી તો નહીં જાયને? આવું રંગવિહિન મેઘધનુષ્ય આપણી અંદર આકાર લેતું હોય. એ મેઘધનુષ્યમાં કલર ન હોય, મંથર ગતિએ આપણા મેંઘધનુષ્યમાં રંગ પૂરવા માટે મિત્રો આવતા જાય. અંતરના ઉંડાણમાંથી ઉત્પન્ન થયેલી વિભિષિકાઓનો છેદ ઉડી જાય.
ને એમાં ભેટ થઈ રિઝો એન્ટોની સાથે. એ મૂળ કેરળનો. એનાં બાપા ભૂજમાં નોકરી કરે. ભાગ્યે જ ઘરે જાય. પ્રભાતમાં જ્યારે છાત્રાલયની પાછળની બાજુમાં મોર ટહુકતો હોય ત્યારે અને તમામ વીંગ જાગી ગઈ હોય એવા ટાણે, એના રૂમની આગળ કોઈ બોમ્બ ફોડે તોપણ તેની ઉંઘમાં તસુભાર ખલેલ ન પહોંચે. કુંભકર્ણ બાદ જે કેટલાક પ્રતિભાશાળી નિંદ્રાવીરો આ અવની પર પેદા થયા તેમાં રિઝોની અચૂકથી ગણના કરી શકાય. એ જીમમાં જતો અને ત્યાંથી તેણે ઈર્ષ્યા પમાડતું અદભુત શરીર સૌષ્ઠવ બનાવ્યું હતું. નજીકની વીંગમાં બહાઉદ્દીનનાં મિત્રો પારઘી અને પીન્ટુ આવી ગયેલા. મોટાભાગે હું ત્યાં જ જમની જેમ પડ્યો પાથર્યો રહેતો.
એક સાંજે હોસ્ટેલે આવી રેડિયો ચાલું કરું, તો એમાં રામલીલા ફિલ્મના વિવાદે વંટોળિયાની જેમ આખાય રાજકોટને બાનમાં લીધાના સમાચાર આવતા હતા. અને પેલો મેઘરાજા પણ આવતો હતો, એની તો ક્યાં કોઈને ચપટી જેટલીય ફિકર હતી. રેડિયોમાં સાંભળ્યું કે મેઘરાજા આજે એની અસીમ તાકતનો પરચો આપશે. એણે કોઈ બીજા પાસેથી સાંભળ્યું હશે, એણેય કોઈ બીજા પાસેથી સાંભળ્યું હશે, કોમ્યુનિકેશન થીયરી!
રાતના મૂંજકા ગામેથી જમીને પાછા આવતા’તા ને વાદળોનો ગડગડાટ થયો. પાછળ જાણે હડકાયું કૂતરું પડ્યું હોય અને એના મુખ્ય ‘ટાર્ગેટ’ અમે જ હોઈએ તેમ પારઘી, પીન્ટુ, કાનભગત ને હું દોડ્યા. કાન ભગત બાજુની અર્ન વ્હાઈલ લર્ન હોસ્ટેલમાં રહે. એને માંડ માંડ એડમિશન મળેલું.
રાતના ઘોંટાય ગયા પછી એક પ્રચંડ ધડાકો થયો. પંખો ફરતો બંધ થઈ ગયો. મારા પગની પાસે ઉંદરડી. એ આ ગભરાટમાં ભાગી તેનો મને અંદાજો આવી ગયો. એણેય મારી ભેગું જ રૂમમાં રહેવાનું રાખેલું હતું. સમય મળતો ત્યારે આ મોરની ઉપર એ કળા કરતી ચડી આવતી. ટપોટપ હોસ્ટેલના બધા રૂમના બારણાઓ ખુલી ગયા. બહાર નીકળીને અમે અમારો રંગ બતાડીએ કે, ‘હોહોહોહોહોહોહો…..’ ત્યાં તો અમારા અવાજ અમારા જ ગળામાં દબાઈ ગયા. જાણે કોઈએ ગળું રુંધી નાખ્યું હોય. કંઠકુંઠિત!
આકાશમાંથી અનરાધાર બેફામ બનીને પડતો હતો. જાણે આખેઆખી હોસ્ટેલને એને ક્યાંક તાણી જવી હોય. એનો મોટો મોટો છાંટો અમારી સાર્વજનિક કચરા ટોપલીમાં જાણે પથ્થર પડતો હોય એવો અવાજ કરતો હતો. હું તો રીઝોને ઓળખું એટલે એનાં રૂમ બાજુ નજર કરી તો એનું બારણું બંધ. મેં અગાઉ કહેલું ને બોમ્બ ફૂટે તોપણ એ ન ઉઠે.
સામે ગુજરાતીભવનનાં વિદ્યાર્થી જિજ્ઞેશભાઈ. સાહિત્યના અભ્યાસુ પણ કવિ ન હોવાની કરેલી કૃપાનો આભાર. જે વાતની બાદમાં ખબર પડી. હું તો મનમાં એવી નાડાછડી બાંધતો હતો કે ગુજરાતીનો આ વિદ્યાર્થી હમણાં અષાઢ પહેલાના આ ગાંડા થયેલા મેઘને શબ્દોના મણકામાં પૂરી લેશે. એણે એવું કંઈ કર્યું નહીં. એ અન્યમન્સક બનીને ઊભો ઊભો જોઈ. ગગનને નીરખે. એની આંખમાં વિવેચકનો ઝબકારો દેખાય. મારી સામે જોઈ એણે મોઢું મચકોડ્યું. સામે કોમ્પ્યુટર સાયન્સના ચિરાગે ડોલ કાઢી અને પાણી ભરવા લાગ્યો, ‘આ શું છે?’ ગુજરાતીના વિદ્યાર્થીએ પૂછ્યું.
કોમ્પ્યુટર સાયન્સનો વિદ્યાર્થી કહે, ‘લાઈટ વઈ ગઈ તો બે તઈંણ દિ નઈ જ આવે. નેક્કી નહીં.’
ગુજરાતીએ બહાર ડોલ મૂકી.
એમપીએડે પણ મૂકી. અમારા એમપીએડનાં એ મિત્ર તો કચ્છામાં જ દૈદિપ્યમાન થતાં હતાં.
કેમેસ્ટ્રી ભવન પણ આગળ આવ્યું.
મેં પણ ડોલ કાઢી.
ભય માણસને ગમે તે કરાવે છે. અડધી રાત્રે ડોલ પણ ભરાવે છે. રીઢા ગુનેગારની જેમ વર્તી રહેલા મેઘરાજના દર્શન પણ કરાવે છે. ફટફટ કરતાંક દરવાજા બંધ થવા લાગ્યા. વચ્ચે રહેલી લાઈટના થાંભલા સાથે અથડાતા પાણીના એક એક છાંટામાં મેઘરાજાનું અસલીરૂપ જોઈ શકાતું હતું. એનું ચિત્રવિલોપન થાય તેવો કોઈ અંદેશો નહોતો. અંધારામાંથી મારા રૂમનાં કાળડિબાંગ અંધારામાં ગયો. ક્યાંક અકસ્માતે ઉંદરડી પગ નીચે ન આવી જાય એટલે દાબી દાબીને મૂક્યા. પાછળની બારી ખોલી તો મેઘરાજનું વાસ્તવિક ભયંકર રૂપ દેખાયું. ગિરનારની પાછળના ભાગે તો પાણી પાણી થઈ ગયું હતું. એમાં પડતા પાણીના ટીપાંથી મેઘરાજની તાકાતને આંકી શકાતી હતી.
સવાર સુધી લાઈટ આવી નહીં. કોમ્પ્યુટર સાયન્સ સાચો પડ્યો. અખબાર પણ ન આવ્યા. ભવનોમાં અભ્યાસ પણ બંધ રહ્યો. યુનિવર્સિટીની બહાર જોયું તો રોડ ચોખ્ખા થઈ ગયા હતા. લીમડા અને ગુલમહોરના ઝાડ ઉજળા થઈ ગ્યા ને હારે થપાટો ઝીલી ઝીલી નમી પણ ગયા હતા. સૂર્યનું અસ્તિત્વ તો જાણે નેસ્તાનાબુદ થઈ ગયું હોય. આટલો પડ્યો પણ એના ઉપર અપરાધનો ભાવ વર્તાતો નહોતો. એને હજુય થોડાક ખોંખારા ખાવા હતા.
‘એની પથરી છૂટી પઈડી લાગે છે.’ એક અજાણ્યા પીએચડીના વિદ્યાર્થીએ વરસાદને ખીજવ્યો.
વાદળાઓ ગગડ્યા. એ ફરી શરૂ થયો. અમે અરક્ષિત બન્યાં. દોડીને પોત પોતાના રૂમમાં પેસી ગયા. ખુરશી લઈ બારણાંની પાસે બેઠા. જિજ્ઞેશભાઈએ વરસાદી માહોલને ખરેખરો વરસાદી બનાવવા માટે રમેશ પારેખની ગઝલ ફટકારી…
જુએ જળનું સપનું તો આંખો જળાશય બની જાય એવા ય દિવસો હતા,
ને વરસાદનું ચિત્ર જોતાં જ નખશિખ પલળાય એવા ય દિવસો હતા.
અમે ખુદ અમારાથી રિંસાતા ત્યારે રિંસાવાના પર્વો ઊજવતા હતા,
અને ટપ્ દઇ માની જાતા તો ટપ્ ને ય ઊજવાય એવા ય દિવસો હતા.
વાહ વાહ ને વાતો કરવામાં બપોર થઈ ગઈ. રિઝો પાસે એક છત્રી. એ કદમાં રાક્ષસ જેવો અને હું બાળક જેવો અને છતાં એ એક છત્રીને અમારું પહેરણ બનાવી જમવા ગયા. મુંજકાથી જમીને આવ્યા ત્યારે રિઝો ડાબી અને હું જમણી બાજુથી ભીંજાઈ ગયેલો.
‘ઈસસે તો અચ્છા હોત બીના છત્રી કે હી જાતે.’ એને છત્રી લઈ સાથે આવવાનું રુચ્યું ન હોય એવું લાગતું હતું. મેઘરાજાની અકડાઈ અને મહેરબાનીને કારણે એ દિવસે લાઈટ આવી નહીં. મેઘરાજાએ કરેલી લાલ આંખને જોતા તો હોસ્ટેલમાંથી વિદ્યાર્થીઓ છટકબારી શોધવા લાગ્યા હતા. પારઘી અને પીન્ટુ એના રૂમની ચાવી આપી ભાગતા થયેલા. રાતના પડેલા બેફામ વરસાદને કારણે એમને અનરાધારે જયા પાર્વતીનું વ્રત રખાવેલું. ચોપડા અને કપડાં રાખવાના કબાટમાં પાછળના ભાગેથી અનરાધાર બીલ્લી પગે ઘુસી ગયેલો. ખાટલા પર પારઘી વૃકોદરની જેમ ઉંઘે અને નીચે પીન્ટુ શકુનીની જેમ આળોટે. ધીમે ધીમે અનરાધારના પાણીએ પીન્ટુને તેની બથમાં ભરી બાથ કરાવ્યું. પીન્ટુ ઉઠ્યો ત્યાં સુધીમાં તો એનો આખો અસબાબ ભીંજાઈ ગયેલો અને પારઘીના બધા ચોપડા ધોવાઈ ગયેલા. એને સૂકવવાનો ભાર મારી કમરે નાખી એ ભાગી છૂટ્યો.
ચોપડા પથારી ઉપર ખુલ્લા મુકી હું એમના રૂમ નંબર નવની ખુરશીએ બેઠો. ખુલ્લી બારીમાંથી આવતા પવનના સૂસવાટા જાણે રાક્ષસની ગર્જનાથી મોઢામાંનું થૂંક ઉડી રૂમમાં પડતું હોય એવા લાગતા હતા. નવ નંબરના રૂમની બાજુમાં આવેલું ગુલમહોરનું ઝાડ એના છેલ્લા દિવસો ગણી રહ્યું હતું. અનરાધારની આંખો એટલું રડી હતી કે પાનખર વહેલી આવી ગયેલી. પાંદડા ખરીને ધરતીના હૈયામાં નિરાંતથી પોઢી ગયેલા. પવનના સૂસવાટા સાથે કાલીદાસના નાટકોના પાના ઉડવા મથતા હતા, પણ અનરાધારે રાતના કરેલ કામણથી એનામાં જોમ નહોતું રહ્યું.
ને આ લ્યો. મયલો ચાવાળો અનરાધારમાં ભીંજાતો ભીંજાતો આવ્યો અને મજા બેવડાઈ ગઈ. ચા પીતા પીતા યાદ આવ્યું કે હવે હોસ્ટેલમાં તો ગણીને આઠેક જ છોકરા છે બાકીના તો અનરાધારની બીકે ઘોડા તબેલામાંથી છૂટે એમ છૂટીને ભાગી ગયા છે. રાતના તો એક છોકરો, ‘કોઈ બચાવો…’ ના મસ્તીભર્યા લહેકામાં ગોકીરો પણ કરતો હતો.
સાંજનું અકિલા છાપું કાકા નાખી ગયા ને એમાં તસવીરો જોઈ, તો ફાટીમૂઆ અનરાધારે આખા રાજકોટને ડૂબાડી દીધું હતું. એની માને આ રાજકોટીયા માને કંઈ? એણે બ્રિજની નીચે છલોછલ ભરાયેલા રસ્તાને સ્વિમિંગપુલ બનાવી તરણ સ્પર્ધા આદરેલી. છાપું વંચાઈને પૂરું થયું અને મને દરવાજે તાળું મારી કેમ્પસ બાજુ ચાલી નીકળવાનું શૂરાતન ચડ્યું.
બે દિવસના અનરાધારે કેમ્પસને નવુંનક્કોર કરી નાખ્યું હતું. દિવાલો ટાઢીબોળ થઈ ગયેલી. દેડકાઓનું મધુર સંગીત અને મોરના ટહુકારે કેમ્પસને તાજામાજા અરણ્યમાં ફેરવી નાખેલું. ઝાડના પાંદડાઓ સાથે અથડાતી દેવચકલીઓને હજુ કેટલું ન્હાવું હશે? દેડકાઓનો અવાજ બેસી નથી જતો? મોર હજુ અનરાધારને બોલાવે છે? મુખ્ય બિલ્ડીંગની સામે આવી ઊભતા આંખે જોયું કે મુંજકા ગામની ચાની કિટલીઓ પર વિદ્યાર્થીઓના ટોળા ના ટોળા જામ્યા છે. બંસીધરે ભીડ કાંઈક વધારે જ દેખાય છે. ગ્રંથાલયની સમીપ આવેલા પથ્થરો પરથી જોતા મુંજકાને અનરાધારે બાથમાં લઈ જોરથી ભીંસુ દીધું છે. જોઉં છું તો અમારા ભવન બાજુ કોઈ સળવળતું દેખાતું નથી. સપાટ રસ્તા ઉપરથી પાણી રેલાતું જઈ રહ્યું છે. આ વખતે યુવા મહોત્સવ થશે કે નહીં તેની ચર્ચાએ મારું મન ચડે છે. આવા કેટલાય વિચારોના ચગડોળ આવતા જાય છે અને હું તેને મગજના કોઈ ખૂણાની અભેરાઈ પર વારાફરતી ચડાવી દઉં છું. જેમ જેમ વિચાર આવે છે તેમ તેમ છાંટાની સંખ્યા પણ વધતી જાય છે. આ જો, અનરાધાર પાછો શરૂ થઈ ગયો.
તાજેતાજો ઘાણવો
- સુરેન્દ્રનગર જિલ્લામાં ‘ઓરેન્જ એલર્ટ’: ૪૫.૫ ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર, આગામી બે દિવસ સાવચેત રહેવા અનુરોધ
- ગુજરાતમાં આજના ટોપ 5 ટ્રેન્ડિંગ ન્યૂઝ: સ્થાપના દિવસથી લઈને બુલડોઝર એક્શન સુધી ચર્ચાનો માહોલ
- રાજકોટ જિલ્લા પ્રાથમિક શિક્ષક ઉત્કર્ષ મંડળ અને બોધીસત્વ આંબેડકર બૌદ્ધવિહારના સંયુક્ત ઉપક્રમે મહારક્તદાન કેમ્પ યોજાયો
- સુરેન્દ્રનગર જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી: ખેડૂતોને સાવચેતી રાખવા અનુરોધ
- શું છે ખડગેનું “અભણ ગુજરાત” નિવેદન જેણે સર્જ્યું છે રાજકીય તોફાન? જાણો સંપૂર્ણ વિગત